[આશરે સાતેક વરસ આસપાસના સમયાંતરે, ઑસ્ટૃાલિયાના ‘સૂર-સંવાદ’ રેડિયો માટે, ભરતભાઈ દવેની આરાધનાબહેન ભટ્ટ દ્વારા લેવાયેલી મુલાકાતનો પાઠ ]
આપણા ચિત્તમાં કળાકાર અને ખ્યાતિ એ બે શબ્દો અખંડપણે જોડાયેલા છે. કલાની સાધના શુદ્ધ કલાપ્રેમ માટે થાય, એ આજે એક વિરલ ઘટના બનતી જાય છે. દરેક કલાનું ક્ષેત્ર આજે સેલ્ફ-માર્કેટિંગ તેમ જ પોતાને અને પોતાની કલાને શ્રેષ્ઠ ગણાવનાર કલાકારોથી ભર્યુંભાદર્યું છે, ત્યારે એમાં કેટલાક એકલપેટા મરજીવાઓ શાંત સૂરે પોતાનો રાગ આલાપે છે. એવો એક સૂર છે અમદાવદના નાટ્યકાર અને હાડોહાડ કલાના જીવ ભરત દવેનો. એમનો સૂર જેટલો શાંત છે એટલો જ સ્થિર અને મક્કમ છે.
ઓમ પૂરી, અનુપમ ખેર, નસીરુદ્દીન શાહ જેવા અભિનેતાઓ સાથે દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં કલાનો અભ્યાસ કરનાર ભરત દવેએ ગુજરાતી રંગભૂમિને તેમના લેખન અને દિગ્દર્શનથી સમૃદ્ધ કરી છે. અંગ્રેજી, સંસ્કૃત, ગ્રીક, રશિયન, ગુજરાતી જેવી અનેક ભાષાઓની માતબર સાહિત્યિક કૃતિઓના નાટ્ય રૂપાંતરો રજૂ કરવાની હિંમત દાખવનાર આ મર્મજ્ઞ કળાકાર સહજપણે સ્વીકારે છે કે ધંધાદારી દૃષ્ટિએ તેઓ એક સફળ દિગ્દર્શક નથી, છતાં એમના કલાપ્રેમમાંથી પ્રાપ્ત થતો પરિતોષ એમની વાણીમાં છલકાય છે. એમનું પરિશુદ્ધ આત્મનિરીક્ષણ, એમના જીવનનાં સંઘર્ષો અને સિદ્ધિઓ આલેખતી એમની આત્મકથા ‘મારી રંગયાત્રા’ ૨૦૦૨માં પ્રગટ થઇ. લેખન, સંગીત, નૃત્ય, ચિત્રકળા આ બધા જ એમના રસના વિષયો છે અને એ દરેકમાં એમની સૂઝ પણ ખરી. એમની લેખમાળા ‘ચળવળ નામે’ માટે એમને ૨૦૧૭ના વર્ષ માટેનો ‘કુમાર ચંદ્રક’ પણ એનાયત થયો હતો.
પ્રશ્ન : ભરતભાઈ, બાળપણથી જ આપને કલાઓ પ્રત્યે અને વિશેષતઃ રંગભૂમિ પ્રત્યે અઢળક પ્રેમ રહ્યો છે. આપનાં માતા-પિતા તો આ ક્ષેત્રનાં નહોતાં, પછી આ કલાપ્રેમનાં મૂળ ક્યાં રહેલાં છે?
હા, હું એવું તો નહીં કહી શકું કે મને કશું વારસામાં મળેલું છે, પણ મને જે જન્મગત મળેલું એની હું સતત ઝંખના કરતો રહ્યો અને એમાં કાબેલ થવા મથતો રહ્યો. મારા કુટુંબમાંથી એવો વારસો કે એવું વાતાવરણ મળ્યાં હોય એવું હું નથી માનતો. એ વાત સાચી કે નાનપણમાં મેં કલાની જે ઉત્તમ અભિવ્યક્તિઓ જોઈ અને એની સામે મેં જે પ્રતિભાવ આપ્યો એ મારો મૌલિક પ્રતિભાવ હતો. કારણ કે મેં જે જોયું તે મારી સાથેના, મારી ઉંમરના કેટલા ય લોકોએ જોયું હશે, પણ દરેકનો પ્રતિભાવ સરખો નથી હોતો, એટલે મારી ભીતરમાં મારી જે એક સ્વતંત્ર ઓળખ હતી, મારે જે દિશામાં જવું હતું એણે તરત જ એનો પડઘો પાડ્યો. એટલે મારું જે કંઇ છે તે મારા પ્રયત્નથી બનેલું છે.
પ્રશ્ન : બાળપણનું શું બહુ યાદગાર બન્યું છે?
બાળપણમાં મને સારી સારી વસ્તુઓ જોવા મળી. જામનગરમાં મારું બાળપણ વીત્યું અને ત્યાં મહારાજા દિગ્વિજયસિંહજી એ વખતે જીવતા હતા. અને એમના રાજ્યાશ્રયથી અનેક નાટક, નૃત્ય, સંગીતનાં જૂથો જામનગરમાં આવતાં. એ બધું જોવાનો અને જાણવાનો એક સુવર્ણ અવસર મને જામનગરમાં મળ્યો. એને કારણે કેટલાક રાષ્ટ્રીય કક્ષાના કલાકારોને હું એટલી નાની ઉંમરે જોઈ શક્યો. અને જ્યારે તમે કોઈ બહુ જ ઉત્તમ કક્ષાની કલાને જુઓ ત્યારે તમારા મનમાં એવા માપદંડ બને. એટલે એ રીતે હું આ બધી વસ્તુઓ પ્રત્યે દોરાયો. એની સાથે સાથે હું ચિત્રકલા કરતો, મને ગાવાનો બહુ શોખ હતો, એટલે હું ગીતો ગાતો, તબલા વગાડતો, સિતાર વગાડતો. અને આ બધાના વર્ગો ભરીને એની વિધિસરની તાલિમ લેવાના મેં પ્રયત્નો કરેલા. જામનગર નાનું શહેર અને કલાસંસ્થાઓ પણ ત્યાં ભાગ્યે જ, એટલે જે કોઈ તક મળી એમાંથી મેં તાલિમ લેવાના અને શીખવાના પ્રયત્નો કર્યા. હું ઘણું બધું વાંચતો, મારી જાતે હસ્તલિખિત અંકો બનાવતો, મને ફિલ્મોનો પણ બહુ શોખ, એટલે જાતે નાટકો ભજવવાં, નાના પ્રોજેક્ટરથી ભીંત ઉપર ફિલ્મો પાડવી અને એને આનુષંગિક જે કંઇ કરવું પડે તે બધું હું કરતો.
પ્રશ્ન : આપે ઘરનાંનો ભારે વિરોધ સહન કરેલો. એ વિરોધને બદલે ઘરમાંથી જો ઉત્તેજન મળ્યું હોત તો ભરત દવે આજે ક્યાં હોત?
હવે એ તો દરેક વ્યક્તિ પોતાનું નસીબ લઈને જન્મે છે. પછી એનો પોતાનો પુરુષાર્થ અને એને નસીબની કેટલી મદદ મળે છે એના પર એના ભવિષ્યનું અને એનું લક્ષ્ય નિર્માણ થાય છે. મને પણ એવા તરંગ-તુક્કા ક્યારેક આવે કે હું પણ પૃથ્વીરાજ કપૂરનો દીકરો હોત તો મારો વિકાસ કેવો થયો હોત? પણ પૃથ્વીરાજના બધા દીકરાઓ રાજ કપૂર જ થયા છે, એવું પણ નથી. એટલે મોટા કલાકારની કુખે જન્મ લો એટલે તમે ઉત્તમ કલાકાર બનો એવું પણ નથી. ઘણા કલાકારો એવા છે જે શૂન્યમાંથી આગળ વધ્યા છે, અને મોટાં સર્જન કરી શક્યા છે. પણ એક વાત સાચી છે કે નાની ઉંમરથી મારે જે દિશામાં જવું હતું એ દિશાની તાલિમ અને વાતાવરણ જો મને મળ્યા હોત તો હું મારી કલાને ચોક્કસ વધુ સારી ધાર આપી શક્યો હોત. કારણ કે માણસનું શરીર અને મન એ પણ સંગીતના સાજ જેવા છે. તમે એનું જે પ્રકારનું ટ્યુનીંગ કરો એ પ્રકારે એ વાગે. હું એમ.એ., એલએલ.બી. કર્યા પછી, છેક છવીસ વર્ષની ઉંમર પછી, મારે જ્યાં જવું હતું ત્યાં, ‘નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા’ સુધી પહોંચી શક્યો. એ દરમ્યાનમાં હું એવું ભણ્યો જે મારા રસના વિષયો હતા જ નહીં. આપણે ત્યાં જે પરંપરાગત રીતે જરૂરી જણાય છે કે કારકિર્દી બનાવવા માટે અમુક ડિગ્રી લેવી જ પડે જેથી આર્થિક સલામતી નિશ્ચિત થાય, એ દિશામાં મેં કામ કર્યું. એમાં મારા કુટુંબમાં મારા વડીલો સામે મેં જે કંઇ લડત આપી, જે કંઇ હું મનમાં હિઝરાયો-મૂંઝાયો, વ્યથિત થયો અને મારી જાતે મેં એમાંથી જે માર્ગો કાઢ્યા, કે નસીબ જોગે મને એમાંથી જે માર્ગો મળ્યા, એને કારણે કમ સે કમ હું પચીસ વર્ષ પછી દિલ્હીની ‘નેશનલ સ્કુલ ઓફ ડ્રામા’ સુધી પહોંચી શક્યો. પણ એવા અનેક લોકો છે જે એ ઉંમર સુધીમાં તો સ્થાઈ થઇ જતા હોય છે. પણ મારા સમયમાં ચીલો ચાતરવાની હિંમત મોટા ભાગનાં મા-બાપોમાં નહોતી. અને એમાં પણ નાટક-સિનેમામાં પોતાના સંતાનને પ્રોત્સાહન આપવાની હિંમત બધાં મા-બાપ નહોતાં દેખાડી શકતાં, કારણ કે એમાં જનારા બધા મોટે ભાગે નિષ્ફળ જાય છે અને જૂજ લોકો જ સફળતા પામે છે. પણ એવા મરજીવાઓ પણ હોય છે જે માત્ર સલામતીનું કોચલું લઈને જીવવા નથી માંગતા, એ સંઘર્ષ કરવા માંગે છે.
પ્રશ્ન : આપને એવું લાગે છે કે આજે ગુજરાતી પ્રજામાં સામાન્યપણે બધી જ કલાઓમાં જે વેરાન પ્રવર્તે છે તે આપણી આ માનસિકતાનું પરિણામ હશે? આપણે આપણાં સંતાનોને કલાઓ તરફ જવા પ્રોત્સાહન નથી આપતાં એને કારણે અનેક શક્યતાઓવાળા યુવાનો કલાક્ષેત્રે પોતાનો વિકાસ નહીં કરી શકતા હોય?
લાંબા સમયના ચિંતન પછી અને સ્વાનુભવના આધારે હું કહી શકું કે ગુજરાતી પ્રજાની તાસીર કંઇક સાવ જુદી છે. મરાઠી, બંગાળી, કન્નડ એ બધી પ્રજાઓ કરતાં આપણે મૂળભૂત રીતે એક વેપારી કોમ છીએ. આપણે બહુ સાહસિક કહેવાઈએ છીએ, પણ એ સાહસિક એટલે વેપાર-ધંધાની ખોજમાં સાહસિક. આપણે ત્યાં કલા-સંસ્કૃતિનો વારસો બીજી ભાષાઓ કે બીજાં રાજ્યો જેટલો સમૃદ્ધ નથી. અને એટલે જ એક-બે ને બાદ કરતાં રાષ્ટ્રીય કક્ષાના સંગીતકારો આપણને ગુજરાતમાંથી મળ્યા નથી. તે જ રીતે ફિલ્મક્ષેત્રે કે અન્ય કલાઓમાં ગુજરાતી કલાકારો કેટલા મળે? અને આપણે ત્યાં જે કલાકારો છે તેમની પ્રતિષ્ઠા ગુજરાતની બહાર વધારે બની છે, ગુજરાતના લોકો એમના વિષે ઓછું જાણે છે. આપણે ત્યાં છાપાંમાં લખતા માણસો મોટા સાહિત્યકાર ગણાય છે અને પુસ્તકો લખે તેને કોઈ ગણતું નથી.
પ્રશ્ન : ૨૦૧૨માં આપની આત્મકથા, ‘મારી રંગયાત્રા’ પ્રકાશિત થઇ. એ લખવાની પ્રેરણા ક્યાંથી મળી?
બનવાજોગ છે કે જે કારણોસર મેં મારી નાટ્યપ્રવૃત્તિ બંધ કરી, મનમાં ને મનમાં ઘણું બધું મૂંઝાઈને જ્યારે મારા અંગત મિત્રો સાથે પણ મારા વિચારોની આપ-લે કરતો બંધ થયો, જ્યારે હું મારી ભીતર જ જોતો રહ્યો અને ચિંતન કરતો રહ્યો, ત્યારે એમાંથી મને એમ થયું કે મારે જાતે સ્પષ્ટ થવું જોઈએ. મેં જે કર્યું છે તે શું કામ કર્યું, ક્યાં પહોંચવા માટે કર્યું, અને હું ક્યાં પહોંચ્યો છું, મેં જે કર્યું એનો મને વિષાદ કે પશ્ચાતાપ છે, કે મને જે મળ્યું અને મેં જે ભોગવ્યું એનો મને આનંદ છે … અ બધું અવલોકન કરતાં કરતાં મને થયું કે મારી પોતાની સ્પષ્ટતા ખાતર મારે લખવું જોઈએ. એટલે એ પુસ્તક મારું પોતાનું, મારી જાતને સ્પષ્ટીકરણ છે. મારી અંદર જે કંઇ ગૂંચવણો, મૂંઝવણો, જટિલતાઓ રહી હોય એને ઉકેલવાનો એ એક પ્રયાસ છે. મને ખબર નથી કે હું એમાં કેટલો સફળ થયો છું અને હજી કેટલી ગૂંચવણો મારી ભીતરમાં પડી છે કે કેટલા વિરોધાભાસો પડ્યા છે. હું મારી નબળાઈઓને જરા ય અવગણતો નથી. જે કંઇ થયું છે અને મળ્યું છે એમાં એ નબળાઈઓનો પણ એટલો જ સહયોગ છે, કારણ કે વ્યક્તિ બને છે બંનેથી.
પ્રશ્ન : આપના જીવનના પડાવોમાં દિલ્હીનો એન.એસ.ડી.નો કાળ નિર્ણાયક સમય છે. ત્યાં પ્રવેશ મેળવવા માટે પણ આપે ખાસ્સા સંઘર્ષો કરેલા. એન.એસ.ડી.એ શું આપ્યું?
જો સૌથી મોટી વાત કહું તો એન.એસ.ડી.એ મને જ્ઞાનની બારીઓ ખોલી આપી, એણે આખું આકાશ આપી દીધું. હું જેને માટે ઝંખતો હતો, જેને માટે ઝૂરતો હતો, જે મારી અંદર માત્ર આદર્શરૂપે રહેલું એ આદર્શને એન.એસ.ડી.ના વાતાવરણે એક નક્કર રૂપ આપ્યું. અઢળક પુસ્તકો, જાતજાતના નાટ્યપ્રયોગો, ફિલ્મો, મોટામોટા કલાકારો બધા મને જોવા-સાંભળવા મળ્યા. મારી નજર સામે આખો દરિયો ઉછળી પડ્યો. એણે મને પ્રેરણા આપી, ઘણા બધા રોલ-મોડેલ્સ આપ્યા, એક આત્મવિશ્વાસ આપ્યો, એક દૃષ્ટિ આપી, એક હિંમત આપી. કલા એક અસીમ સાગર છે, એમાં કોઈ મંઝીલ નથી. એ મારી મંઝીલ હોય પણ એ આખરી મંઝીલ તો હોઈ જ ન શકે. એટલે જ્યારે બહુ મોટામોટા અભિનેતાઓ એમ કહે કે મારું ઉત્તમ હજી આવવાનું બાકી છે એને હું આ અર્થમાં સમજુ છું. વધારે જાણવાથી આપણી અલ્પતા આપણા ધ્યાનમાં રહે છે.
પ્રશ્ન : નાટ્યકાર-કલાગુરુ ઈબ્રાહીમ અલ્કાઝી વિષે આપે ઘણું બધું લખ્યું છે. એમણે શીખવેલા પાઠ પૈકી એવું શું છે જે ચિત્ત પર અંકિત થઇ ગયું હોય?
હું એવું માનું છું કે કદાચ મારી અંદરનો જ પડઘો એ અલ્કાઝી છે. મારે જે બનવું છે, મારા જે માપદંડો છે, મારા જે આદર્શો છે, નાનપણથી હું જે કરવા ઈચ્છતો હતો, તેનું મૂર્ત સ્વરૂપ અલ્કાઝી છે. એની નિયમિતતા, એનો પુરુષાર્થ-મહેનત, એની ચોખ્ખાઈ, સજ્જતા … બધું ચોખ્ખું, આકર્ષક, મનભાવન હોવું જોઈએ એવો આગ્રહ, જેને એક શિસ્ત કહીએ, એ મને અલ્કાઝીએ આપી. ઘણા લોકો કલાકારોને અલગારી માને છે. પણ અલ્કાઝીએ એક નોખો કન્સેપ્ટ આપ્યો કે કલાકાર એટલે જેનામાં શિસ્ત હોય. ઘણા લેખકો કે અભ્યાસીઓના ખંડમાં તમે જાવ તો ચારે બાજુ પુસ્તકોના ઢગલા હોય, કાગળો અને બધું ઊડતું હોય, કલાકારે મેલો-ઘેલો ઝભ્ભો-લેંઘો પહેર્યો હોય, હાથમાં સિગરેટ કે પાઈપ હોય, વાળ વધેલા હોય, દાઢી વધેલી હોય. એની સામે અલ્કાઝી સાવ જુદી જ પ્રકૃતિના. એકદમ સુટેડ- બુટેડ રહે, શરીર પર અત્તર છાંટે, એમની ઓફિસ પણ ચોખ્ખી, તમે જાવ તો એકદમ પ્રસન્નતાની લાગણી થાય, એમના અક્ષરો પણ એટલા જ સરસ, ભાષા પણ ચોખ્ખી, એટલા વિનયી-વિવેકી, કામમાં એટલી સફાઈ જોવા મળે. નાનપણથી મારી અંદર હું આ બધાનો આગ્રહી હતો અને આ વ્યક્તિના જીવનમાં મને એ બાબત દેખાઈ.
પ્રશ્ન : અલ્કાઝી વિનાના એન.એસ.ડી.માં ભણ્યા હોત તો?
હવે એ તો કલ્પનાનો વિષય છે. અલ્કાઝીના ગયા પછી એન.એસ.ડી.માં જવાના મોકા પણ મને મળ્યા છે અને ત્યાર પછીના વિદ્યાર્થીઓના પરિચયમાં પણ હું આવ્યો છું. પણ મારે તમને એક બીજી વાત કહેવી છે કે અલ્કાઝી પાસે ગયેલા બધા વિદ્યાર્થીઓએ અલ્કાઝીને અનુસર્યા હોય એવું નથી. એ બધા અલ્કાઝીની પ્રશંસા ચોક્કસ કરે છે પણ એમને ખબર છે કે અલ્કાઝીની શિસ્તમાં રહેવું સહેલું નથી. એટલે એ બધાને માટે અલ્કાઝી એટલે જાણે એક મૂર્તિનું અધિષ્ઠાન કર્યું હોય, એવું છે.
પ્રશ્ન : ઈસરોમાં આપની ભૂમિકા કલાસંબંધી તો હતી પણ સાથે એમાં ઘણું વહીવટી કામ પણ હતું. વહીવટી કામનો કંટાળો નહોતો આવતો?
વહીવટી કામ કર્યું તે પહેલાં મેં પ્રોગ્રામ પણ ઘણા બનાવ્યા. લગભગ પચીસ વર્ષ તો મેં પ્રોગ્રામ જ બનાવ્યા. છેલ્લાં દસ વર્ષ હું વહીવટી કામમાં રહ્યો, પણ તે દરમ્યાન પણ પ્રોગ્રામો અંગેનું વિશ્લેષણ વગેરે તો ચાલતું જ હતું. પણ ઈસરોના કામે મને બીજું એક વિચારવાની તક આપી. જ્યારે હું નાટકો કરતો હતો ત્યારે મારી મરજી મુજબ કરતો હતો, પ્રેક્ષકોની બહુ ચિંતા નહોતો કરતો. પણ ઈસરોમાં અમે જે વિકાસલક્ષી કાર્યક્રમો કરતા હતા એમાંથી એક નવી સમજ ઊભી થઇ કે પ્રેક્ષકોને પહેલાં ઓળખવા. કોઈ પણ કાર્યક્રમ રજૂ કરતાં પહેલાં તમે તમારા પ્રેક્ષકને જાણો, અને કંઈપણ રજૂ કરતાં પહેલાં તમે એની પૂર્વ-ચકાસણી કરો, એની સ્ક્રીપ્ટની ચકાસણી કરો, ભજવણીની ચકાસણી કરો, દર્શકોનું ફીડબેક મેળવો, એ કઈ રીતે ઝીલે છે એ ચકાસો. આ દૃષ્ટિ અમને નાટકવાળાઓને પહેલાં નહોતી. આપણી સામાન્ય સમજ પ્રમાણે આપણે નક્કી કરીએ કે લોકોને આ ગમશે અને આ નહીં ગમે, પણ એમાં આપણું અમુક સ્ટીરિયોટાઈપીંગ – બીબાંઢાળ વિચારધારા હોય છે. એટલે પ્રેક્ષકને વફાદાર રહેવાનું મને ઈસરોએ શીખવ્યું. અને ઇસરોમાં બીજું એ પણ શીખ્યો કે તમે કોઈક સંદેશ આપવા માંગો તો એ સંદેશની સાથે બીજા કેટલા નકારાત્મક સંદેશ જાય છે એની પણ દરકાર કરો. એક ઉદાહરણ આપું તો એક જગ્યાએ રોજગારલક્ષી માહિતીરૂપે કપડાં રંગવાનાં કામ વિષે એક કાર્યક્રમ અમે બનાવેલો. પણ રંગકામને પ્રોત્સાહન આપવામાં અમને ખબર પડી કે એ લોકો નદીનાં પાણીને પ્રદૂષિત કરે છે. પણ હા, એ વાત ચોક્કસ કે હું મૂળથી વહીવટનો માણસ નહોતો એટલે વહીવટનું કામ મારે માટે ખાસ્સું કપરું હતું, પીડાકારક હતું. હું એકાંતમાં વ્યક્તિગત રીતે કામ કરવા ટેવાયેલો એટલે બીજા પાસે કામ કઢાવવું એ મારે માટે જરાક કપરું સાબિત થયેલું.
પ્રશ્ન : એક વિચારવંત અને અભ્યાસુ કલાકાર હોવા ઉપરાંત આપે અનેક પ્રકારના કલાકર્મીઓ સાથે કામ કર્યું છે – લાઈટ-બોયથી માંડીને નામાંકિત અભિનેતાઓ સાથે. આ બધાના આધારે આપ વ્યાવસાયિકતાનો શું અર્થ કરો છો? આપણે ત્યાં મોટે ભાગે ‘પ્રોફેશનાલિઝમ’ને આર્થિક સંદર્ભ સાથે સાંકળવામાં આવે છે એ બરાબર છે?
હું એવું માનું છું કે આપણે ત્યાં બે શબ્દોની ભેળસેળ થઇ ગઈ છે. જેને આપણે ધંધાદારી કહીને છીએ એને માટે સારો શબ્દ ‘વ્યવસાયિક’ વાપરીએ છીએ. વ્યવસાયિક કે ધંધાદારી નાટકો માટે અંગ્રેજીમાં ‘કોમર્શિયલ’ શબ્દ પણ વપરાય છે. હવે ‘કોમર્શિયલ’ શબ્દની અવેજીમાં કેટલાક લોકો ‘પ્રોફેશનલ’ શબ્દ વાપરે છે. હું એ બંનેનો ભેદ કરું છું. એ રીતે કે કોઈ વસ્તુ તમારું પ્રોફેશન ત્યારે જ હોય જ્યારે તમે એમાં નિષ્ણાત હો. એ કસબમાં હું એકદમ નિપુણ હોઉં તો જ હું એને વ્યવસાયનો દરજ્જો આપી શકું. મને માત્ર અભિનયનો કસબ આવડતો હોય એટલું જ નહીં પણ અભિનયનો દૃષ્ટિકોણ પણ મારામાં હોય, એનું દર્શન પણ મારામાં હોય, તો હું વ્યાવસાયિક અભિનેતા કહેવાઉં. કસબ હોવો અને દર્શન હોવું એ બે વચ્ચે ભેદ છે. મોટા ભાગના અભિનેતાઓ કસબથી અભિનેતા થઇ જાય છે, એમનામાં દર્શન કે ‘વિઝન’ નથી હોતું. આપણે ત્યાં મુંબઈમાં કે અમદાવાદમાં જે ટિકિટ-શો થાય છે એને આપણે પ્રોફેશનલ શો કહીએ છીએ. અને મારા જેવા જે પ્રયોગો કરે, કાલિદાસને ભજવે કે શેક્સપિયરને ભજવે કે ઇબ્સનને ભજવે એને આપણે ‘અવેતન’ કે ‘એમેચ્યોર’ કહીએ છીએ. એનું કારણ એ કે મને એટલા પ્રેક્ષકો નથી મળતા અને હું ધંધાદારી રીતે સફળ થયેલો દિગ્દર્શક નથી.
પ્રશ્ન : આપના જીવનનું આકાશ અનેક કલાઓના મેઘધનુષી રંગોથી શોભે છે. આ એક બહુ વિરલ ઘટના છે. આપને માટે અંગત રીતે કઈ કલા જીવનમાં કયા સ્થાને છે?
આ બાબતે મેં અનેક વખત વિચાર્યું છે અને ઘણાંએ મને પૂછ્યું પણ છે. મેં શાસ્ત્રીય ગાયનનાં ક્લાસ ભરેલા, હું રેડિયો ઉપર ગાતો, મારાં કેટલાં બધાં નાટકોનાં ગીતો મેં સ્વરબદ્ધ કર્યાં છે, સ્ટેજ પરથી ગાયાં છે. મેં ઓઈલ પેઈન્ટીંગ, વોટર કલરમાં ચિત્રો પણ બનાવ્યાં છે, ચિત્રકલામાં આગળ વધવા માટે અલ્કાઝીએ પણ મને બહુ ઉત્તેજન આપેલું. નાનપણમાં મેં નૃત્ય પણ કરેલાં, હું લખતો પણ ખરો અને હજી પણ લખું છું. સાહિત્યમાં પણ મારી એટલી જ રુચિ છે. આ દરેક ક્ષેત્ર આખી જિંદગી ઓછી પડે એવું છે. હું ગમે તે એક ક્ષેત્ર પસંદ કરી શક્યો હોત, પણ મારો મૂળ રસ નાટકમાં હતો. મને એ પણ ખબર હતી કે આ બધી જ કલાઓનું સંગમસ્થાન રંગભૂમિ છે. એમાં નૃત્ય છે, સંગીત છે, ગીત-એટલે કે કવિતા છે, એમાં સેટ-ડિઝાઈન છે એટલે ચિત્રકલા છે, સેટમાં તમે સ્ટ્રક્ચર ઊભાં કરો છો એટલે એમાં સ્થાપત્ય પણ છે, તમે નાટકનું અર્થઘટન કરો છો એટલે એમાં સાહિત્ય અને ભાષા-શાસ્ત્ર પણ છે, તમે પાત્રોને સમજવા અને એમનો આંતરવિકાસ સમજવા માટે એનું વિશ્લેષણ કરો છો એટલે એમાં માનોવિજ્ઞાન છે, તમે ટોલ્સટોય કે સાર્ત્રને ભજવો એટલે એમાં તત્ત્વજ્ઞાન પણ છે. હું જો દરેક શાસ્ત્રનું પાયાનું વ્યાકરણ જાણતો હોઉં તો હું એક સારો ભોક્તા અને સારો સર્જક બની શકું.
પ્રશ્ન : હવે વાત કરીએ આપનાં નાટ્યસર્જનોની. આટલી લાંબી કારકિર્દી, આટલાં બધાં પ્રોડક્શન … એમાં એવું કયું એક સર્જન છે જેના વિષે એવું લાગે કે એ ન કર્યું હોત તો કંઇક બાકી રહી ગયું હોત?
એમાં એવું તો કશું નથી. પણ જ્યારે મેં નાટક કરવાનાં બંધ કર્યાં ત્યારે મેં જેટલું ભજવ્યું એટલું જ બીજું ભજવ્યા વિનાનું પડ્યું હતું. મારી પાસે એટલાં જ નાટકોનો ખજાનો પડેલો જે હું કરવા માંગતો હતો અને ન કરી શક્યો. મેં અનેક પ્રકારના પ્રયોગો કર્યા એટલે હું કોઈ એક શૈલીમાં બંધાઈ ગયો એવું પણ નથી. મેં વાસ્તવદર્શી નાટકો કર્યા, પારંપરિક શૈલીમાં નાટકો કર્યાં, શેરી-નાટકો કર્યાં, ખુલ્લા આકાશ તળે નાટકો કર્યા, શોપિંગ કોમ્પ્લેક્સમાં ચારે બાજુ પ્રેક્ષકોને બેસાડીને નાટકો ભજવ્યાં, ઘરની અગાશી ઉપર નાટકો ભજવ્યા … આમ જુદાજુદા પ્રયોગો કરીને મેં મારી એકવિધતા તોડવાનો પ્રયત્ન કર્યો છે. અને જે મંચ ઉપર ન કરી શકાયું તે મેં ટેલીવિઝન ઉપર કર્યું. આપણા પ્રસિદ્ધ સાહિત્યકારોનાં કેટલાં બધાં નાટકો મેં ટી.વી. ઉપર કર્યાં છે, જે હું કદાચ મંચ ઉપર ન કરી શક્યો હોત. સ્ટેજ ઉપર એકાંકી નાટ્યપ્રયોગોનું કોઈ ભવિષ્ય જ નથી. પણ મારી દૃષ્ટિએ, મેં જે ‘માનવીની ભવાઈ’ નાટક કર્યું, એને હું એક બેંચ-માર્ક સર્જન કહી શકું, કારણ કે એમાં મેં એક જુદી જ વિભાવના લીધેલી. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રાંગણમાં, જ્યા મોટાં મોટાં ઝાડ ઊગી નીકળેલાં, ચોમાસાને કારણે ઘાસ ઊગેલું, ખાડા પડેલા. એવા નૈસર્ગિક વાતાવરણમાં મેં આખું ગામડું ઊભું કરેલું. મેં ઝૂંપડાં બાંધેલાં, હું ગાડું લઇ આવેલો. પન્નાલાલનું વતન, રાજસ્થાનની સરહદ ઉપર આવેલું માંડલી ગામ, મેં આખું ત્યાં ઊભું કરેલું. એ ગામમાં જઈને રીસર્ચ કરેલી અને આખી સજાવટ કરેલી. એ આખો અનુભવ મારે માટે બહુ ઉચ્ચ કક્ષાનો હતો. કલાકારો અને પ્રેક્ષકો માટે પણ એ એક બહુ વિરલ અનુભવ હતો.
પ્રશ્ન : કોઈ કૃતિનો અનુવાદ કે નાટ્યરૂપાંતર કરવું એ બહુ નાજુક અને અઘરું કામ છે. મૂળ કૃતિને વફાદાર રહેવું, એની કલાત્મકતા જાળવવી, છતાં એમાં લોક્ભોગ્યતા અને નાટ્યાત્મકતાનો ખ્યાલ રાખવો. આ કસબ વિષે શું કહેશો?
નાટક એવી કલા છે જેમાં તમારે પ્રેક્ષકની દરકાર કરવી જ પડે છે. કવિતા લખતી વખતે કવિ બહુ ચિંતા નથી કરતો, કે ચિત્ર દોરતી વખતે ચિત્રકારને એવી બહુ ચિંતા નથી હોતી કે મારાં ચિત્રમાંથી મારા આંતરિક વિચારો લોકો સુધી કેટલા પહોંચશે. પણ નાટક એક દ્વિપક્ષી કલા છે. પ્રેક્ષક વગર નાટક શક્ય જ નથી, એમાં અનિવાર્યપણે પ્રેક્ષક સાથે જોડાવું પડે છે. એટલે પ્રત્યાયન ક્ષતિરહિત થવું જોઈએ. હવે મારી પસંદ એવી છે કે એ સામાન્ય પ્રેક્ષક સાથે એનો બહુ મેળ નથી. એટલે મારો પ્રેક્ષકવર્ગ બહુ મર્યાદિત છે. અમદાવાદના ૪૦૦-૫૦૦ જણ મારું નાટક જોવા આવે છે. મેં ઘણીવાર એવો દાવો કર્યો છે કે જો કોઈ પ્રેક્ષકને પરાણે ઘસડીને મારું નાટક જોવા લઇ આવે તો એનું હૃદય જીતી લેવાની જવાબદારી મારી. પણ મારી એ આર્થિક ક્ષમતા નથી કે હું જાહેરાતોનો મારો બોલાવીને પ્રેક્ષકને મારા સુધી લઇ આવું. હું જ્યારે રૂપાંતર કરું ત્યારે હું લોકોની ચિંતા નથી કરતો એવું નથી, કારણકે દરેક દિગ્દર્શકની અંદર એક પ્રેક્ષક બેઠો જ હોય છે. કૃતિનો અનુવાદ કે રૂપાંતર કરતી વખતે એ બાબતનું ચોક્કસ ધ્યાન રાખવું પડે છે કે મારો પ્રેક્ષક આ વાત પકડશે કે નહીં પકડે. દાખલા તરીકે મનુભાઈ પંચોળીનું સોક્રેટીસ વિશેની નવલકથા ઉપર આધારિત મારું નાટક છે એમાં લોકોને જરાક તકલીફ પડે છે. એમાં સોક્રેટીસના ડહાપણભર્યા જે વાક્યો છે એ લોકોના ગળે ઉતરે છે, પણ એ લોકો ગ્રીસના ઇતિહાસથી, એના વાતાવરણથી, એની વાર્તાથી પરિચિત નથી એટલે એનું રાજકારણ એ લોકોને નથી સમજાતું. એમાં મેં કોરસનાં ગીતો વચ્ચે મૂકીને પૂર્વભૂમિકા આપવાનો પ્રયત્ન કર્યો છે.
પ્રશ્ન : ભરતભાઈ, જીવન અને કલાના પરસ્પર સંબંધ વિષે શું કહેશો? અંગત જીવનની ઘટનાઓ, એના ચડાવ-ઉતારે આપની કલાયાત્રા ઉપર કેટલી હદે અસર કરી છે?
અસર તો થવાની જ, કારણ કે માણસ અંતે માણસ છે. સૌથી વધુ અસર તો એના જુસ્સા પર થાય. કારકિર્દી બનાવ્યા પછી પણ દરેક નાટક ભજવવું એ એક સંઘર્ષ હોય છે. એટલે એ ચડાવ-ઉતારને સહન કરવાની તમારામાં સહિષ્ણુતા આવે, એની સામે લડવાની પ્રતિકારશક્તિ તમારામાં આવે ત્યાં સુધી એ જુસ્સો ટકી રહે એ બહુ અગત્યનું છે. તમારી અંદર જે મિશનરીનો ઉત્સાહ છે એની સામે તમારા નૈતિક જુસ્સાને બહુ મોટું નુકસાન પણ વહોરવું પડે છે, એની અસર તમારાં સર્જનોની ગુણવત્તા ઉપર પડે છે. આ બધું પરસ્પર સંકળાયેલું છે, એનાથી કોઈ માણસ અછૂતો રહી શકતો નથી.
પ્રશ્ન : જીવનમાં અને કલામાં સફળતાને કઈ રીતે માપો છો?
સફળતા-નિષ્ફળતા તો ઠીક છે. હું એવું માનું છું કે જ્યાં સુધી તમે આનંદમાં રહો, પ્રસન્ન રહો, કલા ખાતર કલાને પ્રેમ કર્યો છે અને બીજો માટે કલાસાધના નથી કરી એ દર્શન હોય, ત્યાં સુધી વાંધો નથી આવતો. હું જે કરું એ મારા આનંદ માટે કરું છું, એમાંથી બીજાને પણ આનંદ આવતો હોય તો મારો આનંદ બેવડાય છે. પણ હું બીજાને આનંદ પહોંચાડી નથી શકતો એટલે એનો આનંદ હું પણ ન લઇ શકું એવું ન હોય. તમારી અધૂરપ માટે તમે પૂરેપૂરા વાકેફ હોવા જરૂરી છે. તમે ગમે તેવા સમાધાનો કરીને ગમે તેવી વસ્તુ રજૂ કરો તો એમાં તમારું આત્મનિરીક્ષણ ભૂલભરેલું છે. તમારી દૃષ્ટિએ તમે કેટલું ઉત્તમ આપી શકો એમ છો અને એ તમે આપી શક્યા કે નહીં … એ સફળતા.
પ્રશ્ન : આજની ગુજરાતી રંગભૂમિની દશા અને દિશા વિષે આપનો પ્રતિભાવ?
આજે આમ જુવો તો સારા પ્રયોગો ઘણાબધા થાય છે, ખાસ કરીને મુંબઈમાં, જ્યાં દરેક પ્રકારનો પ્રેક્ષકવર્ગ ઉપલબ્ધ છે. ત્યાં સાવ ગુજરાત જેવું નથી, જ્યાં તમને અમુક જ પ્રકારનો વર્ગ મળે. ગુજરાતમાં મારા જેવા કેટલાક મિત્રો છે, જે કંઇક ને કંઇક પ્રયોગો કરતા રહે છે, અને એમને નાની-મોટી સફળતા પણ મળે છે. પણ મને લાગે છે કે કોમર્શિયલ રંગભૂમિ સાથે એની સરખામણી થઇ શકે નહીં. ગુજરાતી નાટક મરી પરવાર્યું છે એવું તો ન કહી શકાય. પણ હા, બીજી ભાષાઓની સરખામણીમાં આપણે ત્યાં એ પ્રકારનો પ્રેક્ષકવર્ગ નથી, આપણે ત્યાં એ પ્રકારની પરંપરા નથી. આપણે સંસ્કૃતિપ્રિય પ્રજા નથી. એ આપણી ભૂલભરેલી માન્યતા છે કે નવરાત્રિ ઉજવતી વ્યક્તિ એ સંસ્કૃતિપ્રિય છે.
પ્રશ્ન : મુલાકાતના સમાપનમાં, જો ભરત દવેને જીવનના નિચોડરૂપ કંઇક સંદેશ આપવાનું કહેવામાં આવે તો એ શું હોય?
નિચોડ આપવા માટે તો હું બહુ અલ્પ છું, પણ મારા બધા ઉતાર-ચડાવ, આશા-નિરાશા, સફળતા-નિષ્ફળતા, એ બધાને ગણતરીમાં લઈને હું કહી શકું કે માણસને જિંદગીમાં જેની ઝંખના હોય, જેને એ મિશન ગણતો હોય તે એણે થાકયા વિના કરતા રહેવું જોઈએ. હું થાક્યો-હાર્યો એ મારી નબળાઈ હોઈ શકે, મારા સંજોગોની નબળાઈ હોઈ શકે. સાથે સાથે હું વ્યવહારિક બનવાની પણ સલાહ આપું છું, અને તે એ અર્થમાં કે આખરે તો તમારું ગૌરવ અને સ્વાભિમાન જળવાઈ રહે એટલું આર્થિક સ્વાવલંબન એ બહુ મહત્ત્વનું છે. તમે સાવ ફૂટપાથ પર આવી જાવ એવા આદર્શવાદનો હું હિમાયતી નથી. ખુવાર થઇ જઈને કલાસાધના કરવાનું હું કોઈને કહેતો નથી, એ બધું વાર્તાઓમાં સારું લાગે. અને આરાધનાબહેન, એક બહુ મોટી વાત કરવાની રહી જાય છે કે હતાશામાં કોઈ ખોટા માર્ગે ન ચડી જાવ, કોઈ વ્યસનને કે કુછંદે ન ચડી જાવ. હું ઊંચા આસને બેસીને બોધ આપું છું એવું કોઈ ન માને પણ મેં મારી આસપાસ અનેક કલાકારોને બરબાદ થતા જોયા છે. હું આ કોઈ ધાર્મિક કે નૈતિક અર્થમાં નથી કહેતો પણ વ્યવહારિક અર્થમાં કહું છું.
e.mail : aradhanabhatt@yahoo.com.au