કેન્દ્રમાં નાયબ વડા પ્રધાન અને રાજ્યોમાં નાયબ મુખ્ય મંત્રીના પદ બંધારણીય નહીં, પણ રાજકીય છે. તાજેતરમાં બિહારમાં સત્તાનશીન થયેલા નીતિશ કુમાર મંત્રીમંડળમાં બે નાયબ મુખ્ય મંત્રીઓ સમાવવા પડ્યા છે. સંસદીય પ્રણાલીમાં વડા પ્રધાન કે મુખ્ય મંત્રીનું પદ કેબિનેટના બધા સમાન મંત્રીઓમાં પ્રથમ સ્થાન ધરાવનારનું છે. પરંતુ તે પછી કોઈ બીજા, ત્રીજા, ચોથા સ્થાનની જોગવાઈ નથી. એટલે નાયબ વડા પ્રધાન કે નાયબ મુખ્ય મંત્રીના હોદ્દાઓ બંધારણીય રીતે સ્થાપિત થયેલા નથી, રાજકીય સગવડ માટે ઊભા કરેલા છે. ગઠબંધન સરકારોમાં રાજકીય સ્થિરતા અને સત્તા જાળવવા માટે તથા અન્ય બહુમતી સરકારોમાં સત્તાના દાવેદારોના રાજકીય તુષ્ટિકરણ માટે આ હોદ્દાઓ પર નિમણૂક થાય છે.
લાલકૃષ્ણ અડવાણી ભારતના અત્યાર સુધીના છેલ્લા અને સાતમા નાયબ વડા પ્રધાન છે. આઝાદી પછીના પહેલા નહેરુ મંત્રીમંડળમાં સરદાર પટેલ ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭થી ૧૫મી ડિસેમ્બર સુધી દેશના પહેલા નાયબ વડા પ્રધાન હતા. મોરારજી દેસાઈ ઇંદિરા ગાંધીના, ચૌધરી ચરણ સિંઘ અને જગજીવન રામ મોરારજીભાઈના, વાય.બી. ચૌહાણ ચરણ સિંઘના, દેવીલાલ વી.પી. સિંઘ અને ચન્દ્રશેખરના અને અડવાણી અટલ બિહારી વાજપાઈના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર હતા.
દેશના ૧૬ રાજ્યોમાં આજે ૨૫ નાયબ મુખ્ય મંત્રીઓ છે. સૌથી વધુ પાંચ નાયબ મુખ્ય મંત્રીઓ આંધ્રમાં છે. કર્ણાટકમાં ૩, ઉત્તરપ્રદેશ, બિહાર અને ગોવામાં બે-બે નાયબ મુખ્ય મંત્રીઓ છે. જ્યારે અરુણાચલ પ્રદેશ, ગુજરાત, તમિલનાડુ, નાગાલેન્ડ, મણિપુર, મહારાષ્ટ્ર, મિઝોરમ, મેઘાલય, દિલ્હી, હરિયાણા અને ત્રિપુરામાં એક-એક નાયબ મુખ્ય મંત્રીઓ કાર્યરત છે. દેશના બે સૌથી મોટા રાજ્યો યુ.પી અને બિહાર, તો પૂર્વોત્તરના છ રાજ્યોમાં નાયબ મુખ્ય મંત્રીઓ હોવાનું કારણ માત્ર અને માત્ર સત્તા જાળવવાનું અને રાજકીય જરૂરિયાત સંતોષવાનું છે. સૌથી વધુ નાયબ મુખ્ય મંત્રીઓ બી.જે.પી.ના છે. ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં સ્પષ્ટ બહુમતી છતાં મુખ્ય મંત્રી પદના અન્ય દાવેદારોને રાજી રાખવા, હરિયાણામાં ગઠબંધનના સમર્થક પક્ષને સત્તામાં ભાગીદારી આપવા તો બિહારમાં ગઠબંધન સરકાર પર અંકુશ રાખવા ભા.જ.પા.એ નાયબ મુખ્ય મંત્રીના પદ આપ્યા છે અને મેળવ્યા છે.
નાયબ મુખ્ય મંત્રીનું પદ આપવાનું એક કારણ પ્રદેશનું જાતિગત પ્રતિનિધિત્વ સાચવવાનું પણ છે. આંધ્રના મુખ્ય મંત્રી જગન રેડ્ડીએ દેશમાં સૌથી વધુ પાંચ ધારાસભ્યોને ડેપ્યુટી સી.એમ. બનાવ્યા છે તેનું કારણ રાજ્યનું જાતિ સંતુલન જાળવવાનું જણાવે છે. આંધ્રના પાંચ નાયબ મુખ્ય મંત્રીઓ દલિત, આદિવાસી, ઓ.બી.સી., માઈનોરિટી અને કાપૂ છે. આ પાંચેય જાતિ, વર્ગ કે ધર્મ સમૂહને પ્રતિનિધિત્વ આપવા કે તેમના વોટ અક્બંધ રાખવા નાયબ મુખ્ય મંત્રીઓ બનાવ્યા છે. બી.જે.પી. શાસિત કર્ણાટકના ત્રણ નાયબ મુખ્ય મંત્રીઓ લિંગાયત, વોક્કાલિંગા અને દલિત સમાજના છે. બિહારના બે નાયબ મુખ્ય મંત્રીઓમાં એક વૈશ્ય અને બીજા અતિ પછાત છે. યુ.પી.ના બેમાં એક પછાત અને બીજા બ્રાહ્મણ છે. ત્રિપુરામાં આદિવાસી ધારાસભ્યને નાયબ મુખ્ય મંત્રીનું પદ આપ્યું છે. આંધ્ર, કર્ણાટક અને ગોવામાં દલિતોને ડેપ્યુટી સી.એમ.નું પદ આપવામાં આવ્યું છે. બિહાર અને આંધ્ર એ બે રાજ્યોમાં મહિલા નાયબ મુખ્ય મંત્રીઓ છે.
મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકારમાં એન.સી.પી.ના નાયબ મુખ્ય મંત્રી છે. કૉન્ગ્રેસ શાસિત પંજાબ, છત્તીસગઢ, પંડુચેરી અને રાજસ્થાનમાં, બી.જે.પી. શાસિત મધ્ય પ્રદેશ, હિમાચલ, ઉત્તરાખંડ અને અસમમાં પૂર્ણ કે પાતળી બહુમતી છતાં, હાલમાં કોઈને નાયબ મુખ્ય મંત્રી બનાવ્યા નથી. ગોવા અને કર્ણાટકમાં પક્ષપલટો કરી સરકાર ટકાવનારને નાયબ મુખ્ય મંત્રી બનાવ્યા છે. તમિલનાડુમાં સત્તાપક્ષના બંને જૂથોએ સી.એમ., ડેપ્યુટી સી.એમ.ના પદ વહેંચી લીધા છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર રચાઈ ત્યારથી જ નાયબ મુખ્ય મંત્રીનું પદ છે. હાલના તમામ નાયબ મુખ્ય મંત્રીઓમાં દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયા સૌથી લાંબા સમયથી અને બિહારના તારકિશોર પ્રસાદ અને રેણુદેવી સૌથી ઓછા સમયથી આ પદ પર છે.
સ્વતંત્ર ભારતની પહેલી સરકારમાં સરદાર પટેલ દેશના પહેલા નાયબ વડા પ્રધાન હતા તો આઝાદી પૂર્વેની પ્રાંતિક સ્વરાજની બિહાર સરકારમાં અનુગ્રહ નારાયણ સિન્હા દેશના પહેલા નાયબ મુખ્ય મંત્રી હતા. બિહારના કર્પૂરી ઠાકુર અને પશ્ચિમ બંગાળના જ્યોતિ બસુ મુખ્ય મંત્રી બન્યા પહેલાં નાયબ મુખ્ય મંત્રી હતા. કૉન્ગ્રેસે રાજસ્થાનમાં સચિન પાઈલટની મુખ્ય મંત્રી પદની દાવેદારી બાજુ પર રાખી તેમને નાયબ મુખ્ય મંત્રી બનાવ્યા હતા, પરંતુ પંજાબમાં નવજોત સિંઘ સિધ્ધુને બનાવ્યા નહોતા. કર્ણાટક-ગોવાની જેમ મધ્ય પ્રદેશની બી.જે.પી. સરકાર પક્ષપલટુઓના ટેકે બની છે પણ તેના મુખ્ય મંત્રીને નાયબ મુખ્ય મંત્રી આપ્યા નથી ! કર્ણાટકમાં તો ધારાસભ્ય નહોતા એવા લક્ષ્મણ સવાડીને નાયબ મુખ્ય મંત્રી બનાવ્યા છે. પંજાબમાં અકાલી-ભા.જ.પા. સરકારમાં બાદલ પિતાપુત્રે સી.એમ. ડેપ્યુટી સી.એમ.નું પદ વહેંચી લીધેલું. મણિપુરના આઈ.પી.એસ. અધિકારી યુમનામ જય કુમાર સિંઘ રાજ્યના પોલીસ વડા હતા. તેઓ નિવૃત્તિ પછી રાજકારણમાં આવ્યા, ધારાસભાની ચૂંટણી જીત્યા અને સીધા જ નાયબ મુખ્ય મંત્રી બની ગયા જો કે સત્તાકાંક્ષાને કારણે તેમણે બળવો કરી મુખ્ય મંત્રીને ઉથલાવવાનો પ્રયત્ન કરીને નાયબ મુખ્ય મંત્રીનું પદ ગુમાવ્યું હતું. રાજસ્થાનમાં સચિન પાઈલટનું પણ એવું જ થયું છે.
ગુજરાતના વર્તમાન નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ મુખ્ય મંત્રી પદના પ્રબળ દાવેદાર હતા. પરંતુ તેમને ડેપ્યુટી સી.એમ.ના પદથી સંતોષ માનવો પડ્યો છે. ગુજરાતના સૌથી લાંબા સમયથી નાયબ મુખ્ય મંત્રીનુ પદ સંભાળતા રાજકારણી તેઓ બની રહ્યા છે. અગાઉ ગુજરાતમાં ચીમનભાઈ પટેલ મંત્રી મંડળમાં કાંતિલાલ ઘીયા અને છબીલદાસ મહેતા મંત્રીમંડળમાં સી.ડી. પટેલ અને નરહરિ અમીન નાયબ મુખ્ય મંત્રીઓ હતા. નીતિનભાઈ ગુજરાતના ચોથા ક્રમના નાયબ મુખ્ય મંત્રી છે.
કોઈ પણ પ્રકારના બંધારણીય આધાર વિનાના આ પદમાં ન તો કોઈ વિશેષ સત્તાઓ મળે છે કે ન તો આર્થિક સગવડો મળે છે. અરે ! આ પદના નામે સોંગદ પણ લઈ શકાતા નથી. ૧૯૮૯માં વી.પી.સિંઘના મંત્રીમંડળમાં દેવીલાલનો સમાવેશ નાયબ વડા પ્રધાન તરીકે કરવામાં આવ્યો ત્યારે તત્કાલીન રાષ્ટ્રપતિની સતત ટકોર છતાં દેવીલાલે ધરાર નાયબ વડા પ્રધાનના પદના સોંગંદ લીધા હતા. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, ત્યારે એટર્ની જનરલે આવું કોઈ પદ બંધારણમાં ન હોવાનું અને તેને કોઈ સત્તાઓ પણ ન હોવાનો ખુલાસો કોર્ટમાં કર્યો હતો. નાયબ વડા પ્રધાન કે નાયબ મુખ્ય મંત્રી મારફતે વડા પ્રધાન કે મુખ્ય મંત્રીને ફાઈલો મોકલવામાં આવતી નથી. મુખ્ય મંત્રીની ગેરહાજરીમાં તેઓ કેબિનેટની બેઠકનું અધ્યક્ષ પદ પણ સંભાળી શકતા નથી .સરકારી જાહેરખબરોમાં તેમની તસ્વીર પણ છાપી શકાતી નથી.
૧૯૬૭માં બિનકોંગ્રેસવાદનો વાયરો ફૂંકાયો અને રાજ્યોમાં વિપક્ષી સરકારો સત્તામાં આવી ત્યારથી નાયબ મુખ્ય મંત્રીના પદનું ચલણ વધ્યું હતું. ૧૯૬૭ની લોકસભા ચૂંટણી પછી મોરારજી દેસાઈએ ઇંદિરા ગાંધી પાસે , ‘તમારા વતી હું અધિકારથી બોલી શકું તો જ હું તમારી સાથે પ્રધાન મંડળમાં જોડાઈ શકું મને નાયબ પ્રધાન મંત્રીનું પદ આપવામાં આવે તો જ એ શક્ય બને’. (મારું જીવનવૃત્તાંત, ભાગ બીજો, પૃષ્ઠ – ૪૭૫) એમ કહીને નાયબ વડાપ્રધાન પદ મેળવ્યું હતું. જો કે આત્મકથામાં મોરારજીભાઈ ‘નાયબ પ્રધાન મંત્રીનું સ્થાન બીજા મંત્રીઓ કરતાં ઊંચું અને એનું મહત્ત્વ પણ વધારે હોવાનું’ જણાવીને એમ પણ કહે જ છે કે ‘નાયબ પ્રધાન મંત્રી બીજા મંત્રીઓને હુકમ ન કરી શકે, પરંતુ સલાહ જરૂર આપી શકે. પણ એ સલાહ માનવી કે નહીં તે મંત્રીઓની મુનસફીની વાત છે.’ ૨૯મી જૂન ૨૦૦૨ના રોજ ભારતના સાતમા નાયબ વડા પ્રધાન બનેલા અડવાણીને મતે આ પદ ‘જનતાની નજરે અને મારા પ્રધાન મંડળના સાથીઓની નજરે જવાબદારી વધી’ જેવું હતું. આ સઘળી બાબતો એ પુરવાર કરે છે કે આ પદને કોઈ બંધારણીય આધાર ન હોવા છતાં રાજનેતાઓ તેને સત્તાનું, જવાબદારીનું, ઊંચું અને મહત્ત્વનું માની બેઠા છે.
(તા.૦૬-૦૧-૨૦૨૧)
e.mail : maheriyachandu@gmail.com