સદીઓ પૂર્વે પ્લેટોએ લોકશાહી વિશે કહેલું કે તે તાનાશાહીને નોંતરે છે. એથેન્સમાં જનસભા મળતી તેમાં કોઈ પણ તથ્યાતથ્યની કે સત્યની ચકાસણી કર્યા વિના વાક્પટુતા ચાલતી. એક ગ્રીક ઇતિહાસકારે એક રાજ્યકર્તાનું ઉદાહરણ ટાંકતા કહ્યું છે કે તે લોકતાંત્રિક ઢબે ચૂંટાયેલો નેતા હતો, પરંતુ તે પ્રજાને મૂર્ખ બનાવતો.
જુઠ્ઠાણાં ભરેલાં ભાષણો તાનાશાહીનું પ્રથમ લક્ષણ છે. પ્રજાને વશમાં રાખવા તાનાશાહ જાતજાતનાં જુઠ્ઠાણાં ચલાવે છે. પ્રજાને મૂર્ખ બનાવે છે. આવી જ ડેમોગોગીએ એથેન્સની લોકશાહીને અસ્થિર બનાવેલી, ખૂનખરાબા ને યુદ્ધ કરાવેલાં. સોક્રેટિસે કહેલું કે સત્યના ભોગે પ્રજામતને પ્રાધાન્ય ના અપાય. સત્ય, સચ્ચાઈ લોકતંત્રની પ્રથમ આવશ્યકતા છે. સતત જુઠ્ઠાણું ચલાવતા, ફેંકાફેંકી કરતા નેતાઓ લોકતંત્રને અને પ્રજાને, બંનેને નુકસાન કરે છે.
ટ્રમ્પે ચૂંટણી પહેલાંથી એક જુઠ્ઠાણું ચલાવ્યું કે ચૂંટણીમાં ગેરરીતિઓ આચરાઈ છે. અને કાનૂની મતથી પોતે ચૂંટણી જીત્યા છે. ટ્રમ્પે ચૂંટણી હાર્યા પછી ગેરકાનૂની રીતે ચૂંટણી અધિકારીઓને રાજ્યોના ગવર્નરોને, વિધાનસભાના સભ્યોને, કૉંગ્રેસના નીચલા ગૃહના સભ્યોને, સેનેટર્સને, ન્યાયતંત્રના પ્રધાનને, લશ્કરને, ન્યાયાધીશોને અને અંતે બાકી હતું તો ઉપપ્રમુખને ડરાવી, ધમકાવી, લલચાવી, ફોસલાવીને પોતે બહુમતથી ચૂંટાયા છે તેવું જાહેર કરવા કહ્યું. આ સઘળું નિષ્ફળ ગયું તો છેલ્લે પોતાના અનુયાયીઓ દ્વારા છઠ્ઠી જાન્યુઆરીએ કેપિટલ બિલ્ડિંગ, જ્યાં ચૂંટણી પર આખરી મહોર મારવાની હતી તેના પર હુમલો કરાવ્યો. વિદ્રોહ કરાવ્યો. હુમલા પછી સેનેટમાં જે ચર્ચા થઈ ત્યાં પ્રમુખપદના પૂર્વ ઉમેદવાર અને રિપબ્લિકન સેનેટર મિટ રોમનીએ કહ્યું કે આટલી મોટી ધમાલનો એક જ ઉકેલ હતો – “ટેલ ધ ટ્રુથ – સાચું બોલો”. જો શરૂથી જ સાચું બોલ્યા હોત ને લોકોને ગેરમાર્ગે ના દોર્યા હોતા તો આજનો આ કરુણ દિવસ ના આવતા.
courtesy : Adams; "The Independent", 09 January 2021
અમેરિકી લોકતંત્રનું પુણ્યબળ કે આ વિદ્રોહ નિષ્ફળ નિવડ્યો ને હુમલાના થોડા જ કલાકોમાં કૉંગ્રેસનાં બંને ગૃહોએ ટ્રમ્પ સમર્થક સાંસદોના વિરોધ છતાં ૨૦૨૦ની પ્રમુખની ચૂંટણી પર છેલ્લી મહોર મારી દીધી ને બાઈડનને વિજેતા જાહેર કર્યા.
અમેરિકા વિશ્વભરમાં લોકશાહીનું મશાલચી હતું. અમેરિકી નેતાઓએ વિશ્વમંચ પર લોકશાહી પ્રસાર માટે પ્રવચનો આપ્યાં છે. અમેરિકાએ લોકતાંત્રિક પ્રચાર અને પ્રસાર માટે સહાય કરી છે. ૧૯૪૫માં નાઝીવાદના પરાજય પછી અમેરિકાની સહાયથી પશ્ચિમ યુરોપના દેશોમાં લોકશાહી પાંગરી. ૧૯૮૯માં અમેરિકાની સહાયથી પૂર્વ યુરોપના દેશો લોકતાંત્રિક બન્યા. એશિયા-આફ્રિકાનાં રાષ્ટ્રો સ્વતંત્ર બન્યાં. તેમણે પણ અમેરિકી મોડેલથી આકર્ષાઈ લોકતંત્ર પસંદ કર્યું. આ બધાં રાષ્ટ્રો, સમૃદ્ધ, સ્વાતંત્ર્યપ્રેમી અમેરિકા પ્રેરિત સંગઠનનો હિસ્સો બનવા ઈચ્છતા હતાં. તેમણે જોયું કે લોકતંત્ર શાંતિમય માર્ગે મતભેદો ઉકેલે છે. ચૂંટણી દ્વારા સમસ્યાઓનું સમાધાન થાય છે. ટ્રમ્પનાં છેલ્લાં વ્યવહારવર્તન અને કેપિટલ પરના હુમલાએ અમેરિકાનો વેંત ઊંચો ચાલતો લોકતંત્રનો રથ જમીન પર આણી દીધો છે.
પહેલાં તો પેન્ડેમિકને અસરકારક રીતે કાબૂમાં રાખવાની નિષ્ફળતાથી અમેરિકાની પ્રતિષ્ઠા ઝંખવાયેલી. છઠ્ઠી જાન્યુઆરીના બનાવોએ જાણે અમેરિકા કોઈ બનાના રિપબ્લિક હોય તેવી છાપ ઊભી કરી નાંખી. આ પૂર્વે અમેરિકામાં વિરોધ પ્રદર્શનો થયાં છે. વિયેતનામ યુદ્ધ વખતે યુદ્ધનો વિરોધ કરવા આંદોલનો થયેલાં. હજુ ગયા વર્ષે જ અશ્વેત હત્યાઓના વિરોધમાં “બ્લેક લાઈવ્સ મેટર” આંદોલન થયું. આ બધાં આંદોલનોએ અમેરિકાની નબળાઈઓ છતી કરી છે. પણ સાથે સાથે તેનાં લોકતાંત્રિક મૂલ્યોને મજબૂત બનાવ્યાં છે. પરંતુ છઠ્ઠી જાન્યુઆરી જે બન્યું તેણે તો અમેરિકી લોકતંત્ર પર જ સીધો ઘા કર્યો છે. એક હિંસક ટોળું હારેલા પ્રમુખ ને તેના પક્ષના કેટલાક સેનેટર્સ ને સાંસદોની ચડવણીથી કેપિટલ બિલ્ડિંગ પર હલ્લો લઈ આવે અને કોણ બહુમતથી ચુંટાયું છે તેની પરવા કર્યા વિના હારેલા ઉમેદવારોને વિજયી ઘોષિત કરવાની માંગ કરે તે અકલ્પ્ય છે.
અમેરિકાનાં મિત્ર રાષ્ટ્રો સ્તબ્ધ બનીને આ ઘટના જોઈ રહ્યાં. નાટોના મહામંત્રી, યુરોપિયન યુનિયનના નેતા, કેનેડા, બ્રિટન, જર્મનીના પ્રધાનમંત્રીઓ સમેત અનેક વિશ્વનેતાઓએ હુમલાને વખોડી કાઢ્યો. હજુ અત્યાર સુધી ટ્રમ્પને અહોભાવથી જોતાં બ્રિટનના નાઈજલ ફરાજ, ઈટાલીના કટ્ટર જમણેરી નેતા માટેઓ સાલ્વિની, તેવા જ કટ્ટર જમણેરી ડચ નેતા ગીર્ટ વાઈલ્ડર્સ અને અન્ય જમણેરી નેતાઓએ પણ ટ્રમ્પનો સાથ છોડી દીધો. ચૂંટણી પછી પણ ટ્રમ્પની પડખે રહેલા ફ્રેંચ જમણેરી રાજકારણી મરીન બે પેન અને સ્લોવેનિયન પ્રધાનમંત્રી જાન્સાએ પણ બનાવને વખોડી કાઢ્યો.
યુરોપિયન કટ્ટર જમણેરી રાજકારણીઓનો પ્રત્યાઘાત પોતે એક ચર્ચાનો વિષય છે. અહીં એટલું નોંધનું જોઈએ કે ટ્રમ્પના સઘળાં જમણેરી સમર્થકોએ ટીમ કરી તેનું મોટું કારણ એ હતું કે તે બધાં જમણેરી, કટ્ટર રાષ્ટ્રવાદી નીતિઓમાં તેમની સાથે હતાં પણ તે બધાને પોતાનું કાર્ય લોકતાંત્રિક માળખામાં રહીને કરવું છે. પોતે લોકશાહીના જ વિરોધી છે તેવી છાપ ઊભી કરવાથી તેઓ દૂર રહ્યા.
છઠ્ઠી જાન્યુઆરીની ઘટનાથી અમેરિકાના બે મુખ્ય શત્રુ દેશો ખુશ થઈ ગયા છે. જેમના આડકતરા સમર્થનથી ૨૦૧૬માં ટ્રમ્પ ચૂંટાયા તે રશિયન પ્રમુખ પુતિન હવે જો વિરોધપક્ષના નેતાને ઝેર આપીને મારી નાંખવાનો પ્રયત્ન કરે તો અમેરિકાને ગાંઠે? હોંગકોંગમાં લોકશાહીની માંગ કરનારા યુવા દેખાવકારોને ચીન જેલ ભેગા કરે તો અમેરિકા તેનો વિરોધ કરી શકે? વિરોધી પત્રકારની હત્યા કરાવનાર સાઉદી રાજકુંવર કે ઇરાનિયન, બેલોરશિયન કે વેનેઝુએલન શાસકો વિરોધીઓને જેલમાં ધકેલી દે તો તેમનું અમેરિકા ઉપરાણું લઈ શકે? છઠ્ઠી જાન્યુઆરીની ઘટનાથી અમેરિકી પ્રજાને તો અસર થઈ જ છે. પરંતુ તેટલું જ નુકસાન મોસ્કો, બેઈજિંગ, તહેરાન, કારાકસ, રિયાધ, મિન્સ્ક કે અન્ય શહેરોમાં લોકશાહીની માંગ કરનારાને થયું છે. આ લોકો માટે અમેરિકા આશાનું કિરણ હતું. તે કિરણ ઝાંખું થઈ ગયું. ટ્રમ્પે પોતાના અંગત સ્વાર્થ ખાતર વિશ્વભરમાં લોકશાહી માટે લડતી પ્રજાઓનો સધિયારો હાલ પૂરતો હટાવી દીધો છે. તેમની આકાંક્ષાઓને, અપેક્ષાઓને, મૂલ્યોને હાની પહોંચાડી દીધી છે. ટ્રમ્પ ને તેમના રિપબ્લિકન અનુયાયીઓ ક્યારે ય લોકતંત્રનાં ખરાં મૂલ્યોને ના સમજ્યા અને નજીકના ભવિષ્યમાં સમજે તેવી શક્યતા પણ ઓછી છે.
હવે અમેરિકાની ઘરઆંગણેની સ્થિતિ જોઈએ. છેલ્લાં ચાર વર્ષોમાં રિપબ્લિકન પાર્ટીના નેતાઓએ ટ્રમ્પની ચાપલુસી કરી છે. તેની હામાં હા ભણી છે. તેનાં જુઠ્ઠાણાઓ અને ગેરબંધારણીય ને ગેરકાનૂની કાર્યવાહીઓ ચલાવી લીધી છે. એક પૂર્વસાંસદે નોંધ્યું છે કે જ્યારે યુક્રેઈનના મામલા પર ટ્રમ્પ પર મહાભિયોગ ચાલ્યો ત્યારે રિપબ્લિકન પાર્ટીએ સાથ ના આપ્યો હોત તો આજની સ્થિતિ ના આવી હોત.
ટ્રમ્પ પ્રમુખની ચૂંટણી તો હારી ગયા પણ સેનેટમાં પણ રિપબ્લિકન પાર્ટીએ બહુમત ગુમાવ્યો છે. જ્યોર્જિયા રાજ્યની સેનેટની બે બેઠકો પર ફેરચૂંટણી થઈ. તેના બંને રિપબ્લિકન ઉમેદવારો ટ્રમ્પ સમર્થક હતા. આ ચૂંટણી ટ્રમ્પે પોતાના જ્યોર્જિયાના સમર્થનની ચૂંટણી ગણેલી. પરંતુ બંને બેઠકો પર રિપબ્લિકન ઉમેદવારો હારી ગયા.
એક તરફ ટ્રમ્પના કેબિનેટ સભ્યો તેમને છોડીને જવા માંડ્યા છે અને તેમના માથે મહાભિયોગ તોળાઈ રહ્યો છે તો બીજી તરફ રિપબ્લિકન પક્ષમાં તેમની સ્થિતિ બહુ નબળી પડી હોય તેવાં ચિહ્નો દેખાતાં નથી.
કૉંગ્રેસના નીચલા ગૃહના અધ્યક્ષ નાન્સી પલોસીએ જાહેર કર્યું છે કે ચાલુ ઉપપ્રમુખ જરૂરી પગલાં નહીં લે તો કે આ અઠવાડિયે જ તેઓ ત્રણ લીટીનો મહાભિયોગ ખરડો રજૂ કરશે અને તત્કાલ સેનેટને મોકલી આપશે. નીચલા ગૃહમાં ડેમોક્રેટિક પાર્ટીની બહુમતી છે એટલે મહાભિયોગ નિર્વિધ્ને પસાર થઈ જશે.
નિયમ પ્રમાણે મહાભિયોગનું વિધેયક આવે તો સેનેટે તત્કાલ તેના પર ચર્ચા હાથ ધરવી પડે. વીસમી જાન્યુઆરી સુધીમાં મહાભિયોગ સેનેટમાંથી પસાર થવાની શક્યતા નહિવત છે. સ્પીકર પલોસીની મહાભિયોગ પાછળની યોજના સમજવા જેવી છે. અમેરિકાના ઇતિહાસમાં ટ્રમ્પ પ્રથમ પ્રમુખ હશે જેમના પર બે વાર મહાભિયોગ ચાલ્યો હોય. વીસમી પછી સેનેટમાં બંને પક્ષો પાસે ૫૦-૫૦ બેઠકો હશે. નવા ચૂંટાયેલા ઉપ-પ્રમુખ કમલા હેરિસના મતથી ડેમોક્રેટિક પાર્ટી પાસે ૫૧ મતો થશે. રિપબ્લિકન પાર્ટીના અન્ય થોડા સભ્યોની સહાયથી વીસમી પછી પણ મહાભિયોગ પસાર થઈ શકે તેમ છે. નોંધવું રહ્યું કે મહાભિયોગ ચલાવવા માટે ટ્રમ્પનું પ્રમુખપદ પર હોવું આવશ્યક નથી. મહાભિયોગ પસાર થાય તે ભવિષ્યમાં ટ્રમ્પ ક્યારે ય અન્ય કોઈ સમવાયી હોદ્દા માટે ઉમેદવારી ના કરી શકે. ૨૦૨૪માં ફરી ચૂંટણી લડવાના દરવાજા બંધ થઈ જશે. બીજું અમેરિકાના ઇતિહાસમાં લોકતંત્ર પર આટલો મોટો આઘાત પહોંચાડવામાંથી તે સાવ કોરા નીકળી જાય તે ડેમોક્રેટિક પાર્ટીને કબૂલ નથી. ઘણાં રિપબ્લિકન અને ડેમોક્રેટિક સભ્યો માને છે કે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે પણ આમ કરવું અનિવાર્ય છે.
વીસમી જાન્યુઆરી પછી રિપબ્લિકન પાર્ટીનું ભાવિ શું હશે તે સવાલ અત્યારે ચર્ચામાં છે. હુમલા પછી તરત કૉંગ્રેસના બંને ગૃહોની બેઠક મળી તેમાં સેનેટના બહુમતી નેતા મેક્કોનેલની અપીલથી આઠ સેનેટરોએ અને નીચલા ગૃહના ૧૭૪ રિપબ્લિકન સાંસદોએ ચૂંટણી પરિણામો બાઈડનની વિરુદ્વમાં પલટાવવાના વિધેયકને સમર્થન આપેલું. છઠ્ઠી જાન્યુઆરી પહેલાં કેવળ ૨૭ રિપબ્લિકન સાંસદે બાઈડનની જીત કબૂલી’તી. ગઈકાલે જાહેર થયેલી એક મોજણી પ્રમાણે ૪૫ ટકા રિપબ્લિકન મતદારો કેપિટલ પરના હુમલાનું સમર્થન કર્યું. હુમલા પછી રાતોરાત ટ્રમ્પની ટીકા કરવા માંડેલા રિપબ્લિકન નેતાઓમાંથી કેટલાંક હવે ફરી બોલી બદલવા માંડ્યા છે. ભારતીય મૂળનાં નિકી હેલી અને ૨૦૨૪ની પ્રમુખપદની ચૂંટણી માટેના રિપબ્લિકન પક્ષના સંભવિત ઉમેદવારે ગઈકાલે સાઉથ કેરોલાઈનાની એક બેઠકમાં પોતાના ટ્રમ્પના વિરોધની ટીકા પછી ફરી ટ્યૂન બદલી નાંખ્યો છે. પત્રકારો સાથે વાતચીતમાં ટ્રમ્પ પર ટિ્વટર જેવાં માધ્યમો પર મૂકાયેલી પાબંદી તો “ચીન જેવા રાષ્ટ્રમાં હોય, અમેરિકામાં નહીં” તેવી ટિપ્પણી કરી છે.
હાલ પૂરતી તો ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી પરની પકડ ઓછી પડતી નથી લાગતી. ટ્રમ્પની પસંદગીથી હાલના પક્ષપ્રમુખ જ તે હોદ્દા પર ચાલુ રાખવામાં આવ્યા છે.
ટ્રમ્પના સમર્થન કે વિરોધમાં મત આપનારા સાંસદોને પોતપોતાના મતવિસ્તારોમાં હાલ તો ટ્રમ્પ તરફી અને વિરોધી બંનેનો સામનો કરવો પડે છે. એક પત્રકારે લખ્યું કે રિપબ્લિકન મતદારોનાં અન્ય બે પક્ષ છે – “દેશભક્ત” અને “દ્રોહી” ટ્રમ્પના સમર્થકો એટલે દેશભક્ત અને વિરોધી એટલે દ્રોહી!
આશ્ચર્ય નથી કે આવતા થોડા મહિનામાં રિપબ્લિકન પાર્ટીનો એક મોટો ભાગ પક્ષમાંથી બહાર નીકળશે. રિપબ્લિકન પાર્ટી ભાગલાને આરે ઊભી છે.
વીસમી પછી પેન્ડેમિક ને આર્થિક સ્થિતિની સાથે સાથે બાઈડન સમક્ષ સૌથી મોટું કામ દેશની પ્રજાને સાથે રાખવાનું છે. બાઈડને સતત સાથે મળીને કામ કરવાની હાકલ કરી છે. આ દિવસોમાં પત્રકારો સાથે વાત કરતાં તેમણે મહાભિયોગની વાત ચાહીને ટાળેલી. તે સારી પેઠે જાણે છે કે ટ્રમ્પની સત્તાની ફેરબદલીમાં આડેડાઈને કારણે તેમનું કામ મોડું ચાલે છે. આવતાં થોડાં અઠવાડિયાઓમાં તેમને પોતાની કેબિનેટના સભ્યોની મંજૂરી માટે રિપબ્લિકન સેનેટર્સની જરૂર છે. તેથી તેમણે મેકકેનોલ સાથે સંઘર્ષ ટાળ્યો છે. ઊલટાનું, જાહેરમાં તેમની પ્રશંસા કરી છે.
છઠ્ઠી જાન્યુઆરીના બનાવ અને ટ્રમ્પનાં જુઠ્ઠાણાંની બાજી છતાં ૨૦૨૦ની ચૂંટણીમાં બાઈડન ૮૦ લાખ મતે જીત્યા છે તે વાત ભુલાઈ જાય છે. આ નાનીસૂની ઘટના નથી. લોકતંત્રના પાયમાં અંતે તો પ્રજાની હિસ્સેદારી મહત્ત્વની હોય છે. ટ્રમ્પ અવારનવાર બોલતા રહ્યા છે કે તેમને ૭૪૦ લાખ મત મળ્યા છે. પણ બાઈડનને ૮૧૦ લાખ ઉપર મત મળ્યા છે. ટ્રમ્પના ૪૬.૯ ટકા સામે બાઈડનને ૫૧.૪ ટકા મતો મળ્યા છે.
છેલ્લે, અમેરિકાના સ્પિરિટની એક વાત. છઠ્ઠી તારીખે ટ્રમ્પ સમર્થકોએ કેપિટલ બિલ્ડિગમાં જે તોડફોડ કરી તે પછી વહેલી સવારે ન્યૂજર્સીના ડેમોક્રેટિક સાંસદ એન્ડી કિમ બિલ્ડિંગમાં ચારેબાજુ જે કચરો વેરાયેલો તે વીણતા દેખાયા હતા. તેમણે કહ્યું કે તમને જે પ્રિય હોય તેવી વસ્તુ ભાંગી જાય તો તમારું કર્તવ્ય છે કે તમે તેને જોડો, સાંધો. અમને કેપિટલ પ્રિય છે. આ સુંદર ભવન ને તેનો ઘુમ્મટ કેટલાં સુંદર છે. તેને અસ્વચ્છ કેમ રાખી શકાય …
અમેરિકા ફરી આવા સાંસદોને કારણે બેઠું થઈ શકશે, કોઈ ટ્રમ્પ આ દેશદાઝ નહીં તોડી શકે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2021; પૃ. 05-06