Opinion Magazine
Number of visits: 9850215
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નીટ છે, પણ ક્લીન નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|15 May 2026

રવીન્દ્ર પારેખ

૩ મે, 2026ને રોજ 22.79 લાખ વિદ્યાર્થીઓએ નીટ-યુ.જી.ની પરીક્ષા આપી ને બધી મહેનતને અંતે સૌએ નિરાંતનો શ્વાસ લીધો. પરીક્ષા પછી કેટલાક વિદ્યાર્થીઓ તો ફેમિલી સાથે વિદેશ ફરવા નીકળી ગયા ને જે અહીં હતા તે પૂરા વેકેશન મૂડમાં હતા. આ પરીક્ષાનું આયોજન નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) કરે છે ને તે એક્ઝામ ફૂલપ્રૂફ હોવાના દાવા સાથે કરતી રહે છે. એ દાવાઓ વચ્ચે 2024માં પેપર ફૂટવાની ઘટના બની હતી, પણ તેની અસરો મર્યાદિત હતી, એટલે પરીક્ષામાં ફેર પડ્યો ન હતો.

એનું સાટું 2026માં વળી ગયું. 10 લાખમાં નાસિકથી પેપર ફૂટી ગયું એવી વાત છે. જો કે, પેપર સીધું ફૂટ્યું ન હતું, પણ 410 જેટલા સવાલોમાંથી 140 જેટલા સવાલો પરીક્ષામાં અક્ષરશ: ને એ જ ક્રમે પુછાયા તે અકસ્માત ન હતો. એ પેપર આખા દેશમાં અનેક વિસ્તારોમાં ને અનેક હાથોમાં પહોંચ્યું. NTAની સમાંતરે પેપરફોડું એજન્સી ખૂલી હોય તેમ મનફાવે તે રકમ લઈને પેપર છડેચોક વેચાયાં ને વહેંચાયાં. રાજસ્થાનમાં GUESS PAPERમાં પુછાયેલા પ્રશ્નો નીટની એકઝામમાં બેઠા પુછાયા એ રીતે નીટનું પેપર બહુ વ્યાપક રીતે ફૂટ્યું. જો કે, એજન્સીને તેની ભનક પણ ન પડી.

પડી ત્યારે ઓછામાં ઓછું એ પરીક્ષા રદ્દ કરવી પડે એવી સ્થિતિ આવી ને NTAએ નીટની એક્ઝામ ઠંડે કલેજે રદ્દ કરી દીધી, તે સાથે જ નીટની પરીક્ષા ફરી લેવાશે એવી જાહેરાત પણ થઈ ગઈ. ભવિષ્યમાં સિસ્ટમ પરથી ને આ પરીક્ષા પરથી ભરોસો ન ઊઠી જાય એટલે પરીક્ષા રદ્દ કરવામાં આવી છે, એવી ફિશિયારી પણ મારવામાં આવી. જો કે, નીટની પરીક્ષા પર ભરોસો રહે એવું NTA શું કરે છે તે નથી ખબર. ખરેખર તો પરીક્ષા કરતાં NTAને જ રદ્દ કરવા જેવી છે. પરીક્ષા રદ્દ કરવી કે ન કરવી એ સિવાય NTAની કોઈ જવાબદારી બનતી હોય એવું લાગતું નથી. એટલું સારું છે કે NTAએ પરીક્ષા ફરી લેવાની વાત કરી છે, પણ નવી પરીક્ષા લેવામાં NTAને મોઢે ફીણ આવી જવાના છે તે પણ નક્કી છે. પરીક્ષાની નવી તારીખો ને નવું શિડ્યુલ સત્તાવાર ચેનલો મારફતે જાહેર કરવામાં આવશે.

10 મેના રોજ રાજસ્થાનમાં પેપર લીક થવા અંગે અહેવાલ સામે આવ્યા બાદ પરીક્ષા રદ્દ કરવામાં આવી ને તે અંગે સરકારની મંજૂરી પણ લેવામાં આવી. નવી પરીક્ષાની નવી ફી ઉઘરાવવાની નથી એટલે જૂના ભાવે જ નવી પરીક્ષા આપવાની થશે. સી.બી.આઈ.ને તપાસ સોંપાઈ છે, તે તો ઠીક, પણ આ  વેપલામાં 22.79 લાખ વિદ્યાર્થીઓની એકદમ જ પથારી ફરી ગઈ છે તે નક્કી છે.

આવું કંઇ થાય છે તો એકાએક જ સમિતિ રચાઈ જાય છે, તપાસ સોંપાઈ જાય છે, ધરપકડો થઈ જાય છે ને બીજું કંઇ નહિ તો સી.બી.આઈ. ધંધે લાગી જાય છે. રિપોર્ટ પણ આવી જાય છે ને આગળ પછી કંઇ થતું નથી. થોડા વખતમાં બધું હતું તેવું જ રેઢિયાળ થઈ જાય છે. પેપર ફૂટવા માટે જ હોય તેમ મન મનાવી લેવાય છે. અમદાવાદ મેડિકલ એસોશિયેશને ખાતર પર દિવેલ કરતાં કહ્યું પણ ખરું કે થોડા બેદરકાર લોકોને લીધે, મહેનતુ અને પ્રમાણિક વિદ્યાર્થીઓએ નિરાશ થવાની જરૂર નથી. એસોશિયેશનને પૂછી શકાય કે મહેનતુ અને પ્રમાણિક વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે જ છે? તેમની હોંશિયારી ફરી પરીક્ષા આપવા જેટલી જ છે? તેઓ પરીક્ષાની ચુંગાલમાંથી મુક્ત થાય તો તેઓની હોંશિયારી દાવ પર લાગી જાય, એમ?

નીટ પરીક્ષા 2013માં શરૂ થઈ હતી. NTAએ તેનું આયોજન 2019માં કર્યું હતું. 2024માં પેપર લીક થયું ત્યારે સુપ્રીમ કોર્ટે આખી પરીક્ષા રદ્દ કરવાનો ઇન્કાર કર્યો હતો ને 1,539 ઉમેદવારોની ફરી પરીક્ષા લેવાઈ હતી, પણ આખી જ પરીક્ષા ફરી લેવાનું બહુ જ મુશ્કેલ છે. વળી ફરી પેપર નહીં જ ફૂટે એની કોઈ ગેરંટી નથી. હવે વધુ ફૂલપ્રૂફ આયોજન હશે એવું માનીએ તો સવાલ થાય કે અગાઉ ફૂલપ્રૂફ આયોજન ન હતું? આ વખતની પરીક્ષામાં 720માંથી 600 માર્કના પ્રશ્નો બે દિવસ પહેલાં સીકરમાં વિદ્યાર્થીઓ પાસે પહોંચી ગયા હતા. રિપોર્ટ કહે છે કે સીકરના એક પી.જી. સંચાલકને આ પેપર મળ્યું ને તેણે પોતાનાં વિદ્યાર્થીઓને લ્હાણી કરી દીધી. 150 પ્રશ્નો તેમાંથી બેઠા નીટમાં પુછાયા. આમ તો સરકાર જૂન, 2024માં એન્ટી પેપરલીક કાયદો લાવી હતી, જેથી પેપર લીક થાય તો આ કાયદા મુજબ તેનો ન્યાય થઈ શકે.

વાત તો એવી પણ છે કે પેપર છપાય તે પહેલાં તેની નકલ બહાર પહોંચી ગઈ હતી. એનો અર્થ એવો પણ થાય કે પેપર, પ્રેસમાં પહોંચતાં પહેલાં બહાર આવ્યું છે, તમામ પ્રશ્નો હાથથી લખાયેલા છે. તો એ કોણ હોઈ શકે તે ક્લ્પવાનું બહુ અઘરું નથી. પેપર સેટરને ત્યાં તો કોઈ ગરબડ નથી થઈને એવી શંકા સહેજે થાય. બને કે પેપર, પેપર સેટરને ત્યાંથી નીકળી ચૂક્યું હોય ને પ્રિન્ટિંગ પ્રેસમાં પહોંચે એની વચ્ચે ક્યાંક લીક થયું હોય. એમાં પણ ઘણો સમય ગયો છે, કારણ તે અનેક જગ્યાએ પહોંચ્યું છે, મતલબ કે પેપર બધાંને મળી રહે એટલો સમય પેપરફોડુઓને મળ્યો છે. આમાં ખાસ ઉતાવળ થઈ હોય એવું લાગતું નથી, કારણ ભારતનાં ઘણાં શહેરો સુધી તે સહીસલામત પહોંચ્યું છે. ગમ્મત તો એ વાતે થાય છે કે NTA 10 મેના રોજ પેપર લીકના સમાચાર વચ્ચે x પર એવો ખુલાસો કરે છે કે કોઈ ગરબડ થઈ નથી. ગરબડ થઈ નથી તો NTAને પરીક્ષા રદ્દ કરવાની ફરજ કેમ પડી? તેને એ ખ્યાલ નથી કે આવી બેવકૂફીથી 22.79 લાખ ઉમેદવારોને જીવવામરવાનું એક થઇ જશે? સબ સલામત જ હતું તો સી.બી.આઈ.ને તપાસ સોંપવાનું શું કારણ હતું? શંકાસ્પદની ધરપકડ પણ થશે, પણ જે એનો ભોગ બન્યા એ વિદ્યાર્થીઓ આને કેવી રીતે લે છે તે વધુ મહત્ત્વનું છે.

પેપર ફૂટવાની આ પહેલી ઘટના નથી. એટલે આવી બાબતમાં રાબેતા મુજબ કેમ વર્તવું તે મામલે સિસ્ટમ રીઢી થઈ ચૂકી છે. ફટાફટ કેસ નોંધાય છે, તપાસ શરૂ થઇ જાય છે, પકડાપકડી ચાલે છે, પણ સજા સુધી વાત ભાગ્યે જ પહોંચે છે. ભીનું સંકેલાઈ જવું એ અસાધ્ય રાષ્ટ્રીય રોગ છે. આ મામલે પણ ભીનું સંકેલાય તો નવાઈ નહીં. રીઢાપણું આપણા લોહીમાં વણાઈ ગયું છે. કંઇ તૂટીને નથી સંધાતું તે પરીક્ષાને ગંભીરતાથી લેનારનું. તેનો મરો એવો થાય છે કે તે પૂર્વવત થઈ શકતો નથી. કેટલાંયનાં સપનાં તૂટીને તારાજ થઈ જાય છે. ફરી પરીક્ષા લેવાની વાત કરનારા લોકોને એક વખત પણ એવો સવાલ થાય છે કે કોઈ વાંક વગર ફરીથી પરીક્ષા આપવી એટલે શું? જેનું પડીકું વળી ગયું હોય તે મન ફરી નવી પરીક્ષા માટે તૈયાર કરવું, એની આ પરીક્ષા લેનારને થોડી પણ ચિંતા છે? માબાપ, અન્ય સંબંધીઓ પણ આ પરીક્ષા માટે લોહીનું પાણી કરતાં હોય છે. એ બધી કસરત ફરી કરવાની? તે પણ પોતાનાં કોઈ વાંક વગર? વળી પૂરી તૈયારી હોવા છતાં પરીક્ષામાં અગાઉની પરીક્ષા જેવું ન જ થયું કે કોઈ એવી ઘટના બને કે પરીક્ષા સુધી જ ન પહોંચાય ત્યારે શું? કેટલુંક પહેલાં જેવું ન જ થાય એટલે જ તો લગ્ન અને પુનર્લગ્ન એક નથી ગણાયાં.

૩મેને દિવસે જે તૈયારી હોય એ જ તૈયારી દરેક વખતે દરેકની, એ જ પરીક્ષાની નવી તારીખે પણ હોય  એ શક્ય નથી. તૈયારી સારી થાય ને ન પણ થાય ને સૌથી મોટો ત્રાસ તો એ કે એકવાર ઉત્તમ રીતે પરીક્ષા આપી દીધી હોય, પછી એ જ પરીક્ષા પાછી શું કામ આપવાની? પૂરી પ્રમાણિકતાથી એક પરીક્ષા આપી હોય ને જે ગરબડો થઇ હોય તેમાં પોતાનો સીધો કે આડકતરો કોઈ હાથ ન હોય, તેણે ફરી એ જ પરીક્ષા આપવાની ને તે પણ 26.79 લાખ વિદ્યાર્થીઓ દ્વારા, એ કોઈ રીતે ક્ષમ્ય નથી. આમાં જે થોડા માનસિક સમસ્યાથી પીડાશે તે નફામાં. બધું બરાબર કર્યું હોય ને પછી ફરી એ જ પરીક્ષા આપવામાં ઘણાં ડિપ્રેશનમાં જશે. નીટની પુનર્પરીક્ષા બધી જ રીતે ત્રાસદાયક છે ને એની કરુણતા એ છે કે જવાબદારોને સજા થશે, એનાં પ્રમાણમાં ફરી પરીક્ષા આપનારને અનેકગણી સજા આપશે ને કેટલીક સજા તો પરીક્ષા આપ્યા પછી પણ ચાલુ રહેશે ને તેનું કોઈ વળતર પણ નહીં હોય …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 મે 2026

Loading

15 May 2026 Vipool Kalyani
← ઉચ્ચ શિક્ષણમાં પ્રવર્તતી અસમાનતા ક્યારે દૂર થશે?

Search by

Opinion

  • ઉચ્ચ શિક્ષણમાં પ્રવર્તતી અસમાનતા ક્યારે દૂર થશે?
  • ઈડલી અમ્મા
  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved