બાળપણમાં વલ્લભ વિદ્યાનગરમાં ઉછેર દરમ્યાન સૌથી વહાલું કશુંક હોય તો તે અમારી વહાલી રેલે સાયકલ!
અમારા કુટુંબ નું તે એક માત્ર વાહન, વર્ષો સુધી.
રેલે જેન્ટ્સ સાયકલ 22ની. એટલે કે ૨૨ સાઈઝની. તે ૨૦, ૨૨, ૨૪ વગેરે સાઈઝમાં આવે. અમારી ૨૨ની હતી. તદ્દન નવી લીધેલી. જ્યારે બચુભાઈએ લીધી ત્યારે ઘરમાં ઉત્સવ થયેલો. વેઢમી બનેલી. બસ હવે તો મમ્મીને પણ લેડીઝ સાયકલ ભાડે લાવીને શીખવીશું. ને પછી લેડીઝ સાયકલ પણ ખરીદીશું જેથી તેને સ્કૂલમાં છેક આણંદ સુધી ચાલતાં જવું ના પડે. બચુભાઈ એટલે અમારા પિતાજી. તેમનું હુલામણું નામ બચુભાઈ, એટલે અમે પણ એ જ સાંભળતા ઉછર્યા, તેથી અમે બંને ભાઈઓ પણ પિતાજીને બચુભાઈ જ કહેતા. અમારા મમ્મી પણ.
અમારી સાયકલમાં સરસ રીતે મેળવેલો ઘંટડીનો સૂર હતો. કાળી ૪નો પંચમ. એકદમ શુદ્ધ સ્વર! આજે પણ દૂરથી સાંભળું તો કહી દઉં કે આ મારી સાયકલની ઘંટડી વાગી. કેટલાક બેટરીથી ચાલતો બેલ મુકાવે, કેટલાક પાસે રબરનો બોલ જેવો હોર્ન હોય. હજી આજે પણ હું ઓળખી આપું અમારા એ દૂધવાળાનો ભામપુ ભમપુ હોર્ન, વળી ધોબીનો હોર્ન, છાપાવાળની ઘંટડી, અને પેલા ખૂબ જ કાર્યરત ટપાલીની સાયકલની ઘંટડી કેમ ભુલાય? કેટલી કેટલી રાહ જોઈ હતી તેની સાયકલની. તે આગળના બિલ્ડીંગમાં ટપાલ આપવા ઉપર ગયો છે તે તેની સાયકલ અને તેની ઘંટડી પરથી જાણતા! સામાન્ય સાયકલની સીટ જરા સાદી અને કડક હોય. દસ રૂપિયા વધારે ખર્ચો તો પોચી ગાદી વળી સીટ. વળી, દોસ્તોમાં માન વધે! વળી વધુ ખર્ચો તો ગવર્નર આગળ બાળકને બેસવાની બાસ્કેટ પણ મળે, નહીં તો બાળક આગળના વચ્ચેના સળિયા ઉપર ગવર્નર પકડીને બેસે. જો કે પ્રેમી પંખીડા આ આગળના સળિયાનો લાભ લે. પ્રેમિકાને આગળ સળિયા પર બેસાડે. સામાજિક રીતે બહુ સારું ના ગણાય છતાં તેમ કરે.
અમારી સાયકલનો એક પ્રોબ્લેમ એ હતો કે તેની ચેન ઊતરી જતી, વારંવાર. તેને વારે ઘડીયે પછી ચઢાવવી પડે. હાથ ગંદા થાય. એક અશ્વિન બાંડિયો હતો, તેની સાયકલને ફૂલ ચૈન કવર હતું. તેથી ચેઇન બગડે નહિ. "ફૂલ ચૈન કવર થોડું મોંઘુ પડે ", એમ બચુભાઈ કહેતા.
મારી સાયકલની સૌથી અગત્યની ગમતી અને યાદ હોય તેવી બાબત તો તેનું પાછળનું કેરિયર. આ કેરિયર એટલે ગૃહિણીને આદરપૂર્વક સાયકલ પર પેસેન્જર તરીકે બેસાડવાનું સિંહાસન! થોડું મોટું બાળક હોય તો તે આગળ કહ્યું તેમ પેલા આગળના બાર ઉપર બેસે. અને બહુ નાનું બાળક કેરિયર પર બેઠેલી ગૃહિણીના ખોળામાં સુરક્ષિત! આ લ્યો રવિવારની બપોર! અને આખું કુટુંબ સાયકલ પર બેસીને વલ્લભ વિદ્યાનગરથી ત્રણ કિલોમીટર દૂર આણંદ ચાલ્યું! થોડી મોજ, થોડી ખરીદી, અને જવ્વલે ગોપાલ ટોકીઝમાં એક પીકચર જોઈ સાંજે અંધારા પછી પાછાં.
અરે, હું એ તો ભૂલી ગયો, પેલો ડાયનેમો! એક નાની બાટલી જેવો લાગતો. તે પાછળના ટાયરને લીધે ગોળ ગોળ ફરે ઇલેકટ્રીસિટી પેદા કરે. તેનો વાયર આગળની સરસ સફેદ લાઈટ અને પાછળની લાલ લાઈટ પણ કરે. રાત્રે જ્યારે અંધારું હોય ત્યારે પાછળથી આવતાં વાહનને પાછલી લાઈટ દેખાય અને આગળ સહેજ પ્રકાશ આપે ખાસ નહિ. તો પણ રાત્રે એ લાઈટ બહુ ગમતી.
અમારી સાયકલ એટલે … ઘરના એક વ્યક્તિ જેટલી જ વહાલી અને અગત્યની! પણ કોક કોક વાર પંચર પડે ત્યારે કંટાળો આવે. જાતે હાથથી દોરીને છેક ગણેશ સાયકલ સ્ટોરે લઇ જવી પડે, નાના બજાર સુધી. પચાસ પૈસા થાય રિપેર કરવાના, અને તે પણ પેલો ટેણિયો બીઝી ના હોય તો. નહિ તો રૂપિયો લે અને કલાક બેસાડી રાખે અને પછી જ કરે. ટાયરમાં હવા ચેક કરવી અને ભરવી એ રોજનો ક્રમ. અને કટકટ. ઘરમાં અમે બંને ભાઈને એમ હોય કે બીજો હવા પૂરી આવે, કારણ કે જો બહુ ઓછી હવા હોય તો હવા પુરાવવા ચાલતા જવું પડે છેક ગણેશ સાયકલ સ્ટોરે. કેટલાકને ઘરે હાથ પમ્પ હોય, અમારી પાસે ન હતો.
હજી યાદ છે પેલું કેરિયર. કેટલું ઉપયોગી હતું! ગેસનો બાટલો, ઘઉંના કોથળા, સ્કૂલની ચોપડીઓ, પેપરની પસ્તી, ઘઉં દળવા ઘંટી સુધી સાયકલના આ કેરિયર પર જ લઇ જતો. કેટલીયે વાર મિત્રો તે કેરિયર પર બેઠેલા. ડબલ સવારી! માત્ર ૨ ફૂટ બાય પોણો ફૂટનું કેરિયર મારી આજની ટોયોટાની ડીકી (ટ્રન્ક) કરતાં વધારે ઉપયોગી હતું.
એ સાયકલને લીધે રોજ સરસ કસરત થતી. કદી પેટ્રોલના ભાવની ચિંતા કે કલ્પના ન હતી. અને હા, સૌથી મઝા દશેરાને દિવસે સરસ હાર, કંકુ ચોખા ચઢાવતા, અને નાળિયેર ફોડતા આ અમારી સાયકલને બિરદાવતા અને આશિષ માંગતા. એ સાયકલ અમારું બોઇંગ ૭૪૭ હતું!
તું ક્યાં છે મારા બાળપણની એક માત્ર ભૌતિક નિશાની? મારી વહાલી સાયકલ?
(લોસ એન્જલ્સ)
—
e.mail : vijaybhatt01@gmail.com