મે મહિનાના પહેલાં અઠવાડિયામાં જાણીતા દલિત લેખક, કર્મશીલ અને જાહેર જીવનના અભ્યાસી ચંદુભાઈ મહેરિયાના આત્મકથનાત્મક ગુજરાતી નિબંધોના અંગ્રેજી અનુવાદનું પુસ્તક પ્રસિદ્ધ થયું છે. પુસ્તકનું નામ છે Homes without Windows, અનુવાદક હેમાંગ અશ્વિનકુમાર અને પ્રકાશક Juggernaut Books, દિલ્હી. પુસ્તકમાં સમાવાયેલા નિંબંધોના મૂળ ગુજરાતી નિબંધો હજુ પુસ્તક રૂપે પ્રસિદ્ધ થયા નથી. તેમાંથી મોટા ભાગના નિબંધો ગયાં બારેક વર્ષ દરમિયાન સાર્થક પ્રકાશનના અર્ધવાર્ષિક ‘સાર્થક જલસો’ના અંકોમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે.
Homes without Windows સંચયમાં અઢીસો જેટલાં પાનાંમાં ઉત્તમ રીતે અંગ્રેજીમાં ઊતરેલા અગિયાર નિબંધો છે. અનુવાદકે લખેલી પ્રસ્તાવના અને દરેક નિબંધ માટેની તેમણે તૈયાર કરેલી ટિપ્પણીઓ ખૂબ વાચનીય છે. પુસ્તક માટે ભારતના જાણીતા અભ્યાસીઓએ આપેલા અભિપ્રાયો પુસ્તકનાં આવરણ અને ઉપરણાં પર તેમ જ અન્યત્ર મૂકવામાં આવ્યાં છે. તે અહીં ગુજરાતીમાં મૂક્યા છે.
રામચન્દ્ર ગુહા – ઇતિહાસકાર, પર્યાવરણવિદ, લેખક અને પબ્લિક ઈન્ટેલેક્ચ્યુઅલ :
આ ખરેખર નોંધપાત્ર પુસ્તક છે. તે શ્રમજીવી દલિતવર્ગની અણધાર્યા જોખમોવાળી જિંદગીનું તાદૃશ અને ખૂબ પ્રભાવશાળી ચિત્ર આપે છે. તે વિગતોથી સમૃદ્ધ,દૃષ્ટિસંપન્ન અને હૃદયસ્પર્શી હોવાની સાથે નર્મમર્મના સ્પર્શવાળું પણ છે. જાહેર સ્થળોએ – શાળાઓ, અસ્પતાલો, કચેરી, અને સહુથી વધુ તો સામૂહિક શૌચાલયોમાં – જોવા મળતાં માણસના સામાજિક વર્તનનાં ઉત્તમ વર્ણનો અહીં છે. મિત્રો અને પરિવારજનોના વહાલભર્યાં શબ્દચિત્રો પણ યાદગાર છે. તેમાં ય શિરમોર છે લેખકના સમભાવી અવિચળ પિતા અને બધું જ ખમી જનાર મક્કમ માતા. આ પુસ્તકને બાજુ પર ન મૂકી શકાય તેવી સ્મરણકથા બનાવવાનો યશ હેમાંગ અશ્વિનકુમારે સહસંવેદનથી કરેલા સુઘડ અનુવાદને મળે છે. આ એક એવું પુસ્તક છે કે જેમાં સંઘર્ષ અને પીડાની વચ્ચેથી આશા અને વિનોદ સતત ડોકાયા કરે છે.
વી. ગીથા – નારીવાદી કર્મશીલ અને Bhimrao Ramji Ambedkar and the Question of Socialism in India પુસ્તકના લેખક :
ચંદુ મહેરિયાના નિબંધોનો આ સુંદર સંગ્રહ જીવનની હૃદયસ્પર્શી વક્રતાનું ઉત્તમ ઉદાહરણ છે. હેમાંગ અશ્વિનકુમારે કરેલા અનુવાદમાં ઉલ્લાસ અને સૌંદર્ય અનુભવી શકાય છે. અન્ન અને મળ, તહેવારો અને મજૂરી, થાકેલાં પગ અને મૂલ્યવાન ચપ્પલ, જેનાં ગીતો રચાયાં નથી તે – શહેરી દલિતો માટે હોનારત લાવનાર – ચોમાસાં જેવાં સંભારણાં અહીં છે. તેમની અડોઅડ છે ગાંધી, લેખકના આંબેડકરવાદી પિતા અને હૈયાઉકલત ધરાવતાં માતાનાં શબ્દચિત્રો જે વિષયાંતર છતાં મનને ગમી જાય છે. આ પુસ્તકમાં દલિતોની ભૌતિક હસ્તીનું તીક્ષ્ણ રીતે વેધક પ્રતિબિંબ છે, જેમાં અભાવ અને હાડમારીની સાથે કપરા જીવતરમાં ટકી રહેવાનું બળ આપનાર કલ્પનાશક્તિ અને ભાષાશક્તિ છે.
સૂરજ યેન્ગડે – સંશોધક તેમ જ Caste, a Global Story પુસ્તકના લેખક :
આ પુસ્તકમાં ગાધીવાદી વિચારસરણી સાથે સંકળાયેલા આંબેડકરવાદી એવા બેવડા કર્મશીલ ચંદુભાઈની નજરે જોવાયેલા ગુજરાતની આ અદ્દભુત અને વાચનીય કથા છે. ચંદુ મહેરિયા આપણને એમની પોતાના વિસ્તારમાં લઈ જઈને પ્રભાવશાળી ગદ્યમાં વાત માંડે છે. એમની વાત આપણને સ્પર્શે છે, કેમ કે તેની સાથે સત્ય અને આશય જોડાયેલાં છે. ચંદુભાઈ જિંદગીની વાત તો કરે જ છે, સાથે મોતને ટિખળની નજરે જોઈને, જીવનક્રમમાં એ પણ કેટલું કંટાળાજનક હોઈ શકે તે સુદ્ધાં બતાવે છે. ગુજરાત આભછેટ મહામંડળની આ કથાનો અનુવાદ વાંચવામાં મજા પડે તેવો થયો છે.
ગણેશ દેવી – લેખક, ચિંતક અને સાંસ્કૃતિક કર્મશીલ :
માત્ર નરસિંહ મહેતા કે મહાત્મા ગાંધીને જાણીને તમે ગુજરાતને જાણી ન શકો. તમે એને ભીષણ કોમી હુલ્લડો વિશે જાણીને પણ જાણી ન શકો. આ રીતે જાણીતું ગુજરાત તો સાહિત્ય, ઇતિહાસ અને રાજકારણનું ગુજરાત છે. ગુજરાતની સચ્ચાઈ ઊંડા મૂળ ઘાલી ગયેલા નાતજાતના ભેદભાવોમાં છે. ગુજરાતના વર્ણવિભાજનની ચંદુ મહેરિયાએ કરેલી ફૉરેન્સિક તપાસ ગુજરાતના હૈયે શું છે તે આપણને બતાવે છે. ભારતને લાગેલા શાપ સમી અપમાનજનક વર્ણવ્યવસ્થા હેઠળ વીતેલી જિંદગીના, વાચકને દઝાડતાં ગદ્યમાં લખાયેલાં, ઉત્કટ સંસ્મરણો દલિત ચરિત્રલેખનમાં યાદગાર છે. કવિ હેમાંગ અશ્વિનકુમારે કરેલો અનુવાદ મહેરિયાએ ગુજરાતીમાં લખેલા એક-એક શબ્દને જીવંત બનાવે છે. ચંદુભાઈ જાણે પોતે જ તેમનાં જખમો, પીડા, દુર્ગંધ અને એ બધાંની વાત અંગ્રેજીમાં માંડતા હોય તેમ લાગે છે.
ઉર્વીશ કોઠારી – લેખક, પત્રકાર અને વ્યંગકાર :
ગુજરાતમાં ચંદુભાઈનું લેખન તેની વેધક સ્પષ્ટતા માટે ક્યારનું ય વખાણાઈ ચૂક્યું છે.તેમનું લેખન વીંધી નાખનારું છતાં કડવાશ વિનાનું, તીક્ષ્ણ છતાં ય સંવેદનપૂર્ણ, પાકા પાયે વાસ્તવદર્શી છતાં ય બીબાંઢાળ નહીં એ પ્રકારનું છે. આ અનુવાદ થકી અંગ્રેજી વાચકો માટે એમના લખાણનું તેજ અને તેમણે જીવંત કરેલી સીધા અનુભવની સાચી દુનિયા જોવા માટેનું દ્વાર ખૂલ્યું છે.
પુસ્તકના આવરણ પર લેખકનો પરિચય આ મુજબ આપવામાં આવ્યો છે :

ચંદુ મહેરિયા
ચંદુ મહેરિયા પ્રમુખ ગુજરાતી દલિત લેખક, સંપાદક, કર્મશીલ અને પત્રકાર છે. તેમના દૃષ્ટિપૂર્ણ સંપાદનને કારણે જાણીતા બનેલા પખવાડિક ‘દલિત અધિકાર’ દ્વારા ચંદુભાઈએ દલિતોને લગતા મુદ્દાઓને ગુજરાતના રાજકીય તખ્તામાં અગ્રસ્થાને મૂકવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. વર્ણભેદ સામેની આજીવન ઝુંબેશમાં ચંદુભાઈએ રાજકીય ચળવળો પણ કરી છે.
ગુજરાતી દલિત સાહિત્યની એક આરંભિક આહલેક સમા ચંદુભાઈએ સંખ્યાબંધ પુસ્તકોનું લેખન અને સંપાદન કર્યું છે, તેમ જ છાપાં-સામયિકોમાં સેંકડો વૈચારિક લેખો લખ્યા છે. ચાહીને વંચાતા તેમનાં પુસ્તકો આ મુજબ છે : ‘સાંબરડાથી સ્વમાનનગર’ (ગુજરાતમાં દલિતોએ જોરજુલમ હેઠળ કરેલી હિજરતનો ઇતિહાસ અને તેની સમીક્ષા), ‘ડૉ. આંબેડકર’ (બાબાસાહેબનો ટૂંકો સર્વાંગી પરિચય), ‘પ્રાણપ્રશ્ન પાણીનો’ (જળસંકટ અને જળસંરક્ષણના પ્રયોગો), ‘ચોતરફ’ (અગત્યના સામજિક પ્રશ્નોનો પરિચય અને તેમની સમીક્ષા), ‘અસ્મિતા’ અને ‘વિસ્ફોટ’ (દલિત કાવ્યસંચયો) અને ‘માડી મને સાંભરે રે’ (દલિત લેખકોએ મા વિશે લખેલા લેખો).
ચંદુભાઈના પ્રદાનમાં વિચાર અને કર્મશીલતાનો સમન્વય છે, જેમાં તેમના શેરીઓમાં થયેલા ઘડતર જેટલો જ ફાળો પુસ્તકોનો પણ છે. સ્વકથનના આ પુસ્તકમાં ચંદુભાઈએ પૂર્વ અમદાવાદની કામદાર-ચાલીઓની ગરીબીમાં પિસાતા તેમના દિવસોથી લઈને વાચન-લેખન અને રાજકીય લડતમાં આગળ વધેલાં જીવનનો આલેખ આપ્યો છે. પહેલવહેલી વખત અંગ્રેજીમાં અનૂદિત થઈ રહેલાં ચંદુભાઈનાં લખાણો ભારતમાં રોજબરોજની આભડછેટની હિંસાને ખુલ્લી પાડે છે. લેખકે 1980ના દાયકાના ગુજરાતના સામૂહિક હિજરત, કોમી તણાવ અને અનામત-વિરોધી આંદોલનના ખળભળાટભર્યા તબક્કાને પણ આવરી લીધો છે.
જાહેરજીવનની ઝલક આપતી આ આ સ્મરણકથા વ્યક્તિગત જીવનની વિગતો અને જીવાતી જિંદગીની વાસ્તવિકતાની ભૂમિ પર રચાઈ છે. તેમાં સામુદાયિક શૌચાલયમાં રોજબરોજ વેઠવી પડતી બેઇજ્જતી, ચપ્પલ વિનાનાં આખાં બાળપણ, સતતની ભૂખ, પિતાના મગજમાં પાછલી ઉંમરે પ્રવેશેલી કટ્ટર નાસ્તિકતા, માની કઠોર મક્કમતા; અને માંદગી તેમ જ મોત સાથે લેખકની વારંવારની મુલાકાત – આ બધું ચંદુભાઈ આપણને કહે છે.
લેખકની રોજ બ રોજની જિંદગીના બયાનને સમાંતરે બૌદ્ધિક ઘડતરની વાત આવે છે. તે ગાંધીના સંકુલ વિચારવારસા સાથેની તેમની નિર્મમ મથામણથી લઈને સમકાલીન દલિત વિચારકો સાથેની દલીલો સુધીના પટ પર વ્યાપેલી છે. સરવાળે આપણને એવું પુસ્તક મળે છે કે જેમાં વંચિતતાની તવારીખ, રાજકીય કેળવણી અને ભારતને વિભાજિત કરતા રહેલાં સત્તામાળખાંની સતત વૈચારિક તપસીલ ત્રણેય એક સાથે હોય.
પુસ્તકના આવરણ પર અનુવાદકનો પરિચય આ મુજબ આપવામાં આવ્યો છે :
હેમાંગ અશ્વિનકુમાર દ્વિભાષી કવિ, વાર્તાકાર, અનુવાદક, સંપાદક અને વિવેચક છે. તેઓ ગુજરાતી અને અંગ્રેજીમાં લખે છે. તેમની કૃતિઓ ગ્રીક, ઈટાલિયન તેમ જ ભારતીય ભાષાઓમાં અનુવાદિત થઈ છે. સમકાલીન ગુજરાતી કાવ્યોના તેમણે કરેલા અનુવાદ Poetic Refractions (2012) અને સુંદરમ્ની વાર્તાઓના તેમણે કરેલો અનુવાદ Thirsty Fish and Other Stories (2013) નામના સંચયો તરીકે પ્રકાશિત થયો છે. ન્યુ ઇન્ડિયા ફાઉન્ડેશનની ફેલોશીપ હેઠળ હેમાંગે કરેલા, ગાંધીજીના ભત્રીજા છગનલાલ ગાંધીના પુત્ર પ્રભુદાસ ગાંધીના પુસ્તક ‘જીવનનું પરોઢ’નો અનુવાદ The Dawn of Life (2025) તરીકે પ્રસિદ્ધ થયો છે.
10 મે 2026
e.mail : sanjaysbhave@yahoo.com
![]()

