જુલાઇ ૭, ૨૦૧૮ ના રોજ લખેલો આ નિબન્ધ ફરી રજૂ કરું છું. 'મેઘદૂત' અને બૉદ્લેરને માણવા માગતા મિત્રોને ખૂબ જ પ્રેરણા મળશે.
= = = = પ્રેમ થયો હોય એને જ વિરહ થાય. અને એને જ સમજાય કે સંદેશ શું ને દૂત શું. હાલ તો ફોનમાં ય આખું ‘આઇલવયુ’ લખતાં ય જોર પડે છે, iluથી પતાવે છે. પ્રેમપત્ર તો શું લખી શકે? અમે તો ‘ફરગેટ મી નૉટ’-ના સ્પેશ્યલ બ્લૂ પેપર પર નિરાંતે ફાઉન્ટનપેનથી સંદેશ લખતા. ગડી વાળેલો એ પત્ર છોકરાએ ખિસ્સામાં અને છોકરીએ બ્લાઉઝમાં સંતાડી રાખવાનો રિવાજ હતો. એ પ્રસ્વેદભીની ગડીઓ ઉકેલતાં ચિત્ત બેકાબૂ થઇ જતું = = = =
= = = = બૉદ્લેરનો કાવ્યનાયક કહે છે : મારા અંતરમનમાંથી પસાર થઇ રહી છે અર્થીઓ – ન ડ્રમ કે ન મ્યુઝિક. હારી છૂટેલી આશા રડે છે અને અત્યાચારી નિરંકુશ વ્યથા મારા મસ્તક પર એની કાળી ધજા ફરફરાવે છે = = = =
ચારે માસ બધે વરસાદી જળની ઠંડક. કશી અનામ સુગન્ધી. હવા કોઇ રમણીના ઉપવસ્ત્ર જેવી આમ તેમ લ્હૅરાતી ફરે. મૂશળધારથી માંડીને કશી જ ઉતાવળ ન હોય એમ ધીમી પાતળી ધારે વરસતો હોય. તો વળી, જતાં જતાં ઝીણો થઇને ત્રાંસો ત્રાંસો થઇ ઝડપથી જતો રહેતો હોય.
એક વાર ‘શબરી ટાવર’-ના આઠમા માળેથી આકાશમાં પાણીની રજોટીના બાચકા ઉછાળતો ભાગતો વરસાદ જોયેલો. સમજો, વર્ષાજળનો પાઉડર ! એક વાર અમે વર્ડ્ઝવર્થને ગામ જવા બોલ્ટનથી નીકળેલાં. એકાએક જોશમાં એટલાં તો બોરાં વરસ્યાં કે લાગ્યું કાર જાણે કચડ કચડ કરતી કીચડમાં દોડે છે – મને થયેલું આ તો વરસાદનો કીચડ છે. હા ભૈ, એને ‘કીચડ’ ના કહેવાય …
એક વાર ડાલાસમાં અમે મારા સાળાને ત્યાં હતાં. મધરાત પછી રૂફ પર એકાએક તડતડ તડતડ તડાકા સંભળાવા લાગ્યા. એ હેઇલસ્ટોર્મ હતું. પાણી થીજીને કાંકરા થઇ ગયું હોય. એને ગુસ્સાથી વરસીને ઝાટકી નાખતું હોય. ‘હેઇલ’ – જેને આપણે ‘કરા’ કહીએ છીએ. ચણા કે લખોટીઓ જેવડા હોય. ટેબલટેનિસના બૉલની સાઇઝના પણ હોય.
એક ધારો વરસતો હોય, પણ ત્યારે બારીએ બેસી પુસ્તકમાં ડૂબી જવાનો લ્હાવો જ જુદો. ‘મેઘદૂત’ તો હું છન્દોલય સાચવીને લલકારતો. આષાઢ-શ્રાવણના કશા વ્રતની જેમ વાંચી જતો. એક વાર ‘ગીતાંજલિ’ વાંચેલી. ‘રવીન્દ્રસૃષ્ટિમાં નારી’ વિષય પર વ્યાખ્યાન આપવાનું’તું ત્યારે રવીન્દ્રનાથની ઘણી નવલકથાઓ વાંચેલી. (એ વ્યાખ્યાન-લેખ માટે જુઓ, મારું પુસ્તક ‘કથાપદ’, ૧૯૮૯). મેં જોયેલું કે એમની સૃષ્ટિમાં વરસાદનાં લગભગ બધાં જ રૂપો પ્રગટ્યાં છે.
પણ ફ્રૅન્ચ કવિ બૉદ્લેરનું ‘સ્પ્લીન’ વાંચ્યા પછી વરસાદને વિશેનો મારો મનોભાવ ચ્હૅરાઇ ગયેલો છે. મોહભંગ થયો છે. એ જુદી વાત છે કે ચોમાસામાં વાંચેલાં પુસ્તકો ચિત્તમાં એક જુદી જ જગ્યા કરી લે છે.
‘મેઘદૂત’ તો ભણવામાં હતું. કૉલેજની લાઇબ્રેરીમાં એની એક જ નકલ હતી. પુસ્તક સુલભ ન્હૉતું. મેં નોટબુક લાવીને આખું ઉતારી લીધેલું : એક યક્ષ હતો. પોતાનાં કર્તવ્યો વિશે પ્રમાદી થઇ ગયેલો. એટલે યક્ષરાજે એને શાપ આપ્યો કે જા, એક આખું વર્ષ તારે તારી પત્નીનો વિરહ વેઠવો પડશે. શાપને કારણે યક્ષનો મહિમા ઘટી ગયો. એ રામગિરિ પર્વત પર રહેવા લાગ્યો. ત્યાં સ્નિગ્ધ છાયા પાથરતાં વૃક્ષો હતાં; જનકતનયા સીતાનાં સ્નાનથી પવિત્ર જળકુણ્ડ હતા.
આ કામી યક્ષના કેટલાક મહિના પત્નીના વિરહમાં વીતી જાય છે. કાંડાં સૂનાં લાગે છે. કેમ કે તે પરનાં કનક-વલય સરકતાં થઇ ગયેલાં. એવામાં આષાઢના પ્રથમ દિવસે એણે પર્વતના શિખર પર ઝળુંબી રહેલા મેઘને જોયો – એને થયું, આ તો જાણે ભેટી મારવામાં શૂરો મસ્તમગન કોઇ હાથી છે. કામની ઉત્કણ્ઠા જગવનારા એ મેઘને યક્ષ જોતો રહી જાય છે. પોતાનાં આંસુને અંદરનાં અંદર રોકી રાખી વિચારે છે કે આવા મેઘને જોઇને તો જેની સન્નિકટ પ્રિયજન હોય તેનું ય ચિત્ત ચળી જાય, તો કણ્ઠાલિંગન માટે ઝૂરતા દૂર પડેલાનું તો શુંયે થાય … શ્રાવણ નજીક આવી ગયો ત્યારે એને થાય છે કે આના દ્વારા પ્રિયાના પ્રાણને સહારો મળે એવો કુશળ-સંદેશ પાઠવું. કવિ સરસ કહે છે – પછી એણે કુટજ કુસુમોનો અર્ઘ્ય આપીને મેઘનું ગદ્ ગદ્ થઇ પ્રેમપૂર્વક સ્વાગત કર્યું.
ક્યાં ધૂમજ્યોતિ, પાણી ને હવાના સન્નિપાત સમો મેઘ? ને ક્યાં જેને સંવેદનપટુ પ્રાણી જ પ્હૉંચાડી શકે એ સંદેશ? છતાં એ વાતને બાજુ પર રાખીને ઉત્કણ્ઠાવશ યક્ષ મેઘને યાચના કરે છે; કહે છે – કામપીડા વેઠી રહ્યા હોય એ લોકો સ્વભાવવશ ચેતન પાસે દીન થઇ જાય એમ મેઘ જેવા અચેતન પાસે પણ દીન થઇ જતા હોય છે …
પછી યક્ષ સ્વ અર્થ સાધવા મેઘની ભરપૂર સ્તુતિ કરે છે : તારો જન્મ, હે મેઘ, પુષ્કર અને આવર્તક નામના ભુવનપ્રસિદ્ધ વંશમાં થયો છે. તું ઇન્દ્રનો કામરૂપી પ્રકૃતિપુરુષ છું – મુખ્ય અધિકારી. હું મારી પ્રિયાથી વિધિવશ દૂર પડેલો છું એટલે તારો યાચક બન્યો છું. તારા જેવા ગુણીજન પાસે યાચવું નિષ્ફળ જાય તો પણ સારું છે કેમ કે અધમો પાસે કરેલી યાચના ફળે તો પણ ન-સારી છે. સંતપ્તોનો, હે મેઘ, તું રક્ષક છું. કુબેરના ક્રોધને કારણે વિરહી બનેલા એવા મારા સંદેશને મારી પ્રિયાની પાસે પ્હૉંચાડ. તારે યક્ષપતિઓની અલકા નામક પ્રસિદ્ધ નગરીમાં જવાનું છે. વગેરે વગેરે.
વાત એમ છે કે પ્રેમ થયો હોય એને જ વિરહ થાય. અને એને જ સમજાય કે સંદેશ શું ને દૂત શું. હાલ તો ફોનમાં ય આખું ‘આઇ લવયુ’ લખતાં ય જોર પડે છે, iluથી પતાવે છે. પ્રેમપત્ર તો શું લખી શકે? અમે તો ‘ફરગેટ મી નૉટ’-ના સ્પેશ્યલ બ્લૂ પેપર પર નિરાંતે ફાઉન્ટનપેનથી સંદેશ લખતા. ગડી વાળેલો એ પત્ર છોકરાએ ખિસ્સામાં અને છોકરીએ બ્લાઉઝમાં સંતાડી રાખવાનો રિવાજ હતો. એ પ્રસ્વેદભીની ગડીઓ ઉકેલતાં ચિત્ત બેકાબૂ થઇ જતું. તક મળ્યે ભૈબંધ કે બેનપણી પ્હૉંચાડી દે. એ પડી જાય કે ખોવાઇ જાય તો એ ‘લવલેટર’ કશા ટાઇમબૉમ્બની ગરજ સારે. ફજેતીનો પાર નહીં.
વર્ષાઋતુને વિરહની જેમ જ ગમગીની અને અવસાદ સાથે પણ એટલો જ સમ્બન્ધ છે. ભીનાં થયા પછી ઝટ ન સૂકાતાં વસ્ત્રની ગન્ધ દૂરના સમયમાં દોરી જતી હોય છે. હમ્મેશને માટે છોડી ગયેલું સ્વજન દેખાઇ આવે છે. શોકાર્દ્ર જીવ વર્ષાજળ શરીરે ચોળી જુએ. વર્ષા બાળશે. કનડશે. આંખમાં અશ્રુ ઉભરાશે. ટેરવે લઇને એમાં શું જોવાના? નિર્વેદ નિરાશા લાચારી ને ગૂંગળામણ. એકલતા ઘુંટાતી ઘેરી થઇ શૂન્ય થઇ જાય. આંખમાં ઝળઝળિયાં હોય ને સામે વરસતો હોય એથી વધારે કરુણ તો શું હોઇ શકે? એવી ભાવદશા વખતે હમેશાં મને બૉદ્લેર યાદ આવે.
1844-માં Emile-એ દોરેલું બૉદ્લેરનું વ્યક્તિચિત્ર : ત્યારે કવિ માત્ર ૨૩-ના હતા …
Picture Courtesy : Wikimedea.com
બૉદ્લેર પહેલા આધુનિક કવિ કહેવાયા છે. ‘ધ ફ્લાવર્સ ઑફ ઈવિલ’ કાવ્યસંગ્રહનું શીર્ષક સૂચવે છે એમ કવિ દુરિતનાં ય પુષ્પ ભાળી શકેલા, સરજી શકેલા. એમનો ૫૦ ગદ્યકાવ્યોનો સંગ્રહ ‘પૅરીસ સ્પ્લીન’ પૅરીસના નગરજીવનનો સંદર્ભ ધરાવે છે. આધુનિક સંવેદનશીલતાની વાતમાં આ કાવ્યસૃષ્ટિનું ઘણું મહાત્મ્ય છે.
‘સ્પ્લીન’ એટલે બરોળ. અહીં અર્થ છે – બૅડ મૂડ. રચનાના કેટલાક અંશનો માત્ર નિર્દેશ કરી શકીશ :
કણસતા દુખિયારા આત્મા પર કશા ઢાંકણની જેમ તોળાઇ રહેલું નીચું ઘેઘૂર આકાશ છે. વર્તુળાતી ક્ષિતિજ પરથી ફેલાતો દિવસ, રાતથીયે વધારે અંધારિયો છે. પૃથ્વી ભેજવાળી જેલ લાગે છે. ત્યાં આશા ચામાચીડિયા જેવી છે – ઘડીમાં દીવાલ જોડે પછડાય છે તો વળી છત પર માથાં મારે છે …
અને પછી આવે છે, અદ્ભુત પંક્તિઓ :
વરસાદ આ વિરાટ જેલના જાડા સળિયાની ધારાએ નિરન્તરનો વરસે છે ત્યારે અપાકર્ષક કરોળિયાની ટોળકી આપણાં મગજમાં ઊંડે એમનાં જાળાં રચવાને ચૂપચાપ ચાલી આવે છે …
છેલ્લે કાવ્યનાયક કહે છે : મારા અંતરમનમાંથી પસાર થઇ રહી છે અર્થીઓ – ન ડ્રમ કે ન મ્યુઝિક. હારી છૂટેલી આશા રડે છે અને અત્યાચારી નિરંકુશ વ્યથા મારા મસ્તક પર એની કાળી ધજા ફરફરાવે છે …
ક્યારેક આખી વાત માંડીને કરીશ.
(June 19, 2021: USA)
= = =