= = = = અરીસામાં પોતાનો ચ્હૅરો કોને સુન્દર નથી લાગતો? ન લાગે તો વાળ આમ તેમ ગોઠવીને જાત સામે નાનું સ્મિત કરી આપે છે. છોકરીઓ હોઠથી હોઠ દબાવીને લાલાશ તપાસી લે છે. કેમ કે વત્તે-ઓછે અંશે, શું પુરુષ કે સ્ત્રી, આત્મરત અને સ્વકેન્દ્રી હોય છે = = = =
હું નીતિથી ન જીવતો હોઉં, અનીતિ આચરતો હોઉં ને વળી ક્રૂરતા દાખવું, દયા ન દાખવું, રાજકારણ ખેલું, તો દેખીતું છે કે કોઈ જોડે કનેક્શન થાય જ નહીં, હોય તે પણ લૂઝ પડીને તૂટી જાય.
હું સ્વકેન્દ્રી હોઉં ને મારામાં જ રાચતો હોઉં તો દેખીતું છે કે કોઈ જોડે કનેક્શન થાય જ નહીં, હોય તે પણ લૂઝ પડીને તૂટી જાય.
હું જ્યારે જે સૂઝે એ કરું, આવેગમાં આવી જઉં, બેપરવા થઈને ગાંડિયાવેડા કરતો હોઉં, તો દેખીતું છે કે કોઈ જોડે કનેક્શન થાય જ નહીં, હોય તે પણ લૂઝ પડીને તૂટી જાય.
આમ કહેવાનું મને આ રીતે ન સૂઝત. પણ મેં જાણ્યું કે અનીતિ, સ્વકેન્દ્રીયતા અને ગાંડિયાવેડા, એ ત્રણ લક્ષણો માણસનાં છે અને એમ કહે છે, મનોવિજ્ઞાનીઓ. હું મનોવિજ્ઞાનનો અભ્યાસી નથી પણ ઉપકારક કંઈક મળે તો અંકે કરી લેતો હોઉં છું.
માણસનાં એ ત્રણ લક્ષણોને મનોવિજ્ઞાનીઓએ નામ આપ્યાં છે : મૅક્યાવેલિયનિઝમ, નાર્સિઝમ, સાયકોપથી.
એટલું તો બરાબર, પણ મનોવિજ્ઞાનીઓ એમ કહે છે કે જીવનમાં સફળ થયેલી વ્યક્તિઓમાં આ ત્રણે ય લક્ષણો અથવા એક લક્ષણ તો જોવા મળે જ છે. સફળતાને સારુ એ લોકોએ અનીતિ આચરી હોય છે, ક્રૂરતાની હદે. સફળતાને સારુ એ લોકો સ્વના જ કેન્દ્રમાં જીવતા હોય છે. સફળતાને સારુ એ લોકો આવેગમાં આવીને બેપરવાઇ કરતા હોય છે.
મને વાત એ રીતે અચરજકારક લાગેલી કે આ ત્રણ તો મોટાં અપલક્ષણો છે છતાં જીવનમાં તેઓ સફળ થાય છે, બહુ ક્હૅવાય !
આપણા રાજનેતાઓમાં, કહેવાતા પણ્ડિતોમાં, નીતિવેત્તાઓમાં, સમાજસુધારકોમાં, ધરમીકરમીઓમાં, કલાકારોમાં, સાહિત્યકારોમાં આવા લક્ષણવન્તા ઘણા છે અને તેઓ સફળ પણ થયેલા છે.
મનોવિજ્ઞાને એ લક્ષણોની ઘણી આંટીઘૂંટીઓ દર્શાવી છે અને ખાસ્સો શાસ્ત્રવિસ્તાર કર્યો છે. પણ એ લક્ષણોને ટૂંકમાં આમ પણ વર્ણવ્યાં છે :
મૅક્યાવેલિયનિઝમ : એટલે એવી તાકાત કે જે વડે કોઈને પણ દબાવી દેવાય, અને તે માટે ક્રૂરતા પણ આચરી શકાય.
તમને કહું, ઇટલીમાં મૅક્યાવેલિ નામના રાજનીતિજ્ઞ-ફિલસૂફ થઈ ગયા. એમના રાજનીતિ-દર્શનમાં કેન્દ્રવર્તી વિચાર એ છે કે રાજકારણમાં નીતિ નથી હોતી. એક જ ‘નીતિ’ કે યેન કેન પ્રકારેણ સત્તા હાંસલ કરવી ! એ માટેનાં સાધનો ગમે એટલાં અનૈતિક હોય, વાંધો નહીં. ગંદું ગમે એટલું લાગે, ભલે લાગે. ક્રૂરતા આચરતાં ખચકાય નહીં. હિટલર તો બહુ મોટો દાખલો કહેવાય, પણ નાની સાઇઝના ય ક્રૂરતા બાબતે કમ નથી હોતા. વિરોધીની હત્યા માટે સોપારી આપી રાખે. બેહદના નિર્દયી થઈ શકે. અને, રાજકારણમાં બધું જ વાજબી ગણાય છે.
નાર્સિઝમ : એટલે સ્વાર્થીપણું, સ્વકેન્દ્રીયતા.
તમને કહું, નાર્સિસસ ગ્રીક પુરાણગાથાઓમાં વર્ણવાયેલો એક યુવાન છે. તે ખૂબ જ સુન્દર હતો, અનેકો એના પ્રેમમાં પડી ગયેલી, પણ એ તો એમને ગમાડતો ન્હૉતો, બલકે ધિક્કારતો’તો. કેમ કે એ પોતાની જાત સિવાય કોઈને પણ ચાહતો ન’તો, કહો કે આત્મરતિની મૂર્તિ હતો. સ્વાર્થી અને સાવ જ સ્વકેન્દ્રી.
એવા પાસે તમે સહાનુભૂતિની આશા રાખો તો છેતરાઈ જાવ. ઊલટું એ કે આપણી પાસે એ એનાં જ વખાણ પ્રશંસા ને સ્તુતિ માગ્યા કરતો હોય છે. ન આપો તો કિન્નો રાખે. ટીકાટિપ્પણી કરો, તો એમના પાળેલા કૂતરા તમારી પાછળ પડે ને તમને ફાડી ખાય. દુનિયામાં આછકલા કલાકારો અને તૂંડમિજાજી સાહિત્યજીવો બહુ મળી આવે છે, તેઓ આવા સ્વકેન્દ્રી હોય છે.
સાયકોપથી : સંમિશ્ર લક્ષણ. ભાવનાઓ ખરી પણ જડતા પણ એટલી જ. વળી, આવેગમાં જીવે, ભયાનક કામો ભયાનક રીતે કરી શકે.
સાયકોપાથ
Picture Courtesy : Big Think
તમને કહું, આવા સાયકોપાથ એટલે કે મનોરોગી, લાગે ગાંડિયા, પણ ઘાતક હોય છે. બહુ જ હાનિકારક. એઓ તમારું ભલું કરશે એમ માનવાની ભૂલ ન કરવી. ચસ્કેલ હોય છે. એમનો ભરોંસો નહીં, ગમે ત્યારે ગમે તે કરી બેસે. કેમ કે પોતાની વૃત્તિઓ પર કાબૂ નથી રાખી શકતા. ઇમ્પલ્સિવ હોય છે. મનોવિજ્ઞાનીઓ આ લક્ષણને ન્યૂરોસાયક્યાટ્રિક ડિસ્ઑર્ડર કહે છે.
મને થાય, નાનીમોટી અનીતિ તો કોણ નથી કરતું? અરીસામાં પોતાનો ચ્હૅરો કોને સુન્દર નથી લાગતો? ન લાગે તો વાળ આમ તેમ ગોઠવીને જાત સામે જરાક હસી આપે છે. છોકરીઓ હોઠથી હોઠ દબાવીને લાલાશ તપાસી લે છે. કેમ કે વત્તે-ઓછે અંશે, શું પુરુષ કે સ્ત્રી, આત્મરત અને સ્વકેન્દ્રી હોય છે. અને, માણસ જ આવેગમાં આવી જાય છે ને અને કરવાનું કરી બેસે છે, ખરું કે નહીં?
પણ માણસ માર બૂધું ને કર સીધું કરતોક ને જીવનમાં બસ સફળ થવા જ નીકળ્યો હોય, અને આમાંનું કંઈ પણ કરે એટલે અતિરેક થાય, અને એ અતિરેક માણસને માણસ ન રહેવા દે.
સફળતાની આવી આ આખી વાત જાણ્યા-સમજ્યા પછી હું બેચૅન થઈ ગયેલો. તરત મેં સફળતા સાથેનું મારું કનેક્શન તપાસ્યું. આમાંનું એકે ય લક્ષણ દેખાયું નહીં. એટલે મને પ્રશ્ન થયો કે શું હું નિષ્ફળ છું …એમ પણ થયું કે સફળતા એટલે શું …
ખરેખર તો, અહીં જેને સફળ કહ્યા છે તેવા નહીં, એવા નિષ્ફળે ય નહીં, પરન્તુ સામાન્ય રહીને માણસો સામાન્યપણે જીવી જાય એ જ મોટી વાત છે.
સામાન્યતા તમામ હ્યુમન કનેક્શન્સને ટાઇટ રાખે છે.
= = =
(June 26, 2021: USA)