કેલિફૉર્નિયાના ફોસ્ટર-હોમમાં છવ્વીસ વર્ષની ગ્લૅડિઝ બેકર ખોળામાં બે અઠવાડિયાની ફૂલગુલાબી દીકરીને લઈ બેઠી હતી. તેના સુંદર ચહેરા પર ગ્લાનિની છાયા હતી.
‘છોકરીનું નામ?’ ફોસ્ટર હોમની સંચાલિકાએ પ્રશ્ન કર્યો.
‘નોર્મા જિન મોર્ટેંસન,’ બેકર બોલી.
‘પિતાનું નામ?’ જવાબ આપ્યા વિના બેકર ઊભી થઈ. ઢીંગલી જેવી દીકરીને પારણામાં મૂકી ચાલતી થઈ.
એ પળથી નાનકડી નોર્માની અજબ વળાંકોવાળી પરીકથા જેવી જિંદગીની શરૂઆત થઈ. આ નોર્મા આગળ જતા મેરિલિન મનરોના નામથી પ્રસિદ્ધ થવાની હતી. 1 જૂને ગયેલા તેના જન્મદિન નિમિત્તે વાત કરીએ, ભવ્ય સફળતા અને વિરાટ અસલામતીના ઉદાહરણરૂપ એવી તેની જિંદગીની, માત્ર 36 વર્ષની ઉંમરે તેણે કરેલી આત્મહત્યાની અને તેના સંકુલ વ્યક્તિત્વની.
તો, નાની નોર્મા ફોસ્ટર-હોમના શાંત, ધાર્મિક, શિસ્તબદ્ધ વાતાવરણમાં ઉછરવા લાગી. નોર્માની મા તેને મળવા આવતી ને ક્યારેક પોતાના હોલિવૂડ અપાર્ટમેન્ટમાં લઈ જતી પણ તેને સ્ક્રિઝોફેનિયાના હુમલા આવતા અને વારંવાર એસાઈલમમાં દાખલ થવું પડતું. નોર્માને ફોસ્ટર-હોમ્સ, અનાથાલયો અને પાલકો વચ્ચે ફંગોળાતાં રહેવું પડતું.
આ સ્થિતિમાંથી છૂટવા 1942માં, 16 વર્ષની ઉંમરે નોર્મા એક ફેક્ટરીમાં કામ કરવા લાગી અને તેની સાથે કામ કરતા જેમ્સ ડોબરીને પરણી ગઈ. દરમ્યાન એક ફોટોગ્રાફરે પાડેલી તેની તસવીરો જાણીતી થઈ અને તેની મોડેલિંગ કૅરિયર શરૂ થઈ. નોર્માની મા દસ વર્ષ મેન્ટલ હૉસ્પિટલમાં ગાળી બહાર આવી ત્યારે બીજું વિશ્વયુદ્ધ પૂરું થવાની તૈયારીમાં હતું. નોર્માએ છૂટાછેડા લઈ લીધા હતા, તે મોડેલિંગ કરતી હતી અને તેને ટ્વેંટીએથ સેંચુરી ફોક્સ સાથે કરાર કરી મેરેલિન મનરોના નામથી એક ફિલ્મ સાઈન કરી હતી. તેની માને આ પગલાંઓ ગમ્યાં નહીં. તે એક પરણેલા પુરુષને શોધી ક્યાંક ચાલી ગઈ.
મેરિલિન ખૂબ સુંદર હતી. કોમળ ચહેરો, મીઠો અવાજ અને સંઘેડાઉતાર શરીર – પોતાની આ સંપત્તિથી તે સભાન હતી અને તેનું નિ:સંકોચ પ્રદર્શન પણ કરતી. ટ્વેન્ટીએથ સેન્ચુરી ફોક્સ સાથેના કરાર પૂરા થયે તેણે ફરી મોડેલિંગ શરૂ કર્યું. કેલેન્ડર માટે આપેલા ન્યૂડ ફોટોગ્રાફે ફરી તેને ફિલ્મો અપાવી. જોતજોતામાં તે છવાઈ ગઈ.
1954માં તેણે નિવૃત્ત ફૂટબૉલ પ્લેયર ડીમીએગો સાથે લગ્ન કર્યાં. બન્ને વચ્ચે મેળ હતો જ નહીં – લગ્ન થયાં કે તરત બન્ને છૂટાછેડા લેવાનું વિચારવા લાગ્યાં, ને એક વર્ષમાં જ છૂટાં પડ્યાં. એ જ વર્ષે તેને જહોન કેનેડી સાથે પ્રેમ થયો. કેનેડી સેનેટર હતા, પ્રમુખની ચૂંટણી માટે તૈયારી કરતા હતા, સંબંધને જાહેરમાં સ્વીકારવા તૈયાર ન હતા. પ્રેમપ્રકરણ ‘ઓપન સિક્રેટ’ બની ચાલતું રહ્યું. સફળ ફિલ્મોની વણઝાર પણ ચાલુ જ હતી.
1956માં મેરિલિન પ્લે રાઈટર આર્થર મિલરના પ્રેમમાં પડી અને યહૂદી બની તેની સાથે લગ્ન કર્યાં. 1961માં બન્ને છૂટાં પડ્યાં. આ તેનાં સૌથી લાંબું ટકેલાં લગ્ન હતાં. આ જ વર્ષે ‘ધ મિસફિટ’ આવી. આ ફિલ્મ મિલરે ખાસ મેરિલિન માટે લખી હતી. ફિલ્મ રિલિઝ થઈ ત્યારે તે એક પરિણીત ફ્રેંચ અભિનેતાના પ્રેમમાં હતી અને પ્રેગ્નન્ટ થઈ હતી. તેની સગર્ભાવસ્થાની તસવીરો તેની ખાસ મિત્ર ફ્રિએન્ડા પાસે હતી. આ તસવીરો તેના મૃત્યુ પછી તેના સામાનમાંથી મળી અને ઊંચા ભાવે વેચાઈ. મેરિલિનને બાળકો ગમતાં, પણ થયાં નહીં. બેફામ જીવનશૈલી અને વારંવાર કરાતા ગર્ભપાતોએ તેનું શરીર ડખોળી નખ્યું હતું.
1962માં ‘સમથિંગ ગોટ ટુ ગિવ’નું શૂટિંગ શરૂ થયું. તે બીમાર રહેતી, તો પણ આ જ વર્ષના મે મહિનામાં તે ન્યૂ યૉર્ક ગઈ અને એક ભવ્ય સમારંભમાં પ્રમુખ જહોન કેનેડી માટે ‘હૅપી બર્થ ડે પ્રેસિડેન્ટ’ ગીત ગાયું. જૂન મહિનામાં મેરિલિનને ફિલ્મમાંથી પડતી મુકાઈ. ફરી તેને ફિલ્મમાં લીધી પણ શૂટિંગ થયું નહીં. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં 36 વર્ષની મેરિલિન મનરો પોતાના લૉસ એન્જલિસના ઘરમાં મોટા પ્રમાણમાં બાર્બિચ્યુરેટ્સ (ઊંઘવાની ગોળીઓ) લઈ મૃત્યુ પામી.
મૃત્યુના દિવસે તેણે એક કલાક ડૉક્ટર સાથે વાત કરી હતી. ‘મને ગૂંગળામણ થાય છે, ડૉક્ટર!’ આવું તે ઘણી વાર કહેતી. ‘ખુલ્લામાં ફરી આવ.’ ડૉક્ટરે પણ તેને એ જ જવાબ આપ્યો જે તેઓ ઘણી વાર આપતા. રાત્રે ત્રણ વાગ્યે તેના રૂમમાં લાઈટ સળગતી જોઈ તેની હાઉસકીપરે બારણું ઠોક્યું. ન ખૂલ્યું એટલે ડૉક્ટરને બોલવ્યા. બારી તોડી જોયું તો મેરિલિન લગભગ વસ્ત્રહીન અવસ્થામાં મૃત પડી હતી. હાથમાં ફોનનું રિસિવર પકડેલું હતું. મૃત્યુ ‘સંભવિત આત્મહત્યા’ ગણાયું. એક થિયરી પ્રમાણે તે પ્રમુખ જહોન કેનેડી સાથેના પોતાના સંબંધો જાહેર કરી ન દે તેથી અને બીજી થિયરી પ્રમાણે તે એટર્ની જનરલ રોબર્ટ કેનેડીના કોઈ કાવતરાનો ભાંડો ન ફોડી દે તેથી તેની હત્યા કરવામાં આવી હતી. જો કે તેના પુરાવા મળ્યા નહીં, પણ અફવા બહુ ચગી હતી.
મેરિલિન મનરોએ 23 ફિલ્મોમાં કામ કર્યું હતું. તેની લોકપ્રિયતા અને સંપત્તિ તેના જમાનાના બધા કલાકારો કરતાં ઘણાં વધારે હતાં. તેની ઈમેજ શરૂઆતમાં કમઅક્કલ, માદક અને લોભામણી સુંદરીની હતી. અમેરિકાના પ્રમુખ જહોન કેનેડી ઉપરાંત માર્લોન બ્રાંડો, ફ્રાંક સિનાત્રા, ઈલિયન કર્ઝન સહિત અનેક મોટાં માથા મેરિલિનના પ્રેમમાં હતાં. એક સ્રોત આ સૂચિમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું નામ પણ મૂકે છે. પછીનાં વર્ષોમાં તેનું વ્યક્તિત્વ ખીલ્યું, પણ આડેધડ જીવાઈ રહેલી જિંદગી અને બનતા-તૂટતા સંબંધોને લીધે હોલિવૂડના દબાણો વચ્ચે અસ્તિત્વ ટકાવવા મથતી એક પ્રસિદ્ધ ને ગ્લૅમરસ પણ દુ:ખી ને વેરવિખેર સ્ત્રી તરીકે આકાર લેતું ગયું. તે ભીતરથી વલોવાતી રહી, મનોચિકિત્સકો અને દવાઓના શરણે ગઈ. સેટ પર ખૂબ મોડી આવતી, ક્યારેક દિવસો સુધી બાર્બિચ્યુરેટ્સના ઘેનમાં ઊંઘ્યા કરતી. તેની અપરંપાર લોકપ્રિયતાને લીધે ફિલ્મસર્જકો આ બધું ચલાવતા પણ કારકિર્દી હાલકડોલક તો થતી રહેતી.
એક તરફ એકલતા, અસલામતી અને પ્રબળ ઊર્મિશીલતા; બીજી તરફ સફળતા, નાણાંની રેલમછેલ અને ગ્લેમરની ઝળહળ. એક બાજુ લાગણીઓની ભયાનક ઊથલપાથલ, બીજી બાજુ ઈમેજ ટકાવવાની જીવલેણ મહેનત – સંયોજન કંઈક એવું થયું કે જીવ લઈને ગયું. અકાળ અને રહસ્યમય મૃત્યુએ તેને અમેરિકન સંસ્કૃતિપ્રતિમા તરીકે ઉચ્ચ સ્થાને સ્થાપી અને અમર બનાવી. ‘ધ એમ્પ્ટી ગ્લાસ’ના લેખક તેના મૃત્યુને 20મી સદીની સૌથી મોટી રહસ્યમય ઘટના કહે છે. હોલિવૂડમાં સુંદર અભિનેત્રીઓનો તોટો નથી, પણ મેરિલિનની કક્ષાનું સૌંદર્ય અને તેના જેટલું જટિલ વ્યક્તિત્વ ભાગ્યે જ કોઈનું હશે. તેના મૃત્યુને અડધી સદીથી પણ વધારે સમય થઈ ગયો છે, પણ લોકો તેને ભૂલ્યા નથી. તેનાં વસ્ત્રો, પત્રો, તસવીરોનું લીલામ થાય ત્યારે ઊંચા ભાવે તેને ખરીદી લેવા પડાપડી થાય છે. આવી જ પડાપડી તેની ફિલ્મો જોવા માટે થતી.
મેરિલિન તેના અજબ જીવનમાંથી શું શીખી હશે, શું પામી હશે, કયા ખાલીપાથી આટલી નાની ઉંમરે જીવનનો અંત આણ્યો હશે? તેણે પ્રસંગોપાત જે કહ્યું છે તે ઘણું સૂચક છે : ‘બિઈંગ અ સેક્સ સિમ્બૉલ ઈઝ અ હૅવી લોડ ટુ કેરી એસ્પેશ્યલી વ્હેન વન ઈઝ ટાયર્ડ, હર્ટ એન્ડ બિવાઈલ્ડર્ડ.’ ‘હું આંખ બંધ કરું અને હોલિવૂડ વિશે વિચારું તો મને એક ખૂબ જાડી, ભૂરી, ઉપસેલી નસ દેખાય છે.’
મેરેલિન મનરો પર અનેક પુસ્તકો લખાયાં, ડઝનેક ફિલ્મો બની. મધુબાલા અને મેરેલિન મનરોને વારંવાર સરખાવાય છે. દુ:ખી બાળપણ, અસાર સંબંધો, ગ્લેમરના ઝળહળાટ પાછળની અસલામતી અને અકાળ મૃત્યુ – બંનેનું જીવન આ જ હતું. મેરિલિન કહેતી, ‘સમર્થ પુરુષને સ્ત્રીને તાબે કરવી પડતી નથી. પોતાના પ્રેમમાં અસહાય થયેલી સ્ત્રી પર શાસન ચલાવવાને બદલે એ એની શક્તિને દુનિયા સામે લડવામાં વાપરે છે.’ ‘સાચો પ્રેમી એ છે જે અછડતા સ્પર્શથી, આંખોમાં આંખ પરોવવાથી, કે પછી બાજુમાં હોવા માત્રથી રોમાંચિત કરી શકે.’ ‘પ્રેમ દુર્લભ છે. જિંદગી વિચિત્ર છે. કશું ટકતું નથી. માણસો બદલાઈ જાય છે.’ ‘હું ફેસલિફ્ટ કરાવ્યા વિના જ વૃદ્ધ થવા માગું છું. મારામાં મેં જ બગાડી મૂકેલા ચહેરાને જોવાની હિંમત હોવી જોઈએ.’ ‘હું સ્વાર્થી, અઘરી, અસલામત, ભૂલો કરતી, કાબૂ ગુમાવતી અને સંભાળવી મુશ્કેલ બને તેવી છું. પણ જો તમે મને મારા સૌથી ખરાબ તબક્કામાં સંભાળી ન શકો તો તમે મારું શ્રેષ્ઠ મેળવવાને લાયક નથી.’
e.mail : sonalparikh1000@gmail.com