દેશની ભૌમિતિક આઝાદી,
ભોગવે છે પથિક આઝાદી.
કોઈ માટે જરીક આઝાદી,
કોઈને છે અધિક આઝાદી.
હોય દેશી પ્રજા અને રાજા,
આ થઈ વાસ્તવિક આઝાદી.
જેમને છે અહીં કલામાં રસ,
માણવાના રસિક આઝાદી.
દેશમાં કેદ થઈ જતી લાગે,
એવી છે આંતરિક આઝાદી.
રાતના ઊંઘ આવી જાય અને
જેને સમજે શ્રમિક આઝાદી.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2021; પૃ. 13