એક યુગ હતો જ્યારે રશિયા અને ચીનના સામ્યવાદી શાસકો તેમની પાર્ટી કૉન્ગ્રેસમાં જે ભાષણો કરતા અને ઠરાવો કરતા તેના વિષે દિવસોના દિવસો સુધી અર્થઘટનો કરવામાં આવતા. એક એક શબ્દની છણાવટ કરવામાં આવતી. આનાં બે કારણો હતાં. એક તો એ કે ઠરાવો અને ભાષણોની ભાષા ગૂઢ, સંકુલ તેમ જ જટિલ રહેતી. થોડું સુક્ષ્મ સમાજવિવેચનના કારણે અને વધુ કદાચ જાણીબૂજીને ‘થિયરી’ અને ‘લાઈન’ના ટિપીકલ સામ્યવાદી વળગણના કારણે. બીજું કારણ એ હતું કે ત્યારે સામ્યવાદી વિશ્વની સંભાવના નજરે પડતી હતી. અત્યારે ભલે સામ્યવાદી શાસન થોડાક દેશો પૂરતું મર્યાદિત હોય, પણ તેમનો ઉદ્દેશ જગતભરમાં ફેલાવાનો હતો. જે લોકો ડાબેરી હતા તેઓ તેમાં આશા શોધતા હતા અને જેઓ જમણેરી હતા તેઓ તેમાં ભયસ્થાન શોધતા હતા. આમાં પણ રશિયા કરતાં ચીનના નેતાઓના ઠરાવો અને ભાષણોની વધુ ઝીણી વિવેચના કરવામાં આવતી હતી. દલાઈ લામા કહે છે એમ માઓ ઝેદોંગ શત્રુ છે એમ માનીને તમે તેમને મળવા ગયા હોય અને તે મિત્ર છે એવો અભિપ્રાય બનાવીને પાછા ફરો. અત્યંત ગૂઢ નેતૃત્વ, ગૂઢ ભાષા અને ગૂઢ રાજકીય શૈલી ચીનનાં સામ્યવાદી શાસકોનાં લક્ષણો છે. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ આવો અનુભવ થયો છે. અમદાવદમાં સાબરમતી નદીના તીરે વડા પ્રધાન શી ઝિંગપીંગને ઢોકળા ખવડાવતા હતા ત્યારે એ જ વખતે ચીની લશ્કર ભારતમાં લડાખમાં ઘૂસ્યું હતું.
ગઈ પહેલી જુલાઈએ ચીનના સામ્યવાદી પક્ષે તેની સ્થાપનાની શતાબ્દી ઉજવી. ઉજવણી દુનિયા જોતી રહે એવી ભવ્ય હતી. જગત ચીનમાંથી પ્રસરેલા કોરોના વાઇરસ સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે ચીન તેનાથી લગભગ મુક્ત છે. આ પણ એક ગૂઢ રહસ્ય છે. આવો ભવ્ય સમારોહ બીજા દેશમાં યોજાવો શક્ય નથી. ભારતમાં ટ્રમ્પના સ્વાગતમાં તાયફો યોજાયો, કુંભમેળાનું આયોજન થયું અને ચૂંટણીની વિરાટ રેલીઓ યોજાઈ; પણ આપણે જાણીએ છીએ દેશની જનતાએ તેની મોટી કિંમત ચૂકવી. અનેક લોકોના જાન ગયા, પણ ચીનમાં આવું બન્યું નથી અને જો બન્યું છે તો આપણે જાણતા નથી. ખેર, ચીનના સામ્યવાદી પક્ષના શતાબ્દી સમારોહમાં ચીનના સર્વેસર્વાં શી ઝિંગપીંગે લાંબુ લગભગ દોઢ કલાકનું ભાષણ આપ્યું. એ ભાષણ એટલું સીધું અને સ્પષ્ટ છે કે કોઈએ તેના અર્થઘટન કરવા માટે રાત ઉજાગરા કરવા પડે એમ નથી.
એ ભાષણ એક વિજેતા દેશના સેનાપતિનું હોય એવું હતું. ‘ચીનની જરૂરિયાત મુજબનો ખાસ પ્રકારનાં ચીની લક્ષણો ધરાવતો’ ચીની સામ્યવાદ સફળ નીવડ્યો છે તેની તેમણે ગૌરવભેર જાહેરાત કરી હતી. 'ચીનની જરૂરિયાત મુજબનો ખાસ પ્રકારનાં ચીની લક્ષણો ધરાવતો' એવી સ્પષ્ટોક્તિ તેમણે તેમના ભાષણમાં અનેકવાર કરી છે. લગભગ પંદરથી વીસ વખત. શા માટે ન કરે? મુક્ત અર્થતંત્ર અને બંધિયાર રાજ્યતંત્રના વર્ણસંકર ચીની મોડેલની એક સમયે હાંસી ઉડાવવામાં આવતી હતી અને આ વર્ણસંકર મોડેલ તેના વિરોધાભાસને કારણે તૂટી પડશે એમ માનવામાં આવતું હતું. આજે એ મોડેલ સફળ સાબિત થયું છે, ટકાઉ પણ સાબિત થયું છે અને આશ્ચર્ય એ વાતનું છે કે જગત તેનું અનુકરણ કરવા મથી રહ્યું છે. ભાષણ વખતે શી ઝિંગપીંગની દેહભાષા (બોડી લેન્ગવેજ) જોશો તો ધ્યાનમાં આવશે કે તેઓ મૂછમાં નહોતા હસતા, પણ જાણે કે અટ્ટહાસ્ય કરતા હતા.
પરંપરાગત સામ્યવાદમાં મૂડી, માર્કેટ અને ઉત્પાદકતાના સાધનો (મીન્સ ઑફ પ્રોડક્શન) ઉપર અંકુશ રાખવામાં આવતો હતો. આ ત્રણ ચીજ અસમાન અર્થવ્યવસ્થા પેદા કરે છે અને સર્વહારાનું શોષણ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો અર્થતંત્ર રાજ્ય દ્વારા અંકુશિત હતું. ૧૯૭૮માં દેંગ ઝીયાઓપીંગ ચીનમાં સર્વેસર્વા બન્યા ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું હતું કે અર્થતંત્રને અંકુશમાં રાખવાથી કોઈનું કલ્યાણ થવાનું નથી. એવું કોણે કહ્યું કે અર્થતંત્રની સફળતા માટે મોકળી સમાજવ્યવસ્થા (લોકતંત્ર) અનિવાર્ય છે અને એ બે વચ્ચેનો સબંધ અવિનાભાવી છે? ઊલટું લોખંડી રાજ્ય, સમાજને બંધિયાર રાખીને અર્થતંત્રને મોકળું મેદાન આપે તો હજુ વધારે ઝડપથી વિકાસ સાધી શકાય. તેમના એ વર્ણસંકર મોડેલને ત્યારે હસી કાઢવામાં આવ્યું હતું, પરંતુ આજે ચાર દાયકા પછી આપણે જોઈએ છીએ કે ચીનના સામ્યવાદી તાનાશાહ અટ્ટહાસ્ય કરી રહ્યા છે અને જગત જોઈ રહ્યું છે.
આશ્ચર્યની વાત છે કે જગતના લોકશાહી દેશો, જે લોકતંત્ર માટે ગૌરવ અનુભવતા હતા એ અત્યારે ચીનની ઈર્ષા કરી રહ્યા છે અને વિચારી રહ્યા છે કે પોતાને ત્યાં લોકતંત્ર ઘટાડીને કે ખતમ કરીને ચીનનો માર્ગ અપનાવીએ તો કેમ! મુક્ત સમાજ અને મૂડીવાદી અર્થતંત્ર વચ્ચે અવિનાભાવી સંબંધ છે એ ખોટી વાત છે અને સત્ય સામેના છેડે છે એવું તેમને લાગવા માંડ્યું છે. એક ડગલું વધારે ચાલશો તો એ પણ ધ્યાનમાં આવશે કે આ બ્રહ્મજ્ઞાન લોકશાહી દેશોમાં શાસકોને થયું છે એનાં કરતાં મૂડીપતિઓ શાસકોને કરાવી રહ્યા છે. દેશનો વિકાસ કરવો છે? બીજાની બરાબરી કરવી છે? આગળ નીકળી જવું છે? શાસક તરીકેનો યશ જોઈએ છે? તો સમાજને મુઠ્ઠીમાં રાખવો જરૂરી છે. સમાજને મુઠ્ઠીમાં બાંધો અને અમને આપો. અમે ડિજીટલ ટેકનોલોજી દ્વારા સમાજને મુઠ્ઠીમાં બાંધીએ તો વચ્ચે નહીં આવવાનું. મુઠ્ઠીમાં બાંધેલો માનવી અમારા માટે ગ્રાહક છે અને તમારા માટે એક મતદાતા છે. આનાથી વિશેષ તે કશું જ નથી. જો તેના અધિકારોનું રક્ષણ કરશો તો માર્કેટનું રક્ષણ નહીં કરી શકો અને જો માર્કેટનું રક્ષણ નહીં કરો તો પૈસો પેદા નહીં થાય. ટૂંકમાં પૈસા પેદા કરવા માટે સમાજને મુઠ્ઠીમાં રાખવામાં અમને મદદ કરશો અને એ રીતે અમારું રક્ષણ કરશો તો અમે તમારું રક્ષણ કરીશું. તમારું રક્ષણ પણ અંતે પૈસો જ કરવાનો છે. આમ શાસકો મૂડીપતિઓની મુઠ્ઠીમાં છે અને તે બન્નેની મુઠ્ઠીમાં સમાજ છે.
આ અસ્સલ પ્રિ-ડિજીટલ યુગનું ચીની મોડેલ છે અને અત્યારે ડિજીટલ યુગમાં જરૂરી ફેરફાર સાથે ભારત સહિત જગતના દેશો તેને અપનાવવા મથી રહ્યા છે. આ સ્થિતિમાં શી ઝિંગપીંગ વિજેતાના મિજાજમાં હોય એમાં શું આશ્ચર્ય!
તેમણે એક વિજેતા તરીકે કહ્યું છે કે એક સમયે ચીનનું અપમાન કરવામાં આવતું હતું એ દિવસો ગયા. ચીન પાસે ધરાર તેની અનિચ્છાએ સમજૂતીઓ અને સંધિઓ કરાવવામાં આવતી હતી અને તેના પર ચીનની સહી લેવામાં આવતી હતી એ દિવસો ગયા. ચીનના બાવડા આમળવામાં આવતા હતા એ દિવસો ગયા. ચીનને સલાહો (દેખીતી રીતે લોકતંત્રની) આપવામાં આવતી હતી એ દિવસો ગયા. હવે કોઈ ચીનને હાથ લગાડી શકે એમ નથી. તેમણે એમ પણ કહ્યું છે કે સમૃદ્ધ અને શક્તિશાળી દેશ પાસે શક્તિશાળી લશ્કર પણ હોવું જોઈએ અને ચીન તે ધરાવે છે. ટૂંકમાં તેમણે વિશ્વસમાજને કહી દીધું છે કે ચીન એક નવી શક્તિશાળી વાસ્તવિકતા છે અને એ વાસ્તવિકતાનો તેના દરેક પાસા (મુખ્યત્વે આર્થિક અને લશ્કરી) સાથે સ્વીકાર કરવામાં આવે. સ્વીકાર કરવો જ પડે એમ છે એમ સ્પષ્ટ કહ્યા વિના તેમણે તે કહી દીધું છે.
તેમણે ચીનની પ્રજાને પણ ચેતવણી આપી છે. ચીનને આ જે યશ મળ્યો છે એ સામ્યવાદી પક્ષને કારણે મળ્યો છે. સામ્યવાદી પક્ષ આવો દૈવી યશ મેળવી શક્યો છે તેના કૃતનિશ્ચયી, દીર્ઘદૃષ્ટિ ધરાવતા સ્વાર્થરહિત નેતૃત્વના કારણે. આ શ્રદ્ધા જળવાઈ રહેવી જોઈએ. પક્ષમાં અને નેતાઓમાં બન્ને. તેમની ભાષા અને દેહભાષા જોશો તો સ્પષ્ટ દેખાશે કે આ સલાહ નથી, અરજ તો બિલકુલ નથી, પણ ખુલ્લી ચેતવણી છે.
માનવીય મોકળાશના મૃત્યુઘંટનો મહિમા કરનારું તેમનું ભાષણ હતું જેની સામે જગતના શાસકોએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. એક દિવસ જગતમાં આવું પણ બનશે તેની કલ્પના આ લખનારે વીતેલી સદીમાં નહોતી કરી!
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 08 જુલાઈ 2021