દિલ્હી હાઈકોર્ટે તાજેતરમાં, ગત વર્ષ દિલ્હી રમખાણો મુદ્દે એક વર્ષથી જેલમાં રહેલ ત્રણ આરોપીઓને જામીન પર મુક્ત કરવાનો કરેલ હુકમ આજકાલ ચર્ચામાં છે. અલબત્ત, દિલ્હી હાઈકોર્ટના આ હુકમ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ થયેલ હોવાથી તેના ગુણદોષની ચર્ચામાં આપણે નહીં ઊતરીએ. અહીં ધ્યાન દોરવાનો મુદ્દો એ છે કે ત્રણ આરોપીઓ પૈકી બે મહિલાઓ હતી. નતાશા નરવાલ અને દેવાંગના કલિંત. એક વર્ષ જેલની યાતના સહન કરીને તેમાંથી બહાર નીકળતી વખતે આ બંને મહિલાઓ આત્મવિશ્વાસથી મુઠ્ઠીવાળી સૂત્રો પોકારતી હતી. જેલવાસ દરમિયાન નતાશાને તેના બિમાર પિતાને મળવા જવાની છૂટ પણ અપાઈ ન હતી. પિતાનું મૃત્યુ થતાં પેરોલ પર ૮ દિવસ માટે મુક્ત કરવામાં આવી હતી. પેરોલ સમય પૂરો થતાં તિહાર જેલમાં પ્રવેશતી વખતે ફરી જુસ્સા સાથેનો તેનો ફોટો અખબારોમાં પ્રકાશિત તેમ જ વાયરલ પણ થયો હતો.
રાજ્યની તાકાત સામે લોકશાહી રાજ્યમાં મહિલાઓની ઊભરી રહેલી આ શક્તિ અને તેમની હિંમત પ્રશંશનીય છે. લાંબા જેલવાસથી તેઓ જરા પણ હતોત્સાહ થયાં નથી. અમૂલ્ય લીઓના નામની એક મહિલાએ નાગરિકત્વસુધારાધારા સામે વિરોધની આગેવાની સંભાળી હતી. તેમની સામે રાજદ્રોહનો આરોપ લગાવાયો હતો. તેમણે ૩ માસ જેલવાસ વેઠ્યો. હજારો સ્ત્રીઓ આ વિરોધમાં દિવસો સુધી જોડાઈ હતી. સફોર ઝરગર નામની અન્ય એક મહિલાને પણ રાજદ્રોહના આરોપમાંથી દિલ્હી હાઈકોર્ટે મુક્ત જાહેર કરેલ છે. નવદીપ કૌર નામની એક દલિત મહિલાએ સિંઘુ બોર્ડર પર અનેક મહિલાઓ સાથે કૃષિકાયદાઓ સામે વિરોધી દેખાવો યોજ્યાં છે.
આ મહિલાઓને કોઈ રાજકીય પીઠબળનો અભાવ છે. તેમાં કોઈ કૉલેજ-યુવતીઓ છે, કોઈ પર્યાવરણવાદી તો કોઈ ઘરરખ્ખુ મહિલાઓ છે. મતદાર અને ભારતના નાગરિક તરીકે તેમણે અવાજ ઉઠાવવાની કોશિશ કરી છે. રાજકીય પક્ષોએ મહિલાઓને રાજકીય પ્રતિનિધિત્વ આપવાને બદલે માત્ર કેટલાક ઘરગથ્થુ લાભો કે સબસિડી આપવાની પોતાના ચૂંટણી ઢંઢેરાઓમાં જાહેરાત કરી છે, કેન્દ્રિય સંસદ, પ્રધાનમંડળ કે રાજ્યોની ધારાસભા કે પ્રધાનમંડળમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ રહેલું છે. Me-Too ચળવળ વખતે અનેક મહિલાઓએ પોતાની સાથેનાં પુરુષોનાં કારનામાં પ્રગટ કરવાની હિંમત દર્શાવી છે. ગત વર્ષે કોરોના મહામારીમાં શ્રેષ્ઠ કામગીરી બજાવનાર કેરળનાં તત્કાલીન આરોગ્યપ્રધાન કે.કે. શૈલજાને નવા પ્રધાનમંડળમાં સમાવિષ્ટ ન કરવાનું અને વિરોધ અવગણવાનું વલણ સમજની બહાર છે.
સંસદ અને રાજ્ય ધારાસભાઓમાં ૩૩% મહિલા અનામત ખરડા સંબંધમાં રાજકીય પક્ષો ભલે બહારથી સમર્થન જાહેર કરતા હોય, પરંતુ ખરડો સફળ ન થવા દેવા માટે તમામ રાજકીય પક્ષો અંદરખાને એકમત જણાય છે. રાજકીય પક્ષોનું આ વલણ હતોત્સાહ કરનારું છે. મહિલાઓનાં વલણમાં જોવા મળતી આ સક્રિયતા આવકારદાયક છે અને રાજકીય પક્ષોએ અન્યાય સામે જુસ્સાભેર લડી રહેલ આ મહિલાઓને સમર્થન આપવું જોઈએ.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2021; પૃ. 08