એક સમય હતો જ્યારે સ્ત્રીને આઠ પુત્રોની માતા થવાના આશીર્વાદ વડીલો આપતા હતા, પણ કોઈને પણ આઠ પુત્રીની માતા થવાના આશીર્વાદ અપાયા નથી. એ જ સૂચવે છે કે પરાપૂર્વથી પુત્રી ઇચ્છનીય નથી. એ વિધિની વક્રતા છે કે પુત્રને જન્મ તો સ્ત્રી આપે છે, પણ સ્ત્રીનું સ્થાન સમાજમાં ખાસ માન ભર્યું નથી જ. સ્ત્રીને દેવી તરીકે પૂજનીય ગણાવાઈ છે. તે ઇચ્છિત વરને સ્વયંવરમાં વરી શકતી હતી, શાસ્ત્રાર્થ કરી શકતી હતી, તો પણ પુત્રીનું વરણ ન તો પુરુષ માટે કે ન તો સ્ત્રી માટે ઇચ્છનીય ગણાયું છે. સાદી વાત એટલી છે કે બાળકીનો જન્મ આજે પણ અપવાદ રૂપે જ સભ્ય સમાજમાં આવકાર્ય રહ્યો છે.
આવું કેમ?
બન્યું એવું કે પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીને ઘર સંભાળવાની જવાબદારી આવી ને ઘર માટે કમાવાની જવાબદારી પુરુષે ઉપાડી. ઘરમાં રસોઈ કરતી સ્ત્રીને રૂપિયો મળતો ન હતો, એ જ રસોઈ બહાર કરવાના પુરુષને પૈસા મળતા હતા. સ્ત્રીને ઘરમાં કપડાં ધોવાનું કૈં મળતું ન હતું, જ્યારે પુરુષ ધોબી તરીકે રૂપિયા ગાંઠે બાંધતો હતો. એવું જ બધાં કામોનું હતું. પુરુષ કમાતો હતો ને એ જ કામ ઘરમાં કરવાને લીધે સ્ત્રીને કૈં મળતું ન હતું, એ તો ઠીક, પણ કામ કરવા છતાં સ્ત્રીને અપજશ મળતો હતો. એટલે વ્યવસ્થા એવી થઈ આવી કે જેની પાસે આર્થિક કમાણી છે તે જ સત્તા પણ ભોગવે ને જ્યાં સત્તા હાથમાં આવી ત્યાં શોષણ પણ શરૂ થયું.
જ્યાં સત્તા સ્ત્રીના હાથમાં આવી ત્યાં તેણે પણ પુરુષોનું શોષણ કરવામાં કૈં બાકી રાખ્યું નથી. જ્યાં પણ રાજકારણમાં ને ઓફિસોમાં સ્ત્રી ઉચ્ચ સ્થાનો પર રહી છે ત્યાં તે પુરુષની જેમ જ શોષણખોર રહી છે. આમ છતાં સ્ત્રીઓનાં શોષણની ટકાવારી, પુરુષે કરેલાં શોષણની ટકાવારી કરતાં વધારે જ છે તે સ્વીકાર્યે જ છૂટકો છે.
એક સમય એવો હતો કે શિક્ષણનું પ્રમાણ ઓછું હતું, વિજ્ઞાન એટલું વિકસ્યું ન હતું, એટલે ઘરમાં અવતરતું બાળક છોકરો છે કે છોકરી, તે જન્મ પછી જ જાણી શકાતું ને જન્મનાર છોકરી હોય તો પણ તેનો ઈલાજ નથી એમ માની મન મનાવી લેવાતું તો કેટલાક કિસ્સાઓમાં બાળકીને દૂધપીતી પણ કરાતી. એ પછી શિક્ષણ વધ્યું, વિજ્ઞાન વિકસ્યું ને એવો “વિકાસ” થયો કે ગર્ભમાં જ બાળકની જાતિની ખબર પડવા માંડી ને આમ પણ બાળકી ઇચ્છનીય ન હતી એટલે જેમને જોઈતી ન હતી તેમણે ગર્ભમાં જ તેને મારી નાખવા માંડી ને એમ સ્ત્રીના જન્મનો દર ઘટવા લાગ્યો. 1951માં દર હજાર પુરુષે સ્ત્રીઓનુ પ્રમાણ 946 હતું તે 2001માં 933 થયું. ગુજરાતમાં એ પ્રમાણ 920નું છે. સ્ત્રીભ્રૂણ હત્યા ગુનો છે, છતાં તેનું પ્રમાણ વધતું આવે છે તે સૂચક છે. કોઈ પશુ, પંખીમાં પણ જન્મ પહેલાં માદાને અકુદરતી મૃત્યુ મળતું નથી, એમાં જગત આખામાં સ્ત્રી જ અપવાદ છે, તેને મૃત્યુ જન્મ પહેલાં પણ મળે છે.
આજે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે, બાળકીનો જન્મ હવે વધાવાય પણ છે, છતાં સ્ત્રીઓ સંદર્ભે થતા ગુનાઓનું પ્રમાણ વધતું જ આવે છે. બળાત્કારીઓને કેટલાક કિસ્સાઓમાં ફાંસીની સજા થઈ છે, છતાં બળાત્કારનું પ્રમાણ ઘટતું નથી. સજાનો ખોફ પણ બળાત્કારીઓને રોકી શકતો નથી તે હકીકત છે. દહેજ દૂષણ છે, તે સજાપાત્ર ગુનો છે, તેમ છતાં તે નાબૂદ થતું નથી તે પણ એટલું જ સાચું છે. શિક્ષણ વધ્યું, સમજ વધી તે સાથે શોષણ પણ વધુ સૂક્ષ્મ થતું આવ્યું છે. દહેજ માંગવાની રીતો બદલાઈ છે, પણ તે માંગવાનુ બંધ થયું નથી. હવે શોષણ સહાનૂભૂતિની આડમાં એવી રીતે થાય છે કે એકાએક ખ્યાલ ન આવે. બળાત્કાર કરવાને બદલે સ્ત્રીને જ એટલી લાચાર કરવામાં આવે કે તે સામે ચાલીને સમર્પિત થાય. ઓફિસોમાં કે ફિલ્મ જગતમાં પ્રમોશન કે કામ આપવાને બહાને સ્ત્રીઓને એટલી મજબૂર કરાય છે કે બળાત્કાર થાય ખરો, પણ ગુનો ન બને.
દલિત કે પછાત જાતિની સ્ત્રીઓનું બેવડું શોષણ થાય છે. ઘરમાં તો તે શોષણનો ભોગ બને જ છે તે સાથે જ, બહાર પણ તે અમુક તમુક જાતિની હોવાને કારણે શારીરિક ને અન્ય પ્રકારનાં શોષણનો ભોગ બને છે. આ શોષણ, સ્ત્રી, સવર્ણ હોવાને નાતે ઘરમાં ને બહાર ન જ થાય એવું નથી. એનું પ્રમાણ ઓછું હશે, પણ તે નથી એવું નથી. ટૂંકમાં, સ્ત્રીનું હોવું જ પૂરતું છે, બાકી, તેનું શોષણ થયા વિના ભાગ્યે જ રહે છે.
સ્ત્રી બહાર સલામત નથી એ જ રીતે તે ઘરમાં પણ સુરક્ષિત નથી તે તાજેતરના આંકડાઓએ પુરવાર કર્યું છે. શોષણનો કોઈ માર્ગ એવો નથી જે પુરુષે ન અજમાવ્યો હોય. આ ન ગમે એવી વરવી વાસ્તવિક્તા છે.
2020નાં માર્ચની 24મીથી દેશ આખામાં લોકડાઉન લાગુ થયું. શરૂઆતમાં તો બધું ઠીક ચાલ્યું. પ્રદૂષણ ઘટ્યું, ઓઝોનનું ગાબડું પૂરાયું, હવાપાણી ચોખ્ખા થયાં એવો રાજીપો પણ વ્યક્ત કરાયો, પણ પછી જે આર્થિક મુશ્કેલીઓ સર્જાઈ તેણે ઘરની શાંતિને જોખમમાં મૂકી. પુરુષો ઘરકામ કરતા થયા એ દરમિયાન જ સ્ત્રીઓ ઘરકામ કેવી રીતે કરે છે એનો ખ્યાલ પણ એમને આવ્યો, પણ આવક ઘટી તે સાથે ખર્ચ તો ચાલુ જ હતો ને એ ખર્ચને પહોંચી વળવાનું મુશ્કેલ થવા લાગ્યું. ચાપાણી વધ્યાં, ખોરાક વધ્યો ને નવરાશ પણ વધી. તેણે અનેક પ્રશ્નો ઊભા કર્યા. જે સ્ત્રીઓ, બહાર કામ કે નોકરી કરતી હતી એની નોકરી કે કામ છૂટ્યાં. એથી પણ આવકમાં ઘટાડો જ થયો, એનું પરિણામ એ આવ્યું કે પુરુષ ને સ્ત્રી નાની નાની વાતોમાં ઉશ્કેરાવા લાગ્યાં. બીજી તરફ સ્ત્રીનું કામ ઘરમાં વધ્યું. કચરાપોતાં કામવાળી કરતી હતી તે આવતી બંધ થઈ, રસોઈવાળી બાઈ આવતી હતી તે બંધ થઈ એટલે તે કામ પણ વધ્યું. જે ઘરમાં બધાં કુટુંબો સહવાસનો આનંદ માણી રહ્યાં હતાં તે સૌ એકબીજાથી કંટાળવા લાગ્યાં. નાનીનાની વાતોમાં ઝઘડા થવા લાગ્યા. એમાં સૌથી વધુ અપમાનિત ઘરની છોકરીઓ, વહુઓ, નણંદો, દેરાણીઓ થવાં લાગી. એમાં જ કંકાસ વધ્યો, મારપીટ વધી ને અપમાન પણ વધ્યું.
આમ તો આ બધું આડે દિવસે પણ થતું જ રહેતું હતું, પણ ઘરેલુ હિંસાની ટકાવારી લોકડાઉનમાં 24થી 26 ટકાની હતી તે વધીને 42થી 44 ટકા પર પહોંચી. “અભયમ હેલ્પલાઇન”નો નંબર 181 ઘરેલુ હિંસા વધી છે એની સાક્ષી પૂરતો રહ્યો. લોકડાઉનમાં શારીરિક, આર્થિક, માનસિક, જાતીય સતામણીના કિસ્સાઓ વધ્યા છે. એમાં સોશિયલ મીડિયા દ્વારા થતી સતામણીનો ઉમેરો થયો છે ને સ્ત્રી સાથેના દુર્વ્યવહારો અનેક પ્રકારે વધ્યાં છે. એમ લાગે છે કે શિક્ષણ હવે નવા ગુનાઓ કરવામાં અને કર્યા પછી તેમાંથી છટકવામાં વધારે ઉપયોગી થતું આવ્યું છે. તે વગર હેલ્પલાઇનની સંખ્યાઓ વધે?
સુરત શહેર-જિલ્લાની જ વાત કરીએ તો 2020માં ઘરેલુ હિંસાના 3,480, પડોશી સાથેના ઝઘડાના 511, મોબાઈલ દ્વારા હેરાન ગતિના 251, વ્યસનીઓ દ્વારા હિંસાના-કનડગતના 521, બાળલગ્ન સંદર્ભે 3 મળીને કુલ 4,766 કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષનો 181 હેલ્પલાઇન નંબરનો આંકડો સ્વીકારીએ તો આ પ્રકારની હિંસાના 26,000થી વધુ બનાવો બન્યા છે તે નોંધવું ઘટે. આ માત્ર સુરતના આંકડાઓ છે. એ પરથી દેશના આંકડાઓની સંખ્યાઓ કેટલી મોટી હશે એનો અંદાજ લગાવવાનો રહે.
એ પણ સાચું છે કે પત્ની પીડિત પતિઓની સંખ્યા વધતી આવે છે, દહેજની માંગણી કરી છે – એવી ખોટી ફરિયાદો નોંધાવીને સ્ત્રીઓએ સાસુ, સસરાને કે પતિને જેલના સળિયા પણ ગણાવ્યા છે, છતાં સ્ત્રીઓનું અનેક પ્રકારે શોષણ થતું જ રહે છે તેની ના પાડી શકશે નહીં. શિક્ષણ, સમજ ને સમાજ વિક્સ્યાં છે, છતાં સ્ત્રીઓનું શોષણ અટકતું નથી એ બતાવે છે કે શિક્ષણ, શોષણના નવા પ્રકારો અજમાવવા જ કદાચ ખપનું રહ્યું છે. એનું કારણ એ પણ છે કે આજે પણ ઘણુંખરું સત્તા ને સંપત્તિ પુરુષના હાથમાં જ છે. આમાં ઘણું સમજથી ને સમાજથી ઉકેલાઈ શકે, પણ એ સ્થિતિ હાલ તુરત તો દૂર જ લાગે છે. જે દેશની અડધી વસતિ શોષિત હોય એ દેશ અડધો ગુલામ જ ગણાય. સદભાવ, સ્નેહ ને સમજદારી જ આનો ઉકેલ આપી શકે. એ દાખવવામાં નહીં આવે તો આ દેશનું એ મોટું દુર્ભાગ્ય ગણાય, વધારે શું કહેવું?
0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 જાન્યુઆરી 2021