હ્યુસ્ટન-ટેક્સાસમાં એક સંસ્થા, નામે ‘ડાયલોગ ઇન્સ્ટિટ્યૂટ’ કાર્યરત છે, કે જે તુર્કસ્તાનના ફતેહઉલ્લાહ ઘુલનના અનુયાયીઓએ શરૂ કરેલી. એ સંસ્થાના સભ્યો દેશવટો ભોગવતા તુર્કી લોકોની હેઝમત મૂવમેન્ટમાં સંલગ્ન છે. તેમના દ્વારા થોડા સમય પહેલાં ‘Peace Builders’ વિષય ઉપર ગાંધી વિષે વાર્તાલાપ આપવા તુષાર ગાંધીને નિમંત્રેલા. તેમની Ann Graham સાથે થયેલ વાતચીતનો સારાંશ અહીં પ્રસ્તુત કરું છું.
− આશા બૂચ
તુષારભાઈ ગાંધીએ એ વાર્તાલાપનો પ્રારંભ કરતાં કહ્યું કે ગાંધીએ કહેલું, અહિંસાની વિભાવના એ એમની શોધ નથી, એ તો ભારતીય સભ્યતાના પાયાના ચણતરમાં જ હતી. સત્ય, શાંતિ, એકતા, પ્રેમ અને સમાનતા એ આપણી સંસ્કૃતિના ઉદ્ભવ સાથે જોડાયેલાં છે. ગાંધીના અહિંસક સમાજની ઈંટ આ મૂલ્યોના પાયા પર મુકાઈ, જેનાથી શાંતિમય સમાજની રચના થાય. જો કે તેમણે આ બધા ખ્યાલોને જુદા જુદા વિભાગોમાં ન વહેંચતા પોતાના આખા જીવનમાં એ દરેક તત્ત્વોને વણી લીધા.
ગાંધીજીના જીવનમાં અંગત કે જાહેર જીવન જીવવાના સિદ્ધાંતોમાં કશો ફર્ક નહોતો. શાંતિપ્રિય, છતાં કેટલીક બાબતોનું પાલન ન કરવું એ તેમની જીવન પદ્ધતિ હતી. તેઓ દમન કરનારને સાથ ન આપતા, પણ તેનો વિરોધ શાંતિપૂર્વક કરતા. તેમનું આ લક્ષણ જ અદ્વિતીય હતું. દક્ષિણ આફ્રિકામાં આ નીતિનું સર્વ પ્રથમ દર્શન થયું. બ્રિટિશ સામ્રાજ્યના વફાદાર આશ્રિત હોવાને નાતે ઝુલુ અને બોઅર સામેની લડાઈમાં બ્રિટિશ સરકારને પોતાની સેવાઓ આપી, પરંતુ ભારતીયોના હક માટે દક્ષિણ આફ્રિકામાં એ જ સરકાર સામે લડ્યા અને ત્યાર બાદ ભારતમાં સત્યાગ્રહો કરીને એ જ સામ્રાજ્યને તડીપાર કરીને દેશવાસીઓને મુક્તિ અપાવી.
ગાંધી દમનના વિરોધી હતા અને તેમાંથી છુટકારો મેળવવા જરૂર લડાઈ કરતા, પણ તેનું ચાલક બળ સત્ય અને ન્યાય હતું. દાંડીકૂચ શરૂ કરતાં પહેલાં ખબરપત્રીઓએ દુનિયાને સંદેશો આપવા કર્હ્યું ત્યારે ગાંધી માત્ર એટલું બોલ્યા ; “I want world sympathy in this fight of right against might.” અહીં કોઈ બે પ્રજા સમૂહો કે લશ્કરો વચ્ચેની લડાઈનો ઉલ્લેખ નથી, બે વિચારધારાઓની ટકરાહટની વાત છે. કરુણતા એ છે કે આજે પણ સત્તા સામે સત્યની લડાઈ ચાલુ જ છે. હકીકત એ છે કે માનવતાએ હંમેશાં સત્યને સાથ આપ્યો છે. સત્તા મોટે ભાગે જીતતી ભાસે, પણ લોકોને સત્યનું ભાન થાય ત્યારે સત્તાધીશ એકલો પડે, નબળો પડે અને છેવટ સત્ય સામે ઝુકે. ગાંધીએ તેમના કાર્યકાળ દરમ્યાન આ પદ્ધતિ ઘણી ચતુરાઈથી અમલમાં મુકેલી.
જીવનના કોઈ પણ આયામમાં સિદ્ધાંતો અને આદર્શો પ્રમાણે જીવવું મુશ્કેલ હોય છે અને તેનાં પરિણામો કસોટી કરનારા હોય છે, પણ ગાંધી એ જોખમ ઉઠાવતા. જ્યારે પણ પોતાની કાર્ય કરવાની કે ચળવળની રીતમાં ખામી જણાય ત્યારે પ્રથમ આત્મ પરીક્ષણ કરતા. કોઈ પણ કામની નિષ્ફ્ળતા માટે કે પ્રજાની ભૂલો માટે પોતાનાં ચારિત્ર્ય અને વ્યક્તિત્વની નબળાઈને જવાબદાર ગણતા અને સફળતા બીજાને શિરે ઓઢાડતા. સામાન્ય માણસથી તદ્દન ઊલટું. આ જ તો તેમની વિશેષતા હતી. બીજાના નૈતિક પતન માટે પોતે પ્રાયશ્ચિત કરતા, એથી જ તો જેને તેઓ નેતૃત્વ પૂરું પડતા એને સાચો માર્ગ મળતો. ભૂલ કરનારને પોતાની ગલતી સમજાતી છતાં ગાંધી સામી વ્યક્તિને ક્યારે ય જુઠ્ઠા સાબિત ન કરતા. કઇં પણ ખોટું થાય તો બીજાને દોષ દેવો સહેલો છે, પણ પોતાની સાથે પ્રામાણિક રહેવું અઘરું છે. બીજામાં જે અણગમતું દેખાય તે પોતાનામાં પણ અનિચ્છનીય લાગે તેમ બને. ગાંધી પોતાના દોષ જોતા. આત્માના ધીમા છતાં મક્કમ અવાજને સાંભળીને તેને જ અનુસરતા. વળી પોતે એમ પણ માનતા કે બધાને પોતાનો આત્માનો અવાજ સંભળાય અને તેને અનુસરવાનું પણ શક્ય છે. એમણે આખી જિંદગી એ પ્રમાણે જ પોતાનાં કામને દિશા આપી. આત્માના આવજે તેમને માર્ગદર્શન આપ્યું, તેમનું ઘડતર કર્યું અને તેમનો એ સલાહકાર બની રહ્યો. એ આત્માના અવાજને પારખીને સત્ય – પછી ભલે તે ગમે તેવું કઠોર હોય – પણ તેને જોવાની શક્તિ ગાંધીમાં હતી. અને એવા લોકો જ બીજાના ભલા માટે પરિસ્થિતિઓમાં પરિવર્તન લાવી શકે.
પરમાત્માની કે અન્યની કૃપાદ્રષ્ટિ, કરુણા અને શાંતિ પોતાને મળે તેવું સહુ કોઈ ઈચ્છે, પરંતુ બીજાને આપણા તરફથી એ સર્વ મળે તેવું નથી કરી શકતા. ‘સ્વ’, ‘અહમ્’ એટલું મહત્ત્વનું લાગે કે બીજા આપણા તાબામાં રહે તેમ જ ઇચ્છીએ. બીજાને ધિક્કારવાથી આપણે પોતાનામાં રહેલી ધિક્કારની લાગણીનો પણ ગુણાકાર કરીએ છીએ એ ખ્યાલ નથી રાખતા. ધિક્કારને દૂર કરવા દયાભાવ, પ્રેમ અને સમજણની જરૂર રહે છે. જેથી કરીને સામા પક્ષને પોતે આપણા માટે સેવેલી નફરત માટે શરમ ઉપજે. આપણે એટલી જ અથવા એથી ય વધુ નફરતથી વર્તતા હોઈએ છીએ. આ વાત જ ગાંધીને આપણાથી અલગ તારવે છે, નહીં તો એ આપણામાંના એક સામાન્ય માનવી જ હતા. એ કોઈ દૈવી શક્તિ ધરાવનાર કે ભગવાન નહોતા. એમણે ધિક્કારને ધિક્કાર કર્યા વિના નકાર્યો. તેમના દિલમાં ધિક્કારનો અભાવ ખરો, પણ અન્યાયી કૃત્યો માટે ગુસ્સો ન હોય તેવું નહોતું. પણ ગાંધીએ એ ગુસ્સાને અનિચ્છનીય પરિસ્થિતિને બદલવા માટેની શક્તિમાં રૂપાંતર કરી બતાવ્યું.
અમેરિકામાં માર્ટિન લ્યુથર કિંગની આગેવાની હેઠળ સિવિલ રાઈટ્સ મુવમેન્ટ થઇ. લોકોએ ટેલિવિઝન પર સત્યાગ્રહીઓને માર ઝીલતા અને જાહેરમાં અપમાનિત થતા જોયા ત્યારે બહુ દુઃખી થયેલા. એ ચળવળ થઇ તે પહેલા ઘણા બ્લેક અમેરિકન નેતાઓએ ગાંધી પાસેથી પ્રેરણા મેળવેલી. તેમાંના કેટલાકે સાબરમતી આશ્રમમાં રહીને અહિંસાના સિદ્ધાંતો અને તેના અમલ વિષે અભ્યાસ કરેલો. તાલીમાર્થી સત્યાગ્રહીઓ ઉપર અત્યાચારો પણ કરવામાં આવેલા, પણ તેનાથી ઉશ્કેરાયા વિના અહિંસક સામનો કરવામાં સફળ થયા ત્યાર બાદ જ તેમને રંગભેદી નીતિ સામે લડવા મોકલ્યા હતા. પહેલાં દમન સામે માથું ઉંચકનારાઓને શસ્ત્રો અને દારૂગોળા પર વિશ્વાસ હતો. પરંતુ માર્ટિન લ્યુથર કિંગ અને તેમના અનુગામીઓને અહિંસા અને નૈતિકતા પર વિશ્વાસ બેઠો. બંદૂકમાં ગોળી હોય એટલી જ છોડી શકાય, પછી લડાઈ પૂરી થઇ જાય; જ્યારે આત્મબળ અખૂટ હોવાને કારણે અન્યાય વિરુદ્ધની લડાઈ ધ્યેય પ્રાપ્ત થયે જ પૂરી થાય એ પ્રતીતિ થઇ. એટલે જ રંગભેદી નીતિ લાદનારાઓ અને અત્યાચાર આચરનારાઓ હાર્યા.
કાયદા બધાને સમાન રક્ષણ બક્ષવા માટે ઘડાય. તેના અભાવમાં વંશીય ભેદભાવ અને અસમાનતા આચરવામાં આવે અને તેને પગલે દમન થાય. પણ કેટલાક કાયદાઓ જ દમનકારી હોય છે. સવાલ એ છે કે અહિંસક ચળવળ આવા અન્યાયી કાયદાઓ કેવી રીતે બદલી શકે? બીજા બેરિસ્ટર્સ અને વકીલોને કોર્ટમાં અસીલ વતી કેઈસ જીતવામાં રસ હોય, જ્યારે ગાંધીને પોતાના અસીલ માટે તેમની સમસ્યાનો ઉકેલ આવે તે હેતુ. આથી જ તો મોટા ભાગના કેઈસીસ કોર્ટની બહાર પતાવીને સમાધાન કરાવનાર બેરિસ્ટર તરીકે ગાંધીએ ખ્યાતિ મેળવેલી. તેમની આ પદ્ધતિથી બંને પક્ષને ન્યાય મળ્યાનો સંતોષ થતો. તેઓ પોતાના કેઈસીસ કાયદાના શબ્દોના બળ પર નહીં, કાયદાના ખરા અર્થ પર લડતા. આમ જુઓ તો કાયદાના અર્થ અને તેના હેતુ જુદા હોય છે. કાયદા ઘડવાનો અને અમલ કરવાનો હેતુ વ્યાય અપાવવાનો હોય છે, પણ તેની વ્યાખ્યા હોશિયાર વકીલ પોતાના અસીલને ફાયદો કરાવે તેવી કરવામાં આવે છે.
અન્યાયી કાયદાઓ સામેની લડત બે વ્યક્તિઓ, પેઢીઓ કે શાસન વ્યવસ્થા વચ્ચે હોય, ગાંધીની આ સમાધાનકારી વૃત્તિ જ હંમેશ કાયમ રહી. ખુદ બ્રિટિશ રાજને વિદાય કર્યું તો પણ તેમને હરાવવામાં નથી આવ્યા તેવું માનવા માટે સમય આપવામાં આવ્યો. બ્રિટિશ રાજ્યકર્તાઓને ભારતની જનતાની લાગણીને ધ્યાનમાં લઈને ભારત છોડીને જાય છે એવો અહેસાસ કરાવ્યો. પોતે બ્રિટિશ સત્તાધારીઓ પાસે ચાલાકીથી કામ નહોતા કઢાવતા એનું ભાન કરાવ્યું. સામા પક્ષની ગરિમા જળવાય તેવો તેમનો પ્રયાસ હંમેશ રહ્યો. ગાંધીને દુશમન કે વિરોધી ગણનારની પ્રતિષ્ઠાને હાનિ ન પહોંચાડે, તેમને નીચા ન ઉતારી પડે તેની તેઓ તકેદારી રાખતા. આથી જ તો છેવટ અંગ્રેજો માનવ લાગ્યા કે આ માણસ આપણી સામે લડાઈ કરે છે, પણ આપણને હરાવતો નથી.
આજે તો આખી દુનિયામાં વિવિધ મુદ્દાઓનો આધાર લઈને વિભાજન વધતું જાય છે. મારું-તારું, અમે-તમે, હું સાચો-તું ખોટો એવા વિચારોથી પ્રેરાઈને સંઘર્ષ અને હિંસા આચરવાના બનાવોનો તોટો નથી. ગાંધી માનતા કે દરેક માણસમાં સારી અને નબળી બાજુઓ હોવાની. જે બાજુ પ્રગટ થાય, છતી થાય તે મુજબ માણસ ભલો કે બૂરો લાગે. એટલે કોઈ તદ્દન ખોટો કે ખરાબ હોય કે સંપૂર્ણપણે સારો કે સાચો હોય તેમ તેઓ ન માનતા. એટલે બધામાં રહેલ સતને અને સુન્દરને ઢંઢોળવાનું કર્તવ્ય આપણું છે એમ તેઓ માનતા. માનવ માત્રમાં રહેલ સુંદરતા-શિવમને ઉજાગર કરવાનું તેમનું ધ્યેય રહ્યું. બીજાની અંધારી-કાળી બાજુને પડકારવા કરતાં એ સારું તેમ તેઓ માનતા.
શાંતિના સ્થપતિ તરીકે ગાંધીનો સ્વભાવ અલગ અલગ ધર્મો વચ્ચે સમભાવ જોવાનો રહ્યો. તેઓ માનતા કે બધા માણસો ઈશ્વરને અલગ અલગ રૂપમાં જુએ છે એ ખરું, પણ તેના જે વિશિષ્ટ ગુણધર્મો ગણાવે છે તે સમાન હોય છે. ધર્મના નામ જુદા, પણ તેનું હાર્દ એક – અમન. કેમ કે શાંતિમાં જ ધર્મ ટકે. કોઈ પણ માનવ સમૂહ પોતાની ધાર્મિક માન્યતાઓનો અમલ શાંતિમય વાતારવરણમાં જ કરી શકે. એટલે જ દરેક માનવની ફરજ છે કે એ બીજાના ધર્મોનો મૈત્રીપૂર્ણ અભ્યાસ કરે, નહીં કે ટીકાત્મક. ટીકાત્મક વલણ બીજાની ખામી જોવા પ્રેરે, જયારે મૈત્રીપૂર્ણ દ્રષ્ટિ અભ્યાસ કરવા અને સમાન ભૂમિકા શોધવા પ્રેરે. આ દ્રષ્ટિકોણ ધરાવતા લોકો બીજા ધર્મના લોકો સાથે એક જૂટ બને, વિઘટિત થઈને અલગ ન પડી જાય. એક વખત બીજા ધર્મના મૂળભૂત સિદ્ધાંતોનું હાર્દ સમજાય તો બાહ્યાચારો અર્થ વિનાના લાગશે. દરેક ધર્મમાં રહેલ સનાતન સત્ય જાણવું જરૂરી છે, માત્ર લેબલ નહીં. ધર્મો વચ્ચે સંવાદ થાય તે જરૂરી છે, વિવાદોની નહીં. મંતવ્યોની મુક્ત પણે આપ-લે સમાદર સાથે થાય તે જરૂરી. બીજા સાથે આપણે સહમત ન થઈએ, પણ તેને સાંભળીને તેઓની માન્યતાનો આદર કરી શકીએ તો ઘણા સંઘર્ષો ટળે.
આજે એક રાષ્ટ્રીય ઓળખ ધરાવતા દેશમાં ધર્મના અનુયાયીઓમાં વિવિધતા રહેવાની જ છે, તો એને છાવરી ન દેવાય. તો બે વિભિન્ન અસ્મિતાઓ વચ્ચે સમત્વ કેવી રીતે સાધવું એ વિચારવાનું રહે. બીજા ધર્મ અને તેના અનુયાયીઓના આચારોને કેવી રીતે સમજવા? અન્યને સમજવાથી જ તેમને સહી શકાય તે હકીકત છે. આપણે બધાં એકબીજાથી વિભિન્ન હોવાનાં. એ અનિચ્છનીય નથી. વિભિન્ન હોવું તે સાચું-ખોટું કે સારું-ખરાબ નથી એ સમજવું રહ્યું. જુદું=ખોટું એ સમીકરણ સાચું નથી. જો કે બે જુદા સમૂહો વચ્ચે સમાધાનથી જ સંબંધો બંધાય અને ટકે તેમ માનીએ તો તેની પણ એક સીમા હોય છે. પરસ્પર વિશેની જાણકારી, સમજ અને આદર પર બંધાયેલા સંબંધો જ ટકાઉ હોય. વિભિન્ન હોવા છતાં સહઅસ્તિત્વ શક્ય છે. આજે આપણે અલગ હોવાપણાને સ્ફોટક બનાવીને તેને એક વિભાજક પરિબળ બનાવીએ છીએ. માણસ માણસને જોડી રાખનાર તત્ત્વો નથી જોતાં.
ધાર્મિક માન્યતાઓ અને રાજકીય સ્વાર્થપટુતા ઉપરાંત દેશની સીમા સુરક્ષાની સમસ્યાઓ હિંસાનું મોટું પ્રેરક બળ બની બેઠું છે. દરેક દેશની સીમા અલગ હોવાની. બે દેશો વચ્ચે સુલેહ ભરી શાંતિ કેવી રીતે જાળવવી? રાષ્ટ્રવાદ અને દેશદાઝ, એ બે ખ્યાલોએ હિંસાને હદ બહાર ભડકાવી છે. દેશની ભૌગોલિક સીમા અને ધ્વજમાં જાણે આપણી રાષ્ટ્રીયતા સીમિત થઇ ગઈ. ‘મારા લોકો’નું વર્તુળ નાનું થતું ગયું, ‘બીજા’ને બહાર રાખવા લાગ્યા. જાતિ, વર્ગ અને નાગરિકતાના સંકુચિત વાડાઓ છોડીને એકત્વને ઓળખતાં અને સાધતાં શીખવું જોઈએ. ગાંધીએ કહેલું, “હું તો કહીશ, મારે માત્ર માનવ-માનવ વચ્ચે જ નહીં, જીવનનાં બધાં સ્વરૂપો સાથે શાંતિભર્યું સહઅસ્તિત્વ સ્થાપવું છે.” આ ગાંધીનો આદર્શ હતો.
આપણને વિરોધીઓ અને દુશ્મનોની વ્યાખ્યાની જાણ છે, પણ પોતાનાથી અલગ મત, અભિપ્રાય, ધર્મ કે જીવનરીતિ ધરાવનાર સામે મૈત્રીપૂર્ણ હાથ લંબાવનારને શું કહીશું એ જાણીએ છીએ? વિકાસની જાળમાંથી નીચે પડી ગયેલાને નીચેથી ધક્કો મારો, ઉપરથી ખેંચશો નહીં. બીજાને બહારથી ખેંચો ત્યારે તમે ઉપર છો એવી ભાવના સેવશો, નીચેથી ધક્કો મારો ત્યારે કહો છો, આપણે બંને આ કળણમાં ખૂંપ્યા છીએ, હું તને બહાર કાઢું, તું મને મદદ કરજે. ગાંધી જેવા નેતાઓની આ ખૂબી હતી. નમ્રતા. બીજાને પોતે ગાંધીના અનુયાયીઓ છે એમ લાગવા જ ન દે. એ બધા તો તેમના સહ પ્રવાસીઓ હતા. કદી કોઈના ઉપકારક કે વડીલ હોવાનો દાવો સુધ્ધાં ન કર્યો.
આખા વાર્તાલાપનું સમાપન કરતાં તુષારભાઈએ એક પ્રસંગનો ઉલ્લેખ કર્યો. માર્ટિન લ્યુથર કિંગ જુનિયર ભારત ગયા. ભારત સરકારે આમંત્ર્યા હતા એટલે એના મહેમાન તરીકે ફર્યા. મુંબઈમાં ગાંધી રહેતા એ ઘેર જવા તેમણે ઇચ્છ્યું. હવાઈમથકથી સીધા ત્યાં જ ગયા. એ મ્યુઝિયમમાં એક કમરો જેમનો તેમ રખાયો છે. કાચમાં બંધ કરીને ગાંધીની તમામ વસ્તુઓ સચવાઈ છે. એમ.એલ.કે.એ મ્યુઝિયમના ડાયરેક્ટરને એ કમરામાં જવા દેવા વિનંતી કરી. ગાંધીના આસન પાસે જમીન પર પોતે બેઠા, અને પોતાને ત્યાં એકલા છોડી દેવા અનુરોધ કર્યો. મ્યુઝિયમ બંધ થવાનો સમય થયો, તેમને એ સ્થળ છોડવા વિનંતી કરવામાં આવી. એમ.એલ.કે.એ ત્યાં રાત રહેવા પરવાનગી માગી. મુંબઈના ત્રણ દિવસના રોકાણ દરમ્યાન આલીશાન હોટેલમાં રહેવાનું છોડીને આ સ્થળે રહેવાના સમાચારથી બધે ખળભળાટ થયો. કિંગે પોતાની બધી ફરજો પૂરી કરી, પણ સાંજ પડ્યે ફરી ત્યાં જ ધ્યાન લગાવીને બેસતા. મ્યુઝિયમ છોડતાં મુલાકાતીઓની પોથીમાં લખ્યું, “I have been in communion with Gandhi. I have felt his presence. I feel invigorated and go back and fight for my people’s rights. Gandhi has changed me.”
ગાંધીને પૂજવાથી નહીં, તેમના કાર્યને સમજવાથી પ્રેરણા મળે છે એ આ પ્રસંગથી સમજાય.
તુષાર ગાંધીના વક્તવ્યનો સારાંશ
e.mail : 71abuch@gmail.com