વતન છોડીને દેશાંતર કરવાની પ્રક્રિયા જ્યારે આટલી સહજ અને સરળ નહોતી ત્યારે, એટલે કે આજથી ત્રણ-ચાર દાયકા ઉપર મુંબઈથી વિલાયત જવું, અને તે પણ પોતે ગર્ભવતી હોય એ સ્થિતિમાં ! આવી સ્થિતિમાં જ્યારે નવા વાતાવરણમાં સાવ એકલપંડે જઈને ઠરીઠામ થવાનું આવે, ત્યારે કોઈ પણ સ્ત્રીની મનઃસ્થિતિ કેટલી દ્વિધાઓથી યુકત અને સંદિગ્ધ હશે એની કલ્પના કરવી અશક્ય નથી. લંડનમાં રહીને ડાયસ્પોરા ગુજરાતી સાહિત્યક્ષેત્રે શાંત સૂરે પોતાનું આગવું પ્રદાન કરી રહેલા કર્મશીલ વિપુલ કલ્યાણીનાં પત્ની તે કુંજ કલ્યાણી. ભાતીગળ રંગોથી ભર્યોભર્યો એમનો જીવનપ્રવાહ એમના જેવી અસંખ્ય ગુજરાતી પ્રવાસિનીઓની સમાયોજનશક્તિનું જીવંત દૃષ્ટાંત છે. અલ્પભાષી અને મૃદુભાષી કુંજ કલ્યાણીની આ સહજ વાતોમાં અનુભવજન્ય આત્મવિશ્વાસ અને સમજણનો રણકો સંભળાશે. તેમનો પૂર્ણ પરિચય આ મુલાકાત જ આપશે. …
પ્રશ્ન : કુંજબહેન, વતન મુંબઈને છોડીને વિલાયત કયા સંજોગોમાં જવાનું થયું ?
જવાબ : વિપુલ અને હું કોલેજમાં સાથે હતાં અને ત્યાં અમે મળ્યાં. અને ૧૯૬૮માં અમારાં લગ્ન થયાં. વિપુલ પાસે બ્રિટિશ પાસપોર્ટ હતો. અને લગ્ન પછી મારો પણ પાસપોર્ટ થયો અને એ એક કારણ થયું કે હું પણ પરદેશ જાઉં. ભારતમાં તો ઘણું ફરી હતી કારણ કે નોકરી કરતી હતી. બ્રિટનમાં ૧૯૭૨માં પહેલીવાર આવી ત્યારે મને સાત મહિનાનો ગર્ભ હતો.
પ્રશ્ન : વિદેશ જતાં ઉખડ્યાની લાગણી થયેલી ?
જવાબ : ના, કારણ કે એ એક સમજણપૂર્વકનો નિર્ણય હતો. પરદેશ જવું છે એ નિર્ણય જાતે કરેલો એટલે એવું નહોતું લાગતું, પણ હા, એકલતા ખૂબ સાલતી હતી. પણ પછી ધીમેધીમે એની પણ ટેવ પડતી ગઈ. બહુ શરૂઆતમાં એવું લાગતું હતું કારણ કે એક તો પ્રેગ્નન્ટ હતી, પહેલું બાળક હતું અને અહીંની જે ઠંડી હતી, કારણ કે હું ડિસેમ્બરમાં આવી. બરફ જોવાનું ગમતું હતું ખૂબ, પણ એનાથી એક થડકો લાગ્યો કે હું મુંબઈની ગરમી મૂકીને અહીં, આટલે દૂર, આટલી ઠંડીમાં આવી ગઈ. હું સૌ પ્રથમ હિથ્રો એરપોર્ટ પર ઊતરી અને સીધી લેસ્ટર ગઈ હતી. પછી જ્યારે લંડન ગઈ ત્યારે ત્યાંના અમુક રસ્તાઓ, અમુક મકાનો બધું જોઈને મુંબઈ ખૂબ યાદ આવેલું. મુંબઈનો કોલાબા, ફ્લોરા ફાઉન્ટન, બેલાર્ડ પિયર, એ વિસ્તારમાં જ્યાં હું પહેલાં કામ કરતી હતી એ બધી જગ્યાઓ સાથે લંડનનાં અમુક મકાનો જોઈને હું જોડાણ અનુભવતી હતી. પહેલા દિવસે હું એરપોર્ટ પર ઊતરી અને ઈમિગ્રેશન ઓફિસરે અંગ્રેજીમાં સવાલ પૂછ્યો. એણે પૂછ્યું કે તમને દુભાષિયાની જરૂર છે ? મેં કહ્યું કે હું અંગ્રેજી બોલું છું ત્યારે એને ખૂબ નવાઈ લાગી કે એક સાડી પહેરેલી ગુજરાતી મહિલા આ રીતે ખંચકાયા વિના સ્પષ્ટ અંગ્રેજી બોલી શકે છે. એ વખતે એમના મનમાં એવું ખરું કે ભારતથી આવતા લોકોને બરાબર અંગ્રેજી બોલતાં નથી આવડતું. એ જરાક ખૂંચ્યું હતું.
પ્રશ્ન : શરૂઆતના દિવસો કેવા હતા ? સંઘર્ષો પણ આવ્યા હશે.
જવાબ : સંઘર્ષો તો, આરાધનાબહેન, દરેકના જીવનમાં આવવાના જ, પછી એ લંડનમાં હોય એક મુંબઈમાં. સંઘર્ષ મને એટલા માટે લાગ્યો કે મારી પહેલી સુવાવડ મારાં નણંદનાં ઘરમાં થયેલી. એમનું સયુંકત કુટુંબ, ઘરમાં પંદરેક માણસ, અને એમાં હું આવી. એ બંને જણ ફૂલ-ટાઈમ કામ કરે. મેં સુવાવડ પછી કામ શરૂ કર્યું અને એ પણ સાંજે પાચથી દસ. મારાં નણંદ કામ પરથી ઘરે આવે, કુન્તલને સંભાળે અને હું પાંચથી દસ વાગ્યા સુધી એક વૃદ્ધાશ્રમમાં વાસણ ધોવાનું કામ કરતી. ત્યાં એ લોકો શાકાહારી અને માંસાહારી બંને પ્રકારનું ખાવાનું પીરસતાં, એનાં વાસણો ધોવા પડતાં. રડવું આવતું. થતું કે મુંબઈ હતી અને નોકરી કરતી ત્યારે મારી નીચે કેટલા બધા માણસો કામ કરતાં અને અહીં મારે આવું કામ કરવું પડે છે. પણ મેં પહેલાં કહ્યું એમ કે એ મારો સ્વેચ્છાએ લીધેલો નિર્ણય હતો. બાળઉછેરનો મને કોઈ અનુભવ નહોતો અને નણંદનું સયુંકત કુટુંબ, પણ બધા પોતપોતાના કામમાં વ્યસ્ત. એટલે મને જેમ સમજણ પડે એમ હું કુન્તલને ઉછેરતી ગઈ અને અનુભવ મેળવતી ગઈ. મારું અને વિપુલનું પ્રેમલગ્ન હતું અને પાછું આંતરજ્ઞાતીય – હું જૈન અને વિપુલ બ્રાહ્મણ. અમારાં લગ્ન કાકા કાલેલકરે રજિસ્ટર પદ્ધતિથી કરાવેલાં. અમે ફેરા નહોતા ફર્યાં. લંડન આવીને ઘરઝૂરાપો લાગતો, પણ મેં વિપુલને અને મારા ઘરે પત્રલેખન કરવાનું રાખેલું. એ દિવસોમાં એર-લેટર લખતી કારણ કે કવર લખવાનું પોષાય નહીં, એટલે એર-લેટરમાં જેટલું લખાય એટલું ખીચોખીચ લખીને મોકલતી. અને ત્રણ-ચાર મહિને એક ફોન ત્રણ મિનિટ માટે કરવા મળે એમાં તો ‘કેમ છો, કેમ નહીં’ એટલું કહેવામાં જ સમય પસાર થઈ જતો. પછી થયું કે આમાં સંતોષ નથી થતો એટલે હું ઓડિયો કેસેટમાં રેકોર્ડીંગ કરતી. નેવું મિનિટની કેસેટ ભરીને ખૂબ બધું બોલતી અને કોઈ જતું-આવતું હોય એની સાથે મોકલી આપતી. પણ આ દરમ્યાન એ ઝૂરાપાને લીધે મારા પત્રો બહુ સારા લખાયા. હવે તો પત્રો લખવાના રહ્યા જ નથી. એ દિવસોમાં જે મનમાં આવતું, જે સ્ફૂરતું એ સુંદર રીતે વ્યક્ત કરી શકતી.
પ્રશ્ન : કુન્તલનો ઉછેર કરતાં કરતાં એક મા તરીકે શું અનુભવ્યું ?
જવાબ : મને મુશ્કેલી તો પડતી જ હતી. કોઈ અનુભવ નહોતો, કોઈ સપોર્ટ નહોતો. કુંતલના જન્મ પછી હું મુંબઈ ચાલી ગઈ હતી. હું ત્યાં કોમર્શિયલ બેન્કમાં નોકરી કરતી હતી. અને વિપુલ યુ.કે. આવી ન શકે એટલે હું પાછી મુંબઈ ગઈ હતી. અને પાછી ૧૯૭૫ના મે મહિનામાં કાયમી રીતે યુ.કે.માં વસવાટ કરવા આવી. ત્યારે પહેલાં એક મિત્રને ત્યાં અને પછી એક રૂમ ભાડે રાખીને અમે રહ્યાં. ત્યારે એક જ રૂમમાં અમે ત્રણ જણ અને અમારી સાથે બીજાં ત્રણ કુટુંબો રહેતાં. ખૂબ મુશ્કેલી પડતી કારણ કે કોઈ નાનું બાળક જોઈને રૂમ ભાડે આપે નહીં. પહેલાં કહે કે રૂમ ખાલી છે અને પછી નાનું બાળક જુવે એટલે કહે કે હમણાં જ ડિપોઝિટ લેવાઈ ગઈ છે, એવું આપણા લોકો પણ કરે. આ બધી મુશ્કેલીમાંથી આગળ વધ્યાં, અને એક શીખ કુટુંબે સાથ આપ્યો. ધીરેધીરે આગળ વધતાં ગયાં. એક રૂમમાંથી બીજી રૂમમાં, એમાંથી કાઉન્સિલના ફ્લેટમાં, પછી પોતાના ફ્લેટમાં, એમ પગથિયા ધીમે ધીમે ચડ્યાં. વિપુલે નોકરી કરવાની, હું પણ પાર્ટ-ટાઈમ નોકરી કરું, એટલે માતૃત્વ બહુ જ અઘરું તો લાગ્યું હતું. પણ સંઘર્ષ આપણને ઘણું શીખવે છે. હું કેરિયરમાં માનતી નહોતી એટલે જયારે કુન્તલ સ્કૂલે જાય ત્યારે હું થોડુંઘણું કામ કરી લેતી.
પ્રશ્ન : એટલે ત્યાં જઈને તમારે કારકિર્દીમાં ઘણી સમજૂતી કરવી પડી. જીવનની દિશા બદલાઈ ગઈ ?
જવાબ : હા, કારકિર્દી ઘણી બદલાઈ ગઈ. મુંબઈ યુનિવર્સિટીમાં મેં સમાજશાસ્ત્રમાં બી.એ.ની અૉનર્સ ડિગ્રી લીધી હતી. એ ડિગ્રીએ મને અહીં કંઈ જ કામ ન આપ્યું, સિવાય કે લોકો સાથેના વાતચીત-વ્યવહારમાં મને આત્મવિશ્વાસ મળ્યો. પણ એને લીધે મને એવું લાગ્યું કે હું કંઈ પણ કરતી એમાં મને આગળ બઢતી મળતી. મેં અહીં લાઈફ ઇન્શ્યોરન્સમાં કામ, કર્યું, રિટેઈલ દુકાનમાં કામ કર્યું, મેં ફ્યુનરલ ડાયરેકટરમાં પણ કામ કર્યું. એમાં જે મડદાંઓ હોય એને નવડાવીને-ધોઈને તૈયાર કરવાના, એમને સજાવીને એમનો મેઇક-અપ પણ કરવાનો થતો. એટલે એવું અસામાન્ય કહેવાય એવું કામ પણ મેં કર્યું છે. અને પછી તો મેં લોકલ અૉથોરિટીમાં – એટલે કે મ્યુિનસિપાલિટીમાં સત્તર-અઢાર વર્ષ કામ કર્યું. અને હવે છેલ્લાં અગિયાર-બાર વર્ષથી સિવિલ સર્વિસમાં કામ કરું છું. પણ એક વસ્તુ છે કે આ દેશમાં આવી છું ત્યારથી મેં સતત નોકરી કરી છે. મારી કરિયરમાં મેં ઘણું બધું જોયું અને દરેકમાંથી બહુ શીખી છું. મને એને માટે કોઈ અસંતોષ કે પશ્ચાતાપ નથી કે હું આવું ભણી અને મારે આવું કામ કરવું પડે છે. એ દરમ્યાન હું રેડિયોમાં બ્રોડકાસ્ટર તરીકે પણ કામ કરતી, હું ગુજરાતી પ્રોગ્રામ કરતી. અહીં બે ગુજરાતી કાર્યક્રમ ચાલતા હતા. મેં બ્રોડકાસ્ટિંગનો કોર્સ કર્યો. ઘરે બધી તૈયારી કરીને, લખીને પછી ત્યાં જવાનું. હું કાર્યક્રમ પ્રસ્તુત કરતી, વોઈસ-અોવર કરતી, સ્ક્રીપ્ટ લખતી. એટલે મેં જાતજાતનાં કામો કર્યાં. હું અહીં આવી ત્યારથી દુભાષિયાનું કામ કરું છું અને એ કામ મને બહુ જ સંતોષ આપે છે. હું હાઇકોર્ટ સુધીનું ઇન્ટરપ્રીટિંગ કરું છું, મોટે ભાગે વકીલો માટે અને એવી કંપનીઓ માટે. આ કામમાં મને સંતોષ મળે છે કારણ કે એમાં આપણા લોકોને કંઈક મદદ કરી શકું છું. અને અહીં મેં એનો ડિપ્લોમા પણ કરી લીધો હતો એટલે મને એમાં ખૂબ મજા આવે છે.
પ્રશ્ન : ભાષા – વાંચન-લેખનને લગતા અનેક ઉલ્લેખો તમે કર્યા. તમારો ભાષા-પ્રેમ ક્યાંથી વિકસ્યો ? લગ્ન પહેલાંથી એ હતો કે લગ્ન પછી એ વાતાવરણમાં આવ્યાં તેથી એ કેળવાયો ?
જવાબ : મુંબઈ, પિયરમાં હતી ત્યારે પણ વાંચવાનું તો હતું. મુંબઈમાં ગુજરાતી છાપાં અને સામયિકો વાંચતી. અહીં આવ્યા પછી પણ, એકે છાપું એવું નહીં હોય જે અહીં નહીં આવતું હોય. એ ઉપરાંત ઘણાં સામયિકો – કુમાર, અખંડ આનંદ, નવનીત-સમર્પણ, ભૂમિપુત્ર, એ બધું વાંચીને વાંચનશોખ સચવાઈ જાય છે. મને હળવું વાંચન ગમે છે, બહુ ઇન્ટેન્સ કે ગંભીર વાંચન હું બહુ નથી કરતી. સામાજિક મુદ્દાઓને આવરી લેતું વાંચન મને વધુ ગમે છે. અંગ્રેજી છાપાંઓ પણ વાંચું છું. એમાં સાંપ્રત વિષયો, આર્થિક-સામાજિક વિષયો મને વધુ ગમે છે. રાજકારણ ઓછું ગમે છે, પણ જ્યાં રાજકીય મુદ્દાઓની અસર સામાજિક જીવન પર પડતી હોય તે જોઈ લઉં છું, સમજવા પ્રયત્ન કરું છું.
પ્રશ્ન : સ્ત્રી અને પુરુષની દેશાંતર પ્રતિની પ્રતિક્રિયાઓમાં તમને કોઈ ફરક જણાયો છે ?
જવાબ : જરૂર ફેર છે. આપણે પુરુષની જે માલિકીની ભાવના કહીએ એ તો રહ્યું જ છે, આરાધનાબહેન. ખૂબ સૂક્ષ્મ રીતે તો ક્યારેક દેખીતી રીતે. પણ એ પુરુષપ્રધાન સમાજનું વલણ એ ભારતમાં કે કોઈ પણ દેશમાં રહ્યું જ છે. એને કારણે બહેનોએ હંમેશાં વધારે જતું કરવું પડ્યું છે. સ્ત્રીઓ સ્વાભાવિક રીતે જ એકથી વધારે કામો એકી સાથે કરી શકે છે, એને માટે એ બધું બહુ સહજ છે. સ્ત્રી એકી સાથે અનેક જવાબદારીઓ નિભાવી શકે છે – બાળઉછેર, ઘરનાં કામો, બહારનું કામ, સામાજિક સંબંધો અને વ્યવહાર સાચવવાના. એટલે એનું એ ‘જગલિંગ’ હંમેશાં ચાલતું જ હોય છે. અહીં આવીને એ બધું કરવાની આપ મેળે આવડત આવી ગઈ છે. અહીં આવીને શિસ્ત, વ્યવસ્થાશક્તિ એ બધું વધ્યું. દેશાંતરમાં પુરુષો અમુક રીતે બદલાયા છે, બાકી મોટે ભાગે નથી જ બદલાયા. અને બદલાયા હોય તો મોટેમોટેથી બાંગ પોકારે છે કે હું તો આમ કરું છું. એટલે પુરુષોનો જે અહં છે તે સહજપણે ક્યાંક તો બહાર આવી જ જાય છે. અને ક્યારેક બે અહં ટકરાતા હોય છે. હું જોઉં છું કે અહીંની ઘણી બહેનો હજુ પણ પુરુષો પર ઘણો આધાર રાખે છે. તે જ રીતે પુરુષ પણ દરેક બાબતે સ્ત્રી ઉપર વધારે આધાર રાખે છે, એટલે સ્ત્રીને ખીલવાનો અને ખૂલવાનો અવકાશ નથી રહેતો. સ્ત્રીઓમાં શક્યતાઓ જરૂર છે પણ ખૂલી શકતી નથી કારણ કે એના પર જાતજાતનાં બંધનો આવી જાય છે. એ બધામાંથી એ બહાર નીકળી નથી શકતી, અને જ્યારે એ નીકળે છે ત્યારે પુરુષ માટે એ જીરવવું મુશ્કેલ થઈ જાય છે. અહીં ભારતથી ભારતીયો આવ્યા છે, આફ્રિકાથી પણ ઘણા આવ્યા છે અને એ બધાનો ઉછેર જુદોજુદો છે. પણ બધાનું પુરુષપ્રધાન વલણ રહ્યું છે.
પ્રશ્ન : આટલા દાયકાઓ દરમ્યાન તમે ભારત સાથેનો સંબંધ કેવી રીતે નિભાવતાં આવ્યાં છો ?
જવાબ : સાડત્રીસ-આડત્રીસ વર્ષથી અહીં છું પણ લગભગ દર વર્ષે હું મુંબઈ જવાનું રાખું છું. ત્યાં મારું કુટુંબ છે અને મારે માટે ભારત એટલે મુંબઈ છે. ભારત ખૂબ બદલાયેલું લાગે છે પણ એને માટેનો લગાવ ઓછો થતો નથી. કયા કારણસર, તે ખબર નથી, પણ ભારત જવાનું મન થાય તો ખરું જ. એ એક ન સમજાવી શકાય એવો લગાવ છે. જ્યારે મુંબઈ ઊતરું ત્યારે એમ થાય કે હું રડી પડીશ. જયારે એરપોર્ટ પર વિમાન ટચ-ડાઉન થાય ત્યારે એવી ભાવના થાય છે. દરેકને વતનઝૂરાપો હોય જ છે તેમ એ મારી વતનઝૂરાપાની લાગણી હશે.
પ્રશ્ન : ક્યારેક ‘નહીં ઘરના અને નહીં ઘાટના’ જેવો ભાવ જાગ્યો છે ?
જવાબ : ના ક્યારે ય નહીં. કારણ કે અહીં આવવાનો નિર્ણય બહુ સમજપૂર્વક લીધેલો. મને તો અહીં આવીને મારી અમુક ટેલેન્ટ ખીલવવાનો અવકાશ મળ્યો, જે કોઈક કારણસર મુંબઈમાં નહોતો મળી શક્યો. અહીં આવ્યા પછી પણ મને સાસરા પક્ષમાંથી પૂરતી મોકળાશ મળી, એટલે એ રીતે હું ખૂબ નસીબદાર છું એમ કહી શકું. હા, અમુક એવી પ્રવૃત્તિ છે જે મારે કરવી હતી અને અહીં આવવાથી હું ન કરી શકી. દાખલા તરીકે મારે નાટકમાં કામ કરવું હતું, તે અહીં આવીને ન થઈ શક્યું. પણ હું રવિવારે અંધ લોકો માટે વાંચન કરું છું. અમે એને ટોકિંગ ન્યુઝપેપર – બોલતું છાપું, કહીએ છીએ. એ કામ હું છેક ૧૯૮૫થી નિયમિત કરતી આવી છું. દર ત્રીજા રવિવારે સ્ટુડિયોમાં જવાનું, રેકોર્ડિંગ કરવાનું, એમાં સમાચાર હોય, કોઈ સુંદર વાર્તા કે લેખ હોય. અહીં બ્રિટનમાં જે અંધ લોકો છે એમને એ રેકોર્ડિંગની નકલ મોકલવામાં આવે. તેવી જ રીતે હું જુદીજુદી સામાજિક સંસ્થાઓમાં સ્વયંસેવક તરીકે કામ કરું છું, ઓક્સ્ફેમ, કેન્સર રિસર્ચ , વગેરેમાં હું મદદ કરું છું.
પ્રશ્ન : ભારત અને વિલાયતના સંબંધો ઐતિહાસિક છે. અને એ રીતે ભારતની પ્રજા અંગ્રેજોને અમુક રીતે જુવે છે. તમારા એ પ્રજાના અવલોકનો અને અનુભવો કેવા છે ?
જવાબ : હું અહીં આવી ત્યારથી મને એક વાત ખૂંચતી હતી કે તમે કોઈ પણ એશિયનને મળો તો તમને પહેલો પ્રશ્ન પૂછે કે તમે કયાંના. જે પ્રશ્ન મને કોઈએ મુંબઈમાં કર્યો નહોતો, એ પ્રશ્ન મને અહીં આપણા જ લોકો દ્વારા વારંવાર પૂછાયો. જયારે અંગ્રેજ લોકોમાં મને એવું બધું દેખાતું નથી. એ લોકો પોતપોતાનામાં મસ્ત હોય છે. પણ દેશ તરીકે મને અહીંની અમુક વસ્તુ બહુ ગમે છે. એક તો અહીંની કન્ટ્રી-સાઈડ અને બીજું અહીંના લોકોનો ઝુંબેશ ચલાવવાનો સ્પિરિટ. કોઈ ઘટનાનો વિરોધ કરવા કે એને માટે જાગૃતિ કેળવવા આ લોકો જે રીતે સંગઠન કેળવીને અવાજ ઉઠાવે છે એ ખૂબ જ સુંદર છે. આપણા સમાજમાં એ આવતું જાય છે પણ જરા જુદી રીતે. આ લોકો પ્રશ્નને લઈને પદ્ધતિસર અને યોજનાપૂર્વક એને ઝુંબેશના રૂપમાં ફેરવે છે એ મને ખૂબ ગમે છે. અહીં કોઈ કુદરતી આપત્તિ આવી પડે કે કોઈક અકસ્માત થાય તો બધા ભેગાં મળીને સહાય કરે, પછી એ સ્વયંસેવકોને જે સન્માન મળે છે એ હજી આપણે ત્યાં વોલન્ટરી સેક્ટરમાં આવ્યું નથી.
પ્રશ્ન : તમે જે અનેક પ્રકારનાં કામો કર્યાં તેમાં એક ફ્યુનરલ ડાયરેક્ટરનું પણ હતું. આવું કામ કરતાં કરતાં જીવન જોવાની દૃષ્ટિ કેળવાઈ હશે.
જવાબ : હું ફ્યુનરલ ડાયરેક્ટરમાં કામ કરવા ગઈ તે પહેલાં હું એચ.આઈ.વી., એઈડ્ઝ પોઝિટિવના દર્દીઓને કાઉન્સેિલંગનું કામ પણ કરતી હતી અને એ પણ ગુજરાતી સમાજ માટે. ત્યારે લોકોને નવાઈ પણ લાગતી કે આપણા લોકોમાં એઈડ્ઝ ? હું કેટલીક સંસ્થાઓમાં જઈને વાર્તાલાપો આપતી કે આ પ્રશ્ન છે અને એને આપણે સ્વીકારવો જોઈએ. દર્દીઓના નંબર મને એજન્સી આપતી, એટલે કોઈ દર્દીઓનાં નામ-ઠામ જાણ્યા વિના મારે એમની સાથે વાત કરવાની થતી. અને મોટે ભાગે એમાં દર્દી જ બોલતો હોય છે કારણ કે સમાજમાં આવા લોકોની વાત કોઈ સાંભળતું નથી. જેમ પહેલાં રક્તપિત્તિયા જીવતા તેમ આ લોકો જીવતા હોય છે. એટલે મારે માટે એ એક રૂપરેખા બંધાઈ હતી કે આ લોકો ધીરે ધીરે મૃત્યુ તરફ જઈ રહ્યા છે. ત્યાર પછી ફ્યુનરલ ડાયરેક્ટરનું કામ આવ્યું. પચાસ વર્ષની ઉંમરે મને નોકરીમાંથી રિડન્ડન્સી મળી ત્યારે મને બહુ આંચકો લાગેલો. ત્યારે આ કામ મારા હાથમાં આવ્યું. એ કામ પડકાર જેવું લાગેલું પણ મને એમાં પણ આનંદ આવ્યો. થોડો મનમાં એ બાબતે વિરોધ હતો કે મડદાં ધોવાનાં ? પણ એ મેં શરૂ કર્યું. અને એમાંથી મને એમ થયું કે જીવતાં માણસો સાથે કામ કરવામાં તો એ માણસો આપણને કોઈકને કોઈક જાતની મુશ્કેલી ઊભી કરી શકે, પણ મડદાં તો શું કરી શકવાનાં ? એ કામ કરતાં કરતાં મારામાં જીવન-મૃત્યુનો ડર નીકળી ગયો. મને ઘણા પૂછતાં કે ડર નથી લાગતો ? પણ ના, મને કદી ડર નથી લાગ્યો.
પ્રશ્ન : આજકાલ અસંખ્ય યુવાનો-યુવતીઓ દેશાંતર કરીને વિદેશ જાય છે. તમારા પ્રલંબ અનુભવોના આધારે એમને શું કહેશો ?
જવાબ : હું એ લોકોને એટલું જ કહીશ કે તમે બધાં અલગ અલગ કારણોસર વિદેશોમાં આવ્યાં છો, અને જરૂર આવો. પણ આ દેશમાં અહીંના થઈને રહો. ત્યાંની જે ખરાબ ટેવો છે તે અહીં ન લાવો. મોટેથી બોલવાની, ગમે ત્યાં થૂંકવાની, ગમે તે રીતે ખાવાની, ગમે ત્યાં કચરો ફેંકવાની, એ બધી કુટેવો અહીં ન લાવો કારણ કે એને લીધે અહીંનો સમાજ આપણી સામે ખરાબ રીતે જુવે છે. અને એમાં જાતીય તણાવ વધતો જાય છે. હું જોઉં છું કે અત્યારે જે વર્ગ ભારતથી આવે છે તે એટલો બધો બિન્દાસ્ત વર્ગ છે કે ન પૂછો વાત. અત્યારે લંડનની ઘણી જગ્યાએ ફૂટપાથ ઉપર ‘પાન ન થૂંકશો’ એવાં પાટિયાં જોવા મળે છે. બસ-સ્ટોપ આગળ અને એવી જગ્યાએ એવાં મોટાં હોર્ડિંગ છે. આવાં પાટિયાં હિન્દી અને ગુજરાતીમાં છે. આવું હું મુંબઈમાં વાંચતી. આપણા લોકો મોબાઈલ ઉપર મોટેમોટેથી વાત કરતાં આજુબાજુનાનો ખ્યાલ કર્યા વિના ચાલ્યા જાય છે. આ બધું બહુ ખૂંચે છે.
e.mail : aradhanabhatt@yahoo.com.au
(પ્રગટ : “નવનીત સમર્પણ”, મે 2014; પૃ. 115 – 121)