પાકિસ્તાન નામના પ્રયોગમાંથી આપણા માટે કોઈ ધડો હોય તો એ ત્રણ છે. એક તો એ કે ધર્મ જોડનારું પરિબળ નથી, બલકે એ તોડનારું પરિબળ છે. પાકિસ્તાનની સ્થાપના ઇસ્લામ ધર્મની અને ઇસ્લામ ધર્મીઓની રક્ષા માટે કરવામાં આવી હતી અને એ પછી માત્ર ૨૫ વરસમાં પાકિસ્તાનનું વિભાજન થયું હતું. ખરું પૂછો તો ધર્મ પોતે જ વિભાજન ધર્મી છે. જો એમ ન હોત તો ધર્મસંસ્થામાં આટલાં વિભાજન ન થયાં હોત. દુનિયામાં એવો કયો ધર્મ છે જે સંપ્રદાય, પેટા-સંપ્રદાય કે ફિરકાઓથી મુક્ત છે? એક પણ નહીં. સ્વામિનારાયણ સંપ્રદાય હિંદુ વૈષ્ણવ ધર્મનો પેટા સંપ્રદાય છે અને એમાં પાછા ચાર પેટા-સંપ્રદાય છે. આમ ધર્મ પોતે જ વિભાજન ધર્મી છે. ધર્મ જ્યારે સ્વભાવત: વિભાજન ધર્મી હોય ત્યારે એ ક્યારે ય કોઈ પ્રજાને કાયમ માટે જોડી રાખી શકે ખરો?
ધર્મનું બીજું લક્ષણ એ છે કે એ બીજી કોઈ પણ ઓળખ કરતાં ધાર્મિક ઓળખ વધુ આગ્રહી અને આક્રમક છે. જેમ કે વંશદ્રોહી, ભાષાદ્રોહી, પ્રાંતદ્રોહી, જ્ઞાતિદ્રોહી વગેરે શબ્દો તમારે કાને ભાગ્યે જ પડ્યા હશે પણ ધર્મદ્રોહ અને ધર્મદ્રોહી એવા શબ્દો આપણને રોજ સાંભળવા મળે છે. આને કારણે ધર્મનો રાજકીય ઉપયોગ કરવામાં આવે છે. જે સંસ્થા આગ્રહપૂર્વક, આક્રમક રીતે, આદેશો બહાર પાડીને, પ્રજાને ડરાવી-ધમકાવીને બને એટલો સમય પ્રજાને જોડી રાખવામાં કે જકડી રાખવામાં ઉપયોગી થતી હોય એવી સંસ્થા સ્વાભાવિકપણે શાસકોને વધુ ભાવે છે. ધર્મસંસ્થા આવી એક સંસ્થા છે. આને પરિણામે તમે જોયું હશે કે જે દેશોમાં ધાર્મિક બહુમતી રાષ્ટ્રવાદી રાજકારણ કરવામાં આવે છે ત્યાં પ્રજાને રાષ્ટ્રવાદના ઘેનમાં અને મદમાં રાખવા માટે ધર્મનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં આજકાલ આવું બની રહ્યું છે.
તો બન્યું એવું કે ઇસ્લામ ધર્મની મહાનતા અને મુસ્લિમ વિશ્વ-બંધુત્વના દાવા કરવામાં આવતા હોવા છતાં પાકિસ્તાન સામે અસ્તિત્વનું સંકટ પેદા થવા લાગ્યું. તેને રોકવા માટે રાજકારણીઓએ અને લશ્કરના જનરલોએ બંગાળી, સિંધી, અફઘાની-પઠાણી, બલુચી અને કબિલાઈ અસ્મિતાઓને દબાવવા માટે ઇસ્લામ ધર્મનો ઉપયોગ કરવામાં આવ્યો. જેમ જેમ ઇસ્લામનો ઓળખોને દબાવવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો એમ એમ ઓળખો વળતી પ્રતિક્રિયારૂપે આક્રમક બનતી જતી હતી અને જેમ જેમ ઓળખો આક્રમક બનતી જતી હતી એમ એમ ઇસ્લામની ઓળખ હજુ વધુ આક્રમક બનવા લાગી હતી. ક્રિયા-પ્રતિક્રિયાનું વિષચક્ર શરૂ થયું. હવે પાછા ફરી શકાય એમ હતું જ નહીં. કાં તો ધર્મ તારે અને કાં ધર્મ ડૂબાડે. અક્ષરશ: ઇસ્લામની પીઠ ઉપર વાઘસવારી શરૂ થઈ.
હવે? ધીરે ધીરે પાકિસ્તાનમાં ઇસ્લામ વિરુદ્ધ અન્ય ઓળખો વચ્ચે અથડામણો શરૂ થવા લાગી. આને કારણે એક બાજુએ શાસકો અને જનરલો અને બીજી બાજુએ મુલ્લાઓની ભાગીદારી વિકસી. એકે પાકિસ્તાનના અને બીજાએ ઇસ્લામના તારણહાર તરીકે એકબીજાને મદદ કરવાનું શરૂ કર્યું. ઇસ્લામ વધુ ને વધુ કટ્ટરપંથી થવા લાગ્યો અને લશ્કર વધુને વધુ દમનકારી અને ક્રૂર બનતું ગયું. હવે શાસકો એ પ્રક્રિયાને રોકી શકે એમ હતા જ નહીં. અનેક લોકોને ત્યારે એમ લાગવા માંડેલું કે આ માર્ગ આત્મઘાતી છે, પણ પાછા ફરવા માટે વિકલ્પ જ નહોતો.
પાકિસ્તાનના પ્રયોગમાંથી આપણા માટે બીજો ધડો એ કે અસ્મિતાઓને કચડી શકાતી નથી અને જ્યારે કોઈ અસ્મિતા પ્રબળ હોય ત્યારે તેને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. પૂર્વ પાકિસ્તાનના બંગાળી મુસલમાનોની અંદર બંગાળી અસ્મિતા માટેની લાગણી તીવ્ર છે એ કોણ નથી જાણતું? બંગાળનું વિભાજન રોકવા બંગાળના મુસ્લિમ નેતાઓએ હિંદુ નેતાઓ સાથે મળીને પ્રયાસ કર્યો હતો એની પણ પાકિસ્તાનના સ્થાપકોને જાણ હતી. તેઓ એવા ભ્રમમાં રહ્યા કે બંગાળી મુસલમાનોના અને અન્ય પાકિસ્તાનીઓના અસ્મિતાભાવને કઠોર શાસન દ્વારા, એકાધિકારશાહી દ્વારા, લશ્કર દ્વારા કચડી શકાશે અને મૌલાનાઓ આક્રમક ઇસ્લામ દ્વારા પ્રજાના અસ્મિતા-ભાવને પાતળો પાડશે. તેમની એ ગણતરી ખોટી પડી. દમન અને આક્રમકતા અગ્નિને ભડકો થતો રોકે, એનો અર્થ એ નથી કે અગ્નિ બુજાઈ ગયો છે. એ ભારેલો અગ્નિ હોય છે જે ગમે ત્યારે ભડકો થવાની સંભાવના ધરાવતો હોય છે. માટે ડાહ્યા શાસકો પ્રજાને વિશ્વાસમાં લે છે, તેમની ભાવનાઓની કદર કરે છે, તેમને સાંભળે છે, જરૂર પડે તો પીછેહઠ કરે છે, સમજાવીને ધીરે ધીરે આગળ વધે છે. જેમ કે આપણે ત્યાં હિંદુ કોડ બીલ લાગુ કરવામાં પંડિત નેહરુની સરકારે છ વરસ લીધાં હતાં, કારણ કે હિંદુઓના એક વર્ગનો તેની સામે વિરોધ હતો. એ સમયે પંડિતજીની લોકપ્રિયતા આસમાને હતી અને કૉન્ગ્રેસ પાસે પ્રચંડ બહુમતી હતી. એની સામે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાની અને બી.જે.પી.ની બહુમતી કોઈ વિસાતમાં નથી. આમ છતાં નેહરુએ પ્રજાને વિશ્વાસમાં લઈને ધીરે ધીરે હિંદુ કોડ બીલમાંના ધારાઓ લાગુ કર્યા હતા. આ ડાહ્યા શાસકોનાં લક્ષણો છે. મદ અને અભિમાન માટે નેહરુ પાસે અનેક કારણો હતાં એ કોણ નથી જાણતું!
પાકિસ્તાનના પ્રયોગમાંથી આપણા માટે ત્રીજો ધડો એ કે દમનનીતિનું ગમે તેવું બારીક અને ગણતરીપૂર્વકનું આયોજન કરવામાં આવે, પણ એવી કોઈ પળ આવતી હોય છે જ્યારે બધી ગણતરીઓ ઊંધી વળી જતી હોય છે. ઇતિહાસમાંથી આનાં અસંખ્ય ઉદાહરણો મળી રહેશે. આખરે માનવીય આયોજન છે અને માનવીય આયોજન ક્યારે ક્ષતિરહિત હોતું નથી. આ ઉપરાંત જગતનાં રાજકીય પ્રવાહો બદલાતાં હોય છે અને ભૂ-રાજકીય પરિસ્થિતિ પણ બદલાતી રહેતી હોય છે. ૧૯૬૯ પછી પૂર્વ પાકિસ્તાનની બંગાળી અસ્મિતાએ વિદ્રોહ કર્યો જેનો ભારતે લાભ લીધો. ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનનાં બે ફાડિયાં વિખુટા પાડી દીધાં અને બંગલાદેશ અસ્તિત્વમાં આવ્યું.
હવે કલ્પના કરો કે પાકિસ્તાનના શાસકોએ બંગાળીઓની પીડા અને એષણા સાંભળી હોત તો? તો પાકિસ્તાનનો ઇતિહાસ કદાચ જુદો હોત. બધિરતા અને દમનનીતિ ક્યારે ય પરિણામકારી નીવડતાં નથી, નથી અને નથી એમ જગતનો ઇતિહાસ કહે છે. ભારતના અત્યારના શાસકોને આ સમજવાની જરૂર છે અને એ પણ સમજવાની જરૂર છે કે જગતનાં રાજકીય વહેણો અને ભૂ-રાજકીય પરિસ્થિતિ પણ બદલાઈ રહ્યાં છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 31 જાન્યુઆરી 2021