જ્યારે વિચારોના વંટોળ ઊડે ત્યારે રાત્રિના શાંત અંધકાર વચ્ચે નાનકડી સોનેરી આશાની રજકણ ઝબૂકે ને પછી મન શાંત થઈ જંપે એ ભાવને વ્યક્ત કરતી, શિખરિણી છંદમાં ગૂંથેલ એક રચના ….
ફરે, ઘૂમે, ઊડે, ભીતર મનની ખીણ મહીં એ,
કદી સૂતી જાગે સળવળ થઈ ખૂબ ઝબકે.
વળી સ્પર્શે, ખેંચે, રજકણ વિચારોની ચમકે
અને ઘેરે શબ્દે નીરવ રજનીના વનવને.
ચડે વંટોળે એ ઘમરઘમ ઘૂમે વમળ શું,
ઊંચે, નીચે થાતું, સઘળું વલવાતું હ્રદયનું.
પછી ધીરે આવે સરવર પરે શાંત જલ થૈ
મઢી ચારેકોરે મખમલ સમી સેજ બિછવે.
મિટાવી ચિન્તાઓ, કરકમલ લેખિની ધરીને,
જગાવી શક્તિ સૌ તનમન શ્વસે પ્રાણ દઈ દે.
કશું ના જાણું હું, કલમ કરતાલે રણકતું,
અહો, કેવી લીલા, કવન કણથી એ શમવતું.
e.mail : ddhruva1948@yahoo.com