પારુલ ખખ્ખરની કવિતાને જેમણે અ-કવિતા જાહેર કરી એમને પ્રતિકારના કાવ્યશાસ્ત્રની કેટલી ખબર હશે એ રામ જાણે. ગુજરાતીમાં પ્રતિકાર કવિતા ઘણી લખાઈ છે. સરૂપ ધ્રુવની ’સળગતી હવાઓ’ એમાં આગલી હરોળમાં આવે. એ જ રીતે, દલિત કવિતા પણ આમ જુઓ તો પ્રતિકારની કવિતા છે. કટોકટી વખતે પણ પ્રતિકારનાં કાવ્યો લખાયેલાં. જેમણે એ પ્રકારનાં કાવ્યો લખેલાં એમાંના ઘણાબધા અત્યારે સંઘમાં કે સરકારમાં છે અને એમની સરકાર સામે કોઈ પ્રતિકારનાં કાવ્યો લખે તો એ કાવ્યો કાવ્યો છે કે અકાવ્યો એવા વાહિયાત પ્રશ્નો ઊભા કરતા હોય છે. આપણે નારીવાદી કવિતાઓનો પણ પ્રતિકારનાં કાવ્યોમાં સમાવેશ કરવો પડે. ગોધરા હિંસા પછી ઘણા સર્જકોએ પ્રતિકારનાં કાવ્યો લખ્યાં છે. એમાંનાં કદાચ કેટલાંક ગ્રંથસ્થ પણ થયાં હશે.
આટલું બધું પ્રતિકારનું સાહિત્ય લખાયું હોવા છતાં આપણા વિવેચકોએ એ સાહિત્યના આધારે પ્રતિકારના કાવ્યશાસ્ત્રની વાત કરી નથી. એવું બનવા પાછળ અનેક કારણો જવાબદાર છે. એક કારણ કદાચ સ્વરૂપવાદનો આગ્રહ પણ હોઈ શકે. જે સાહિત્યકારો સાહિત્ય અને સમાજની વાત કરતા હતા એ સાહિત્યકારોએ પણ આ પ્રકારના સાહિત્યના સંદર્ભમાં એક પ્રશ્ન તો પૂછ્યો જ છેઃ પણ આ કૃતિ સાહિત્ય બને છે ખરી? કહેવાનો મતલબ એ કે એ લોકોએ પણ પ્રતિકારનું કાવ્યશાસ્ત્ર રચવાનો પ્રયાસ કર્યો નથી.
હું માનું છું ત્યાં સુધી પ્રતિકારની કવિતાની ભાષા ચુસ્ત અર્થમાં mimetic નથી હોતી. એ પ્રકારની કવિતામાં ભાષા શસ્ત્ર બનીને આવતી હોય છે. જે ભાષા mimetic હોય એ કાં તો રૂપાન્તરવાદી હોય કાં તો અનુકરણવાદી હોય. પ્રતિકારની કવિતાની ભાષા રૂપાન્તર અને અનુકરણ બન્નેને ગૌણ મહત્ત્વ આપે છે. એમ હોવાથી એ પ્રકારની કવિતામાં શસ્ત્ર સાથે જોડાયેલા ભાવો જોવાના હોય. જેમ કે, એ પ્રકારની કવિતામાં આક્રોશ છે કે નહીં? એમાં હિંસા છે કે નહીં. એવાં સત્તાને target બનાવવામાં આવી છે કે નહીં? કવિએ સત્તાના કયા પાસાને target બનાવી છે? આ પ્રકારની કવિતા ભાવકને રસાનુભવ પછી કરાવે. પહેલાં તો એ ભાવકને લોહીલુહાણ કરે. ભાવકને પણ પડકારે. જ્યારે પા.ખ. ’રંગા-બિલ્લા’ શબ્દો વાપરે ત્યારે એમનો આશય કોઈને રંગા-બિલ્લા કહેવાનો નથી હોતો. એમને આશય ભાવકોને પડકારવાનો હોય છે. પછી એ જુદી વાત છે કે રાજ્યતરફી સાહિત્યરસિકોએ એમાં બીજું જ કંઈક જોયું હોય.
Mimeticના કાવ્યશાસ્ત્રને વરેલો કવિ જે કવિતા લખે એ સમાજને મોટે ભાગે બે વર્ગમાં વહેંચી નાખે. એક વર્ગ કહેશેઃ મને આ કવિતા ગમી. તો બીજો વર્ગ કહેશેઃ મને ન ગમી. પણ protest અથવા તો પ્રતિકારના કાવ્યશાસ્ત્રને વરેલો કવિ જે કવિતા લખશે એ પણ સમાજને બે વર્ગમાં વહેંચી નાખશે. એક કહેશેઃ હા યાર, મને કવિતા વાગી. અને બીજો વર્ગ કહેશેઃ ના, એ કવિતા નથી.
જ્યારે કોઈ એવું કહે ત્યારે માનવું કે એ માણસ વધારે ઘવાયો છે અને એને ઘા બતાવવા કરતાં સંતાડવામાં વધારે રસ છે.
(સૌજન્ય, ફેસબુક)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2021; પૃ. 06