ઠાકોરકાકા હતા દિલદાર. ૮૮ વરસની પાકટ ઉંમરે જતા જતા પણ કૈક આપતા ગયા – ભૂલી ના શકાય એવો એક અનુભવ. અમદાવાદના થલતેજ સ્મશાનગૃહમાં સવાર સવારમાં હું, એમનો ભત્રીજો પોચી અને બીજા આઠેક સ્વજનો છેલ્લા બે કલાકથી રાહ જોઇને ઊભા છીએ. નંબર ક્યારે આવશે એ નક્કી નથી. સી.એન.જી. ભઠ્ઠીમાં ત્રણ મૃતદેહોના અગ્નિદાહ ચાલુ છે અને બીજા ત્રણ લાઈનમાં છે. ભઠ્ઠીમાં બે કોરોનાવાળા મૃતદેહો છે. વધુ બે કોરોનાવાળા મૃતદેહો સ્મશાન બહાર શબવાહિનીમાં બંધ છે. એમનો નંબર આવશે ત્યારે જ બહાર કાઢી શકાશે. ઠાકોરકાકા એમના સ્વભાવથી વિરુદ્ધ નનામીમાં બંધાઈને અમારી સામે જ શાંતિથી જમીન પર સૂતા છે. અમદાવાદમાં કોરોનાના કેર વિષે સાંભળેલું તો હતું, પણ સ્મશાનમાં હારબદ્ધ આવે જતા કોરોનાગ્રસ્ત મૃતદેહોને સગી આંખે જોવાનો આ પહેલો ધ્રુજાવી નાખનારો અનુભવ હતો. સરકારી આંકડા આખા ગુજરાતમાં આજે કોરોનાથી ૧૪ મૃત્યુ બતાવે છે. જ્યારે ચાર તો અહીં સવાર સવારમાં અમારી સામે છે. દૂધેશ્વર, વાડજ, વી.એસ., સપ્તર્ષિ, દરેક સ્મશાનમાં આ જ હાલત છે. ચૌદથી વધુ તો એકલા અમદાવાદમાં હશે. આખા ગુજરાતની તો વાત જ શી કરવી?
ઠાકોરભાઈ પટેલ ગુજરાતના સૌથી વરિષ્ઠ, વયોવૃદ્ધ, અનુભવવૃદ્ધ અને વર્સેટાઈલ પત્રકારનું ૮૮ વર્ષની વયે અમદાવાદમાં નિધન થયું. આજના નવા પત્રકારોમાંથી તો ભાગ્યે જ કોઈ એવા હશે, કે જે ઠાકોરભાઈને ઓળખતા હોય, પણ અમારા જમાનાના જૂના પત્રકારોમાં ભાગ્યે જ કોઈ એવું હશે કે જે ઠાકોરભાઈથી પરિચિત ના હોય કે ઠાકોરભાઈની મહેફિલોનો હિસ્સો ના બન્યા હોય. છેલ્લાં ત્રીસ વરસથી અમેરિકા અને ઇન્ડિયામાં નિવૃત્ત જીવન ગાળતા ઠાકોરભાઈનું એક જ વ્યસન હતું – મિત્રો અને એક જ શોખ અમેરિકાથી ઊંચા માંયલો સોમરસ લાવી, પીવો અને મિત્રોને પીવડાવવો. એ તો પરમિટવાળા હતા અને બિનપરમિટવાળા અમદાવાદી મિત્રો પણ એમાં ભળી જતા. અમદાવાદ જેવા ઉજ્જડ ગામમાં જ્યાં કામ વગર કોઈ અડધી ચા પણ ના પીવડાવે, ત્યાં ઠાકોરભાઈ સાવ નિ:સ્વાર્થ ભાવે મહેમાનોએ નામ પણ ના સાંભળ્યું હોય, એવી એવી બ્રાન્ડોનાં પીણાં ગળા છલકાઈ જાય ત્યાં સુધી પીવડાવે અને પછી સરલાબહેન આગ્રહ કરી કરીને સૌને છપ્પન ભોગ ખવડાવે. ઠાકોરભાઈની અભૂતપૂર્વ લોકપ્રિયતાનું આ પણ એક કારણ હતું.
ઠાકોરભાઈના ગાઢ મિત્ર અને વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્ર પટેલ લખે છે કે, “ઠાકોર પટેલને ગુજરાતના તમામ સિનિયર પત્રકારો સારી રીતે ઓળખે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પત્રકારો પણ તેમને ઓળખે છે. દેશ-વિદેશની રાજનીતિના તેઓ અચ્છા અભ્યાસુ છે. ગુજરાતી અને અંગ્રેજી બેઉ ભાષાઓ પર તેઓ કાબૂ ધરાવે છે. ઠાકોર પટેલ અને એમનાં પત્ની સરલાબહેન આમ તો અમેરિકન સિટિઝન છે, પરંતુ વર્ષનો અડધો સમય તેઓ અમેરિકા અને અડધો સમય ગુજરાત, અમદાવાદમાં રહે છે. સેટેલાઇટ વિસ્તારમાં શ્યામલ રો હાઉસ ખાતે રહે છે. તેમનું ઘર પત્રકારો, લેખકો, સાહિત્યકારો અને અંગ્રેજી અખબારોના તંત્રીઓ માટે એક પ્રકારની પ્રેસ ક્લબ જેવું છે. અહીં ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ના કે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના નિવાસી તંત્રી પણ આવે અને પી.ટી.આઈ.ના બ્યુરો ચીફ પણ આવે. ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો પણ આવે અને પ્રીતિસેન ગુપ્તા પણ આવે. મધુ રાય પણ આવે અને ચિનુ મોદી પણ આવે. રજનીકુમાર પંડ્યા પણ આવે અને ‘જયહિંદ'ના તંત્રી-માલિક યશવંત શાહ પણ આવે. દિગંત ઓઝા કે અશરફ સૈયદને અહીં બેસી ગુજરાતની અને દેશની રાજકીય પરિસ્થિતિ પર ગરમાગરમ ચર્ચા કરતા અનેક લોકોએ જોયા હશે. લંડનના (એક ઉપનગર, બ્રેન્ટનાં) પૂર્વ મેયર લતા પટેલ પણ આવે અને અમેરિકામાં પાટીદારોના અગ્રણી નરેન્દ્ર પટેલ પણ આવે. ગુજરાત કોન્ગ્રેસના અગ્રણીઓ પણ આવે અને હસમુખ પટેલ જેવા પૂર્વ શિક્ષણ મંત્રી અહીં બેસી પક્ષની નીતિઓની ચર્ચા કરતા પણ જોવા મળે.”
મૂળે તો ઠાકોરભાઈ મધ્ય ગુજરાતના ચરોતરના સુણાવ ગામના. ત્યાંથી એ ઉત્તર ગુજરાતના તલોદ ગયા. ત્યાંથી અમદાવાદ આવ્યા અને પછી અહીંથી અમેરિકાના શિકાગોમાં ઝંડા ગાડી આવ્યા. સામાન્ય પટેલ પરિવારના ઠાકોરભાઈએ ૬૦ વરસ પહેલાં વિપ્ર કન્યા સરલાબહેન સાથે એ જમાનામાં પ્રેમ લગ્ન કર્યા હતા, જ્યારે કડવા અને લેઉવા પટેલો પણ અંદર અંદર લગ્ન નહોતા કરતા. ‘જયહિન્દ’, ‘ગુજરાત સમાચાર’, ‘ગુજરાત ટાઈમ્સ’ અને 'ઇન્ડિયા એબ્રોડ’ જેવા અખબારોના પત્રકાર ઠાકોરભાઈ એક કાળે અમદાવાદ ઈલેક્ટ્રીસિટી કંપની અને પછી ગુજરાત એસ.ટી. કોર્પોરેશનમાં મોટા ટ્રેડ યુનિયન લીડર હતા. અમદાવાદમાં રહ્યા રહ્યા ઠાકોરભાઈ કાશ્મીરના કામદારો માટે લડત આપતા. અમદાવાદ જ નહિ, ભારતના વીજળી કામદારોને દિવાળી બોનસ અપાવનારા ઠાકોરભાઈ હતા. જો કે આ ખટપટવાળું કામ હતું એનાથી કંટાળીને ઠાકોરભાઈનાં પટેલ ડી.એન.એ.એ અમેરિકા ભણી નજર દોડાવી અને એક દિવસ પોતાનું સ્કુટર ૬,૬૦૦માં વેચી, ૬,૦૦૦ની એર ટિકિટ લીધી અને ૬૦૦ની મૂડી અને ત્રણ દીકરીઓ શિક્ષિકા પત્નીને ભળાવી, અમેરિકાની ફ્લાઈટ પકડી. એ પછી પટેલે પાછું વાળીને જોયું નથી.
અમેરિકામાં રહ્યા રહ્યા ઠાકોરભાઈ ૧૯૭૫ની કટોકટી પછી ઘેર બેઠેલાં ઇન્દિરા ગાંધીની અમેરિકા – કેનેડાની યાત્રાઓ ગોઠવતા. એક અમેરિકન પત્રકાર હર્ષે મોરારજી દેસાઈ સામે જાસૂસીનો આરોપ મુકેલો અને મોરારજી દેસાઈએ એની સામે અમેરિકન અદાલતમાં માનહાનિનો દાવો કરેલો. ત્યારે મોરારજી દેસાઈના અમેરિકન યજમાન આપણા ઠાકોરભાઈ બનેલા. આ ઠાકોરભાઈની ભ્રમણકક્ષા હતી.
સરલાબહેન ઠાકોરભાઈને ઠાકોરજી કહેતા અને ઠાકોરભાઈ ઠાકોરજીની જેમ જ મીઠું મીઠું મરકતા. પ્રેમાળ જોડી હતી બંનેની. અમદાવાદ હોય, આબુ હોય, કે શિકાગો ઠાકોરભાઈ અને સરલાબહેન હંમેશાં સાથે સાથે જ હોય. ત્યારે અમેરિકામાં કેન્સરની સારવાર લેતાં સરલાબહેનને દીકરીઓ સોનલ, રૂપલ અને તેજલ સાથે છોડીને જીવનના છેલ્લા પડાવમાં ઠાકોરભાઈ એકલા અમદાવાદ શું કામ આવ્યા હશે એ પ્રશ્ન જરૂર થાય. શક્ય છે, અંત કાળનો અણસાર આવી ગયો હશે અને જન્મભૂમિમાં જ પંચમહાભૂતમાં વિલીન થઇ જવાની ઈચ્છા હશે!
અમદાવાદ આવીને એ બધા જૂના મિત્રોને મળવા માટે ફોન કરતા પણ કોરોનાનાં કારણે મોટી ઉંમરના એમના મિત્રો આવી નહોતા શકતા. એક સાંજે મને કાકાનો ફોન આવ્યો અને એક સેકન્ડનો બીજો વિચાર કર્યા વિના હું ઠાકોરકાકાને મળવા ઉપડ્યો. હવે કાકાની ઉંમર વરતાતી હતી પણ સ્પિરીટ એ જ. કેટલી બધી વાતો કરી. જતી વેળા કહે, ધીમંત, મારા પુસ્તકોમાંથી તને ગમે તે તું લઇ જા હવે મારે કોઈ કામનાં નથી. તો ય મને ખ્યાલ ના આવ્યો, કે આ કાકાની છેલ્લી મુલાકાત હોઈ શકે. પાર્ટીઓના શોખીન કાકાએ એમની અને કાકીનાં લગ્નજીવનની પચાસમી વર્ષગાંઠ અમદાવાદના ફાર્મહાઉસમાં બધા મિત્રોને બોલાવીને ધામધૂમથી ઉજવી હતી. હતું, કે નેવુંએ પહોચવા આવેલા કાકાની સોમી વર્ષગાંઠ આનાથી પણ મોટી પાર્ટી કરીને ઉજવીશું. કાકા ફાઈટર હતા, ૮૮ સુધી રમતા રમતા પહોંચેલા કાકા બાકીના ૧૨ વરસ આમ જ રમતા રમતા કાઢી નાખશે એમાં કોઈને શંકા નહોતી.
પણ અચાનક કાકાને કોરોના થયો અને એમની નામરજી છતાં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. જો કે ફાઈટર કાકા કોરાનાને પણ હરાવીને નેગેટીવ રિપોર્ટ લઇને ઘેર પાછા આવ્યા. કોરોના તો ગયો પણ એની આડ અસરો જીવલેણ નીકળી.
પહેલી ડિસેમ્બરની સાંજે ઠાકોરકાકાના ભત્રીજા અને મારા મિત્ર પોચીનો ફોન આવ્યો, “કાકાની તબિયતમાં ગડબડ લાગે છે. વાતચીત નથી કરતા, મને પણ નથી ઓળખતા. લાગે છે, ઓક્સિજનની વ્યવસ્થા કરાવી પડશે.” મેં કીધું, ઓક્સિજનનું તો થઇ જશે, પણ ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરી દે. વ્યવસ્થિત સારવાર થાય.” પોચીએ કીધું, “મારે કાકી સાથે અમેરિકા વાત થઇ, પણ કાકી હોસ્પિટલની ના પડે છે.” કાકાએ ચોખ્ખું કીધેલું કે “હોસ્પિટલમાં આપણા શરીરમાં જ્યાં ત્યાં કાણાં પાડીને ટોટીઓ નાખે. આપણે એમ વેન્ટીલેટર પર પડ્યા નથી રહેવું.” આ ઠાકોરકાકાની અંતિમ ઈચ્છા. આપણાથી એમની અંતિમ ઈચ્છાને કેમ ઉથાપાય. એટલે હું અને પોચી કાકા માટે ઓક્સિજનનો બાટલો શોધવા નીકળ્યા. કાકા અહીં પણ જતા જતા ભત્રીજાઓને કૈક અનુભવ આપવા માંગતા હશે. અમારા વિશેના અને અમદાવાદ-ગુજરાત વિશેના અમારા બધા ભ્રમ ભાંગી ગયા જ્યારે અમને સ્માર્ટ સિટી અમદાવાદમાં ઓક્સિજનનો એક બાટલો ના મળ્યો. જો કે કાકાને ઓક્સિજનના બાટલાની જરૂર જ ના પડી. આમે ય ઉછીના શ્વાસ પર કાકા પાછલા નવ દાયકામાં કદી જીવ્યા નહોતા, ત્યારે જતી વેળા શું કામ અને એ પણ ઠાકોરભાઈ પટેલ! બીજી ડિસેમ્બરની સવારે પોચીનો ફોન આવ્યો, મેં ધડકતે હૈયે ઉઠાવ્યો – “ઠાકોરકાકા ગયા!”
ઠાકોરકાકા ઉપર શું કરતા હશે એ એમના બધા મિત્રોને ખબર છે. ખણકતી પ્યાલીઓ, ખડખડાટ હાસ્ય અને અલકમલકની વાતો વચ્ચે ઠાકોરકાકા દેવ-દેવીઓની ભીડ વચ્ચે મહેફિલ માંડીને બેઠા હશે. ઉપરવાળાને તો મોજ પડી ગઈ પણ અહીં અમારું શું, કાકા!
સૌજન્ય : https://www.facebook.com/dhimant.purohit