એશિયા ખંડની પહેલી મેડિકલ કોલેજ મુંબઈમાં
પહેલી ગુજરાતી સ્ત્રી-ગ્રેજ્યુએટ કોર્નેલિયા સોરાબજી
જ્યારે અધ્યાપકો અને વિદ્યાર્થીઓ માટેના વિશ્વાસ પર
યુનિવર્સિટી પરીક્ષાઓનાં વહાણ ચાલતાં
‘ઝટ્ટ ડોળિ નાંખો રે, મનજળ થંભ થયેલું’
ઓગણીસમી સદીનાં આપણાં સમાજ, ધર્મ, શિક્ષણ, ભાષા, સાહિત્ય, આ બધાંની જે તાતી જરૂરિયાત હતી તે કવિ નર્મદના આ શબ્દોમાં છતી થાય છે. સમાજ સુધારો એ ઓગણીસમી સદીના જીવન અને સાહિત્યનું એક મહત્ત્વનું પરિબળ ખરું, પણ તે એકમાત્ર પરિબળ નહોતું. એ જમાનાનાં મુંબઈથી પ્રગટ થતાં કેટલાંક સામયિકોનાં નામ જુઓ : વિદ્યાસાગર (૧૮૪૦), ખોજદોસ્ત (૧૮૪૨), જ્ઞાનપ્રસારક (૧૮૪૮), રાસ્તગોફતાર (૧૮૫૧), સત્યપ્રકાશ (૧૮૫૩), જ્ઞાનદીપક (૧૮૫૬), અને બુદ્ધિવર્ધક (૧૮૫૬). આ સામયિકોનાં નામમાં આવતા વિદ્યા, ખોજ, જ્ઞાન, સત્ય, બુદ્ધિ, જેવા શબ્દો સૂચક છે. એ વખતે મુંબઈમાં અને આખા પશ્ચિમ ભારતમાં જે મથામણ ચાલી રહી હતી તે માત્ર સમાજ સુધારા અંગેની ન હતી. વ્યક્તિ અને સમાજના જીવનમાં વિદ્યાની, જ્ઞાનની, સત્યની, બુદ્ધિની પ્રતિષ્ઠા કરવાની હતી. આપણે જેને ‘સુધારક યુગ’ કહીએ છીએ તે હકીકતમાં નવજાગૃતિ યુગ છે. અને પશ્ચિમ ભારતમાં એ યુગનાં મંડાણ થયાં મુંબઈથી.
માનશો? ૧૮૫૭માં શરૂ થયેલી યુનિવર્સિટી ઓફ બોમ્બેએ ૧૮૫૯માં પહેલી વાર મેટ્રિકની પરીક્ષા લીધી, પણ ૧૮૭૫ સુધી એક પણ છોકરી આ પરીક્ષામાં બેઠી જ નહોતી! કારણ છોકરી પણ મેટ્રિકની પરીક્ષા આપી શકે એવો વિચાર જ કોઈને આવ્યો નહોતો! ૧૮૭૫માં યુનિવર્સિટીને બેળગાંવના પોસ્ટ માસ્તર એસ. ખરસેતજીએ કાગળ લખીને પૂછાવ્યું કે મારી દીકરી ફિરોઝા મેટ્રિકની પરીક્ષામાં બેસી શકે કે નહિ? આ પત્ર સિન્ડિકેટ પાસે ગયો. યુનિવર્સિટીની સ્થાપના કરતા કાયદામાં બધે વિદ્યાર્થી માટે અંગ્રેજીનું ‘હી’ સર્વનામ જ વપરાયું હતું. આથી સિન્ડિકેટે જવાબ આપ્યો કે કોઈ છોકરીને મેટ્રિકની પરીક્ષામાં બેસવા માટે પરવાનગી આપવાની સત્તા અમને કાયદા દ્વારા આપવામાં આવી નથી. પોસ્ટ માસ્તરે અને તેમની દીકરીએ તો વાત પડતી મૂકી, પણ ખુદ સિન્ડિકેટના જ કેટલાક સભ્યો આ નિર્ણયથી નાખુશ હતા. આઠ વર્ષ સુધી તેમણે કરેલા પ્રયત્નોને પરિણામે છેવટે કાયદામાં એવી કલમ ઉમેરવામાં આવી કે જો તેમની ઈચ્છા હોય તો છોકરીઓ પણ યુનિવર્સિટીની પરીક્ષામાં બેસી શકે છે. જાણે આવી તકની રાહ જોઈને જ બેઠી હોય તેમ પૂનાની એક છોકરીએ ૧૮૮૩માં પોતાનું નામ ડેક્કન કોલેજમાં નોંધાવ્યું અને ૧૮૮૮માં બી.એ.ની ડિગ્રી મેળવી. એ છોકરીનું નામ કોર્નેલિયા સોરાબજી. એ હતી મુંબઈ યુનિવર્સિટીની પહેલી સ્ત્રી ગ્રેજ્યુએટ, બોમ્બે પ્રેસિડેન્સીની પહેલી સ્ત્રી ગ્રેજ્યુએટ, અને પહેલવહેલી ગુજરાતીભાષી સ્ત્રી ગ્રેજ્યુએટ. એમનું કટુંબ મૂળે તો પારસી, પણ કોર્નેલિયાના જન્મ પહેલાં તેમના પિતા ખરસેતજી લંગડાનાએ સ્વેચ્છાએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતો, અને ‘સોરાબજી’ અટક અપનાવી હતી.
કોર્નેલિયા સોરાબજી
બીએની ડિગ્રી તો મળી. પણ પછી શું? અમદાવાદની ગુજરાત કોલેજમાં સરકારે ‘ટીચિંગ ફેલોશિપ’ની ઓફર કરી. પણ છોકરીઓનાં શિક્ષણ માટે કામ કરવાનો ઈરાદો હતો એટલે પહેલાં તો એ ઓફર નકારી. પણ પછી વિચાર આવ્યો કે એક છોકરીના હાથ નીચે ભણવાથી છોકરાઓનું પણ ભલું થશે, એટલે ઓફર સ્વીકારી. ત્યાં જઈ પ્રિવિયસ અને બી.એ.નો અભ્યાસ કરતા છોકરાઓને (એ વખતે કોઈ છોકરી ત્યાં ભણતી નહોતી) અંગ્રેજી ભણાવ્યું. જોડાયા પછી ત્રણ મહિને તેમની નિમણૂંક અંગ્રેજીના પ્રોફેસર તરીકે કરવામાં આવી. અગાઉ આ જગ્યાએ કોઈને કોઈ બ્રિટિશરની જ નિમણૂંક થતી. એટલે કોર્નેલિયા પહેલાં બિન-બ્રિટિશ અંગ્રેજીના અધ્યાપક બન્યાં. ત્યારે તેમની ઉંમર હતી ફક્ત બાવીસ વરસ!
આ કોર્નેલિયા સોરાબજી વખત જતાં ગ્રેટ બ્રિટનમાં સ્થાયી થયાં હતાં. પણ પોતાના દેશને, તેની સંસ્કૃતિને ભૂલ્યાં નહોતાં. આ અંગેનો એક રસપ્રદ કિસ્સો : ગ્રેટ બ્રિટનના લોકો કોર્નેલિયાને ‘ન્યૂ વુમન ફ્રોમ ઇન્ડિયા’ તરીકે ઓળખવા લાગ્યા. વધતાં વધતાં કોર્નેલિયાની નામના રાણી વિક્ટોરિયા સુધી પહોંચી. એટલે રાણીએ મુલાકાત માટે આમંત્રણ આપ્યું. પણ રાણીના અધિકારીઓને કોર્નેલિયાએ કહ્યું કે રાણીસાહેબાને મળવા તો હું જરૂર આવું, પણ એક મુશ્કેલી છે : મુલાકાત વખતે હું પશ્ચિમી ઢબનો પોશાક નહિ પહેરું. મારા દેશના રિવાજ પ્રમાણે સાડી જ પહેરીશ. ‘નહિ રાણીજીનો હુકમ પણ પાછો કદિ ફરે’ એ નિયમથી ટેવાયેલા અધિકારીઓ મૂંઝાયા. શું કરવું? થોડી હિંમત કરી રાણીસાહેબાને કાને વાત નાખી. ઉદારતા અને સૌજન્યપૂર્વક મહારાણી વિક્ટોરિયાએ સંદેશો મોકલ્યો કે તું તારા દેશનો પોશાક પહેરીને આવે તેનો મને વાંધો નથી. આ સંદેશો પહોંચાડતી વખતે અધિકારીઓએ દબાતે અવાજે એક અરજ કરી : ‘આપ રોજ પહેરો છો તેવી સફેદ સાડી નહિ, પણ રંગીન સાડી પહેરો તો સારું.’ કોર્નેલિયાએ આ વાત સ્વીકારી અને પીળાશ પડતા ગુલાબી રંગની સાડી પહેરીને મહારાણીને મળવા ગયાં. યુનિવર્સિટી ઓફ બોમ્બેના જે કોન્વોકેશન હોલમાં તેમને ડિગ્રી મળી હતી તે જ કોન્વોકેશન હોલમાં બરાબર સો વર્ષ પછી, ૧૯૮૮માં, કોર્નેલિયા સોરાબજીનું તૈલચિત્ર મૂકવામાં આવ્યું.
૧૮૭૦ની આસપાસની હિંદુ કન્યાશાળા
એટલે, કન્યા-કેળવણી એ સુધારાનું કહો કે નવજાગૃતિનું પહેલું પગથિયું. પણ એ જમાનામાં છોકરીઓ અને છોકરાઓને સાથે ભણાવી શકાય એ તો શક્ય જ નહોતું. એટલે ધ બોમ્બે એજુકેશન સોસાયટીએ ૧૮૧૮માં મુંબઈમાં એક ગર્લ્સ સ્કૂલ પણ શરૂ કરી હતી, પણ તેમાં એક પણ હિંદુ છોકરી ભણતી નહોતી. તે અંગે સોસાયટીના ત્રીજા વાર્ષિક અહેવાલમાં કહ્યું છે કે હિંદુઓમાં છોકરીઓને ભણાવવાનો ચાલ નથી તેથી આ સ્કૂલમાં એક પણ હિંદુ છોકરી ભણતી નથી. આ પરિસ્થિતિ પાછળ માત્ર ઉપેક્ષા જવાબદાર નહોતી. પરંપરાવાદી જૂથો દ્વારા ભોળા લોકોમાં જાતજાતની અફવાઓ ફેલાવવામાં આવતી હતી. જેમ કે જો છોકરીને ભણાવી હોય તો તે વહેલી વિધવા થાય. અથવા ભણવા માટે નિશાળે જતી છોકરીઓ વંઠી જતી હોય છે અને મોટેરાંનું કે વરના કહ્યામાં રહેતી નથી, વગેરે.
પણ વખત જતાં એક મુશ્કેલી નજર સામે આવી. છોકરો ભલે થોડુંઘણું, પણ ભણેલો હોય, અને છોકરી તદ્દન અભણ હોય તો એ પણ એક પ્રકારનું કજોડું બની શકે. એટલે માબાપને વધુ સારી દીકરી, છોકરાને વધુ સારી પત્ની, અને સાસરિયાંને વધુ સારી વહુ મળી રહે એટલા ખાતર પણ છોડીઓને થોડું ભણાવવી જોઈએ એમ લાગવા માંડ્યું. એટલે પહેલાં મુંબઈમાં, અને પછી ગુજરાતનાં કેટલાંક શહેરોમાં પહેલાં પારસીઓએ અને પછી બીજા વર્ગોના ઉજળિયાત લોકોએ દીકરીને મર્યાદિત પ્રમાણમાં ભણવા માટે ‘છોડીઓ માટેની નિશાળો’માં મોકલવાનું શરૂ કર્યું. તો તવંગર કુટુંબોમાં છોકરીઓને (અને છોકરાઓને પણ) ભણાવવા માટે ‘ઘર શિક્ષક’ રાખવાનું શરૂ થયું. અત્યંત તવંગર અથવા મોભાદાર કુટુંબોમાં આ માટે ‘ગોરી’ અને તે ન મળે તો એન્ગલો ઇન્ડિયન કે પારસી શિક્ષિકાઓ પણ રાખવામાં આવતી.
ગુજરાત અને કાઠિયાવાડમાં તો નવી કેળવણી સામેનો વિરોધ લાંબો વખત ટક્યો. પ્રમાણમાં પ્રગતિશીલ કહી શકાય એવા ભાવનગર રાજ્યમાં પણ બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી પહેલી સ્કૂલ છેક ૧૮૫૬માં કેટલાક બ્રિટિશ સાહેબો અને દીવાન ગૌરીશંકર ઉદયશંકરના આગ્રહથી સ્થપાઈ હતી. પણ એ જ દીવાને જ્યારે કન્યાશાળા સ્થાપવાનો વિચાર કર્યો ત્યારે એ માટે જગ્યા ભાડે આપવા કોઈ તૈયાર ન થયું. એટલે તેમણે એ પોતાના ઘરમાં શરૂ કરી અને તેમાં ભણવા માટે પોતાના કુટુંબની અને નજીકનાં સગાંઓની આઠથી દસ વરસની ઉંમરની દસ જેટલી છોકરીઓને દાખલ કરી. એટલું જ નહિ ઘણી સમજાવટ પછી એ કન્યાશાળાના ઉદ્ઘાટન વખતે પોતાની છ વરસની ઉંમરની રાજકુંવરી હાજર રહે એ માટે રાજવી દંપતીની સમ્મતિ મેળવી.
ગ્રાન્ટ મેડિકલ કોલેજનું મૂળ મકાન
અલબત્ત, શરૂઆતનાં ઘણાં વર્ષો છોકરાઓ અને છોકરીઓને એક સરખું શિક્ષણ આપવાની જરૂર ભાગ્યે જ કોઈને જણાઈ હતી. ‘બાળોઢાભ્યાસ પ્રકરણ’ નામના લાંબા નિબંધમાં કવીશ્વર દલપતરામ છોડીઓને કેવી ચોપડીઓ ભણાવવી જોઈએ તેની ખાસ્સી લાંબી યાદી આપે છે. તેમાંની કેટલીક : નીતિની, ચાલ-મિજાજની, શિયળની, આબરૂની, પાકશાસ્ત્રની, ધીરજ વિષે, સંપ વિષે, ઘરસૂત્ર વિષે, સંતોષ વિષે. કન્યા થોડુંઘણું વાંચતાં, લખતાં, ગણતાં શીખે અને કહ્યાગરી કુલવધૂ થઈને રહે એથી વધું બીજું શું જોઈએ? પણ આ ચોકઠામાંથી પહેલાં મુંબઈ બહાર નીકળ્યું અને પછી ગુજરાત તેને અનુસર્યું.
સર બહેરામજી જીજીભાઈ
૧૮૫૭માં મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના થઈ તેના કરતાં પણ પહેલાં, ૧૮૪૫માં ગ્રાન્ટ મેડિકલ કોલેજ શરૂ થઈ ચૂકી હતી અને તે પોતાની ડિગ્રી પણ આપતી હતી. આખા એશિયા ખંડની એ પહેલી મેડિકલ કોલેજ. પછીથી તે યુનિવર્સિટી સાથે સંલગ્ન થઈ. એટલે મેડિકલ શિક્ષણ, એલોપથિક ડોકટરો અને સારવાર પદ્ધતિ, શસ્ત્રક્રિયા વગેરેની શરૂઆત પણ મુંબઈથી જ થઈ. અમદાવાદ મેડિકલ સ્કૂલ નામની ગુજરાતની પહેલી મેડિકલ શિક્ષણ આપતી સંસ્થા છેક ૧૮૭૧માં શરૂ થઈ હતી. મુંબઈના સખાવતી પારસી વેપારી સર બહેરામજી જીજીભાઈએ ૧૮૭૯માં વીસ હજાર રૂપિયાનું દાન આપ્યા પછી તેનું નામ બી.જે. મેડિકલ સ્કૂલ કરવામાં આવ્યું. છેક ૧૯૧૭માં તે સ્કૂલમાંથી કોલેજ બની હતી. ૧૮૭૮માં શરૂ થયેલી પૂનાની મેડિકલ કોલેજ માટે પણ સર જીજીભાઈ બહેરામજીએ માતબર દાન આપ્યું હતું.
૧૮૬૨ની મેટ્રિકની પરીક્ષાનો ગુજરાતીનો એક પેપર
અંગ્રેજી માધ્યમ દ્વારા અપાતા શિક્ષણ માટે આપણે મોટે ભાગે લોર્ડ મેકોલેને જવાબદાર ગણીને તેને ગાળો ભાંડીએ છીએ. પણ તેમની શિક્ષણ અંગેની વિચારણાની અસર જેટલી કલકત્તા અને મદ્રાસ પ્રેસિડેન્સીમાં પડી એટલી બોમ્બે પ્રેસિડેન્સીમાં લાંબા વખત સુધી પડી નહિ. તેનું મુખ્ય કરણ એ કે બ્રિટિશ પદ્ધતિના શિક્ષણની અહીં શરૂઆત થઈ ત્યારે તેના બે મુખ્ય પુરસ્કર્તા માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન અને કેપ્ટન જ્યોર્જ રિસ્તો જર્વિસ, બંને દૃઢપણે માનતા હતા કે ‘દેશી’ઓને શિક્ષણ તો તેમની માતૃભાષામાં જ અપાવું જોઈએ. એ વખતે પણ અંગ્રેજી માધ્યમની નિશાળો તો હતી જ, પણ મુખ્યત્ત્વે પરદેશી અને સ્થાનિક ખ્રિસ્તી વિદ્યાર્થીઓ માટે. પછી વખત જતાં જ્યારે બીજા વિદ્યાર્થીઓને પણ તેમાં દાખલ કરવા જોઈએ એવી માગણી ઊઠી ત્યારે સરકારે ‘એન્ગલો વર્નાક્યુલર’ સ્કૂલો શરૂ કરી. જેમાં શિક્ષણની શરૂઆત તો માતૃભાષામાં જ થાય, પણ પછી આગળ જતાં અમુક વિષયો અંગ્રેજીમાં ભણાવાય. યુનિવર્સિટી ઓફ બોમ્બે શરૂ થઈ ત્યારથી મેટ્રિકથી માંડીને બીએ સુધી ગુજરાતી, મરાઠી જેવી ભાષાઓ શીખવવાની સગવડ હતી. શરૂઆતમાં ઘણાં વર્ષો સુધી તો મેટ્રિકની પરીક્ષામાં ‘દેશી’ ભાષાઓનાં ત્રણ પેપર રહેતા. એક વ્યાકરણનો, બીજો ગુજરાતી-મરાઠી વગેરેમાંથી અંગ્રેજી અનુવાદનો અને ત્રીજો અંગ્રેજીમાંથી ‘દેશી’ ભાષાઓમાં અનુવાદનો. એ જમાનાની તાસીર કેવી હતી એનો એક દાખલો : આજે તો પરીક્ષાઓમાં ગેરરીતિ થતી અટકાવવા માટે યુનિવર્સિટીઓએ જાતજાતના નુસખા અજમાવવા પડે છે, અને છતાં પરીક્ષાઓનાં પરિણામોમાં ગોલમાલ થતી જ રહે છે. પણ મુંબઈ યુનિવર્સિટી શરૂ થઈ ત્યારથી ઘણાં વર્ષો સુધી દરેક પ્રશ્નપત્રને મથાળે તેના પેપર સેટર્સનાં નામ છપાતાં! અને વિદ્યાર્થીઓને નંબર આપવામાં આવતા નહોતા. ઉત્તરપત્રના દરેક પાનાને મથાળે વિદ્યાર્થીએ પોતાનું નામ લખવાનું રહેતું. એ વખતે સ્કૂલ-કોલેજોની સંખ્યા પ્રમાણમાં ઓછી, એટલે ઘણુંખરું વિદ્યાર્થીઓ અને શિક્ષકો એકબીજાને ઓળખાતા હોય એવું બને. છતાં કોઈને ‘ગોલમાલ’ની બીક રહેતી નહિ. અધ્યાપકો અને વિદ્યાર્થીઓ માટેના વિશ્વાસ પર પરીક્ષાઓનાં વહાણ ચાલતાં.
શિક્ષણ એ એક એવો દરવાજો છે કે એક વાર એ ખોલો પછી અનેક નવી નવી બાબતો સમાજમાં દાખલ થયા વગર રહે જ નહિ. પણ આ રીતે આપણા સમાજમાં જે નવું અજવાળું પથરાયું, એની વાત હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : ‘ગુજરાતી મિડ-ડે”, 02 જાન્યુઆરી 2021