આઝાદી પછી આ પહેલો ગણતંત્ર દિવસ હતો જ્યારે રાજધાની દિલ્હીમાં બે પરેડ થઈ – એક હરહંમેશ થતી સરકારી પરેડ, બીજી કિસાનોની ટ્રૅક્ટર પરેડ. કોણે ધાર્યું ‘તું કે ૭૨મા ગણતંત્ર દિવસ સુધી પહોંચતાં પહોંચતાં દેશ આ રીતે વહેંચાયેલો માલૂમ પડશે? આજે તે કિસાનો અને બિનકિસાનોમાં જ નહીં, પક્ષ અને વિપક્ષમાં જ નહીં, લોક અને તંત્ર વચ્ચે જ નહીં, તનમનથી એટએટલે ઠેકાણે વહેંચાયેલ છે કે તમે એનો વિચાર કરતાં ગભરામણ અનુભવવા લાગો. તિરંગો પણ એક નથી રહ્યો. જો એ એક રહ્યો હોય તો કોઈ બીજા ઝંડા લઈ લાલ કિલ્લા પર ચડવાની જરૂરત જ કેમ પડી?
આઈ.ટી.ઓ. ચાર રસ્તે ઉત્તર પ્રદેશના ભાવાવેશથી કાંપતા કિસાન સતનામસિંહે આ સ્તો કહેવાની કોશિશ કરી હતી : “તમે જ કહો, જો આ ગણતંત્ર કહેવાતું હોય તો ક્યાં છે ગણ? અમને અમારી રાજધાનીમાં રોકનારા કોણ છો તમે? અમે જ તમને બનાવ્યા છે, આવતી કાલે અમે જ કોઈ બીજાને બનાવીશું તો તમે તો નહીં રહો, પણ અમે તો હોઈશું જ. તમે અમારા અસ્તિત્વને જ નકારવા ચાહો છો? … તમે અમને બેરોકટોક આવવા દીધા હોત તો આવો ઉત્પાત થાત જ શેનો. અમે જો અહીં બેરોકટોક પહોંચી ગયા હોત તો વિમાસણમાં જ પડી ગયા હોત કે અહીં આવીને કરવું શું ? અહીં પહોંચીને અમે કરીકરીને એવું તો શું કરી લેવાના હતા? પણ તમે તો અમને રોકીને, અમારાં ટ્રૅક્ટર તોડીને, અમારી ગાડીઓના કાચ ચૂરચૂર કરીને, અમારા પર લાઠીઓ વરસાવીને, અમને વળતાં એવાં કામ ઝલાવી દીધાં જેને માટે હવે તમે અમારી વિરુદ્ધ પ્રચાર કરાવી રહ્યા છો!” ભાવુક થઈ સતનામસિંહ બોલતા રહ્યા : “ઉત્તર પ્રદેશમાં હિંદુઓ અને શીખો વચ્ચે ફાટ પાડવામાં તમે કશું બાકી નથી રાખ્યું. હિંદુઓના મનમાં એવું ઝેર રેડવાની કોશિશ કરી કે કિસાન આંદોલનનું ઓઠું લઈ અમે ખાલીસ્તાન બનાવીશું. અમે તો હિંદુ ભાઈઓને લાખ લાખ ધન્યવાદ દઈએ છીએ કે એમણે આ ઝેરને ચિત્તમાં સ્થાન નથી આપ્યું. ખરેખર તો આંદોલનની સૌથી મોટી તાકાત જ એ છે કે હિંદુ-શીખ-મુસ્લિમ-પારસી-દલિત સૌને એણે જોડ્યા છે અને એક મંચ પર આણ્યા છે. ભૈસાબ, હું કહું છું કે અમારાં મક્કા-મદીના, કાબા-કૈલાસ, ખાલીસ્તાન બધું આ હિંદુસ્તાન છે. અમે ન તો એ સિવાય કશું ઈચ્છીએ છીએ, ન તો કશું માંગીએ છીએ.”
કિસાન સંગઠનોએ સમાંતર ટ્રૅક્ટર રેલીની જાહેરાત કરી હતી અને ભારે સાવધાનીપૂર્વક એ માટેની તૈયારી પણ કરી હતી. પણ એમને ય એવો અંદાજ નહોતો કે કેટલા કિસાન, કેટલાં ટ્રૅક્ટર સાથે આવી લાગશે. સરકારને પણ અંદાજ નહોતો કે કિસાન આંદોલનનાં મૂળિયાં કઈ હદે ઊંડે ગયેલાં છે. એટલે આંદોલન અને સરકાર બેઉ ગણતંત્ર દિવસની સવારે આંખો ચોળતાં ઊઠ્યાં તો સૂરજ માથે ચડી ગયો હતો. દિલ્હી-ગાઝીપુર સીમાએ એકત્ર થયેલ કિસાન જમાવડો દિલ્હી પોલીસ સાથેની સમજૂતી તોડીને નીકળી પડ્યો હતો. એણે ન તો નિર્ધારિત સમયનું પાલન કર્યું, ન તો નિર્ધારિત રસ્તાનું. ને સીધો દિલ્હી ભણી વળી ગયો. એક ટોળી આમ વળી ગઈ તો બીજી ટોળીઓએ પણ વગર વિચાર્યે એમ કર્યું … આનેસ્તો ભીડ કહે છે ને!
જેને ટ્રૅક્ટરોનો કાફલો કહેવાય છે તે શું ને કેવો હશે એનો કોઈ પૂર્વાનુભવ ન તો કિસાનોને હતો, ન તો પોલીસોને. કિસાનોએ બે-ચાર-દસ ટ્રૅક્ટરોને ખેતરમાં જતાં જોયાં હોય તો હોય; અને પોલીસ બચાડી મહાનુભાવોના કાર કાફલાને જાણતી હોય. એટલે જ્યારે કિસાનોની ટ્રૅકટર રેલી દિલ્હીની સીમમાં દાખલ થઈ તો પોલીસ અધિકારીઓના ચહેરા પર અચરજ અને અવિશ્વાસ સિવાય કોઈ ખાસ ભાવ પણ નહોતો. ટ્રૅક્ટર તો શું, માનસિકતાની રીતે મીની ટૅંક જ કહોને, રસ્તા પર ચાલી રહ્યાં હતાં. રસ્તા પરનાં બેરિકેડ એવી રીતે ખડી રહ્યાં હતાં, જાણે કે પત્તાં. પોલીસે ખડા કરેલ અવરોધની આવી અવમાનના મીડિયાબંધુઓને બહુ વાગી અને એમણે એના પર એક સંદર્ભહીન પણ તીખી ટિપ્પણી કરી. મને તો રાજધાનીમાં આવી હર કોઈ ઘેરાબંધી હંમેશ કઠતી રહી છે, અને ગોબરી લાગતી રહી છે. આ વખતે કિસાનોએ તે તોડી પાડી એટલું જ નહીં પોલીસ ખાતાનો એ ભ્રમ પણ તોડી નાખ્યો કે પોલીસે ઊભો કરેલ અવરોધ અનુલ્લંઘ્ય જ હોય. લોખંડી રૂકાવટ હો કે કાનૂની, કોઈ પણ અવરોધ ત્યાં લગી જ મજબૂત રહી શકે છે અને એટલા જ મજબૂત હોય છે જ્યાં લગી લોક એને સ્વીકારે છે. એકવાર અવરોધ નકારી દીધો તો લોક એવરેસ્ટ પણ સર કરી શકે છે. સરકાર અને સંબંધિત સૌ આ સંદેશ યાદ રાખી શકે તો ગણ અને તંત્ર બેઉનું હિત થશે.
જો કે દિલ્હીના હૃદયસ્થળ રૂપ આઈ.ટી.ઓ. લગી પહોંચ્યા પછી રાજપથ અને લાલ કિલ્લે પૂગવા સારુ ખેડૂતોએ અને એમના ટ્રૅક્ટરોએ આંખ મીંચીને જે દોટ મેલી તે શરમજનક જ નહીં બેહદ ખતરનાક પણ હતી. કાયદો ને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેમના પર હતી તે પોલીસવાળાનું સંખ્યાબળ ને મનોબળ બેઉ ઓછાં હતાં. વળી નોકરિયાત અને આંદોલનકાર વચ્ચે મનોબળનો ફરક તો સાફ દેખાઈ આવતો હતો. સાચા આંકડા તો પોલીસ ખાતું જ આપી શકે પણ નાખી નજરે ૫૦૦-૭૦૦ આંદોલનકારોએ સરાસરી એક પોલીસ પણ કદાચ નહોતો.
સંખ્યા વચ્ચેની આ વિષમતા જોતાં પોલીસ કારવાઈ બેઅસર રહેવાનો સંભવ સાફ હતો. તેમ છતાં, અહીં એટલું પણ ઉમેરવું જોઈએ કે પોલીસ અધિકારીઓએ સંયમ જાળવીએ સમજદારીભર્યો ફેંસલો લીધો અને ઉન્મત્ત કિસાનોને ઠીકઠીક મનમાની કરવા દીધી. નહીં તો, આઈ.ટી.ઓ. ચોક ખાતે ગણતંત્ર દિવસ ૪ જૂન ૧૯૮૯ના રોજ બૈજિંગના ટાઈનામેન ચોકની યાદ આપતો બની રહ્યો હોત.
આનો અર્થ એ નથી કે જે હાલત રાજધાનીમાં પેદા થવા દેવાઈ તેની આપણે પ્રશંસા કરવી. ૨૦૨૦ના જૂન મહિનાથી કિસાન આંદોલન ઊંડા શ્વાસ ભરતું હતું અને છેલ્લા સાઠ દિવસથી એનું તાપમાન ગર્જનવત્ અનુભવાતું હતું. દિલ્હી પ્રવેશના સઘળા રસ્તા પર કિસાનોએ કિસાનનગરી વસાવી દીધી હતી : એક કિલ્લેબંધી સરકારી નિર્દેશ મુજબ પોલીસોએ કરી રાખી હતી તો બીજી કિસાનોએ. કોઈ પણ રાજધાની આ રીતે પ્રભાવહીન શાસકો અને નાસમજ વહીવટકારોને ભરોસે કેવી રીતે છોડી શકાય ? સર્વોચ્ચ અદાલતે પણ, કેવી રીતે કામ લેવું તે પોલીસે નક્કી કરવાનું છે કહીને હાથ ઊંચા કરી દીધા હતા. ખબરદાર, તમે બંધારણીય મર્યાદા તોડી તો એટલું તો કમસેકમ કહેવું જ જોઈતું હતું. ગમે તેમ પણ, કિસાનો કોઈ પણ નિર્ણય લેવાની સરકારની અક્ષમતા સમજી ગયા હતા. વાતચીતનાં દસ રાઉન્ડ દરમિયાન એમણે જોઈ લીધું કે સરકાર પાસે કશી સૂઝ નથી. કોણે કોનું ખાધું, ન ખાધું, શું ખાધું, હવે આગલી બેઠક ક્યારે, એ સિવાય કશું આગળ ચાલ્યું નહીં. કિસાનોએ પહેલેથી છેલ્લે સુધી એક જ વાત કહી કે ત્રણે કાયદા પાછા લો અને અમને ઘરભેગા થવા દો. કાયદા પાછા નહીં ખેંચવા સબબ સરકાર પાસે કોઈ તર્ક નહોતો. વળી નકલી સંગઠનો આગળ કરવાની અને વડા પ્રધાન જાણે અલાદીનના જાદુઈ ચિરાગનો જીન હોય એવી છાપ આપવાની સત્તાવાર કોશિશ હતી.
પરિણામે ૨૬મીએ શું બન્યું? કિસાનોનો દિશાહીન જમાવડો અને એના પર લાઠી ને ટિયરગેસ વરસાવતી પોલીસ. કિસાનોએ પણ હાજર સો હથિયારની રીતે પોલીસ પર વળતો હુમલો કર્યો એ સાચું – પણ એવા કિસ્સા પણ વાસ્તવમાં આંગળીને વેઢે ગણાય એટલા જ હતા. મારપીટ થઈ, પોલીસ ગાડીઓના કાચ તૂટ્યા પણ ક્યાં ય બાળઝાળ ન થઈ, ગાડીઓ ન બળાઈ. સ્થળે સ્થળે એવા અનુભવી કિસાનો પણ મળી રહ્યા જે ઉન્મત્ત જુવાનોને વારતા હતા.
થાકેલા ને વળી ભરમાયેલા કિસાનોએ લાલકિલ્લા જતી સડકને કિનારે ટ્રૅક્ટરો ખડાં કરી દીધાં હતાં. સંગરુરથી આવેલા એક કિસાનને મેં પૂછ્યું : “શું થયું, ભાઈ! આવો તો કોઈ કાર્યક્રમ નહોતો!” એણે કહ્યું : “લાલ કિલ્લા પર ઝંડો લહેરાવવાનો તો કાર્યક્રમ હતો જ”. મેં કહ્યું કે હું જાણું છું ત્યાં સુધી તો શહેરમાં પ્રવેશ નહીં કરવાનો ને શાંતિથી નિશ્ચિત સ્થળે પણ ફરવાનો કાર્યક્રમ હતો. એવું ન કરી આંદોલને પોતાના પગ પર કુહાડી મારી છે. મારી આ ટિપ્પણી પર સામાન્ય સંજોગોમાં આક્રમક પ્રતિભાવ અપેક્ષિત હતો પણ એણે મારી વાત શાંતિથી સાંભળી લીધી. ભલે એ બોલ્યો કશું નહીં પણ સહમતિમાં માથુયે હલાવતો રહ્યો.
ગાઝીપુરના કિસાન જમાવડાનું એક જૂથ જેને સતનામસિંહ પન્નુ જૂથ કહેવાતું હતું તેમ જ દીપ સિધ્ધુ જેવા એકબે જૂથ જ જુદો રાગ આલાપતા હતા. આ એક મોટી ભૂલ થઈ એમ જ કહેવું જોઈશે, કેમ કે સંયુક્ત કિસાન મોરચાએ એમને પોતાનાથી અલગ વિધિવત્ જાહેર નહોતા કર્યા. અલબત્ત આ જૂથો પણ એટલાં તો પ્રામાણિક હતાં જ કે એમણે કિસાન મોરચા સાથેની પોતાની અસહમતિ છુપાવી નહોતી. પોલીસ સાથેની સમજૂતી પણ એમને કબૂલ નહોતી. એમણે આંદોલન અને પોલીસ બેઉને કહી દીધું હતું કે અમે બંધાયેલા નથી : “અમે ૨૬મીએ દિલ્હીમાં પ્રવેશીશું અને લાલ કિલ્લા જઈશું.” સંયુક્ત કિસાન મોરચાએ એમની આ રૂખની ખબર દેશને આપવી જોઈતી હતી અને પોલીસને પણ લેખી જાણ કરવી જોઈતી હતી. આમ ન થયું તે આંદોલનની ભૂલ હતી.
પ્રશાસનની ભૂલ એ થઈ કે એણે ૨૬મીના કાર્યક્રમ સાથે કામ પાડવાની કોઈ અલગ યોજના બનાવી નહોતી. એવું તો નથીને કે આંદોલનકારીઓ અને સરકાર બેઉના મનમાં ચોર હતો કે અલગ પડતા જૂથને પરિણામે આપણે ‘ક્લિક’ થઈ જઈશું – કાં તો આંદોલન ‘સફળ’ થશે કે પછી પોલીસ!
૨૬મીએ બધી ચેનલોએ અને છાપાંએ કહેવુંલખવું શરૂ કરી દીધું કે આંદોલન ભટકી ગયું છે. એનો ખરો ચહેરો ખુલ્લો પડી ગયો છે. ૨૭મીએ પણ આ વાજાં ચાલુ રહ્યાં. પણ કોઈને એટલું કહેવું કે લખવું ઠીક ન લાગ્યું કે દુનિયાભરમાં ‘ક્રાંતિ’ આમ જ થતી આવી છે. રક્ત નહીં તો ક્રાંતિ કેવી ? ફ્રાન્સ ને રશિયાની ક્રાંતિઓનાં ગીત ગવાય છે પણ એમાંયે શું થયું હતું? એ તો ગાંધીએ આવીને આપણને બીજો રસ્તો બતાવ્યો. એટલે સ્તો કિસાન આંદોલનની ટ્વેન્ટી ટ્વેન્ટી શૈલી અંગે આપણને પ્રશ્ન રહે છે. પણ જો ગાંધીની જ કસોટી પ્રિય હોય તો સરકાર અને એના સમર્થકો પોતાને એ કસોટીએ કેમ નથી મૂલવતા? સૌથી પહેલાં શરદ પવારે આ સમગ્ર ચિત્ર આપણી સામે મૂક્યું અને કહ્યું કે જે બન્યું એની જવાબદારી સરકારની છે. ગાંધીએ એકથી વધુ વાર અંગ્રેજોને કહ્યું હતું કે જનતાને હિંસા વાસ્તે મજબૂર કરવાના અપરાધી આપ છો.
લાલ કિલ્લા પર ખાલસા પંથનો ઝંડો લગાવાયો એ ખોટું જ થયું. કાં તો એ કોઈની નાદાની હતી કે પછી કોઈ એજન્ટની ચાલ, જે પણ હોય, આંદોલને પૂરી તપાસ અને જવાબદારી સાથે આ મુદ્દે બહાર આવવું જોઈએ. જો કે આ ઝંડો (નિશાન સાહેબ) લગાવાતો હતો ત્યારે નીચેના કિસાન સમુદાયમાંથી એનો વિરોધ કરનારાઓ પણ સ્પષ્ટ જણાઈ આવતા હતા. એક ગાઝીપુર સરહદ બાદ કરતાં બાકી બધા કિસાન જથ્થા શાંતિમય ને નિયમબદ્ધ પેશ આવ્યા. દેશમાં અન્યત્ર પણ એના સમર્થનમાં યોજાયેલ કાર્યક્રમો શાંતિમય રહ્યા. શું કિસાન આંદોલનને આપણે એ માટે શ્રેય નહીં આપીએ?
આ નોંધ લખાઈ રહી છે ત્યારે સડકો સૂની છે. અહીં તહીં કોઈ ટ્રૅક્ટર પડ્યાં હોય તો ભલે. સડકો પર લાઠી ને હથિયારધારી પોલીસનો કબજો છે. ફ્લૅગ માર્ચ જારી છે … જીવનનો પ્રાણવાયુ નહીં પણ આંતકની હવા!
૨૭-૧-૨૦૨૧
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2021; પૃ. 01-02 તેમ જ 17