‘શબવાહિની ગંગા’ બેજવાબદાર સત્તાધારીઓના પ્રોટેસ્ટની કવિતા છે :
કોવિડની મહામારી દરમિયાન ભારતની સરકારે જે ગેરવ્યવસ્થા ઊભી કરી તેની પારુલે ‘શબવાહિની ગંગા’માં આકરી ટીકા કરી છે. આ કવિતાએ શાસકનો ચહેરો ખુલ્લો કર્યો છે. લાગણીવિહીન સરકાર સામેનો આ પ્રોટેસ્ટ છે. આ પ્રોટેસ્ટ કોઈ આંદોલનમાં પરિણમશે કે નહીં તેની આપણને ખબર નથી. આ કવિતાને કવિતા જ ના કહેવાય અને તેણે સમાજને છિન્નભિન્ન કરવાનું કામ કર્યું છે, તેવી આલોચના કરનારને જાગૃત લોકશાહી કેવી રીતે ચાલે છે, તેની ઝાઝી ખબર કે તમા હોય તેવું લાગતું નથી. ભારતમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ કેવી રીતે હિન્દુ રાષ્ટ્રવાદ બની ગયો છે, તેની આપણને સૌને ખબર છે. આલોચક સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને કમિટેડ હોવાથી તેમને કદાચ એમ લાગતું હોઈ શકે કે પવિત્ર ગંગામાં અસંખ્ય મડદાં વહેતાં હોય તે દૃશ્ય બીભત્સરસ દર્શાવે છે. આ અંગેની કોઈ કવિતા હોઈ શકે નહીં. કવિતા મંગળકારી હોવી જોઈએ.
આત્માની અમરતા કે આલોચકની અકળામણ :
કવિતા આત્માની કળા છે, તે વિધાનને આધારે પારુલની કવિતા નિષ્ફળ નીવડી છે તેવો આ કવિતાના આલોચકનો મત છે. પરંતુ કવિતા એ આત્માની કળા છે, તે પોતે જ અર્થહીન વિધાન છે. આત્માની કળા એટલે શું? આત્મા કળા કરતો હશે? પારુલની કવિતામાં આત્માની કળા છે કે નહીં તેનો નિર્ણય કોઈ સત્તાધારી કરે? કવિતામાં આક્રોશ ના હોવો જોઈએ, તેવું પણ વિધાન તેઓ કરે છે. કવિતામાં શાંત રસ જ હોવો જોઈએ, તેવું તમે શેના આધારે કહો છો? આનંદશંકર બાપુભાઈ ધ્રુવની આ અંગેની માન્યતા તદ્દન આઉટડેટેડ છે. અત્યારની ઘણી કવિતાઓમાં સામાજિક અન્યાય માટેનો પ્રોટેસ્ટ રજૂ થાય છે. તેમાંથી દલિતોની જે બ્રિલિયન્ટ પ્રોટેસ્ટ મૂવમેન્ટ ઊભી થઈ તે આપણા સમાજની ઊજળી બાજુ છે. દલિત પ્રતિકાર કવિતાઓનું ધોરણ પણ ઘણું ઊચું છે. કવિતા કોને કહેવાય તે પ્રશ્નની ચર્ચા સદાય ચાલ્યા કરશે અને ચાલવી જોઈએ.
કોવિડની મહામારીએ સર્જેલા ઊંચા મૃત્યુદરના આઘાતથી પારુલની જેમ લાખો લોકો હલબલી ગયા છે. આ કવિતાનો ગૂઢાર્થ એ છે કે આ મૃત્યુ કુદરતી નહીં પણ માનવકૃત હતાં. ભારતની સરકારે કોવિડ અંગે વધુ સતર્કતા દાખવી હોત તો લાખો લોકો બચી જાત. આ કવિતા સરકારની હૃદયહીનતાને આક્રમક સ્વરૂપે રજૂ કરે છે. તેમાં સરકારનો ઇરાદો કે વિચારસરણીનું નિરૂપણ નથી, પરંતુ સરકારની નાગરિકો માટેની હૃદયહીનતાનું નિરૂપણ છે.
સમયનું ડાઇનેમિક્સઃ
કવિતામાં સમયનું પણ ડાઇનેમિક્સ છે. તેને ચાર ભાગમાં વહેંચી શકાયઃ ટાઇમ-૧માં કોવિડની મહામારીમાં હજારો અને લાખો લોકો સપડાયા છે. ટાઇમ-૨માં લાખો લોકો આ મહામારીમાં મૃત્યુ પામ્યા છે. ટાઇમ-૩માં અનેક મડદાંઓ ગંગા નદીમાં પ્રવાહિત થયાં છે. આ જ તેમના અંતિમસંસ્કારની વિધિ છે. ટાઇમ-૪માં ભલે મડદાં મૃતશરીરનાં હોય, પણ તેઓ એકી અવાજે ચિત્કાર કરે છે અને અપ્રત્યક્ષ રીતે સરકારને ખૂની ગણે છે. સમગ્ર કવિતા આ ટાઇપના ડાઇનેમિક્સથી પ્રભાવિત થઈ છે.
મિથિકલ કલ્પનો :
કવિએ પોતાના હૃદયની વેદના વ્યક્ત કરવા અનેક કલ્પનો – ‘મિથિકલ સિમ્બોલ્સ’ ઊભાં કર્યાં છે. તે વિના આ કવિતા છાપાના સામાચાર બની જાત. કવિએ જૂના આદર્શ રામરાજ્યનું કલ્પન ઊભું કરીને અત્યારની સરકારના રાજ્યને રામરાજ્ય કહી ટોણો માર્યો છે. તે ઉપરાંત કવિએ જમરાજાનાં ટોળાં લોકોના પ્રાણ લેતી વખતે કેવો મૃત્યુનો નાચ કરે છે, તેનું બિહામણું ચિત્રપણ ઊભું કર્યું છે. વળી, મડદાને જીવંત વ્યક્તિની જેમ ચંગાચંગાના પોકારો કરતાં દર્શાવ્યાં છે. મૃતદેહોને બાળવા માટેની ચીમની પણ થાકી ગઈ છે અને પોરો ખાય છે. મડદાં અને ચીમનીનું સજીવારોપણ આ કવિતાના સંદર્ભમાં યથાર્થ છે. આ તમામ સજીવારોપણો એન્થ્રોપોમોર્ફિક છે, જેના નેપથ્યમાં “કશું કામ નહીં કરતી સરકાર મડદાલ છે” તેવો ભાવ ઊભો કરવામાં કવિ સફળ થયા છે. સ્ત્રીઓ પતિના મૃત્યુ વખતે ચૂડલા તોડી નાખે છે અને ડાઘુઓ છાતીફાટ રુદન કરે છે, તે આ કવિતાના કરુણરસને વધુ ગાઢો બનાવે છે. રામરાજ્યના કલ્પન(ઇમેજ)ને સતત કેન્દ્રમાં રાખીને અત્યારના ‘નવા રામરાજ્ય’ની પારુલે મશ્કરી કરી છે અને કાવ્યના વાચકને તે સતત ભાન કરાવે છે કે અત્યારનું રામરાજ્ય કેવું ‘ડિસફંકશનલ’ છે. કવિએ આ સંદર્ભમાં રોવણહારા શબ્દ વાપર્યો છે, તે ઈનોવેટિવ છે. આ શબ્દ આપણને સર્વર્હારા (પ્રોલિટરીએટ)ની યાદ અપાવે છે. શુ સરકારને સર્વહારાની ચિંતા નથી?
આ કવિતા માત્ર હૃદયહીન સત્તાધારીના વિરોધને કારણે નહીં, પરંતુ કવિતાના ‘એથોસ’, ‘પેથોસ’ અને ‘લોગોસ’ને કારણે લોકભોગ્ય બની છે. પારુલે આ કવિતા દ્વારા સરકારની નિષ્ક્રિયતાને મસમોટો ફટકો માર્યો છે. સરકારની વસ્ત્રહીનતાની વાત પણ ચતુરાઈપૂર્વક આ કવિતામાં વણી લીધી છે અને સત્તાધારીનાં દિવ્યવસ્ત્રો અને દિવ્યજ્યોતિનાં વખાણ કર્યાં છે!! પરંતુ તેમ છતાં અત્યંત આક્રોશપૂર્વક સરકારને બિલ્લા-રંગા જેવી ખૂની ગણી છે. મિથ, સજીવારોપણ, એન્થ્રોપોમોર્ફિક ઇમેજરી વગેરેનું નેટવર્ક કવિતાને ઉપકારક નીવડ્યું છે. અને તેથી જ આ કવિતા લોકપ્રિય બની છે. દવાઓ અને ઑક્સિજનને અભાવે મરી જતાં દરદીઓને જોઈને આપણને સૌને અરેરાટી થાય તે સ્વાભાવિક છે. પારુલે આ અરેરાટીને કવિતામાં કલેક્ટિવ કૉન્શિયસનેસનો ભાગ બનાવી દીધી છે. કવિતાની શરૂઆત ડિપ્રેસ્ડ મૂડમાં થઈ છે, પરંતુ કવિતાને અંતે પારુલે એગ્રેસિવ મૂડ દર્શાવ્યો છે, જેને અંગ્રેજીમાં આપણે ‘righteous indignation’ કહી શકીએ.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2021; પૃ. 04