ભારતે બંગલાદેશનું યુદ્ધ જીત્યું એની સુવર્ણજયંતી ઉજવાઈ રહી છે ત્યારે બે બાબતે ચર્ચા પ્રાસંગિક છે. એક તો એ કે પાકિસ્તાનનું વિભાજન શા માટે થયું અને બીજી બાબત એ કે બંગલાદેશનું યુદ્ધ ભારતે કેવી રીતે જીત્યું અને તેનાં શું સૂચિતાર્થો હતા?
ભારતનું વિભાજન ધર્મને નામે થયું હતું એ તો તમે જાણો છો. ત્યારે પાકિસ્તાનની માગણી કરનારાઓ દલીલ કરતા હતા કે ભારતનાં મુસલમાનો અલગ રાષ્ટ્રીયતા ધરાવે છે, અલગ ઓળખ ધરાવે છે, અલગ ઇતિહાસ ધરાવે છે, અલગ પરંપરા અને રિવાજ ધરાવે છે, અલગ દૃષ્ટિકોણ અને અભિગમ ધરાવે છે, વગેરે. ટૂંકમાં હિંદુઓ અને મુસલમાનો વચ્ચે સમાન કાંઈ જ નથી એટલે સ્વાભાવિકપણે બે કોમ સાથે ન રહી શકે. પાકિસ્તાનની માગણી કરનાર મુસ્લિમ લીગે આવો ઠરાવ કર્યો, તેના ત્રણ વરસ પહેલાં હિંદુ મહાસભા નામના પક્ષે તેના અમદાવાદના અધિવેશનમાં ડીટ્ટો આવી જ દલીલ કરીને કહ્યું હતું કે આ દેશમાં હિંદુઓ અને મુસલમાનો સાથે રહી શકે એવી કોઈ શક્યતા નથી. આમ ત્યારે પાકિસ્તાનવાદી મુસલમાનો અને હિન્દુત્વવાદી હિંદુઓ વચ્ચે પરસ્પર અને વારાફરતી બોલિંગ અને બેટિંગનો સંબંધ હતો. બન્નેનો એજન્ડા એક જ હતો; ભારતનું કોમી વિભાજન.
જે લોકો વિભાજનનો વિરોધ કરતા હતા તેમની દલીલ એવી હતી કે એક માત્ર ધાર્મિક શ્રદ્ધા અને થોડા ધાર્મિક રીતિરિવાજો છોડીને બધું જ સમાન છે. બધું એટલે બધું જ સમાન છે. ૯૦ ટકાની સમાનતા છે અને દસ ટકાનો ફરક છે. જો બન્ને કોમ ધાર્મિક સહિષ્ણુતા વિકસાવે તો સહઅસ્તિત્વની આડે કોઈ મુશ્કેલી જ નથી, કારણ કે બાકીનું બધું સહિયારું છે. તેઓ એવી પણ દલીલ કરતા હતા કે અંગ્રેજોએ તેમના સ્વાર્થને ધ્યાનમાં રાખીને તેમને માફક આવે એવો હિંદુ અને મુસલમાનો વચ્ચે દુશ્મની પેદા કરનારો ઇતિહાસ લખ્યો છે, માટે એ ઇતિહાસને સાચો માનવાનું છોડી દો તો વાસ્તવિક ઇતિહાસ બહુ જુદો છે.
જે લોકો એકંદરે ધર્મશાસ્ત્ર(થિયોલોજી)ના અભ્યાસી હતા અને ખાસ કરીને હિંદુ અને ઇસ્લામ ધર્મના સ્વરૂપ વિષે જાણતા હતા તેઓ બે મહત્ત્વની દલીલ કરતા હતા, તેમાંની પહેલી દલીલ એ કે આ જગતમાં કોઈ ધર્મ સંપૂર્ણ નથી. ધર્મ માત્ર માનવનિર્મિતિ છે એટલે એ નિર્મિતિ અધૂરી છે. તેના ઉપર શ્રદ્ધાથી પ્રેરાઈને સંપૂર્ણતા આરોપવામાં આવે છે, પણ સંપૂર્ણ હોતો નથી. એ શક્ય જ નથી અને એ આ જગતના તમામ ધર્મોનું સત્ય છે. તેમની બીજી મહત્ત્વની દલીલ એ હતી કે જગતનો કોઈ ધર્મ એવો નથી જે સ્થળ અને કાળથી પ્રભાવિત ન હોય. સ્થળે સ્થળે અને સમયે સમયે ધર્માચરણનું અને ધર્મનું સુધ્ધા સ્વરૂપ બદલાય છે. ઇસ્લામ જેવો અરબસ્તાનમાં છે એવો ઈરાનમાં નથી, જેવો ઈરાનમાં છે એવો ભારતમાં નથી, જેવો ભારતમાં છે એવો ઇન્ડોનેશિયામાં નથી અને અફઘાનિસ્તાન જેવા કબિલાઈ પ્રદેશોમાં તો ઇસ્લામ સાવ જુદો જ છે. ઇસ્લામ જેવો સાતમી સદીમાં હતો એવો બારમી સદીમાં નહોતો અને જેવો બારમી સદીમાં હતો એવો અઢારમી સદીમાં નહોતો અને જેવો અઢારમી સદીમાં હતો એવો આજે નથી. સ્થળ અને કાળના પ્રભાવોથી આ જગતનો કોઈ સંગઠિત ધર્મ મુક્ત નથી, ઇસ્લામ અને હિંદુ ધર્મ પણ નહીં.
તેમણે દલીલ કરી હતી કે ભારતમાં જે ઇસ્લામ છે એના ઉપર ભારતનો પ્રભાવ છે અને માટે ભારતમાંનો ઇસ્લામ ભારતીય ઇસ્લામ છે. ભારતીય ઇસ્લામ પોતાની અલાયદી ઓળખ ધરાવે છે અને માટે ભારતીય મુસલમાન જેટલું સાંસ્કૃતિક સહિયારાપણું ભારતીય હિંદુ સાથે ધરાવે છે એટલું આરબ મુસલમાન સાથે નથી ધરાવતો. અત્યારે ભારતીય સાંસ્કૃતિક પરિવેશમાં રહીને જે મુસલમાન આરબ મુસલમાન સાથે મઝહબી સહિયારાપણું અનુભવે છે અથવા એવાં સપનાં જુવે છે તેને વિધર્મી સાથેના સાંસ્કૃતિક સહિયારાપણાની કિંમત ત્યારે સમજાશે જ્યારે તે તેના હાથમાંથી છીનવાઈ જશે. એક દિવસ એવો આવશે કે તે મઝહબી સહિયારાપણાની જગ્યાએ સાંસ્કૃતિક સહિયારાપણા માટે વલખાં મારશે, ઝૂરશે. ટૂંકમાં હમવતન અને હમજુબાં હમમઝહબ પ્રણિત એકતાને પડકારશે.
તેમણે એવી દલીલ પણ કરી હતી કે ભારત દસ દેશને સમાવી શકે એવો વિશાળ દેશ છે, જેમાં મુસલમાનો આખા દેશમાં પથરાયેલા છે. તેમનો ભારતમાં આઠસો વર્ષનો લાંબો ઇતિહાસ છે અને હિંદુઓ અને બીજી ભારતીય પ્રજા સાથેનું આઠસો વર્ષનું સહચર્ય છે. આને કારણે ભારતીય ઇસ્લામ ભારતીય ઇસ્લામ તરીકેની જગતમાં અલગ ઓળખ ધરાવતો હોવા છતાં ભારતમાં એકસરખી ઓળખ ધરાવતો નથી. ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતનો મુસલમાન અલગ છે. પૂર્વનો મુસલમાન પશ્ચિમના મુસલમાન કરતાં અલગ છે. મેદાનોમાં વસતા મુસલમાન કરતાં પહાડોમાં વસતો કબિલાઈ મુસલમાન અલગ છે. વિદેશથી આવેલા મુસલામન કરતાં હિંદુ ધર્મમાંથી વટલાયેલ મુસલમાન અલગ છે. આ સિવાય શિયા, સુન્ની, દેવબંદી, બરેલવી, સૂફી, ઝિયારતી એવા અનેક ભેદ મુસલમાનો આપસમાં ધરાવે છે. જગત આખામાં ઇસ્લામના સ્વરૂપમાં અને મુસલમાનોમાં ખૂબ વૈવિધ્ય છે અને ભારતીય મુસલમાનોમાં તો સૌથી વધુ વૈવિધ્ય છે. વાસ્તવિકતા એ છે કે આ દેશમાં હિંદુ અને મુસલમાનો વચ્ચે ઘણી સમાનતા પણ છે અને મુસલમાન મુસલમાન વચ્ચે ઘણી ભિન્નતા પણ છે. આ અદ્ભુત દેશ છે. સમાનતાની વચ્ચે વિવિધતા છે અને વિવિધતા વચ્ચે સમાનતા છે. માટે જે વાવશો એ લણશો.
ભવિષ્ય અંગેની ચેતવણી માટે કરવી જોઈએ એવી એકેએક દલીલ ત્યારે કરવામાં આવી હતી, પરંતુ પાકિસ્તાનની માગણી કરનારા મુસ્લિમ લીગના નેતાઓએ તેમની વાત કાને ધરી નહોતી. એવું નહોતું કે તેમને આવી કોઈ અક્કલ નહોતી. તેમને બધું સમજાતું હતું, પરંતુ સત્તાની લડાઈમાં તેમને કોઈ ફરક પડતો નહોતો, ભારતીય કે પાકિસ્તાની મુસલમાનોનું જે થવું હોય તે થાય. ધર્મનું રાજકારણ કરનારાઓ ધાર્મિક હોતા નથી, ધર્મને સાચો પ્રેમ કરતા નથી અને સહધર્મીઓની તેમને કોઈ પરવા હોતી નથી. આવું જ ભાષાનું, પ્રદેશનું, જ્ઞાતિનું કે વંશનું રાજકારણ કરનારાઓનું સમજવાનું. પ્રજાને મૂર્ખ બનાવવા માટેનાં આ બધાં ઓઠાં છે. આઝાદી પહેલાં ભારતના મુસલમાનો છેતરાયા હતા જેમ અત્યારે હિંદુઓ છેતરાઈ રહ્યા છે.
ખેર, પાકિસ્તાન તો બન્યું, પણ બનતાની સાથે જ અસ્તિત્વનું સંકટ પેદા થવા લાગ્યું જેની વાત હવે પછી.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 03 જાન્યુઆરી 2021