હૈયાને દરબાર
મીરાં કાવ્યો કે મીરાં ગીતો એ સાહિત્યનો એક આખો વિષય થઈ શકે એટલી સમૃદ્ધિ મીરાંના વ્યક્તિત્વમાં અને એમનાં પદો, ભક્તિગીતો તથા એમના વિશે લખાયેલાં ગીતોમાં છે. ભગવાન કૃષ્ણ જેમ ઘણી વાર આપણા વિચારોમાં આપોઆપ પ્રગટે એમ રાધા-કૃષ્ણ ને મીરાંનાં ગીતો ય અનાયાસે યાદ આવી જાય. રમેશ પારેખની આવી જ એક રચના યાદ આવી અને સાથે સ્મરણ થયું એ ગીતની ગાયિકા જાહ્નવી શ્રીમાંકરનું. ‘રે’શું અમે ય ગુમાનમાં …’ ગીત મીરાંની ખુમારીનું ગીત છે. રમેશ પારેખના આ ગીતને સ્વરબદ્ધ કર્યું છે સંગીતકાર સુરેશ જોશીએ.
આ ગીતના સર્જન વિશે સુરેશ જોશી કહે છે, ‘તમે નહીં માનો, પણ આ ગીત મારી ટીનેજમાં મેં કમ્પોઝ કર્યું હતું. એ વખતે કદાચ ગીતના શબ્દો પૂરા સમજાયા નહીં હોય અને રાગદારીની સમજ પણ કેળવાઈ નહીં હોય છતાં ગીત બની ગયું. એ માલકૌંસ અને ચંદ્રકૌંસ રાગના સંયોજનમાં બન્યું એ તો પછી ખબર પડી. પાંચ-છ વર્ષ પહેલાં જાહ્નવી શ્રીમાંકરે મ્યુઝિક આલબમ માટે આ ગીત ગાયું હતું. થોડા વખત પહેલાં મેં આ જ ગીત ફરીથી રાગ દરબારીમાં પણ સ્વરબદ્ધ કર્યું છે. ગીતનો ભાવાર્થ ખૂબ સરસ છે. શરૂઆતમાં તો મીરાંનાં ગુમાન અને રિસામણાની વાત લાગે પણ છેલ્લી પંક્તિઓમાં વાત બદલાઈ જાય છે. મીરાં અંતમાં કહે છે કે ‘આ ભર વસંતમાં, જીવતર દઈ દેશું દાનમાં; હરિ સંગ નહીં બોલીએ …!’ આમાં જીવનની વસંતની વાત અભિપ્રેત છે કે મીરાં પોતાનું યૌવન સુધ્ધાં દાનમાં આપી દેવા તૈયાર છે, પણ હરિ સંગ બોલશે તો નહીં જ! ત્યાગ, બલિદાન અને સમર્પિતતાનાં મીરાં કાવ્યો કરતાં આવું ખુમારીનું મીરાં ગીત અલગ છાપ ઊભી કરે છે. રમેશ પારેખના કાવ્યસંગ્રહ ‘મીરાં સામે પાર’ પરથી એક નાટક ‘મીરાં’ પણ તૈયાર થયું હતું, જેમાં ર.પા.નાં મીરાં ગીતો સ્વરબદ્ધ કરીને મેં અન્ય ગાયકો સાથે રજૂ કર્યાં હતાં. આ ગીતમાં મીરાંનો ગર્વ છે એ ગીતને નવું પરિમાણ આપે છે.’
મીરાંબાઈ મધ્યકાલીન સંત કવયિત્રી. સ્ત્રીસંતોમાં ઝળહળતું નામ એટલે મીરાં. નરસિંહ અને મીરાં ઉપર જેમણે ખૂબ સંશોધન કર્યું છે એવા જવાહર બક્ષી પાસે મીરાં વિશે અઢળક માહિતીઓ છે. મીરાંબાઈ વિશેના એક વક્તવ્યમાં જવાહર બક્ષીએ જણાવ્યું હતું કે, ‘મીરાં બહુ સૌંદર્યવાન રાજકુંવરી હતી. ભક્તિમાં તરબોળ અને રાજપૂતાના પરંપરા પ્રમાણે નૃત્ય અને સંગીત શીખેલી. નરસિંહ મહેતાનાં સો વર્ષે રાજસ્થાનની ધરા પર મળે છે મીરાં. મીરાંનાં સાચા પદો તો ૧૩૮ જ છે જેમાં ૧૭ આત્મચરિત્રનાં, ૨૮ કૃષ્ણભક્તિનાં અને ૪૭ વિરહનાં પદ છે. મીરાંની ભક્તિ સગુણ ભક્તિ હતી. એમણે ‘સાકાર’ સાધના કરી હતી. કબીર નિરાકાર કે નિર્ગુણ ભક્તિ પરંપરાના વાહક, નરસિંહ મહેતા સાકાર અને નિરાકાર બંને ભક્તિના પ્રેરક હતા, જ્યારે મીરાંએ તો પોતે જ કહ્યું હતું કે ‘મીરાં બાત કરે પરગટ કી …’ એટલે કે મીરાંની ભક્તિ, કૃષ્ણપ્રીતિ પ્રગટ હતાં. અલબત્ત, મીરાંનાં પદો નિર્વિકાર ચેતનાનાં પદો છે. ગુજરાતી ભાષામાં મીરાંની અનેક રચનાઓ જોવા મળે છે. મીરાંનો કૃષ્ણ એમની સાથે રમી શકે, દોડી શકે, રાસ રમી શકે એવો કૃષ્ણ છે.’
મીરાંનું પ્રાગટ્ય રાજસ્થાનના મેવાડમાં. નાની વયે પિતાનું મૃત્યુ થતાં એમના દાદાએ મીરાંને ઉછેરેલાં. દાદાજીનો સાધુસંતો સાથે સત્સંગ હોવાથી મીરાં રાજપાટને બદલે ભક્તિ – સાદગીના સંસ્કાર પામ્યાં અને એટલે જ એમણે લખ્યું ‘મ્હારો પ્રણામ બાંકે બિહારી …’ જેના મુખડાની માયા મીરાંને લાગી હતી. દાદા પાસે આવતા સાધુસંતોમાંથી એક સાધુ પાસે કૃષ્ણની બહુ જ સુંદર મૂર્તિ હતી. નાનકડી મીરાંએ જીદ કરી કે મારે આ જોઈએ જ છે. ત્યારે સાધુએ કહ્યું કે આ હું નહીં આપી શકું, કારણ કે આ મારા ગુરુએ દીક્ષિત કરેલી મૂર્તિ છે. મીરાં હતાશ થઈ ગયાં. પણ એ જ રાત્રે સપનામાં એ સાધુને ગુરુજીએ આવીને કહ્યું કે આ મૂર્તિ બાળકીને આપવા માટે જ મેં તમને મોકલ્યાં છે, તો એ બાળકીને મૂર્તિ આપી દો. સાધુએ મૂર્તિ આપી અને હર્ષોલ્લાસ સાથે મીરાં પગમાં ઘૂંઘરુ બાંધી નૃત્ય કરવા લાગી. ‘મીરાં પ્રેમ દીવાની’ની શરૂઆત અહીંથી થઈ હતી. મીરાંનો પ્રેમ નિર્વ્યાજ હતો. એમણે આખી જિંદગી કોઈ જ કર્મકાંડ, સાધના કર્યાં નહોતાં, માત્ર શ્રીકૃષ્ણને પ્રેમ કર્યો હતો. રાજકુંવરી હોવાથી ઘોડેસવારી, તલવારબાજી શીખ્યાં પણ એમનું ચિત્ત તો કૃષ્ણની મૂર્તિમાં જ ચોંટેલું હતું અને છેવટે લગ્ન પણ એમણે મનોમન એ મૂર્તિ સાથે જ કર્યાં હતાં.
આવી પ્રેમ દીવાની મીરાંને અનેક ભારતીય કવિઓએ ગાઈ છે. શબ્દો ઘણી વાર એટલા સરસ હોય કે સ્વર સીધો હૃદયના ખૂણે ખૂણે પ્રસરી જાય.
આ પા મેવાડ અને ઓલી પા દ્વારિકા,
વચ્ચે સૂનકાર નામ મીરાં
રણકી રણકીને કરે ખાલીપો વેગળો,
હરિના તે નામનાં મંજીરાં
બાજે રણકાર નામ મીરાં!
કેવા સરસ શબ્દો છે! ભગવતી કુમાર શર્માની આ અદ્ભુત કવિતાને સંગીતકાર ઉદયન મારુએ એટલી જ લાજવાબ સ્વરબદ્ધ કરી છે અને આલાપ દેસાઈએ ગાઈ છે. સુરેશ દલાલ, મૂકેશ જોશી સહિત ગુજરાતી કવિઓએ મીરાં કાવ્યો ક્યારેક તો લખ્યાં જ છે. લયના કામાતુર રાજવી એવા કવિ રમેશ પારેખે ‘મીરાં સામે પાર’ નામે આખો કાવ્યસંગ્રહ મીરાં કાવ્યોનો આપ્યો છે. એમાંનું એક ગીત એટલે;
રે’શું અમેય ગુમાનમાં
હરિ સંગ નહીં બોલીએ
રમેશ પારેખના સર્જન વિશે લખતાં કાગળ, શાહી અને આપણી લેખનશક્તિ ઓછી પડે એવું વિરાટ એમનું કાવ્ય કવન છે. ‘રે’શું અમેય ગુમાનમાં …’ ગીતમાં મીરાંના પ્રેમની અભિવ્યક્તિ સાવ જુદી જ છે. તમે ભલે ભગવાન છો પણ સામે પક્ષે હું ય કંઈ ઓછી નથી એ ખુમારી આ ગીતમાં અભિવ્યક્ત થઈ છે. પ્રિયતમ કાનુડા પ્રત્યે રીસ છે પણ કૃષ્ણપ્રેમથી અળગાં તો રહી શકાય એમ નથી એટલે મીરાં કૃષ્ણ માટે બધું જ કરવા તૈયાર છે, પણ હરિ સંગ એને બોલવું નથી. ગુમાનમાં રહેવું છે કે જાઓ તમારે માટે આ બધું કરીશ, પણ વાત તો નહીં જ કરું. આગળ કહે છે;
આસનિયા ઢાળશું ને ચરણોમાં પખાળશું,
આંખ્યું ઉલાળશું તોફાનમાં …
મીરાંને પ્રેમના બધા ઈશારા માન્ય છે, પણ હરિ આવે તો ગુમાનમાં, અભિમાનમાં રહેવું છે.
આવો પરોક્ષ પ્રેમ અને પરોક્ષ અબોલા અનુભવ્યા છે તમે ક્યારે ય? વોટ્સએપ મેસેજમાં ‘આઈ લવ યુ’ કે ‘આઈ હેટ યુ’ કહી દેનારી જનરેશનને કદાચ એ નહીં સમજાય. બાકી, આ પરોક્ષ પ્રેમ અને પરોક્ષ અબોલાની થ્રિલ જુદી જ છે. કશું બોલ્યા વિના ઈશારાથી મનની વાત કહી દેવી, પ્રેમનો એકરાર જાતે કરવાને બદલે ગમતા શાયરની શાયરીઓ પ્રિય પાત્રને મોકલવી, ચાંચમાં ચાંચ પરોવીને બેઠેલાં પક્ષીઓનાં ચિત્રો મોકલવાં એ બધાં પરોક્ષ પ્રેમના સંકેત છે, પરંતુ નારાજગી થઈ હોય ત્યારે રિસાવાની પણ એક રીત હોય છે. પ્રેમ છે, છતાં નથી એવું બતાવવાની લાગણી કવિએ આ ગીતમાં વ્યક્ત કરી છે.
ગીતનાં ગાયિકા જાહ્નવી શ્રીમાંકર કહે છે, ‘નાનપણથી હું મીરાંના વ્યક્તિત્વથી પ્રભાવિત છું. જ્યારે પણ મીરાંબાઈનું ગીત ગાવાનું હોય ત્યારે કોણ જાણે કેમ પણ હું મીરાંના પાત્રમાં ખોવાઈ જાઉં છું અને હું પોતે જ મીરાં હોઉં એવું મને પ્રતીત થાય છે. મીરાં ગીત ગાવામાં મને વિશેષ આનંદ આવે છે. હું મીરાંમય બની જાઉં છું. કૃષ્ણ માટેનો મીરાંનો અગાધ પ્રેમ, એમની ભક્તિ, કૃષ્ણપ્રેમની કોમળ ભાવના તથા કૃષ્ણ પ્રત્યેની તન્મયતા તેમનાં અલૌકિક પદો અને સંગીત રચનામાં દેખાય છે. સદ્ભાગ્યે મને ત્રણ-ચાર ઉત્તમ મીરાં ગીત ગાવાની તક મળી જેમાં સંગીતકાર સુરેશ જોશીએ સ્વરબદ્ધ કરેલું ‘રે’શુ અમેય ગુમાનમાં …’ રાગ ચંદ્રકૌંસનો સ્પર્શ ધરાવતું આ ગીત મેં સુરેશ જોશીના એક આલબમમાં તો ગાયું જ છે, પરંતુ એ સિવાય અનેક પ્રોગ્રામમાં ગાયું છે. અભિનેત્રી-ગાયિકા માનસી પારેખની એક યુટ્યુબ ચેનલ પર એ અનપ્લગ્ડ પણ રજૂ કર્યું છે.’
જાહ્નવી શ્રીમાંકરે ગાયેલાં અન્ય બે મીરાં ગીતો પણ ખૂબ સરસ છે. આજના જમાનાને અનુરૂપ આધુનિક સંગીત અને દૃશ્ય પરિકલ્પના બંનેના સંયોજનથી એ બંને ગીતો વધારે નીખરી ઊઠ્યાં છે. વૈભવ ત્રિવેદીએ સ્વરબદ્ધ કરેલું ‘ચૂંદલડી’ તથા પાર્થ ભારત ઠક્કરના સ્વર નિયોજનમાં રજૂ થયેલો માધવ અને મીરાંનો રાસ લાજવાબ છે. પાર્થ ભરત ઠક્કર એ મુંબઈ સ્થિત યુવા નિર્માતા અને સ્વરકાર છે. ગુજરાતી સંગીત ક્ષેત્રે એવું કામ કરવા ઈચ્છે છે કે ગુજરાતી યુવા પેઢી એમની કોલર ટ્યુનમાં ગુજરાતી ગીતો રાખતી થઈ જાય અને કવર સોંગ બનાવવું હોય ત્યારે પણ ગુજરાતી ગીત જ એમને યાદ આવે. ૨૦૨૦ની વર્ચ્યુઅલ નવરાત્રિ વખતે રજૂ થયેલા આ વીડિયોને અદ્ભુત પ્રતિસાદ મળ્યો હતો. રાધા અને માધવનો રાસ આપણે જોયો છે, પરંતુ નીરેન ભટ્ટે લખેલા મીરાં અને માધવના રાસના શબ્દો હતા;
હે રાણી રાધાને થાય અદેખાઈ રે,
જોઈ આજ મીરાં ને માધવનો રાસ,
હે ઓલી મોરલી એ સૂર ભૂલી જાય
જોઈ મીરાં ને માધવનો રાસ,
આ તો સરયૂ ને સાગરનો રાસ,
આ તો ચાતક ને ચાંદાનો રાસ ..!
આ રાસ ગાયો હતો જાહ્નવી શ્રીમાંકર અને આદિત્ય ગઢવીએ. વીડિયોમાં ગુજરાતી અભિનેત્રી વ્યોમા નંદીએ મીરાંની ભૂમિકા ભજવી અને જાહ્નવી પણ એમાં ખૂબસૂરત ગાયિકા તરીકે દૃશ્યમાન છે. દાદીમાનું હવેલી સંગીત સાંભળીને નાનકડી જાહ્નવીના મનમાં સંગીતનાં બીજ રોપાયાં હતાં. માતા-પિતા અને સ્વજનોના પ્રોત્સાહનથી સંગીત શીખવાનું શરૂ કર્યું. શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધા પછી જાહ્નવી શ્રીમાંકર સંગીત ક્ષેત્રે લગભગ ૨૦ વર્ષથી કાર્યરત છે. ગુજરાતી સુગમ સંગીત, ગરબા, ઠૂમરી, ગઝલ અને ફિલ્મ સંગીતના શો એમણે દેશ-વિદેશમાં કર્યા છે. ગીતકાર જાવેદ અખ્તર તથા સંગીતકાર અમિત ત્રિવેદી સાથે મ્યુઝિકલ ટૂર્સ કરી છે, મ્યુઝિક આલબમ્સ તથા અર્બન ગુજરાતી ફિલ્મોમાં એમણે ગાયું છે. કોઈના અવાજની કોપી કર્યા વિના પોતાના મધુર કંઠ દ્વારા આગવી ઓળખ ઊભી કરનાર જાહ્નવી શ્રીમાંકરે ગાયેલાં મીરાંનાં આ દરેક ગીત એકબીજાંથી સાવ જુદાં છે. તક મળે તો સાંભળજો.
———–
રે’શું અમેય ગુમાનમાં
હરિ સંગ નહીં બોલીએ …
ખોલીશું બારણાં ને લેશું ઓવારણાં,
આવકારા દેશું સાનમાં;
હરિ સંગ નહીં બોલીએ …
આસનિયા ઢાળશું ને ચરણો પખાળશું,
આંખ્યું ઉલાળશું તોફાનમાં;
હરિ સંગ નહીં બોલીએ …
લાપસિયું ચોળશું ને વીંઝણલા ઢોળશું,
મુખવાસા દેશું પાનમાં;
હરિ સંગ નહીં બોલીએ ….
મીરાં કે અંતમાં, આ ભર વસંતમાં,
જીવતર દઈ દેશું દાનમાં;
હરિ સંગ નહીં બોલીએ …
• કવિ : રમેશ પારેખ • સંગીતકાર : સુરેશ જોશી • ગાયિકા : જાહ્નવી શ્રીમાંકર
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=692437
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 10 જૂન 2021