કાલગ્રસ્ત કૃષિનીતિ
તાજેતરમાં સરકારે ડાંગરની ખરીદીના ટેકાના ભાવમાં (એમ.એસ.પી.) વધારો કર્યો એ વધારો આમ દેખીતી રીતે વાજબી પાંચ ટકા જેટલો અલ્પ છે. ટેકાના ભાવને જે તે પાકના ઉત્પાદન ખર્ચ સાથે સાંકળવાનો હોય છે. ડિઝલના ભાવમાં મોટો વધારો થયો હોવાથી ખેતીના ખર્ચમાં સર્વગ્રાહી રીતે વધારો થયો છે, પણ આ પ્રશ્નને તપાસવાનો સંદર્ભ જુદો છે.
વર્તમાન કૃષિ નીતિ હરિયાળી ક્રાંતિ માટે રચવામાં આવી હતી. એમાં એક સંપૂર્ણ કહી શકાય એવું પોલિસી પેકેજ તૈયાર કરવામાં આવ્યું હતું. ખેડૂતો ઘઉં અને ડાંગરના સુધારેલાં બિયારણનો ઉપયોગ કરવા પ્રેરાય તે માટે આવશ્યક બધાં પગલાં આ પોલિસી પેકેજમાં હતાં. ખેડૂતોને આધાર આપવા માટે ભાવોની ખાતરી ટેકાના ભાવો જાહેર કરીને આપવામાં આવી હતી. એ માટે ઘઉં અને ડાંગરની ખેતીના ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે છે. બીજું, ટેકાના ભાવોની ખાતરી આપવા માટે સરકારે એ ભાવોએ ખરીદી કરવાની ગોઠવણ કરી ખેડૂતો રાસાયણિક ખાતરની વપરાશ કરવા પ્રેરાય તે વાસ્તે રાસાયણિક ખાતરો પર સબસિડી આપવામાં આવી. આ નીતિને અપૂર્વ સફળતા મળી છે. એટલું જ નહીં સરકારની ટેકાના ભાવે ખરીદીને કારણે સરકારી ગોદામો ઘઉં અને ચોખાથી છલકાય છે. આજે સરકાર પાસે દસ કરોડ ટન ઘઉં અને ચોખાનો જથ્થો છે. ૧૯૫૧-૫૨માં અનાજનું કુલ-ઉત્પાદન દેશમાં પાંચ કરોડ ટન હતું. ગયા વર્ષે ઘઉં અને ડાંગરની ૯.૬ કરોડ ટન ખરીદી સરકારે કરી હતી. હવે પ્રશ્ન ઘઉં અને ચોખાની વધુ પડતી પ્રાપ્તિનો છે.
હરિયાળી ક્રાંતિ માટેના આ પોલીસી પેકેજને અસામાન્ય સફળતા મળી તે માટે બે આધારો ટાંકવા પડશે. દેશમાં બીજા વિશ્વયુદ્ધથી શરૂ કરીને અનાજની તીવ્ર તંગી પ્રવર્તતી હતી. ૧૯૬૫-૬૬માં તો એવી સ્થિતિ સર્જાઈ હતી જેમાં અમેરિકાથી ઘઉં ભરેલી સ્ટીમરો આવે ત્યારે આપણે સસ્તા અનાજની દુકાનોમાંથી ઘઉં લોકોને આપી શકીએ. બીજુ, એક અમેરિકી નિષ્ણાતે ભૂખમરાથી કયા દેશોને બચાવી શકાશે અને કયા દેશોને નહીં બચાવી શકાય તે અંગેનો અભ્યાસ પ્રગટ કર્યો હતો. એમાં ભારતનો સમાવેશ નહીં બચાવી શકાય એ દેશોમાં કરવામાં આવ્યો હતો. હરિયાળી ક્રાંતિના પેકેજને અસામાન્ય સફળતા મળી હતી એમ લખ્યુ છે. પણ હવે એ પેકેજના કોઈ પાસાની જરૂરિયાત રહી નથી.
આ પેકેજ કાળગ્રસ્ત થયા પછી પણ ચાલુ રાખવામાં આવ્યું છે એનાં કેટલાંક માઠાં પરિણામો આવ્યાં છે. પંજાબ અને હરિયાણામાં હરિયાળી ક્રાંતિને અસામાન્ય સફળતા સાંપડી હતી. એ બે રાજ્યોમાં પોલિસી પેકેજ બરાબર કામ કરે છે. તેથી એનાં માઠાં પરિણામો એ બે રાજ્યોમાં વિશેષ કરીને પંજાબમાં જોવા મળ્યાં છે. ઘઉં અને ડાંગરની ખેતીમાં સરકારની ખરીદી નક્કી હોવાથી ખેડૂતો બીજા પાકો જતા કરીને ઘઉં અને ડાંગરની ખેતી કરે છે. સતત ઘઉં અને ડાંગર જેવા વિશેષ પાણી માંગતા પાકોનું ઉત્પાદન લેવાથી પંજાબમાં ભૂતળનાં પાણી નીચાં ઊતરી ગયાં છે અને જમીન તેની ફળદ્રુપતા ગુમાવી રહી છે. બીજી બાજુ આપણને કઠોળની અછત પીડે છે અને કઠોળની આયાત કરવી પડે છે, આ ખેડૂતો જો કઠોળ તરફ વળે તો એક બાજુ ઘઉં અને ડાંગરનો પુરવઠો ઘટે અને સરકારનાં ગોદામોમાં તેમનો જથ્થો ઘટે અને બીજી બાજુ કઠોળનો પુરવઠો વધે. આ વર્ષે સરકારે અડદ અને તુવેરના ટેકાના ભાવમાં રૂપિયા ૩૦૦નો વધારો કર્યો છે, પણ સરકાર કઠોળની ખરીદી મોટા પ્રમાણમાં કરી શકે તેમ નથી. ઘઉં અને ચોખાની ખરીદી એ કરે છે; કારણ કે સસ્તા અનાજની દુકાનો ગરીબ લોકોને ઘઉં અને ચોખા પૂરા પાડે છે. એ જો કઠોળની ખરીદી કરે તો તેને એ જથ્થાને બજારમાં વેચવો પડે એટલે કે સરકારે વ્યાપારમાં પડવું પડે. તેથી સરકાર આવી સ્થિતિમાં ઘઉં અને ચોખા સિવાયની બીજી કૃષિથી મોટા પ્રમાણમાં ખરીદી કરી શકે તેમ નથી.
આમાંથી એવું જ્ઞાત થાય છે કે હરિયાળી ક્રાંતિના આ પોલિસી પેકેજને સંપૂર્ણપણે બાજુ પર મૂકવાનું છે એટલે કે ટેકાના ભાવોની પ્રથા બંધ કરવાની છે. સરકારે ટેકાના ભાવે ખરીદી બંધ કરવાની છે. અને રાસાયણિક ખાતરો ઉપરની સબસિડી પણ બંધ કરવાની છે. આનો અર્થ એવો નથી કે ખેડૂતોને સહાય કરવાની નીતિ સરકારે છોડી દેવાની છે. એ માટે બીજાં પગલાં ભરવાનાં છે જ એટલે કે બીજું પોલીસી પેકેજ તૈયાર કરવાનું છે, પણ કોઈ સરકાર આ પગલું ભરીને હરિયાળી ક્રાંતિના પોલિસી પેકેજની સાથે ઊભા થયેલાં સ્થાપિત હિતોને અવગણી શકે તેમ નથી. બીજા શબ્દોમાં, તેમનો વિરોધ સહન કરવા માટે કોઈ સરકાર તૈયાર થાય તેમ નથી. મોદી સરકારને ખેતીના સુધારા માટે ખેડૂતોનો વિરોધ સહન કરવો પડ્યો છે. તે ટેકાના ભાવને નાબૂદ કરી શકે તેમ નથી; કારણ કે ખેડૂતો એ મુદ્દાને લઈને સરકાર સામે લડત ચલાવી રહ્યા છે. આ અનુભવનો સાર એ છે કે સરકારે પોતાની નીતિ દ્વારા સ્થાપિત હિતો ઊભાં કરતાં પહેલાં બહુ વિચારવું જોઈએ. જો કે રાજકારણીઓ પાંચ વર્ષથી લાંબા ભવિષ્યનો વિચાર કરતાં નથી.
••••••
− 2 −
જગતની સર્વોત્તમ યુનિવર્સિટીઓ
લંડનસ્થિત કવાકરેલી સાયમડ્રસ (ક્યુ.એસ.) દ્વારા જગતની સર્વોત્તમ યુનિવર્સિટીઓની યાદી છેલ્લાં ૧૮ વર્ષથી પ્રગટ કરવામાં આવે છે. એ પ્રમાણે તાજેતરમાં જગતની ૧,૩૦૦ સર્વોત્તમ યુનિવર્સિટીઓની યાદી પ્રગટ કરવામાં આવી છે. આમાં યુનિવર્સિટીઓનો અર્થ સમજી લેવાની જરૂર છે. એમાં અનુસ્નાતક કક્ષાનાં શિક્ષણ અને સંશોધન કરતી સંસ્થાઓનો સમાવેશ થાય છે. એમાં બિઝનેસ સ્કૂલનો સમાવેશ થતો નથી. તેથી આપણી આઈ.આઈ.એમ. સંસ્થાઓનો સમાવેશ ના થાય તે સ્વાભાવિક છે.
જગતની ૧,૩૦૦ ટોચની યુનિવર્સિટીઓમાં ભારતની ૩૫ યુનિવર્સિટીને સ્થાન મળ્યું છે. તેમાં ભારતની ટોચની સંસ્થાઓમાં આઈ.આઈ.ટી. સંસ્થાઓનો સમાવેશ થાય છેઃ આઈ.આઈ.ટી. મુંબઈ ૧૭૭મા ક્રમે, આઈ.આઈ.ટી. દિલ્હી ૧૮૫મા ક્રમે, ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ બેંગાલુરુ, ૧૮૬મા ક્રમે, આઈ.આઈ.ટી. મદ્રાસ(૨૫૫)મા ક્રમે, આઈ.આઈ.ટી. કાનપુર ૨૭૭મા ક્રમે, આઈ.આઈ.ટી. ખડગપુર ૨૮૦મા ક્રમે આઈ.આઈ.ટી. ગુવાહાટી ૩૯૫મા ક્રમે અને આઈ.આઈ.ટી. રુરકી ૪૦૦મા ક્રમે.
આ યાદી ભારતમાં યુનિવર્સિટીઓ વિશે નિરાશા જન્માવે છે. પણ આ યાદી કઈ પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે એ સમજવું જરૂરી છે. એમાં ટોચની ૧૦ યુનિવર્સિટીઓમાં ઈંગ્લેન્ડની ચાર, અમેરિકાની પાંચ અને સ્વિત્ઝરલેન્ડની એક યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે. મુદ્દો એ છે કે આ યાદીમાં અમેરિકા અને યુરોપના અન્ય દેશોનું પ્રભુત્વ જોવા મળે છે. આમ આમાં યુનિવર્સિટીઓને જે ક્રમ આપવામાં આવે છે. તેમાં વધારે પ્રમાણમાં વિકસિત દેશોની યુનિવર્સિટીઓની પસંદગી થાય છે. આનું કારણ જે માપદંડ કે કસોટીઓ પસંદ કરવામાં આવે છે તેમાં વિકસિત દેશોની યુનિવર્સિટીઓની તરફેણ થાય છે.
આપણે કેટલાક માપદંડ તપાસીએ. એક મુદ્દો – યુનિવર્સિટીની બહારના જગતમાં જે પ્રતિષ્ઠા છે તેને સ્પર્શે છે. શિક્ષણના નિષ્ણાતો અને નોકરીઓ આપનારાઓને યુનિવર્સિટીની છાપ વિશે પૂછવામાં આવે છે. આમાં સહજ રીતે જૂની અને જાણીતી સંસ્થાઓને લાભ થાય છે.
બીજો માપદંડ વિદેશી વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનું પ્રમાણ છે. વિદેશમાં વિદ્યાર્થીઓ માત્ર ઉત્તમ શિક્ષણ મેળવવા જતા નથી પણ ત્યાં નોકરીની સારી તકો મળે તો તે ઝડપી લેવા પણ જાય છે. આમાં વિકાસશીલ દેશોનો ગેરલાભ સ્પષ્ટ છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ વિકસિત દેશોમાં જતા હોય છે. તેથી વિકસિત દેશોમાં વિદેશી વિદ્યાર્થીઓનું પ્રમાણ વધારે હોય છે. ભારત જેવા બેકારીથી પીડાતા વિકાસશીલ દેશોમાં ઝાઝા વિદેશી વિદ્યાર્થીઓ ના આવે તે સમજાય એવી બાબત છે. અમેરિકા જેવા સાધનસંપન્ન દેશમાં યુનિવર્સિટીઓ માતબર હોય છે. તેથી તેઓ વિદેશી અધ્યાપકોનો સમાવેશ કરી શકે છે. ભારત જેવા વિકાસશીલ દેશમાં વિદેશી અધ્યાપકો આકર્ષાય નહીં તે સહજ છે. વળી ભારતની યુનિવર્સિટીઓ ટાંચાં સાધનોથી પીડાય છે. તેથી અધ્યાપકોની નિમણૂકમાં ઘણી કરકસર કરવી પડતી હોય છે.
એક ત્રીજો માપદંડ અધ્યાપકો દ્વારા પ્રગટ થયેલાં સંશોધનો કેટલા પ્રમાણમાં ટાંકવામાં આવે છે તે છે. એ જાણીતી વાત છે કે દુનિયાના બહુમતી દેશોમાં જેને સંશોધન યુનિવર્સિટી કહી શકાય એવી યુનિવર્સિટીઓ અલ્પ છે. ભારતની વાત કરીએ તો ભારતની પરંપરા બહુશ્રુતતા અને જ્ઞાન ગાંઠે બાંધવાની, એટલે કે કંઠસ્થ કરવાની છે. આપણે ત્યાં સંશોધનની પરંપરા નથી. ગાંધીજીએ આયુર્વેદની બાબતમાં આ પ્રશ્ન પૂછ્યો હતોઃ આયુર્વેદમાં સંશોધનો થયાં છે કે નહીં ત્યારે તેમને જવાબ નકારમાં મળ્યો હતો. પ્રાચીન શાસ્ત્રોને આપણે પૂર્ણ માનીએ છીએ. તેથી તેને આપણે માત્ર સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. બીજી બાજુ ઇંગ્લેન્ડ, અમેરિકા વગેરે દેશોમાં સંશોધનની પરંપરા છે. તેથી આ માપદંડ પ્રમાણે આ દેશોની યુનિવર્સિટીઓને ઉચ્ચ ક્રમ મળે છે.
જગતની સર્વોત્તમ યુનિવર્સિટીઓમાં આપણી અલ્પ સંસ્થાઓ સ્થાન પામે છે. એનો અર્થ એવો નથી કે ભારતની શિક્ષણપ્રથા કેવળ વખોડવા જેવી છે. ભારતમાં આપણો એ અનુભવ છે કે વિકાસ પામેલાં જુદાં જુદાં ક્ષેત્રોમાં જરૂરી માનવસંસાધનો મળતાં રહ્યાં છે. એ માટે આપણે વિદેશો ઉપર આધાર રાખવો પડતો નથી. આમ વિકસતા ભારતની જરૂરિયાતો આપણી શિક્ષણપ્રથાએ સંતોષી છે. કેટલાક વિદ્યાર્થીઓ વિદેશમાં જઈને તાલીમ પામીને પાછા દેશમાં આવે છે. પણ એમની સંખ્યા બહુ ઓછી હોય છે. આમ આપણી વિવિધ કુશળતા ધરાવતા કાર્મિકોની જરૂરિયાત મહદ્ અંશે આપણી શિક્ષણ પ્રથાએ સંતોષી છે.
આ રીતે યુનિવર્સિટીઓને જે ક્રમ આપવામાં આવે છે તેનો ઉદ્દેશ મુખ્યત્વે અનુસ્નાતક શિક્ષણ માટેની ઉત્તમ સંસ્થાઓ નક્કી કરી આપવાનો છે. એમાં સ્નાતક કક્ષાના શિક્ષણની કોઈ વાત નથી.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2021; પૃ. 07-08