૩૮ : જયપુર રેલવે-સ્ટેશન પર સેક્સવર્કર બહેનો સાથે મુલાકાત.
વર્ષ ૨૦૦૬માં રાજસ્થાન એઇડ્સ કન્ટ્રોલ સોસાયટી હેઠળ જયપુર સહિત રાજસ્થાનના ગ્રામીણ વિસ્તારોમાં સેક્સવર્કર બહેનોને ઓળખી, તેઓને એઇડ્સ-નિયંત્રણ અર્થે સક્રિય કરવાનો પ્રોજેક્ટ શરૂ થયો. ગુજરાતની તુલનાએ ત્યાં આ પ્રકારના રાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ મોડા શરૂ થયા હતા. તેઓની એક ટીમ જ્યોતિ સંઘનો પ્રોજેકટ સમજવા અમદાવાદ આવી હતી. તેઓની મુલાકાત બાદ નક્કી થયું કે મારે રાજસ્થાન જઈ ત્યાંના કાર્યકરોને તાલીમ આપવી, ખાસ કરીને જ્યોતિ સંઘના અનુભવોની વાત કરવી.
તેઓની એક રજૂઆત એવી હતી કે જયપુરમાં કામ કરતા યુવા કાર્યકરો સેક્સવર્કર બહેનોને શોધવામાં મુશ્કેલી અનુભવે છે. ડર અને સંકોચ અનુભવાય છે. એટલે પ્રોજેક્ટની મજબૂત શરૂઆત થઈ શકતી નથી. મારે ત્રણ દિવસની કાર્યશાળા સંચાલિત કરવાની હતી. કાર્યકરોને તૈયાર કરવાના હતા, પણ મને એ ખ્યાલ ન હતો કે ત્યાં સેક્સવર્કર બહેનો કેવી રીતે વ્યવસાય કરે છે. હું પ્રથમ વાર જયપુર જઈ રહ્યો હતો. આ સ્થિતિમાં મેં નક્કી કર્યું કે તાલીમ કાર્યશાળા શરૂ થાય એ પૂર્વે જ જયપુરનાં સેક્સવર્કર બહેનોને શોધી, તેમની મુલાકાત લેવી અને તે અનુભવ ત્યાંના કાર્યકરોને વહેંચવો, જેથી તેઓને માર્ગદર્શન મળે.
તાલીમના આગલા દિવસે જ હું જયપુર પહોંચી ગયો અને હોટલમાં સામાન મૂકી સાંજ પડતાં જ જયપુર રેલવે-સ્ટેશને પહોંચી ગયો. સામાન્ય રીતે મોટાં શહેરોમાં રેલવે અને બસસ્ટોપની આસપાસ આ બહેનો ધંધો કરતી હોય છે, એવો મારો જાતઅનુભવ ગુજરાતનાં અને દેશનાં શહેરોની મુલાકાત બાદ થઈ ચૂક્યો હતો. સ્ટેશન પર અહીંતહીં ફરી થોડું નિરીક્ષણ કર્યું. ચા વેચતા રેંકડીવાળાને, કુલીને અને ત્યાં આંટા મારતા પોલીસવાળાને વિશ્વાસમાં લઈ સ્થિતિ જાણી લીધી. એ દરમિયાન સ્ટેશન પર ગ્રાહકો શોધતી બે બહેનોને મેં ઓળખી લીધી અને સ્વાભાવિક રીતે મારી ઓળખ આપીને વાતચીત શરૂ કરી દીધી. સામાન્ય રીતે સાંજ ઢળતાં આ બહેનો ગ્રાહકો શોધી કાઢે અને રાતનો ધંધો ક્યાં કરવો તે સ્થળ અને પૈસા નક્કી થઈ જાય. હું જ્યારે મળ્યો, ત્યારે બહેનો ગ્રાહકો શોધી ચૂકી હતી અને એટલે નવરાશ હતી, હું મોટે ભાગે મારી સાચી ઓળખ આપીને જ તેઓ સાથે ઘરોબો બાંધવાનો પ્રયત્ન કરતો અને મને સફળતા મળતી. તેઓ સાથે વાતચીતમાં કૉન્ડોમનો ઉપયોગ, એઇડ્સનો ખતરો એવી વાતો પણ ઝડપથી કરી લીધી. પણ મને રસ હતો સ્ટેશનની આસપાસના ગેસ્ટહાઉસમાં જઈ ધંધો કરતી બહેનોને મળવાનો.
બન્યું એવું કે એ બે બહેનો સાથે વાત કરતાં જ એક ત્રીજી બહેનને તેઓએ એમ કહી બોલાવી કે કોઈ ગુજરાતી સાહેબ આવ્યા છે. એ બહેન ગાંધીધામની હતી અને કોન્ટ્રાકટ પર જયપુરમાં ધંધો કરવા આવી હતી. આ ઉત્તમ મોકો મને મળી ગયો. તેને પણ મારામાં વિશ્વાસ બેઠો અને રાત્રે નવ વાગે તે મને સ્ટેશનની બહાર આવેલા એક ગેસ્ટ હાઉસમાં લઈ ગઈ. પછી તો મેં ત્યાંના મૅનેજર સાથે જયપુરની સેક્સ ઇન્ડસ્ટ્રીની ‘કૂંડળી’ મેળવી લીધી. તેને પણ બહુ રસ પડ્યો અને અમને ખ્યાલ ન આવ્યો કે અમે બન્ને અજનબી સેક્સવર્કર, એઇડ્સ, પોલીસ, ટૂરિઝમ અને સેક્સવર્ક એવા વિષયોમાં ચર્ચા માંડી બેઠાં. પણ મારા એ ચાર કલાકે મને ત્રણ દિવસની કાર્યશાળાનું અણમોલ ભાથું ભેટ ધર્યું.
બીજે દિવસે કાર્યશાળામાં સવાલો ઊઠ્યા કે રાજસ્થાન રૂઢિચુસ્ત છે, એટલે સેક્સવર્કરને શોધવી, તેની પાસે માહિતી લેવી લોઢાના ચણા ચાવવા જેવું છે. ડર અને સંકોચની જ વાતો શરૂ થઈ અને મેં મારી આગલી રાતનો અનુભવ વર્ણવવો શરૂ કર્યો, તો સૌની આંખો પહોળી થઈ ગઈ. કોઈ માનવા તૈયાર ન હતું, પણ તાલીમના બીજા જ દિવસે સાંજે કાર્યકરોને લઈ જયપુર સ્ટેશને પહોંચ્યો અને ત્યાંની બહેનોએ મને જોતાંવેંત આવકાર આપ્યો અને કાર્યકરો તેમ જ બહેનો માટે શરૂ થઈ એક નવી સફર અને સર્જાયો ઇતિહાસ. આવી સફળતા મળે ત્યારે કહેવત યાદ આવે છે, ’પૂછતાં પંડિત થવાય’!
૩૯ : મૂકબધિર સેક્સવર્કરની વાત.
અમદાવાદમાં ૪,૦૦૦થી વધુ સેક્સવર્કર બહેનોને અમે સંગઠિત કરી પણ તે સૌ સુધી વિવિધ પ્રકારની સેવાઓ અને જાગૃતિ પહોંચાડવા માટે તેઓમાંથી જ પ્રતિનિધિઓ નિમાતા જેને પિયર-એજ્યુકેટર કહેવામાં આવે છે. તેઓ શહેરના જુદા-જુદા વિસ્તારોનું અને ત્યાં કામ કરતી કે રહેતી સેક્સવર્કરનું પ્રતિનિધિત્વ કરે. આવી ૬૦થી વધુ પિયર-એજ્યુકેટરમાં એક હતી છાયા, જે જન્મથી મૂકબધિર હતી. અનાથ કહી શકાય એવી છાયા જીવન ટકાવવા આર્થિક ઉપાર્જન અર્થે સેક્સવર્કર બની. ખાસ ભણી ન હતી. પણ ઇશારાઓથી પોતાની વાત કરતી.
અમારા પ્રોજેક્ટમાં શરૂઆતમાં તે શનિવારની મીટિંગમાં આવતી પણ તેને કંઈક મદદ કરવાની ઇચ્છા રહેતી. પરિણામે અમારા કાર્યકરોએ તેનો ઉત્સાહ જોઈ પિયર-એજ્યુકેટર બનાવી. પછી તો એ સતત તેના વિસ્તારમાં બીજી બહેનોને મળતી. તેઓને કૉન્ડોમ પહોંચાડતી. અમારા ગુરુવારના અને શનિવારના ક્લિનિક પર બહેનોની જાતીય સમસ્યાનું નિદાન અને ઉપચાર કરવા તે બહેનોને લઈ આવતી. શનિવારની મીટિંગ હું લઉં ત્યારે પણ શક્ય બને એમ તેની વાત ઇશારાથી સૌને સમજાવે અને સમય જતાં કેટલીક સાઇન લૅંગ્વેજ તો અમે પણ શીખેલા.
તેના ગ્રાહકો સાથે પણ તે સહજતાથી ધંધાની વાત કરી શકતી હતી. ‘ના બોલે, ના સાંભળે’ એ સ્થિતિમાં જાતભાતના ગ્રાહકો સાથે કામ લેવું કેવું અઘરું હશે, એ સમજી શકાય એવું છે. તેનું એવું માનવું હતું અને મેં પણ વાંચેલું કે શારીરિક મર્યાદા ધરાવતી સેક્સવર્કર, પછી તે પ્રજ્ઞાચક્ષુ હોય કે મૂકબધિર તેને મુશ્કેલી ઘણી પડે, પણ તેઓને અન્ય સેક્સવર્કર કરતાં પૈસા વધુ મળે. પણ મુદ્દો એ છે કે ગ્રાહકોને તો સેક્સવર્કર જોઈએ પછી તે ગમે તેવા પડકાર કેમ ના ધરાવતી હોય. સમાજ પણ કેવો કે શારીરિક મર્યાદા ધરાવતી મહિલાઓને દેહવિક્રય કરવા સુધી જવું પડે !
૪૦ : એઇડ્સ દિનની ઉજવણી સેક્સવર્કર બહેનો વિના અધૂરી.
દુનિયાભરમાં વર્ષ ૧૯૮૭થી એઇડ્સ દિવસ ઊજવવાની શરૂઆત થઈ. પ્રતિવર્ષ સંયુક્ત રાષ્ટ્રસંઘ આ દિવસ માટે એક વિશિષ્ટ સૂત્ર આપે છે. આ સૂત્રોનો અભ્યાસ કરવાથી એ સમજાય છે કે દુનિયાએ એઇડ્સ-પ્રતિકાર માટે કેવું અને કેટલું યોગદાન આપ્યું છે. આ વર્ષનું સૂત્ર છે, “Global Solidarity, Shared Responsibility”.
વિશ્વની સાથે ભારત, ગુજરાત અને અમદાવાદની સેક્સવર્કર બહેનોએ અદ્ભુત જાગૃતિ દર્શાવી પોતાનો અને ગ્રાહકોને એચ.આઇ.વી.-સંક્રમણથી બચાવ્યા છે. મર્યાદિત શિક્ષણ, આર્થિક પડકારો અને સામાજિક અસ્વીકૃતિ વચ્ચે પણ આ બહેનોએ ‘નો કૉન્ડોમ, નો સેક્સ’ના સૂત્રને સતત ચરિતાર્થ કર્યું. હંમેશાં ઓળખ છુપાવીને જીવવાનું તેમના નસીબમાં રહ્યું છે, પણ પ્રતિવર્ષ પહેલી ડિસેમ્બરે અમદાવાદ સહિત અનેક શહેરોમાં સેંકડોની સંખ્યામાં તેઓ રેલીમાં ભાગ લે છે. આ વર્ષે કોરોનાં મહામારીએ ઉજવણી પર બ્રેક મારી છે, પણ તેઓનો એઇડ્સ-પ્રતિકાર બરકરાર છે. સામાજિક અંતરની સ્થિતિમાં તેઓનો વ્યવસાય બંધ છે અને બેકારી છે. એ સ્થિતિમાં તેઓને સરકાર અને સમાજ બનતી તમામ મદદ કરે એવી અપીલ.
E-mail: gaurangjani@hotmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2021; પૃ. 12