કોઈની પણ સાથે બિરાદરી એ અાંતરિક ‘જાગૃતિ’ની નિશાની છે. ‘જાગ્રત’ રહેવા માટે ખબરદાર રહેવું પડે. અહીં ‘જાગૃતિ’ (ભાવવાચક નામ) પરથી થયેલ ‘જાગ્રત’ (વિશેષણ) વપરાયાં છે. ઘણાખરાં લોકો ‘જાગૃત’ લખે છે, તે … ‘ધક્કેલ પંચા દોઢસો’ના ન્યાયે જ ચાલે, અન્યથા નહીં.
હા, ‘જાગ્રત’ પરથી તદ્દભવ નામ ‘જાગ્રતતા’ ચાલે જ; ત્યાં પણ ‘જાગૃતતા’ ન ચાલે. જો કે સંસ્કૃતમાં ‘જાગ્રત’ રૂપ ક્રિયાપદનું પણ છે જે ગુજરાતીમાં નથી. દા.ત. કઠોપનિષદનો સરસ શ્લોક છે :
उत्तिष्ठ, जाग्रत,
प्राप्य वरान्निबोधत ।
क्षुरस्य धारा निशिता दुरत्यया,
दुर्गंपथस्ततु कवयो वदन्ति ।।
[ઊઠો, જાગ્રત થઈ જાઅો ! કોઈ ઊંચી કોટિના જ્ઞાનીને મેળવી લો, કારણ કે આ જગતનો માર્ગ તો અસ્ત્રાની ધારથીયે વધુ તીક્ષ્ણ છે, એના પર ચાલવું કપરું એમ કવિઓ પણ કહે છે.]
તળપદા ભજનનુંયે સરસ વેંણ આવું જ છે :
ખબરદાર મનસૂબાજી !
ખાંડાની ધારે ચાલવાં હો જી !
સૌજન્ય : “બિરાદર”, 15 સપ્ટેમ્બર 2014, પૃ. 10