કવિતા:
દરિયાને થાય ..
દરિયાને થાય કદી રેતી હું થાઉં ને રેતીને થાય, બનું દરિયો.
કાંઠા તો બેઉ કહે આંગળી ચીંધીને કે તારો ખજાનો છે ભરિયો ..
મર્કટ આ મનડું તો આમ તેમ ભટકે,
સઘળું હો પાસ પણ ક્યાં ક્યાં જઈ અટકે.
ઊંચેરા વાદળની આંખ છે ધરા પર,
ને ધરતીની વરાળ જાય આભ પર.
સદીઓ વીતી, ના જાણે કોઈ ક્યારે આ ભીતરનો દરિયો.
દરિયાને થાય કદી રેતી હું થાઉં ને રેતીને થાય, બનું દરિયો.
છે મઝધારે રહેવાનું આકરું અકારું,
ને કિનારે પહોંચ્વાને હામ હું ન હારું
જો સમંદર, અંદરથી ફીણ-ફીણ થાતો,
અડકી રેતીને વળી પળમાં વળોટાતો.
‘નથી’તે પામવાની ઝંખનાએ એને તળિયેથી ઊંચકીને ફેરવ્યો.
દરિયાને થાય કદી રેતી હું થાઉં ને રેતીને થાય,બનું દરિયો.
(2)
ગઝલઃ
વધાવી દીધો છે ..
સમંદરને અંદર સમાવી દીધો છે.
ને અંગાર રાખે દબાવી દીધો છે.
હતો ભાર એને કળીનો હ્રદય પર,
મૂકી એક પથ્થર હટાવી દીધો છે.
કહ્યું પાંખ કાપી હવે ઊડ આભે,
વફાનો શિરસ્તો નિભાવી દીધો છે.
હતું અશ્રુ પાંપણની કોરે લટકતું,
ન ખાળ્યું તો દરિયો વહાવી દીધો છે.
જરા કળ વળી ત્યાં પૂછે લોક આવી,
‘ખુશી છે’ કહી ગમ છુપાવી દીધો છે.
વળી જઇને પાછા કાં ઉછળે છે મોજાં?
હતો જે મિનારો ઉડાવી દીધો છે.
ખુશી દે કે લઇ લે, ફિકર ક્યાં હવે છે?
કહી દો કે ગમને વધાવી દીધો છે.
e.mail : ddhruva1948@yahoo.com