તિર્યકી
(ચર્ચા તથા સવાલ-જવાબની ખુલ્લી બેઠક)
સમસ્યા : સરજી, અમે લખીએ તો છીએ પણ અમારું લેખન ક્ષતિગ્રસ્ત છે. અમારે લેખન દ્વારા વાસ્તવદર્શન કરાવવું છે, પ્રજાનો અવાજ બનવું છે, કેમ કે એ તો સર્જકધર્મ કહેવાય. આપે પણ પહેલાં શીખવેલું આવું. સમસ્યા એ છે કે અમારે એ પ્રકારનું લેખન કરવું છે, જેના થકી અરાજકતા ન ફેલાય, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ ન જોખમાય, શાસકપક્ષ ન દુભાય, શાસકપક્ષના ભક્તોને ક્લેશ ન થાય, એ ભક્તોના ભક્તોને પણ મનદુઃખ ન થાય, સમાજમાં સંવાદ ટકોરાબંધ રહે (મોબ જેવી ઘટના વખતે પણ), અમારા ઇરાદા મેલા છે, એવો આક્ષેપ ન થાય, અમે વામપંથીઓમાં, ઉગ્રવાદીઓમાં, આતંકવાદીઓમાં, રાષ્ટ્રદોહીમાં, નક્સલવાદીમાં ન ખપી જઈએ, અને છતાં-છતાંયે સરજી, જે દૃષ્ટિવિહીનને પણ દેખાય એવી વાસ્તવિકતા છે, તેનું અમે યથાતથ બયાન કરી શકીએ. કેમ કે, આમ કરવું એ સ્વધર્મ છે લેખકનો, તો અમે તે શી રીતે કરીએ એનો પથ દર્શાવો, સર જી!
ઉકેલ : ભારતીય મૂલ્યો પ્રમાણે કશુંયે અનાવૃત્ત હોય તે શિષ્ટ નથી. સત્ય પણ અનાવૃત્ત હોવું ન ઘટે. એનાથી અશ્લીલતા અને મલિનવૃત્તિઓને વેગ મળે. સત્યને ઢાંકવાની કલા એ જ સર્જન સાચું. સત્યને નગ્ન ન દેખાડવું – અને આ કલા પહેલાં હસ્તગત કરો. જો આ આવડત ન હોય તમારામાં, તો સત્યને રૂપાંતરિત કરો. ઉદાહરણ તરીકે જે નદીમાં વહેતાં દેખાયાં એ શબ નહોતાં. નજરનો દોષ કે તમે એને શબ કહો છો. એ તો ફૂલો ભરેલી છાબડીઓ હતી, જે વહેતી હતી નદીમાં. તમને જે કુરૂપ, આઘાતક લાગ્યું એ તમારો દૃષ્ટિભ્રમ.
ખરેખર તો એ ફૂલોની છાબથી તમને કશુંક સુંદર અને અનુપમ જોયાનો આનંદ થવો ઘટે. એ આનંદ વર્ણવો ને શબ્દોમાં, કોણ રોકે છે? શબને શબ તરીકે જુઓ છો શા માટે ? જે છે તે નથી અને નથી તે છે, આને પ્રત્યક્ષ કરાવે એ જ તો લેખનકલા!
સમસ્યા : પણ સરજી, જે દેશબાંધવો ને ભગિનીઓ પ્રાણવાયુની અછતને કારણે સ્વર્ગે ગયાં, તેમાં શાસકો અને વહીવટીતંત્રને સાવેસાવ ભોળુંભટાક અને નિર્દોષ કેવી રીતે દેખાડીએ? મોતને સંતાડતા વહીવટને ઉત્તમ શી રીતે ઠેરવીએ ? પ્રજાને પડખે કોઈ દેખાતું નહોતું એ સમયને મુલાયમ ભાષામાં શી રીતે મૂકીએ ?
ઉકેલ : આ તો કોઈ સમસ્યા જ નથી. જે પ્રાણવાયુ વિના પ્રભુશરણ થયાં તેઓ શ્વાસ રોકવાની એક યૌગિક ક્રિયામાં વ્યસ્ત હતાં. મહામારીમાં યોગની સહાય કઈ રીતે લેવાય, એના પ્રશિક્ષણમાં તેઓ એ હદે રોકાયાં હતાં કે શ્વાસ થંભાવ્યા પછી પુનઃ છોડવાનો હોય છે, એ વાતનું વિસ્મરણ થતાં આ ગરબડ થઈ. એમાં તો કોઈનો વાંક જ નથી. આ એક વિલક્ષણ પ્રયોગ હતો અને ગફલત થઈ તે અકસ્માત. સર્જક તરીકે તમે આખી ઘટનાને કઈ રીતે સ્વાભાવિક વાસ્તવિક અને પ્રતીતિજનક બનાવી શકો એમાં જ તો સર્જકત્વ દેખાશે! કલમ અજમાવી તો જુઓ એક વખત આ દિશામાં. એમાં જ તો મૌલિકતા ઝળહળશે!
સમસ્યા : બેજવાબદારી, ગેરવહીવટ અને તબીબી-સહાયનો વિલંબ અનેક મૃત્યુનું કારણ બન્યાં તો આવા તંત્રને શ્રેષ્ઠ અને બેનમૂન ગણવા માટે કેવું લેખન પ્રયોજવું, જેથી સામાજિક સુસંવાદ, શાસનની પ્રતિષ્ઠા, શાસકોનો માનવીય કરુણાળુ અભિગમ અને સંસ્કૃતિની ગરિમા પ્રગટ થાય?
ઉકેલ : તમે જોયાં નહીં એમનાં આંસુ ? સાંભળ્યા નહીં એ ગળગળો કંપનયુક્ત અવાજ ? વાંચ્યા નહીં એ નિવેદનો કે જેમાં મહામારી સામેના મહાયુદ્ધની ગૌરવગાથા હોય ? મંકોડાના ગળાની ઘંટડી સાંભળવાની સજ્જતા ધરાવવાની છે તમ સર્જકોએ ન હોય તો લખવાનાં શું, ધૂળ ને રાખ?
સમસ્યા : સરજી, અમે એમ તો લખ્યું કે ભલે હૉસ્પિટલમાં નહીં, સ્વર્ગમાં તો જગ્યા મળી ને, પરંતુ આ હકારાત્મક વલણથી ઘણાં અમારા પર ક્રોધિત છે, તો અમે શું કરીએ આ બાબત ?
(સમય પૂરો થવાથી બેઠક અધૂરી રહી હતી.)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2021; પૃ. 16