ડૉ. માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયરની હત્યા થયાને 53 વર્ષ થયાં. અમેરિકાના અશ્વેતોને નાગરિક અધિકાર અપાવવા માટેની લડત એ જ તેમનું જીવન હતું અને તે જ તેમના મૃત્યુનું કારણ પણ બન્યું. આ લડત તેમણે અહિંસા અને અસહકારના ગાંધીચીંધ્યા માર્ગે ચલાવી, ગાંધીજીની જેમ જ ઇચ્છિત અને ન્યાયી પરિણામ પણ મેળવ્યું અને શાંતિ માટેનું નોબેલ ઇનામ મેળવનારા સૌથી નાની ઉંમરના વિજેતા બન્યા. 1964માં નોર્વેમાં નોબેલ સ્વીકારતી વખતે તેમની ઉંમર માત્ર 35 વર્ષની હતી. તેમણે ત્યારે જે કહ્યું તેનું એક શાશ્વત મૂલ્ય છે.
એક પત્રકારે તેમને પૂછ્યું, ‘નોબેલ મળ્યાનું તમારે મન શું મહત્ત્વ છે ?’
તેમણે કહ્યું, ‘શાંતિ માટેના આ સન્માનને હું નીગ્રો પ્રજાની અદ્દભુત શિસ્તની વિશ્વને થયેલી ઓળખ ગણું છું. અમારી લડતમાં લોહિયાળ તબક્કા પણ આવ્યા છે, પણ અહિંસાની શિસ્ત વિનાનો રક્તપાત ભયાનક બનત.’
આ શબ્દો ઉચ્ચાર્યાને સવાત્રણ વર્ષ થયા અને માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયરની હત્યા થઈ. એમના શબ્દો સાચા પુરવાર થયા. અહિંસાની શિસ્ત સાથેનો એ રક્તપાત ભવ્ય બન્યો. માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયર અમર બન્યા. તેમના વિચારો, તેમની ઊર્જા, તેમની ચેતના દેહના, સ્થળના અને કાળના બંધનથી મુક્ત બની આખા વિશ્વમાં ફેલાઈ ગઈ.
આગળ તેમણે કહ્યું હતું, ‘આ ઈનામ હું સ્વીકારું છું ત્યારે અમેરિકાના સવા બે કરોડ નીગ્રો, રંગભેદની દીર્ઘ કાળરાત્રિના અંત માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ અવૉર્ડ હું સ્વાતંત્ર્ય અને ન્યાયનું સામ્રાજ્ય સ્થાપવા સંકલ્પબદ્ધ અને ભવ્ય બલિદાનો આપવા તૈયાર સિવિલ રાઈટ્સ મુવમેન્ટ વતી સ્વીકારું છું.
‘આ ક્ષણે મને યાદ છે – બર્મિંગહામ અને અલાબામામાં ભાઈચારા માટે તલસતા અમારા યુવાનો પર કૂતરાં છોડવામાં આવ્યાં, એમનાં ઘર બાળવામાં આવ્યાં, એમની હત્યાઓ થઈ એ હજી ગઈકાલની વાત જ છે. ફિલાડેલ્ફિયા અને મિસિસીપીમાં મતાધિકાર માગતા અમારા ભાઈઓ પર ગોળીઓ છૂટી હતી એ હું ભૂલ્યો નથી. અને મને એ પણ યાદ છે કે શોષણ અને ગરીબીનો અભિશાપ આજે પણ અમને ઘેરી રહ્યો છે.
‘તેથી મને એ પ્રશ્ન પણ થયો કે જો આવું છે તો પછી આ શાંતિઈનામનો શો અર્થ છે ? પછી હું એ તારણ પર પહોંચ્યો કે આ ઈનામ હું એ સંઘર્ષ વતી સ્વીકારીશ જે એ જાણે છે કે આજની રાજકીય અને નૈતિક સમસ્યાઓનો જવાબ અહિંસા છે. માણસ હિંસા અને શોષણનો ઉકેલ હિંસા અને શોષણથી નહીં લાવી શકે.
‘સભ્યતા અને હિંસા આ બન્ને વિરોધાભાસી વિભાવનાઓ છે. ભારતના લોકોને અનુસરીને અમેરિકાની શ્યામ પ્રજાએ સાબિત કર્યું છે કે અહિંસા નિષ્ક્રિય બાબત નથી પણ આખા સમાજને બદલી શકે તેવી એક નૈતિક શક્તિ છે અને સમગ્ર વિશ્વને એક દિવસ એ પ્રતીતિ થવાની જ છે કે આ પૃથ્વી પર શાંતિથી જીવવાનો એક્માત્ર રસ્તો ભાઈચારાનો છે.
‘જો આ થાય તો માનવજાત આક્રમણ અને પ્રતિશોધના ભરડામાંથી છૂટે. આ પદ્ધતિનો પાયો પ્રેમ છે. હું મારા હૃદયની ગહનતામાં એ પ્રતીતિ પામ્યો છું કે આ ઇનામ વ્યક્તિગત પ્રાપ્તિ કરતાં ઘણું વિશેષ છે. આ ઈનામે સ્વાતંત્ર્યપ્રાપ્તિના અમારા સંઘર્ષને નવું પરિમાણ આપ્યું છે. દુનિયા આ સંઘર્ષના થોડા નેતાઓનાં નામ જ જાણે છે, પણ બલિદાનો આપવા તત્પર અસંખ્ય અનામી સાથીઓ એ જ તેનું સાચું બળ છે. એમના જ ત્યાગને પરિણામે એક દિવસ એક એવા યુગનો ઉદય થશે જેમાં મનુષ્યો માટે ફળદ્રુપ ભૂમિ અને બહેતર સમાજ હોય.
‘આ અનામી નમ્ર મનુષ્યોએ ન્યાય ખાતર જે જે સહ્યું છે તે એળે નહીં જાય. અત્યાચારો સહેવાનો આ માર્ગ મોન્ટગોમરીથી શરૂ થઈ ઓસ્લો પહોંચ્યો છે તે આ જ સત્યના પ્રકાશથી. લાખો અશ્વેતો આ માર્ગ પર પોતાની માણસ તરીકેની ગરિમાને શોધવા નીકળ્યા અને ફના થઈ ગયા. આ માર્ગ સમસ્ત અમેરિકાવાસીઓ માટે પ્રગતિ અને આશાના નવા યુગનું મંડાણ છે. આ માર્ગે નવો નાગરિક અધિકાર કાયદો આવ્યો છે. આ જ માર્ગ એક દિવસ શ્યામ અને શ્વેત પ્રજાઓના સહકારનો વિશાળ રાજમાર્ગ બનશે.
‘આ અવૉર્ડ સ્વીકારતી વખતે મારા મનમાં શ્રદ્ધા છે. અમેરિકાના ભવિષ્ય માટે, સમગ્ર માનવજાતના ભવિષ્ય માટે. માનવી જેવો છે તેવો જ રહેશે અને તેને જેવા થવું જોઈએ તેવો તે નહીં થાય એ માન્યતાનો હું ઇનકાર કરું છું. હું એ માનવા તૈયાર નથી કે માણસ પોતાના સંજોગોના પ્રવાહને તરીને કિનારે ન આવી શકે. હું એ માનવા તૈયાર નથી કે રંગભેદની અંધારરાત્રિ અને યુદ્ધની ભીષણતા માણસજાત સાથે એવી રીતે જડાઈ ગઈ છે કે શાંતિ અને બંધુત્વનો સૂર્યોદય થવો અશક્ય છે. વિનાશના નર્કમાં ધકેલતા લશ્કરી બળ સિવાય આપણો છૂટકો નથી એ માનવા હું તૈયાર નથી. નિ:શસ્ત્ર સત્ય અને નિ:સ્વાર્થ પ્રેમ એ જ અંતિમ સત્ય હોઈ શકે. જે સાચો છે તે એક વાર હારી જાય તો પણ દુષ્ટ વિજેતા કરતાં વધુ શક્તિશાળી છે એ નક્કી. એટલે આજે યુદ્ધનાં નગારાં વાગે છે ને શસ્ત્રોની બોલબાલા છે, પણ મને ઊજળી આવતીકાલ વિશે શ્રદ્ધા છે.
‘હું માનું છું કે દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલો દરેક માણસ શરીર માટે ત્રણ ટંક ભોજન, બુદ્ધિ માટે શિક્ષણ અને સંસ્કાર અને આત્મા માટે ગરિમા, સ્વતંત્રતા અને સમાનતાનો હકદાર છે. હું માનું છું કે આત્મકેન્દ્રી માણસોએ જે તોડીફોડી નાખ્યું છે તેને માનવકેન્દ્રી માણસો ફરી બાંધશે. હું માનું છું કે એક દિવસ વિશ્વ યુદ્ધ અને રક્તપાત પર વિજય મેળવી ઇશ્વર સમક્ષ નતમસ્તક થશે, એક દિવસ અહિંસાનું સામ્રાજ્ય સ્થપાશે, એક દિવસ દરેક માણસ પોતાના વૃક્ષ નીચે બેઠો હશે. કોઈ કોઈથી ડરશે નહીં. આઈ સ્ટીલ બિલિવ ધૅટ વી શેલ ઓવરકમ.
‘આ શ્રદ્ધા જ આપણને અનિશ્ચિત ભાવિનો સામનો કરવાનું બળ આપે છે, આપના થાકેલા પગમાં નવું જોમ પૂરે છે અને આપણા પ્રાણમાં સ્વાતંત્ર્યભૂમિ તરફ જવાનો ઉમંગ ભરે છે.’
1967માં આપેલા એક પ્રવચનમાં ડૉ. કિંગે કહ્યું હતું, ‘આપણી ભાષામાં કાળાપણા માટે કલંક, દુષ્ટતા, સડો, ડાઘ જેવા 120 પર્યાય છે અને શ્વેતપણા માટે શુદ્ધતા, નિર્દોષતા, સ્વચ્છતા, પવિત્રતા જેવા 134 પર્યાય છે. લેખક-અભિનેતા ઓસ્સી ડૅવિસે કહેલું તેમ અંગ્રેજી ભાષાનું પુનર્ઘડતર કરવું જોઈએ, જેથી શિક્ષકોને તેમના કાળા વિદ્યાર્થીઓને પોતાને ઉતારી પાડતી ને શ્વેતોને ઉપર ચડાવતી ભાષા શીખવવી ન પડે. લઘુતા અને ગુરુતાની ગ્રંથિઓનું સર્જન ત્યાંથી જ થાય છે.
જ્યાં સુધી મન ગુલામ છે, શરીર ગુલામ જ રહેવાનું. મનથી મુક્ત થવું તે આત્મગૌરવ તરફ લઈ જતું પ્રથમ પગથિયું છે. કાયદાના સુધારા ત્યારે જ સાર્થક થાય જ્યારે માણસ પોતાની અંદર મજબૂત મૂળ નાખીને બેઠેલાં બંધનોને તોડશે, પોતાની માનવ તરીકેની હસ્તીના ઘોષણાપત્ર પર પોતે જ સહી કરશે અને ગૌરવથી માથું ઊંચું કરીને વિશ્વને અને પોતાની જાતને કહેશે, હા, હું માણસ છું. મારું પણ અસ્તિત્વ છે. મારું પણ માન છે, પ્રતિષ્ઠા છે. મારો પણ ઉદાત્ત સમૃદ્ધ ઇતિહાસ છે. મને મારા પૂર્વજો ગુલામ હતા તેની શરમ નથી. મને શરમ છે એ વિચારની જે હજી અમને ગુલામ રાખવા માગે છે. હા, આપણે ઊભા થવનું છે, ને કહેવાનું છે – હું શ્યામ છું, હું સુંદર છું – શ્વેત પ્રજાને શોષણ કરતી રોકશે આ જ આત્મગૌરવ.’
e.mail : sonalparikh1000@gmail.com