સાહિત્યની ઉત્તમ કૃતિ પરથી સરસ ફિલ્મો બની હોય તેવાં ઉદાહરણો નથી, એવું નથી, પણ સામાન્ય ફિલ્મોમાં સ્ત્રીનું નિરૂપણ કેવુંક હોય છે એની વાત કરવા ધાર્યું છે. એમાં ઉદાહરણો સાથે વાત કરવામાં બીજા ઘણાં રહી જાય એમ છે એટલે તેનો મોહ પણ જતો કરું છું. ફિલ્મોમાં ગરીબ – તવંગરનો મુદ્દો ઠીક ઠીક સમય સુધી આવતો રહ્યો. નાયક કે નાયિકામાંથી એક ગરીબ હોય ને એક અમીર હોય ને એ વાત મિલનમાં કે લગ્નમાં મુશ્કેલી ઊભી કરે એવી વાતો ફિલ્મોમાં લાંબા સમય સુધી ચાલી.
ફિલ્મી ઘરોમાં એક મા હોય, તેની સાસુ હોય, એકાદ ભાભી હોય ને નાયિકા જે સુંદર હોય અને કોઈને ચાહતી હોય જેની ક્યાં ય સુધી ઘરમાં ખબર ન પડે, એવું ઘણી ફિલ્મોમાં આવ્યું છે. પછી પ્રેમની ખબર પડે કે આફત આવી જાય. નાયિકાને ધક્કો મારીને રૂમમાં પૂરી દેવામાં આવે અને ત્યાં નાયક ને અહીં નાયિકા, વિરહ ગીતો ગાઈને ફિલ્મ પૂરી કરવા મથે. ભાઈ કે બાપનું એક જ કામ હોય, નાયિકાને ફટકારવાનું કે નાયકને ઘરે જઈને તેના માબાપને ભાંડવાનું. પછી તો રાતોરાત છોકરી માટે મૂરતિયો શોધી કાઢવામાં આવે, માને ભાંડવામાં આવે કે છોકરીને સાચવી નહીં ને ખાનદાનની ઇજ્જત દાવ પર લાગી ન જાય એટલે પરણાવવાના પેંતરા શરૂ થઈ જાય. ખાનદાન સાધારણ હોય તો પણ તેને ઇજ્જત તો હોય જ ને તે મોટે ભાગે છોકરી પર જ નિર્ભર હોય. તે જ ઇજ્જત ધૂળમાં મેળવતી હોય કે તે જ બચાવતી પણ હોય.
છોકરી કોઈના પ્રેમમાં પડી કે ખલાસ ! ખાનદાનની ઇજ્જત ધૂળમાં મળી જાય. ફિલ્મમાં પંચાયત હોય ને તે ન્યાય કરે કે ફિલ્મી સમાજ હોય તે સામસામે આવી જાય અને તે છોકરી કે છોકરાને ગામમાંથી કઢાવીને જ જંપે. નાયિકા બીજે પરણાવી દેવાય ને તે મંજૂર ન હોય તો ઝેર ખાઈ લે કે પંખે લટકી જાય કે ફિલ્મ પૂરી થાય અથવા નાયક એવું કામ કરી બતાવે કે છેલ્લે શરણાઈ વાગે ને પ્રેક્ષકો ઘર ભેગા થાય. આવી ઢગલો ફિલ્મો આવી અને ગઈ. એમાં વેઠતી તો સ્ત્રી જ બતાવાઈ છે.
સાસુ હોય તે વહુ પર જુલમ ગુજારે. મા હોય તો દીકરી પર જાપ્તો રાખે કે નણંદ, ભોજાઈ પણ નાયિકાને સંભળાવતી રહેતી હોય. આ બધાં પાછાં અંદરોઅંદર તો કચકચ કરતાં જ રહેતાં હોય. નાયિકા પ્રેમ કરતી પકડાય ને બાપ કોઈ મુરતિયો ખોળી કાઢે ને પરણાવી દે તે વ્યસની હોય કે વ્યભિચારી હોય કે હરામખોર હોય તો તેનો બાપને વાંધો નથી હોતો, ત્યારે પ્રશ્ન થાય કે કોઈ પણ ફાલતુ માણસ જ નાયિકાને માથે મારવો હતો તો પેલો નાયક શું ખોટો હતો? પણ નહીં, ખાનદાન કી ઇજ્જત માટે કિસી કો ભી બલિ ચડાયા જા સકતા હૈ …
વચ્ચે એવી ફિલ્મો પણ આવી જેમાં દહેજની માંગણી હોય ને છોકરીનો બાપ પાઘડી કે ટોપી ઉતારીને વેવાઈને વિનવતો હોય કે અત્યારે રકમ નથી, લગ્ન થઈ જવા દો, પછી થોડી થોડી કરીને પાઈ પાઈ ચૂકવી દઈશ, પણ વેવાઈ માને નહીં ને લાત મારીને નીકળી જાય ને લગ્ન કોઈનાં મરણનું કારણ બને. કોઈ જરા ઉદારતા દાખવીને લગ્ન તો થવા દે, પણ પછી આવેલી વહુનું આવી બને. રોજ દહેજની ઉઘરાણી થાય અને તેની પરાકાષ્ઠા વહુના અગ્નિસ્નાનમાં આવે. દીકરો ફરી પરણાવાય, ફરી દહેજની માંગ થાય ને નવી આવેલી વહુ માથું ફેરવીને સાસુ, નણંદ કે વરનું ભેજું ઠેકાણે લાવે. આ બધાંમાં વેઠતી તો સ્ત્રી જ હોય ને જુલમ ગુજારનાર પણ મોટે ભાગે તો સ્ત્રી જ હોય.
હવે દહેજ, ફિલ્મોમાં મુદ્દો રહ્યો નથી, પણ સમાજમાં તે જુદા સ્વરૂપે સક્રિય છે જ. ફિલ્મમાં કે સમાજમાં જુલમની પદ્ધતિઓ ખાસ બદલાઈ નથી. ફિલ્મોમાં નાયિકા હવે વિદેશથી ભણીને આવે છે. ડોક્ટર કે વકીલ હોય છે, મોટાં કુટુંબની લાડકી દીકરી હોય છે, બાપ કે ભાઈએ તેને જીવથી વધુ માની હોય છે. બાપ કે ભાઈની ગામમાં ધાક હોય છે ને તેની સામે કોઈ રાજકારણી કે ડોન પડે છે. ક્યારેક તો બાપ જ રાજકારણી કે ડોન હોય ને નાયિકા એના જ કોઈ શત્રુ-સંબંધીના યુવાન જોડે પ્રેમમાં પડે ને ભાઈ કે બાપને એ મંજૂર ન હોય કે સામસામે મારમારી, કાપાકાપી શરૂ થઈ જાય ને નાયક બધું પતાવીને નાયિકાને હાંસલ કરે કે પ્રેક્ષકોને રાહત થાય. આમાં નાયિકા ગાંઠે નહીં ને નાયકને મળતી જ રહે તો એ જ બ્લેક એન્ડ વ્હાઇટ દૃશ્ય ઈસ્ટમેન કલરમાં સામે આવે છે. નાયિકાને એમ જ રૂમમાં ધકેલી દેવામાં આવે છે અને બહારથી તાળું મારી દેવામાં આવે છે. પછી એ જ ધમાધમી, તોડફોડ ને ધી એન્ડ ! નાયકનાયિકા બંને મરે, બેમાંથી એક રહે કે વાત કોર્ટ કચેરીમાં પણ પહોંચે ને છેવટે ઘીના ઠામમાં ઘી પડી રહે.
એવું મનાય છે કે ફિલ્મો એ સમાજનો પડઘો છે તો એમ પણ કહેવાય છે કે ફિલ્મોનું જોઈને સમાજ શીખે છે. એક સમય હતો જ્યારે યુવાનો ફિલ્મો જોઈને ફેશન કરતાં કે ફિલ્મોમાં થાય છે એ ઝડપે પ્રેમ કરવા પ્રયત્નો કરતાં. નાયક જેવી રહેણીકરણી માટે મહોલ્લાનો યુવક પ્રયત્ન કરતો કે યુવતી નાયિકા જેવો શણગાર કરી મહોલ્લામાંથી નીકળીને યુવકોનું ધ્યાન ખેંચવા પ્રયત્ન કરતી, પણ એથી વધુ ફિલ્મોનો સમાજ પર ખાસ પ્રભાવ ન હતો. ફિલ્મોની હિંસા કે ફિલ્મી જીવન સમાજ બહુ ઇચ્છતો નહીં. કોઈ ઘટના પરથી ફિલ્મો બનતી ખરી, પણ ફિલ્મ પરથી કોઈનું જીવન ઘડાતું નહીં. ક્યારેક કોઈ સામ્ય જણાતું તો તે અકસ્માત જ લેખાતો.
આજે સમાજ ઠીક ઠીક આગળ નીકળી ગયો છે. પ્રેમનું મહત્ત્વ ઓછું થયું છે, નાબૂદ થયું નથી. આંસુ આવવા બંધ થયાં નથી, એનો અર્થ એ કે પીડા, હરખ કે શોકનું મહત્ત્વ હજી છે. સંવેદના પણ પ્રસંગોપાત પ્રગટતી રહે છે એટલે સચ્ચાઈ, સ્નેહ, લાગણી પણ નથી જ એવું કહી શકાય નહીં. હજી પ્રેમને માટે જીવ આપનાર કે લેનાર જગતમાં છે જ, હજી માબાપ દીકરીને તેની ઇચ્છાથી પરણાવવા કરતાં પોતાના આગ્રહો થોપતા જ રહે છે. હજી પ્રેમિકાને ગોંધીને બીજે પરણાવી દેવાય છે કે મારી નંખાય છે કે આત્મહત્યા તરફ પણ ધકેલાય છે. આવું છોકરી સાથે જ થાય છે એવું નથી, એમાં પ્રેમીનો શિકાર થતો હોય એમ પણ બને, પણ ભોગ બનનારની ટકાવારીમાં સ્ત્રીઓની સંખ્યા વધારે હોય છે. સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે, સમાજ પણ કેટલીક છૂટછાટોમાં માનતો થયો છે, ધર્મ કદાચ એક રહે છે, પણ જ્ઞાતિ, સમાજના આગ્રહો લગ્નની બાબતમાં ઘટ્યા છે. અન્ય ધર્મમાં લગ્ન કરવાની સાધારણ રીતે આજે પણ બહુ તૈયારી હોતી નથી, પણ એવું થતું જ નથી, એવું પણ નથી. ઘણીવાર એક ધર્મની વ્યક્તિને અન્ય ધર્મ અપનાવવાની ફરજ પડાતી હોવાના કિસ્સાઓ પણ બને છે, ત્યાં લગ્ન કરતાં ધર્મનું મહત્ત્વ વધે છે. કેટલાક એ મામલે ઉદાર પણ થાય છે ને લગ્ન પછી પોતાનો ધર્મ પાળવાની છૂટ પણ અપાય છે, પણ આ બધું છોકરીની ઇચ્છા પર નહીં, સામેવાળાની ઉદારતા પર નિર્ભર છે.
લગ્નો હજી થાય છે, પણ સાચું તો એ છે કે હવે લગ્નનું મહત્ત્વ ઘટતું આવે છે. પ્રેમ હવે લાગણી ઓછી ને જરૂરિયાત વધારે છે. લગ્ન વગર રહેવાનું વલણ પણ ઘર કરતું આવે છે. કોઈ જવાબદારી વગરનું લીવ ઇન રિલેશન શહેરોમાં ઘણાં અપનાવે છે. અપરિણીતોના પરિણીતો સાથેના સંબંધોનો કે એકબીજા સાથે ન પરણેલાં હોય તેવાં પરિણીતોના સંબંધોનો, પણ ક્યાંક સ્વીકાર થતો હોવાનું હવામાન છે જ ! પરિણીત પ્રેમિકા કે પરિણીત પ્રેમી સાથેના સંબંધોને કારણે વૈમનસ્ય ને ઝઘડાના ઘણાં બનાવો આજકાલ ચર્ચામાં રહે છે ને વાત મરવા, મારવા પર પણ આવી જાય છે. આ વાતો ફિલ્મોમાં ઓછી આવે છે, એ રીતે ફિલ્મ કરતાં વાસ્તવિકતા વધુ વરવી છે. કોણ જાણે કેમ પણ ધીરજ અને સંતોષ ફિલ્મોની જેમ જ વાસ્તવિક જીવનમાં પણ ઓછા જ જોવા મળે છે.
ફિલ્મોમાં હિંસા સાચી નથી કે નથી લોહી સાચું. પ્રેક્ષકોને ગળે ઊતરે એટલા માટે એ બધું એવી રીતે ઉપજાવાય છે કે સાચું લાગે. જીવનમાં એથી વધુ લોહી કે હિંસા પ્રેમ સંદર્ભે થતી હોવાના કિસ્સાઓ શોધવા દૂર જવું પડે એમ નથી. એ રીતે સ્ત્રી, સમાજમાં બોલ્ડ લાગતી હોય તો પણ સરવાળે વેઠવાનું તો તેને જ આવે છે. વેઠવાના પ્રકારો ફિલ્મોમાં ને જીવનમાં બદલાયા છે, પણ સ્ત્રી ત્યારે વેઠતી હતી ને અત્યારે પણ વેઠે જ છે. કદાચ વધારે વેઠે છે. ટૂંકમાં, ફિલ્મમાં હોય કે જીવનમાં, શોષિત હોય કે શોષણખોર, પણ ખોટમાં તો સ્ત્રી જ રહે છે …
000
e.mail : ravindra21111946@gmail.com