ભાવનગરમાં ભાગ્યે જ કોઈ પુસ્તકપ્રેમી/વાચનપ્રેમી એવી વ્યક્તિ હશે જે ‘મિલાપ', ‘પ્રસાર’ના માધ્યમથી સર્વશ્રી મહેન્દ્રભાઈ મેઘાણી તથા જયંતભાઈ મેઘાણીના સંપર્કમાં ન આવી હોય. વાચનપ્રેમીઓની અનોખી માવજત કરનારા બંને પુસ્તક પ્રસારકો. તાજેતરમાં જયંતભાઈનું દુ-ખદ નિધન થયું. અંતિમ ક્ષણ સુધી કમ્પ્યૂટર પર કાર્યરત હતા તેમ જાણવા મળ્યું છે. કેટલાક સમય પહેલાં ‘પ્રસાર’ની પ્રવૃત્તિ જયંતભાઈએ સંકેલી લીધી હતી અને ‘નિરીક્ષક’ના માધ્યમથી સૌ મિત્રો, ચાહકો, પ્રસંશકોને આવજો કહ્યું હતું. તે સમયે કેટલાંક સ્મરણો-‘પ્રસાર’ સાથેનાં મેં ‘નિરીક્ષક’ના માધ્યમથી વાગોળ્યાં હતાં. વાંચીને જયંતભાઈએ ફોન કર્યો હતોઃ “અજયભાઈ, બહુ યાદ રાખ્યું છે!” અને મેં પણ ઉષ્માપૂર્ણ ઉત્તર વાળ્યો હતો.
ગાંધીસ્મૃતિના લાઇબ્રેરિયન તરીકે જયંતભાઈ કાર્યરત હતા ને મારો કૉલેજકાળ શરૂ થયો હતો. ૧૯૬૧થી ૧૯૬૭. એક આગવી વિશેષતા સાથે તેમનું તે કાર્ય દીપી રહ્યું હતું. ગાંધીસ્મૃતિ પુસ્તકાલયનો એક ચાહકવર્ગ, વાચકવર્ગ ઊભો થયો હતો. પછીથી, આ તો મેઘાણીનું સંતાન! સ્વતંત્ર કેડી કંડારવી ને જીવનસંઘર્ષને માણવો એ ખમીર! જયંતભાઈએ ગાંધીસ્મૃતિ છોડ્યું, ‘મિલાપ’માં થોડો સમય કાર્ય કરીને પોતાનું સ્વતંત્ર કામ આરંભ્યું, ‘પ્રસાર’ … અમે મિત્રો વળી પાછા ‘પ્રસાર’ના નિયમિત મુલાકાતી બન્યા. પુસ્તક ખરીદીને વાંચવાની ટેવ કેળવી. ગુજરાતી, અંગ્રેજી, ભાષા-સાહિત્ય તથા અનેક વિષયો પર જયંતભાઈ અમને યાત્રા કરાવે. ‘ફ્યુચર શૉક’, ‘થર્ડ વેવ’ (ટોફ્લર), ‘પ્લેઝર ઑફ ફિલોસૉફી(વિલ ડ્યુરાં)નાં પુસ્તકોની ૧૦-૨૦ નકલો પ્રસારમાંથી જાય ને જયંતભાઈ અમને મિત્રોને પોરસાવે. મેઘાણીસાહિત્યના ગ્રંથસંપૂટોની યોજનાના અમે મિત્રો ખરા પ્રસારક બન્યા, સ્વયંસેવકભાવથી. અમે મિત્રો એટલે બૅન્કના મિત્રો …! એ સમયગાળો એટલે ‘પ્રસાર’નો પહેલો દાયકો. ૧૯૭૦/૮૦.
છેલ્લા બે દાયકાથી જયંતભાઈના ગાઢ સંપર્કમાં રહેનાર અમારા મહેન્દ્રસિંહ પરમાર. હવે જયંતભાઈ લેખક, અનુવાદક, સમીક્ષક તરીકે બહાર આવ્યા. રવીન્દ્રનાથ ટાગોરના શબ્દને તેમ અંગ્રેજી કાવ્યોને અનુવાદિત કરવાનું સરસ કામ જયંતભાઈએ કર્યું.
જયંતભાઈએ બાયપાસ સર્જરી કરાવેલી. તે પછી તબિયત જાળવીને સતત કાર્યરત રહ્યા. મારા પિતાજી સ્વ. પ્રિયવદન પાઠક તથા મારી મોટી દીકરી હેમા તેમ મારા કુટુંબના સૌ સભ્યો વતી મારી ભાવાંજલિ અર્પણ કરું છું. જયંતભાઈ-લતાબહેન તથા નીરજ સૌ મારી બહેન દીના, સ્વ. કિરીટભાઈ તથા તારક સાથે નિકટના કુટુંબભાવથી સ્નેહભાવ જાળવનાર રહ્યા છે.
ભાવનગર
(પહેલી વાર મળ્યો હોઈશ ૧૯૭૧૭૨માં, પણ એમનો પરિચય તો વણમળ્યે જ થવા લાગ્યો હતો – એનાં થોડાં વરસ પહેલાંથી : પ્ર.ગ. માવળંકરના ‘અભ્યાસ’માં દેશવિદેશનાં નવાં પુસ્તકો વિશે સહૃદય નોંધ નિર્દેશથી. બીજી શક્યતાઓ છોડી એ ગાંધીસ્મૃતિ સાથે ગ્રંથાલયી તરીકે જોડાયા એમાં એમનો પુસ્તક પ્રીતિનું કેટલું મોટું બળ હશે એનો અંદાજે અહેસાસ ‘અભ્યાસ’ મારફત મળતો હતો. છેલ્લાં વર્ષોમાં એમની રવીન્દ્રપ્રીતિનો રૂડો અનુભવ થયો. એક સાથે એમણે એમનાં રવીન્દ્ર પ્રકાશનો મોકલ્યા ત્યારે થોડા દિવસ સુધી મારા તરફથી પહોંચ પ્રતિભાવ સુધ્ધાં નહીં મળતાં એમણે હૃદયના હકસર કરેલી ફરિયાદ હવે સ્મરણ માત્ર. સંજય ભાવેએ વિગતવિશદ લેખોનું જે પ્રતિમાની સ્થાપ્યું છે એવું કશુંક ‘નિરીક્ષક’માં કરી શકીએ તે પૂર્વે ક્ષણ સાચવી લેતા આ થોડા શબ્દો.
− પ્ર.ન.શા.)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2021; પૃ. 08