Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9345162
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યજ્ઞેશ દવે : એક મુલાકાત

આરાધના ભટ્ટ|Opinion - Interview|21 January 2022

યજ્ઞેશ દવે સાથે વાર્તાલાપ કરવો એટલે એક વિશાળ વટવૃક્ષની પરિઘ માપવાનો પ્રયત્ન કરવો. વિજ્ઞાન ક્ષેત્રના પીએચ.ડીના સંશોધનથી લઈને કલાઓની ઊંડી સૂઝ અને સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં ખેડાણ – આવા વિશાળ પટ પર વિસ્તરેલા એમના વૈવિધ્યપૂર્ણ કર્તૃત્વમાં એક મહત્ત્વનો પડાવ તે આકાશવાણીમાં  એમનો દીર્ઘ કાર્યકાળ. કારકિર્દી અને રસના વિષયોની આ વિવિધતાએ જીવનને અખિલાઈથી જોવાની એમને દૃષ્ટિ આપી છે, જે આ સંવાદમાં સહજપણે ઝીલાય છે. આકાશવાણીમાં એમનાં તેર જેટલાં દસ્તાવેજી નિર્માણોને રાષ્ટ્રીય સ્તરે 2001 અને 2002માં એવોર્ડ એનાયત કરાયા હતા. આકાશવાણીના કેન્દ્ર નિયામક તરીકેના એમના કાર્યકાળ દરમ્યાન એમને અનેક મહાનુભાવોના સંપર્કમાં આવવાની અને એમની રેડિયોના સંગ્રહ અર્થે મુલાકાતોનું આયોજન અને નિર્માણ કરવાની તક મળી.

એમણે કરેલી અથવા એમના કાર્યકાળ દરમ્યાન રેકોર્ડ કરાયેલી મુલાકાતોમાં પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, પુરુષોત્તમ માવળંકર, ભોળાભાઈ પટેલ, સુનીલ કોઠારી, મહાશ્વેતાદેવી, પ્રા. જયંત નાર્લિકર, ગણેશ દેવી, સનત મહેતા, હરિવલ્લભ ભાયાણી, ગુલામ કાદિર ખાન, રાજમોહન ગાંધી, નરોત્તમ પલાણ, પ્રો. ભીખુ પારેખ, મહેન્દ્ર મેઘાણી, તખ્તસિંહ પરમાર જેવાં અનેક વ્યક્તિત્વોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એમનાં નિબંધો, બાળસાહિત્ય અને કાવ્યો માટે એમને ગુજરાત સાહિત્ય અકાદમીના અને સાહિત્ય પરિષદના અનેક સન્માનો પ્રાપ્ત થયાં છે. એમના કાવ્યસંગ્રહો, નિબંધ અને પ્રવાસ લેખોના સંગ્રહ, અનુવાદો, બાળસાહિત્ય, અને દીર્ઘ મુલાકાતોનાં અનેક પુસ્તકો પ્રગટ થયાં છે. દેશમાં યોજાતા અનેક રાષ્ટ્રીય સાહિત્યિક પરિસંવાદોમાં એમણે વક્તવ્યો રજૂ કર્યાં છે. એમનાં કાવ્યોના અંગ્રેજી, હિન્દી, ઉર્દૂ, બંગાળી જેવી ભાષાઓમાં અનુવાદો થયા છે. આ ઉપરાંત તેઓ અખબારોમાં નિયમિત કટાર લખે છે.

‘નવનીત સમર્પણ’ના વાચકો એમના વિવિધ વિષયોને આવરી લેતા લેખો દ્વારા એમનાથી પરિચિત છે. એમની સાથેનો આ વાર્તાલાપ એમના બહુઆયામી વ્યક્તિત્વ અને લેખનયાત્રાનો પરિચય કરાવશે.

•••••••

પ્રશ્ન : યજ્ઞેશભાઈ, આજે એક અપૂર્વ અવસર છે, અપૂર્વ અવસર એ રીતે છે કે એક મુલાકાતકર્તા બીજા મુલાકાતકર્તાની મુલાકાત લઇ રહ્યા છે. વળી તમે કહો છો એમ તમે મુલાકાતો લેવા ટેવાયેલા છો અને મુલાકાત આપવાનો આ તમારો પહેલો અવસર છે. તો આપણે વાત માંડીએ મુલાકાતની. તમે સાહિત્યના ઘણા પ્રકારોમાં કામ કર્યું છે. તમારા ભાષાકર્મની કલ્પના જો મેઘધનુષ તરીકે કરીએ તો એમાં મુલાકાતનો રંગ કયો હોય?

ઉત્તર : મુલાકાતનો રંગ હું કહીશ કે આસમાની, આકાશનો. ખુલ્લાપણાનો, એક વિશાળતાનો હોય.

પ્રશ્ન : સફળ મુલાકાત કોને કહીશું?

ઉત્તર : મારી દૃષ્ટિએ મુલાકાત સાહજિક હોવી જોઈએ, જેમાં મુલાકાત લેનાર અને આપનાર બંને સાહજિક રીતે વાતચીત કરે અને એમાંથી નવાનવા વિષયો નીકળે, એમ એક સરસ સંવાદ ચાલતો જાય. ડોશીમાના ડાબલાથી આપણે રમતાં હોઈએ, એમ એકમાંથી બીજી વાતો નીકળતી જાય. એમાંથી માહિતી મળવી જોઈએ, એ નિરાંતજીવે લેવાયેલી હોવી જોઈએ. એમાં એક ઉષ્મા પણ દેખાવી જોઈએ. મુલાકાત લેતી વખતે મુલાકાતકર્તાએ સારા અર્થમાં એક જાતનું ચાતુર્ય બતાવવું પડે. મુલાકાત લેનારમાં ઘણું કૌશલ જરૂરી છે. મુલાકાતમાંથી માત્ર સ્થૂળ માહિતી નહીં, પણ તમે મુલાકાતીના અંતરંગમાં પ્રવેશો, એના ખૂણા-ખાંચરા ફંફોસો તો એ અનાયાસ પણ હૃદય ખોલી દે. એ પણ જરૂરી છે કે જેની મુલાકત લો છો એ વ્યક્તિ અને એ વિષયની તમે માહિતી એકત્ર કરી હોય અને વિચાર્યું હોય. મુલાકાત લેનારમાં એ સજ્જતા હોવી જોઈએ. સારી મુલાકાતોનું કાયમી મૂલ્ય હોય છે, એ માત્ર છાપામાં કે સામયિકમાં છપાયા પછી દટાઈ ન જાય, એ પછી પણ એ જીવે.

પ્રશ્ન : આકાશવાણીના કાર્યકાળ દરમ્યાન તમે કરેલી મુલાકાતોની વાત કરો.

ઉત્તર : હું અમદાવાદ હતો તે દરમ્યાન આર્કાઇવલ મુલાકાતોનો હું પ્રોડ્યુસર હતો. એ દરમ્યાન અમે ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, નગીનદાસ પારેખ, રાજેન્દ્રભાઈ, ઢાંકી સાહેબ, ફાધર વાલેસ, આર્કિટેક્ટ બી.વી. દોશી, કુમુદિની લાખિયા, ઉર્દૂ ભાષાના બહુ મોટા વિદ્વાન વારિસ અલ્વી, મહંમદ અલ્વી એ બધાની અમે મુલાકાતો લીધી. અમદાવાદથી છેક સુરત જઈને વાસુદેવ સ્માર્તની પણ મુલાકાત લીધેલી. હું પોતે આ દરેક મુલાકાત લેનાર નહોતો, પણ હું એનો પ્રોડ્યુસર હતો અને મને લાગ્યું હતું કે આ બધું સચવાવું જોઈએ એટલે અમે એ રીતે આર્કાઇવ માટે મુલાકાતો લીધેલી. આ દસ્તાવેજીકરણની ટેવ અને સમજ એ અમારા ઘરમાં છેલ્લાં નેવું વર્ષથી છે. મારા દાદાએ ૧૯૨૦ની આસપાસ પોતાનું ઘર માંડ્યું હશે, ત્યારની હિસાબની ડાયરીઓ એમણે રાખી છે અને એમણે મારા પિતાને લખેલા પત્રો એ મારા પિતાએ સાચવી રાખ્યા છે. એ સમયનો એ એક સામાજિક-આર્થિક દસ્તાવેજ છે કે એ સમયમાં એટલા પૈસામાં લોકો કેવી રીતે જીવતા અને એમણે કેવો સંઘર્ષ કરેલો. એ માત્ર આંકડા નથી પણ આંકડા મારફતે એ એક જીવતો જાગતો ઇતિહાસ છે. તો આ દસ્તાવેજીકરણની ટેવ મારી પાસે આ બધું કામ કરાવે છે. ઉમાશંકરભાઈની મુલાકાત એક યા બીજા કારણસર નહોતી થતી, મેં બાળહઠ કરીને એને માટે એમને રાજી કર્યા અને ભગત સાહેબે એમની મુલાકાત લીધી. એક મુલાકાત ન થઇ શકી એનો મને અફસોસ છે અને એ જાણીતા ફોટોગ્રાફર અશ્વિન મહેતા. એમનું કેવું અદ્દભુત વ્યક્તિત્વ હતું! મેં કરેલી દરેક મુલાકાતમાંથી મને કશું ને કશું મળ્યું છે. આપણે ત્યાં સમલૈંગિક સંબંધો વિષે ઘણી ગેરમાન્યતાઓ છે. આ મુદ્દે ગુજરાતમાં ચળવળ કરનાર રાજવી મનવેન્દ્રસિંહ ગોહિલની મેં એક લાંબી મુલાકાત કરેલી, એમાંથી સમાજના એક વર્ગને જોવાની આખી દૃષ્ટિ બદલાઈ ગઈ. એટલે આવું બનતું હોય છે કે આપણે ધાર્યું કંઈ હોય અને એમાંથી કંઇક બીજું જ આપણને મળે.

પ્રશ્ન : તો હવે એ કહો કે આકાશવાણી કેવી રીતે પહોંચાયું? એ કામ થકી તમે આખા ગુજરાતનું પરિભ્રમણ પણ કર્યું.

ઉત્તર : આકાશવાણીમાં મારું આવવાનું આકસ્મિક હતું. પર્યાવરણશાસ્ત્રમાં મેં પીએચ.ડી કર્યું પછી એમાં નોકરીનો મેળ પડતો નહોતો, એટલામાં એક મિત્રએ મને આકાશવાણીનું નોકરી માટેનું ફોર્મ ભરવા આપ્યું, દિલ્હી જઈને મેં એનો ઈન્ટરવ્યુ આપ્યો. એ સમયે મારી થોડીઘણી કવિતાઓ છપાતી હતી. મારી અને નિરવ પટેલ, જેમનું અવસાન થયું એ કવિ, અમારા બંનેની આકાશવાણીની નોકરી માટે પસંદગી થઇ. અને એ એવી સરસ નોકરી હતી. જાણે હું આનંદ કરતો જાઉં અને આનંદ કરવાના સરકાર મને સામેથી પૈસા આપતી જાય! અને કેટલું બધું આપ્યું. મે તમને અગાઉ નામ આપ્યા એ સિવાય પણ અનેક જાણીતા વ્યક્તિત્વોની મુલાકાતો તો થઇ પણ સાવ સામાન્ય માણસોને મળવાનું થયું, કેટલી જગ્યાએ ફરવાનું થયું. છેક લખપતના રણકાંઠાથી લઈને ડાંગમાં મેં બે વર્ષનો અરણ્યવાસ કર્યો. ડાંગના લોકો, ત્યાંના જંગલો-પહાડો, ઝરણાં, તમરાં, પક્ષીઓ, ત્યાની લોકકથાઓ, લોકગીતો, એટલું બધું મળ્યું કે કંઈ અફસોસ ન રહ્યો. ત્યાની ડાંગી રામાયણ છે, જેના કહેનારાઓ બે જ વ્યક્તિઓ હતા, એક થાળી પર થાપ દઈને કથા કહેતો જાય અને બીજો એને હોંકારો ભણતો જાય. એ ડાંગી રામાયણનું આખું રેકોર્ડીંગ હું ત્યાં હતો એ દરમ્યાન મેં કર્યું. એ થયું તે સારું થયું, કારણ કે એ છેલ્લી પેઢી એની વાહક હતી. એ ઉપરાંત ત્યાંની અનેક લોકકથાઓ છે એના રેકોર્ડીંગ હું ત્યાં હતો તેથી કરી શક્યો. અને જંગલની વચ્ચે રહેવાનો જે આનંદ મળ્યો એનો તો કોઈ હિસાબ નથી. ત્યાં મજા કરી.

પ્રશ્ન : આકાશવાણીના કાર્યકાળ દરમ્યાન તમે બીજું મહત્ત્વનું કામ કર્યું દસ્તાવેજીકરણનું. અને એ કામ માટે તમને અનેક રાષ્ટ્રીય પુરસ્કારો પણ સાંપડ્યા.

ઉત્તર : ૧૯૮૪થી ૧૯૯૩ સુધી હું આકાશવાણી અમદાવાદ પર હતો તે દરમ્યાન મારું કામ મુખ્યત્વે આયોજનનું હતું, હું સીધો માઈક ઉપર ભાગ્યે જ જતો. મારામાં એક સંકોચ હતો. ત્યારે મેં ખાસ કોઈ ડોક્યુમેન્ટ્રી નહોતી બનાવી, માત્ર એક ડોક્યુમેન્ટ્રી કાકાસાહેબ કાલેલકરની શતાબ્દી નિમિત્તે બનાવેલી. પણ અમદાવાદમાં જે રોપાયું એ ઊગવાનું રાજકોટમાં શરૂ થયું. મારો સંકોચ મેં રાજકોટ આવીને છોડ્યો અને મેં ઘણા ઈન્ટરવ્યુ લીધા. રાજકોટમાં સૌ પ્રથમ તો મારી લાંબી કવિતા ‘અશ્વત્થામા’ની એકોક્તિ તૈયાર કરી અને અમારા બહુ સારા બ્રોડકાસ્ટર ભરત યાજ્ઞિકના અવાજમાં એક અભિનવ કાર્યક્રમ રેકોર્ડ કર્યો. એને રાષ્ટ્રીય સ્તરે પ્રથમ પારિતોષિક મળ્યું. ડોક્યુમેન્ટ્રી  કરવામાં મને લાભ એ થયો કે મને લેખનનો રિયાજ હતો એટલે સ્ક્રીપ્ટ પણ હું લખું અને એનું નિર્માણ પણ હું જ કરું અને ટીમમાં બીજા સભ્યો હોય એ સંગીત, એડિટિંગ વગેરેનું કામ કરે. મેં કઠપૂતળી પર, બહુરૂપી ઉપર, નટબજાણિયા પર, મદારી પર જુદીજુદી ડોક્યુમેન્ટ્રી બનાવી. આ દૃશ્યકલાઓને મેં શ્રાવ્ય માધ્યમમાં મૂકી, જેમાં સંવાદો અને સંગીત દ્વારા એક આખું ચિત્ર ઊભું થાય અને એને પણ એવોર્ડ મળ્યો. આ બધી કલાઓ હવે લગભગ વિલુપ્ત થવા આવી છે. ઉપરાંત ગિરના જંગલ ઉપર ડોક્યુમેન્ટ્રી બનાવી, મારા પોતાના વિષય વિજ્ઞાનને લઈને દસ્તાવેજી કાર્યક્રમો કરવાની પણ મને મજા પડે, એટલે મેં બહેરાં-મૂંગાં બાળકો ભાષા કેવી રીતે શીખે એના પર કામ કર્યું, અને એને પણ રાષ્ટ્રીય સ્તરે પ્રથમ ઇનામ મળ્યું. એ ઉપરાંત થેલેસીમિયા નામની લોહીની તકલીફ વિશે ડોક્યુમેન્ટ્રી કરી. અમે કરેલા બીજા એક શકવર્તી ફીચરનું નામ હતું ‘રન્નાદે’, જેમાં સ્પર્મ બેંકની વાત હતી. એવી રીતે માના ધાવણ ઉપર અને  હિમોફિલિયા ઉપર ફીચર કર્યા. આવા અનેક વિષયોને લઈને કામ થયું. એક ફીચર ‘સિંહમિત્રા’ કર્યું, જે ગિરના નેસડાઓમાં જે બહેનો રોજેરોજ સિંહનો સામનો કરે છે એના વિષે હતું. આ બધામાંથી વાત ન પૂછો એટલું હું શીખ્યો. ગાંધી સવા શતાબ્દી વખતે મનુભાઈ પંચોળી દર્શક પાસે એક વ્યાખ્યાનમાળા કરાવી. એક વાર્તાલાપ શ્રેણી એમણે ભારતીય સમાજમાં સુધારા વિષે કરી જેમાં એમણે શરૂ કર્યું ગૌતમ બુદ્ધથી અને પછી રાજા રામ મોહન રાય, પછી ગાંધીજી અને ત્યાંથી પણ આગળ એમણે વાત કરી. એની ચર્ચા મારા ડાયરેક્ટર સાથે કરવા એ છેક સણોસરાથી રાજકોટ આવેલા. હિતેન્દ્ર દેસાઈ જો પંદર મિનિટ મોડા પડવાના હોય તો એમના પી.એ ના ચાર વખત ફોન આવતા. બાબુભાઈ જશભાઈ, ઉમાશંકર એ બધાની નિષ્ઠા જોઈ. એ જમાનો કેવો હતો! આવા આવા માણસોએ મને બહુ બગાડ્યો છે. હવે જરાક આમથી આમ થાય તો મને દુઃખ થાય અને લાગે કે આ તો ‘કબીરા બિગાડ ગયો’! દરેકની વાતમાંથી મને કેટલું બધું મળ્યું.

પ્રશ્ન : વિજ્ઞાનની શાખાનો અભ્યાસ કર્યો હોવા છતાં તમે ભાષાકર્મ સાથે સંકળાયા અને આટલાં સર્જનો કર્યાં, આમાં તમારા ઉછેર અને વાતાવરણનો મોટો ફાળો હશે. એટલે તમારા પરિવાર અને બાળપણ વિષે જાણવાની ઈચ્છા થાય.

ઉત્તર : એંશી વર્ષ પહેલાં, ગાંધીજીની અંગ્રેજ હટાવ ચળવળ વખતે મારા પિતાજી અને મારા કાકા એક હરિજનના ઘરે દૂધ પી આવ્યા. ત્યારે એ સાત-આઠ વર્ષના માંડ હશે. અમારી બ્રાહ્મણની જ્ઞાતિના લોકોએ મારા દાદાને કહ્યું કે તમારા છોકરાઓ પાસે માફી મંગાવો. તો મારા દાદાએ કહ્યું કે એણે કંઈક તોફાન કર્યું હોય તો હું મારતો મારતો ઘેર લઇ જાઉં, પણ એણે કશું જ એવું કર્યું નથી અને એણે જે કર્યું છે એ તમારાં બાળકો અમુક સમય પછી કરવાના છે, એટલે હું માફી નહીં માંગું. એમણે કહ્યું કે તો તમારા બાળકો માફી માંગે, તો દાદાએ કહ્યું કે બાળકો પણ માફી નહીં માંગે. તેથી જ્ઞાતિ બહાર મૂકવાની ધમકી આપવામાં આવી, અને ત્રણ દીકરીઓ પરણાવવાની બાકી હતી છતાં મારા દાદાએ જ્ઞાતિ બહાર મૂકાવાનું સ્વીકારેલું. એટલે એ પ્રકારનું ખમીર અને સંસ્કાર. અમે બ્રાહ્મણ ખરા પણ અમારા ઘરમાં નિયમિત પૂજા-પાઠ થતા હોય, શ્લોકો બોલતા હોય, એવું નહીં. દાદા એ સમયમાં પણ શ્રી અરવિંદના પરિચયમાં આવેલા અને ૧૯૪૦માં એ પોંડિચેરી જઈને દર્શન કરી આવેલા અને એનો ખર્ચ એમની આખા વર્ષની આવક જેટલો હતો. એ સમયમાં ઘરમાં ઘણાં આધ્યાત્મિક પુસ્તકો હતાં અને મારા બાપુજીને પણ વાંચનનો બહુ જ રસ. મારા પિતાજીએ દસ-પંદર વિભાગોમાં એ પુસ્તકો વહેંચીને એમને નંબરો આપેલા. મારા દાદા ગુજરી ગયા ત્યારે એમના છેલ્લા શબ્દો એ હતા કે મારાં પુસ્તકોને પૂઠાં ચડાવજો, એવું મારા દાદીમાં કહેતાં. મારી મા અભણ, માંડ પાંચ ચોપડી ભણેલી, પણ મારા બાપુજીએ એને પણ વાંચતી કરી. મેક્સીમ ગોર્કી અને ચાર્લ્સ ડિકન્સ કે લિયો ટોલ્સટોયથી મારી મા પણ પરિચિત હતી અને ટાગોરનાં પાત્રો પણ એને પોતાના લાગતાં. એટલે અમારા ચારે ભાઇઓમાં આ બધું અનાયાસ આવી ગયું.

પ્રશ્ન : તમે સાહિત્યના જીવ પણ છો, છતાં તમારી વાતચીત ભારેખમ નથી, એમાં સુષ્ઠુ શબ્દો કે સૂત્રાત્મકતા નથી. આ સાહજિકતા અને ભાષાની જીવંતતા શાને આભારી છે એમ તમને લાગે છે?

ઉત્તર : મને લાગે છે કે એ આપણી પોતાની પ્રકૃતિ હોય છે. જો આપણી પ્રકૃતિ કૃત્રિમ, અતડી, દર્પયુક્ત હોય તો એ વાતચીતમાં કોઈકને કોઈક રીતે ડોકાવાનું જ છે. અને હું અધ્યાપક રહ્યો નથી કે મને કોઈ એક વિષય પર ભારેખમ થઈને બોલવાનું આવડતું હોય. એટલે મારા મનમાં જેવી રીતે આવે એમ હું બોલું છું. અને કાઠિયાવાડી લહેકો છે એનો પણ મને વાંધો નથી. અમદાવાદમાં મારા સહકર્મીઓને મજા આવતી કે મારી વાતચીતમાં ધાણીફૂટ કાઠિયાવાડી કહેવતો હોય છે. પણ હું રેડિયો પર આવતો તો ચોક્કસ પ્રશિષ્ટ ભાષા વાપરતો. આપણી જે બોલીઓ છે એની એક મજા પણ છે, એમાં તળનું બળ છે.

પ્રશ્ન : તમારી લેખનયાત્રા દરમ્યાન ક્યારે ય તમને ભાષા-સાહિત્યનો વિધિવત્ અભ્યાસ નથી કર્યો એનો અફસોસ થયો છે?

ઉત્તર : આમ જુવો તો અફસોસ બહુ જ ઓછો છે. સાહિત્ય એ સમાજ માટેનું છે. જ્યારે વિજ્ઞાનના વિષયો એવા છે કે એનો અભ્યાસ કરવો પડે. જે સાહિત્યના એમ.એ. અથવા બી.એ.ના વિદ્યાર્થીઓ વાંચે તે હું પણ વાંચી શકું છું, પણ વિજ્ઞાનના વિષયોનો અભ્યાસ કર્યો એનો ફાયદો એ છે કે એક બૌદ્ધિક-તાર્કિક વિચારસરણી પણ વિકસે, તમે વધારે આયોજનબદ્ધ બનો, તમે વધુ સંયોજન અને વિશ્લેષણ પણ કરી શકો. અને આકાશવાણીના મારા કાર્યકાળમાં જે પણ મુસદ્દા બનાવવાના થતા એમાં મને વિજ્ઞાનના અભ્યાસમાંથી મળેલી સૂઝ કામ આવી. એટલે મને લાગે છે કે મને તો બે ય વિશ્વ મળ્યાં છે.

પ્રશ્ન : તમારા વિજ્ઞાનના અભ્યાસની વાત કરીએ છીએ તો સાથે તમારા પીએચ.ડીના સંશોધન વિષે પણ વાત કરીએ. તમારા મહાનિબંધનો વિષય ઘાસને લાગતો છે. આપણે ‘ઘાસફૂસ’ શબ્દપ્રયોગ સાવ બિનજરૂરી ચીજના અર્થમાં કરીએ છીએ. તમને એ વિષયમાં રસ કેવી રાતે પડ્યો?

ઉત્તર : ઇકોલોજી અનેક પ્રકારની છે, અને મારા જે પ્રોફેસર હતા એમનો એ વિષય હતો. મારો વિષય ઘાસ કરતાં પણ વધુ જે ગ્રાસલેન્ડ છે, એનો છે. જેમ વધારે પશુઓ એના પર ચરે એમ એ જમીનની ઉત્પાદનક્ષમતા ઓછી થતી જાય, એમાં ઘાસ ઊગતાં ઓછાં થઇ જાય અને એમાં સાવ નબળાં પ્રકારનાં ઘાસ ઊગે. એના પર મારું પીએચ.ડી હતું. અને ઘાસને તો કોઇ પણ હિસાબે અવગણી શકાય જ નહીં, કારણ કે ઘાસ છે તો આપણે છીએ. આ ઘાસની અનેક જાતો વિકસાવીને આપણે ચોખા ઉગાડીએ છીએ, ઘઉં ઉગાડીએ છીએ. જે અનાજ આપણે ખાઈએ છીએ એ બધી ઘાસની જાત છે. વાંસ પણ એક જાતનું ઘાસ છે.

પ્રશ્ન : તમારાં સાહિત્ય સર્જનો વિષે વાત કરીએ તે પહેલાં અન્ય કલાઓ પ્રત્યેના તમારા લગાવની વાત કરી લઈએ. તમને સંગીતનો ભારે શોખ છે એટલું જ નહીં તમે લખ્યું છે કે એ કળા ન શીખી શક્યાનો તમને ભારે અફસોસ છે અને કોઈ સારું ગાનારની તમને ઈર્ષા આવે છે!

ઉત્તર : સંગીતમાં રસ તો મને ધીમેધીમે જાગ્યો, હું સમજણો થયો પછી. અને હું આજે પણ એવું કહું છું કે ભલે હું લેખક છું અને આપણે સાહિત્યકાર કહેવાતા હોઈએ પણ મારો પ્રથમ અને અંતિમ પ્રેમ એ સંગીત છે. અને અફસોસ એવો કે ભગવાને મને એવું ગળું ન આપ્યું, કે એવા હાથ ન આપ્યા કે એવા હોઠ ન આપ્યા જેનાથી હું વાંસળી વગાડી શકું કે અન્ય કોઈ વાદ્ય વગાડું કે ગાઈ શકું. હું રેડિયોમાં ન હતો ત્યારે પણ રાજકોટમાં આકાશવાણીના કાર્યક્રમો થતા અને મારી પાસે પાસ ન હોય તો પણ હું પ્રોગ્રામ શરૂ થઇ જાય પછી અડધો કલાક પછી પહોંચી જતો, કારણ કે મોડા જાવ તો આપણને કોઈ ન રોકે. એ રીતે મેં કેટકેટલા મોટા સંગીતકારોને સાંભળ્યા. એ રસ પછી મને પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીત તરફ લઇ ગયો, જાઝ સંગીત પણ હું સાંભળું. લોકસંગીતમાં પણ મને મજા આવે. લોકસંગીતમાં ઓછા સૂરો છે પણ એનો જે લય છે એમાં એક અસલીપણાનો અનુભવ થાય છે. જૂનાં ફિલ્મી ગીતોનો તો મને ગાંડો શોખ છે. મને એમ થાય કે શબ્દ સાથે તો ભાવ અથવા અર્થ જોડાયેલો છે, પણ સૂર સાથે તો એવું કંઇ જોડાયેલું નથી. વળી એક સૂર બીજા સૂરમાં વિલીન થઇ જાય અને સૂરની વચ્ચે અવકાશ છે. એટલે એમાંથી જે અવિર્ભૂત થાય છે એ અદ્દભુત છે. અને ઢાંકી સાહેબને ટાંકીને હું એમ પણ કહેવા માંગુ છું કે સંગીત એ વૈશ્વિક ભાષા છે એવું આપણે ન કહી શકીએ. દરેક એને સાંભળી શકે અને એને થોડીઘણી મજા પણ આવે, પણ બધું સંગીત બધાને માફક નથી આવતું, કારણ કે સંગીતને સંસ્કૃતિ સાથે, પ્રજા સાથે, એ પ્રજાની શ્રદ્ધા સાથે, ભાષા સાથે, ઇતિહાસ સાથે સંબંધ છે, એ બધામાં એનાં મૂળ છે. સંગીત સાંભળવું ગમે એ એક ઈશ્વરી શક્તિ છે. રાજકોટમાં એક જ દિવસે જો કવિ સંમેલન અને શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ બંને હોય તો હું કવિ સંમેલનમાં ન જાઉં અને સંગીતના કાર્યક્રમમાં જાઉં. છતાં વિચિત્રતા એ છે કે મારી કવિતામાં સંગીત લેશમાત્ર નથી આવ્યું. ચિત્રકલાનો પણ મને શોખ છે. એવા કેટલાક મિત્રો મળ્યા. ભારતીય ચિત્રકલા અને પછી એમાંથી પાશ્ચાત્ય ચિત્રકારો અને એના જુદાજુદા પ્રવાહોમાં રસ પડવા માંડ્યો અને એક આખું નવું વિશ્વ ખૂલી ગયું. જેમ ચેતનાનો વિસ્તાર કરવો જોઈએ એમ આપણા રસનો પણ વિસ્તાર કરવો જોઈએ. મેં થોડાં ચિત્રો કરવાનો પ્રયત્ન કરેલો પણ પછી ખ્યાલ આવી ગયો કે આમાં મારે આગળ વધવું હોય તો બહુ મહેનત કરવી પડે. એટલે ચિત્રકલાનો રસ એના વિષે વાંચવા-વિચારવા પૂરતો જ મર્યાદિત રહ્યો છે.

પ્રશ્ન : તમે પાશ્ચાત્ય સંગીતની વાત કરી એની સાથે સંલગ્ન એક વાત કરીએ – તમે ચાયકોવ્સકીના પત્રોના અનુવાદનું કામ હાથ ધર્યું છે. તમારી સંગીતપ્રીતિ તમને એ તરફ લઇ ગઈ?

ઉત્તર : જયંત મેઘાણી, કિરીટ દૂધાત જેવા મિત્રો પાસેથી એ પુસ્તક વિષે સાંભળેલું. ૧૯મી સદીનો રશિયાનો એક ઉત્તમ સંગીતકાર, એ સંગીતશાળામાં નોકરી કરતો હતો અને એને સંપર્કમાં આવવાનું થયું એક અતિ ધનાઢ્ય વિધવા સ્ત્રી સાથે. બાર સંતાનની આ માતા એના પતિના મૃત્યુ પછી બહાર નહોતી નીકળતી. કોઈકે પરિચય કરાવ્યો અને એણે ચાયકોવ્સકીને બોલાવી બીજા રૂમમાં બેસાડી એને સાંભળ્યા અને એ પાગલ થઇ ગઈ. એ સ્ત્રીએ ચાય્કોવસ્કીને સંગીતમાં ખૂબ ઉત્તેજન આપ્યું પણ તેર વર્ષના એમના સંબંધમાં બે જણા ક્યારે ય મળ્યાં નહીં. એમના પત્રો દ્વારા આ વિરલ સંબંધનો ખ્યાલ આવે છે. તેર વર્ષ પછી ઓચિંતાની કોઈક એવી ક્ષણે એ સ્ત્રી એ સંબંધમાંથી પાછી ખસી ગઈ. પછી છ મહિનામાં ચાયકોવ્સકીએ હાથે કરીને કોલેરાવાળું ગંદુ પાણી પીને બિમારી નોતરી લીધી અને એમનું મૃત્યુ થયું અને પછી થોડા મહિનામાં આ સ્ત્રીનું મૃત્યુ થયું. એ પુસ્તક મને મળ્યું અને એને મેં થોડું ટૂંકાવ્યું છે, અઢાર વર્ષથી એ અનુવાદ કરેલો પડ્યો છે, હવે હું એને મઠારું છું અને હવે શક્ય છે કે ટૂંક સમયમાં એ કદાચ પ્રગટ થાય. સંગીત પ્રત્યેનું મારું ઋણ આ રીતે ચૂકવાય એવો મારો આમાં પ્રયત્ન છે.

પ્રશ્ન : હવે તમારી સર્જનશીલતા તરફ વળીએ – પહેલું સર્જન ક્યારે થયું? ક્યાં પ્રગટ થયું?

ઉત્તર : ૧૯૭૬માં હું એમ.એસસી, પીએચ.ડી કરતો હતો ત્યારે થોડી લખવાની શરૂઆત થયેલી. મારી ડાયરીઓ અનેક નાની-નાની કવિતાઓથી ભરેલી હતી. એક વાર એવો શૂરો ચડ્યો કે સુરેશ દલાલને ‘કવિતા’ માસિક માટે કાવ્ય મોકલીએ. એ વખતે એવું ગણાતું કે એમાં તમારું કાવ્ય છપાય તો જ તમે કવિ ગણાવ. મેં મોકલેલી છ-સાત કવિતાઓ એમણે પાછી મોકલી અને લખ્યું કે ‘જીવનનો અને કવિતાનો તમને અનુભવ છે એ તમને સાથ આપશે’. પછી અચાનક બે-પાંચ લાંબી કવિતાઓ લખાઈ. પણ અંદરથી મારી જાત મને ખોંખારો ખાઈને નહોતી કહેતી કે આ કવિતાને પ્રગટ કરાય. અત્યારે તો બધું હાથવગું થઇ ગયું છે એટલે કાલુઘેલું પણ તમે બહાર પાડી શકો. તમારી અંદર જો વિવેચક પડ્યો હોય તો એ તમને રોકે કે હજુ ઘડો કાચો છે, એને પાકવા દો. મારા મિત્રો, નિખિલ ભટ્ટ, અનામિક શાહ, બળવંત જાની, ઉષાબહેન ઉપાધ્યાય એ બધાંને હું મારી કવિતા વંચાવતો. એક વખત ભોળાભાઈ રાજકોટ આવેલા, એમને મેં મારી કવિતાઓ બતાવી તો એ બહુ ખુશ થયા અને એમણે એ માંગી અને ભગત સાહેબને ‘સાહિત્ય’ ત્રિમાસિક માટે મોકલી. એમાંથી બે લાંબી કવિતા ૧૯૭૯માં ભગત સાહેબે છાપી. પછી ‘કવિલોક’માં અને ‘પરબ’માં ઘણી કવિતાઓ પ્રગટ થઇ. ત્યાર બાદ કવિલોક ટ્રસ્ટે મારો પ્રથમ કાવ્યસંગ્રહ ‘જળની આંખે’ પ્રગટ કર્યો, જેમાં મારી સાત લાંબી કવિતાઓ છે. મારી કવિતા પહેલેથી જ પ્રમાણમાં બિનઅંગત રહી છે. હું લિરિકનો માણસ નથી એટલે ગીત મને અનુકૂળ ન આવે. પણ મારી કવિતામાં આસપાસનો પરિવેશ, સંસ્કૃતિ, પ્રકૃતિ એ બધું આવે.

પ્રશ્ન : તમે લખ્યું છે કે કવિતા સાથે તમારો સંબંધ પ્રણય-કલહનો રહ્યો છે. તમારા આ સંબંધની વિસ્તારથી વાત કરશો?

ઉત્તર : એક વખત ભોળાભાઈએ કહેલું કે કોઈપણ કલા એ પ્રેયસી છે અને જિંદગીભર એ પ્રેયસી જ રહેવાની છે. એ તમારું ગમે તે સહન કરીને તમારું ઘર સાચવીને પત્નીની જેમ બેસી નહીં રહે. તમારે એને મનાવવી પડે, એની સાથે રહેવું પડે, તો એ તમારી થઈને તમારી સાથે રહે. એને ટેકન ફોર ગ્રાન્ટેડ તો મનાય જ નહીં. તો જ એ તમને વરે, નહીં તો એ બીજા વધારે સારા ઉમેદવાર પાસે જતી રહે. એટલે એવું કે આપણું ધાર્યું કશું ન થાય. આપણે ધારીએ કે આ વિષય પર કવિતા લખવી છે પણ એ લખાશે કે કેમ એની ખાતરી નથી હોતી. એ રીતે પ્રણય અને કલહ. એ તમને ગમે પણ છે, એ તમારી સાથે ઝગડા પણ કરે છે. એ મીઠો ઝગડો હોય છે. ક્યારેક એ તમને કહે કે ‘બેઠો શું રહ્યો છે, ઊભો થા, કંઇક લખ ને’. જેમ સંગીતનો રિયાજ છે તેમ લેખનનો પણ એક રિયાજ છે. એ સંદર્ભમાં અને અંતે તો કવિતા એ માનુની છે એ સંદર્ભમાં હું કહું છું કે મારો કવિતા સાથેનો સંબંધ પ્રણય-કલહનો છે.

પ્રશ્ન : તમારા કાવ્યસર્જનની યાત્રા દીર્ઘકાવ્યથી લઈને લઘુકાવ્ય સુધીની રહી છે. હાઈકુ પર પણ તમે કામ કર્યું છે. તમે પોતે તમારાં કાવ્યસર્જનના ત્રણ તબક્કા હોવાનું કહો છો.

ઉત્તર : આમ તો કોઇ પણ કલામાં તમે વર્ધમાન રહો, તમે હવે શું લઈને આવશો એની તમને કે બીજાને ખબર ન હોય એમાં મજા છે. તમે એ ને એ રટમાં પડ્યા રહો એનો કોઈ અર્થ નથી. પોતાનું સર્જન વિકસતું રહે એવી ઈચ્છા બધાને હોય, આપણી એ ઈચ્છા પૂરી થાય જ એવું પણ નથી. મારા શરૂઆતનાં સર્જનોની જે ભાષા હતી એ તત્સમ પ્રચૂર હતી. એ કવિતાઓમાં હું ક્યાં ય નહોતો, હતી માનવચેતના અને માનવના પ્રશ્નો. એ સમયે ‘અશ્વત્થામા’ જેવી કવિતાઓ પણ લખાઈ. જે કવિઓ અને નાટ્યકારોએ અશ્વત્થામા વિષે લખ્યું છે એમાં અને મહાભારતના અશ્વત્થામાના પાત્રમાં એ જગ્યા હતી કે તમે એને એમાંથી બહાર કાઢી શકો. મારી એ કવિતા લખાઈ એ સમયમાં, ૧૯૭૯-૮૦ના ગાળામાં, માનવજાતના ઇતિહાસમાં જે ઘટનાઓ ઘટી, જે પ્રકારનાં મૃત્યુ આવે છે એ અશ્વત્થામાએ જોયાં, એનાથી અશ્વત્થામાની અંગત લાગણીને માનવજાતિના પ્રશ્નો સાથે મેં જોડી આપી. પછી ધીમેધીમે મારી ભાષા બદલાઈ, વિષયો પણ બદલાયા. મેં સ્થળ વિષયક કવિતાઓ પણ લખી – વારાણસી પર લખી, વિજયનગરના ખંડેરો ઉપર, માચુ-પિચુ હું નથી ગયો છતાં એના પર પણ કવિતા લખાઈ. એ કાવ્યની છેલ્લી પંક્તિમાં જ વાચકને ખબર પડે છે કે કવિ તો ત્યાં ગયા જ નથી. એના પતનથી વ્યથિત થયેલા કવિ આ લખે છે અને અને કવિ તો ખુરશીમાં બેઠા છે, આથમતા સૂર્યને જુવે છે અને એમની આંખમાં શુક્રના તારાનું તેજ ચમકી રહ્યું છે. એ ઉપરાંત મેં જે પાત્રની કવિતા લખી એમાં કર્ણના પાત્ર પર એક કવિતા લખાઈ જે સુરેશ જોશીએ ‘એતદ્દ’માં મારી પહેલી અને છેલ્લી કવિતા, એમના તંત્રીપદ નીચે છાપી. એ ઉપરાંત કૃષ્ણ વિષે લખ્યું, મારી મા વિષે લખ્યું, દાદા વિષે લખ્યું. પણ વધારે મહત્ત્વની છે એ વિષયલક્ષી કવિતાઓ. સંઘર્ષ, વિદ્રોહ એ પણ કવિતાનું એક પાસું છે. એવી પણ કેટલીક કવિતાઓ રચાઈ છે. એક કવિતા ડી.એન.એ. – જીન્સ ઉપર છે, જેમાં મેં એને ઉદ્દેશીને લખ્યું છે. મારાં લઘુકાવ્યોની વાત કરું તો કવિ હાલે એકત્રિત કરેલી ‘હાલ સપ્તશતી’માંની પ્રાકૃત ગાથાઓના અનુવાદ મેં વાંચ્યા. ભાયાણી સાહેબે ગાથામાધુરી બહાર પડેલી. પછી જાપાનના ગ્રેટ માસ્ટર્સના થોડા હાઈકુ મેં વાંચ્યા અને એમાં જે લાઘવ, જે તાજગી અને જે તિર્યકતા છે એ મને ગમી ગયાં. એટલે મેં હાઈકુનો અભ્યાસ કર્યો અને પછી અનુવાદો કર્યા. એ અનુવાદો મેં ૫-૭-૫ ના નથી કર્યા, કારણ કે એવું તમે કરો તો એમાં માળખું આવે પણ એનો જીવ ન આવે. એટલે એનો મેં મુક્તાનુવાદ કર્યો. અને પછી ભાયાણી સાહેબે એને અનુમોદન આપ્યું. પછી આર.આર શેઠે એ પુસ્તકરૂપે પ્રગટ પણ કર્યાં.

પ્રશ્ન : અત્યારે આપણી દુનિયા મહામારીના મહિષાસુરથી ગ્રસ્ત છે. તમે હમણાં આ મહામારીને અનુલક્ષીને ‘ચેત મછંદર ગોરખ આયા’ કાવ્ય લખ્યું. આમાં તમારું જીવન દર્શન છે, એમાં એક વૈજ્ઞાનિક કવિતાને મળવા જાય છે.

ઉત્તર : દર્શન શબ્દ તો બહુ મોટો છે, આપણે એ શબ્દ ન વાપરીએ એ જ સારું છે. ચિંતન શબ્દ પણ ઘણો ઊંચો છે, આપણે એ શબ્દને ઘણો વેડફ્યો છે, પણ એ મારી જોવાની દૃષ્ટિ છે કે આ એક અતિ સૂક્ષ્મ જીવ, એણે દુનિયાને કેવી ઉપર-તળે કરી નાખી. એ એક અંગત મામલો છે, સામાજિક મામલો છે અને એક રાજકીય મામલો પણ છે. એના બીજા પણ અનેક આયામો છે. એક નાનકડો જીવ આખી માનવજાત સાથે કેવો ખેલ કરી શકે છે એ આપણે જોઈએ છીએ. પણ આપણે, એટલે કે માનવજાતે કંઈ ઓછા ખેલ નથી કર્યા. કેટલી ય પશુ-પક્ષીઓની અને વનસ્પતિની જાતો તો આપણા હાથે વિલુપ્ત થઇ ગઈ છે. આપણે ઘણું પાતક કર્યું છે, આપણી મા જેવી આ પૃથ્વીના આપણે ધણી થઇ બેઠાં છીએ. એટલે આ મહામારી આપણને વિચારવા પ્રેરે છે કે આપણે ક્યાં જઈ રહ્યાં છીએ.

પ્રશ્ન : તમે નિબંધક્ષેત્રે પણ ઘણું કામ કર્યું છે. આમ જોવા જઈએ તો નિબંધ એ અત્યંત મુશ્કેલ સાહિત્યપ્રકાર છે, મુશ્કેલ એટલા માટે કે એમાં વાચકને પકડી રાખવો એ પડકાર હોય છે.

ઉત્તર : આમ તો હમણાં મારું નિબંધનું જે પુસ્તક બહાર પડ્યું છે એમાં મેં લખ્યું છે કે હું સ્કૂલમાં હતો ત્યારે મને નિબંધ કોઈ દિવસ ગમ્યા નહોતા. અને દુર્ભાગ્યે મને કોઈ એવા શિક્ષક પણ યાદ નથી આવતા જેમણે મને એમાં રસ જગાડ્યો હોય. પણ અંદર કંઈક હશે અને ભોળાભાઈએ મારી પાસે થોડું કામ કરાવ્યું. નવલરામ કે નર્મદ વખતનો નિબંધ જુદા પ્રકારનો હતો, એમાં વિષય મહત્ત્વનો હતો. સર્જનાત્મક નિબંધની વાત કરીએ તો કાકાસાહેબ આવ્યા, સુરેશભાઈ આવ્યા, દિગીશભાઈ આવ્યા અને એમણે અંગત અથવા સર્જનાત્મક નિબંધોનો ચિલો ચાતર્યો હતો. એટલે એ મારા માટે તૈયાર હતો જ. અમદાવાદ આકાશવાણીમાં હતો ત્યારે રાજેન્દ્ર શુક્લ ત્યાં આવેલા અને એમણે એક ટકોર કરેલી કે ‘તારે કલમને બે-ચાર સાહિત્યપ્રકારોમાં છૂટ્ટી મૂકવી, બધા પ્રકારોમાંથી એક-બે પ્રકારમાં કલમ ઠરે તો એ ઘણું, નહીં તો મારા જેવું થશે. હું કવિતા જ લખી શકું છું.’ હું માનું છું કે નિબંધ એક બહુ વિચિત્ર પ્રકાર છે, આમ જુવો તો એ તોફાની બાળક જેવો પ્રકાર છે. એટલે તમે જે ઢાંકવા પ્રયત્ન કરતા હો તેને એ ઉઘાડું પાડી શકે છે. એનું કારણ એ છે કે એ તમારી જાત સાથે જોડાયેલો છે. જો જાત સાથે વફાદાર નહીં હો, જો ચતુરાઈ કરીને કંઈક જુદું બતાવવા જશો તો એમાં તમે પકડાઈ જવાના છો. હું બનારસ જાઉં કે માચુ-પિચુ જાઉં, પણ હું જે લઈને પાછો આવું એમાં મારી સંવેદના ઉમેરાઈ છે. એટલે એ રીતે તમે ઉઘાડા પડો છો. અને એ રીતે આપણે ઘણા નિબંધકારોને ઉઘાડા પડતા પણ જોયા છે. અને એમાં વિષય વૈવિધ્યની કેટલી બધી શક્યતાઓ રહેલી છે. પછી મિત્ર બકુલ ટેલરે મને નિબંધોમાંથી અખબારની કટાર લખવા પ્રેર્યો અને અગિયાર વર્ષ પહેલાં કોલમ લખવાનું શરૂ થયું એ હજુ ચાલે છે. મારા માટે કોલમ થોડી જરૂરી છે, જેથી હું મારી આળસ ખંખેરીને મારી શક્તિનો કંઈક ઉપયોગ કરું. ડેડલાઇનને કારણે લખવું જ પડે. હું કોમ્પ્યુટર પર સીધું નથી લખી શકતો. અત્યાર સુધી મેં લગભગ ત્રણસો જેટલા વિષયો પર કોલમો લખી છે અને હજુ એ લખવાનું ચાલુ છે.

પ્રશ્ન : નિબંધો લખાય છે તો પછી વાર્તા કે નવલકથા જેવા ગદ્યના અન્ય પ્રકારો લખવાનો વિચાર નથી આવતો?

ઉત્તર : મારા અમુક નિબંધો એવા છે કે કોઈનામાં સૂઝ હોય તો એમાંથી નવલિકા ઉપજાવી શકે. મને તો એમ લાગે કે આ બધા વાર્તાકારો છે એમને પાત્રો કેમ કરીને સૂઝતાં હશે અને સંવાદો તેમ જ ઘટનાઓ કેમ કરીને સૂઝતી હશે? એ બધાને એ લોકો કેવી રીતે પ્લોટમાં બાંધતા હશે? વાર્તાકારો ખરેખર જાદુઈ માણસો છે અને સાહિત્યના સિંહાસનના અધિકારીઓ છે. નાના છોકરડાઓ વાર્તાઓ લખીને આવે ત્યારે મને એક મીઠી ઈર્ષા પણ થાય કે હું આવડો મોટો છાસઠ વર્ષનો થયો અને મને એકે વાર્તા લખતાં ન આવડી? એક જુદા જ પ્રકારની સંવેદનક્ષમતા અને સર્જનાત્મકતા હશે જે આ લખાવે છે. એવું લખવાની મને ઈચ્છા નથી એવું નથી, પણ નવલકથા એક એવું સ્વરૂપ છે જેમાં પ્રયોગશીલતાને વધુ અવકાશ છે. એટલે એવી ઈચ્છા તો છે કે આપણે જઈએ એ પહેલાં એકાદ નવલકથા તો આપણા ખાતા ઉપર બોલે, ભલેને એ જેવી હોય એવી. લોકો એને નવલકથા ગણે કે લવારા ગણે કે પછી પ્રલાપ ગણે, જે ગણે તે.

પ્રશ્ન : આત્મકથા લખશો?

ઉત્તર : આપણે એવી કઈ વાડીના મૂળા કે લોકો આપણી નવલકથા વાંચીને એમાંથી પ્રેરણા લે? ઉમાશંકરભાઈની આર્કાઈવલ મુલાકાત જ્યારે નિરંજન ભગતે અમદાવાદ આકાશવાણી પર લીધેલી ત્યારે આ જ સવાલ પૂછેલો. ત્યારે ઉમાશંકરે કહેલું કે ‘માણસજાતને હજુ આત્મકથા લખતાં આવડ્યું જ નથી, અને આ હું ગાંધીજીની આત્મકથા વાંચ્યા પછી કહું છું.’ તમારી જાત વફાદારી તમે નિબંધોમાં લાવો છો, આમાં તો એનાથીયે વધારે જાતવફાઇ જોઈએ. અહીં તમારી જાતને તમારા વોર્ડરોબમાંથી જાતજાતનાં કપડાં પહેરીને બતાવવાની નથી. આત્મકથામાં તો તમારી જાતને તમારી પોતાની સામે અને લોકો સમક્ષ નિર્વસ્ત્ર કરવાની છે. આપણે જાતે જ્યારે આપણા એડિટર બનીએ ત્યારે આપણે અમુક બાબતો નથી જ લખવાના. એટલે એ હિંમત મારામાં નથી. અને મારા જીવનમાં ન કોઈ ચડાવ-ઉતાર આવ્યા છે, ન તો મેં કોઈ એવા પરાક્રમ કર્યા છે કે કોઈ યુદ્ધ કે સંઘર્ષ કર્યા છે. જે કર્યું છે એ જાત સાથે કર્યું છે અને એનો હિસાબ તો સર્જનમાં પડ્યો છે.

પ્રશ્ન : તમે અનુવાદનું કામ પણ કરો છો. બે જુદીજુદી સંસ્કૃતિઓની ભાષાઓમાં અનુવાદો કરવાની કેટલીક મુશ્કેલીઓ હોય છે. તમારા અનુભવો જાણવા છે.

ઉત્તર : બે અનુવાદોનું કામ મને નેશનલ બુક ટ્રસ્ટે સોંપ્યું હતું, એમાં વિજ્ઞાનકથાઓના અનુવાદો કરવાના હતા. બીજું એક વિજ્ઞાનને લાગતું પુસ્તક હતું, એ વિષયમાં મારી ફાવટ પણ છે. એમાં તકલીફો એ હોય છે કે બાંગ્લા કે કન્નડ ભાષામાંથી અંગ્રેજીમાં મૂકાઈને એ આપણી પાસે આવે છે એટલે એમાં એક ગળણું તો મૂકાઈ જ ગયું છે. એક જ કુળની ભાષાઓ વચ્ચેના અનુવાદ વધુ સરળ બને. ભાષાનાં મૂળ સંસ્કૃતિમાં એટલાં બધાં હોય છે કે એમાં જુદી સંસ્કૃતિઓની ભાષામાં કામ કરવાનું આવે ત્યારે ફૂટનોટ મૂકીને કામ કરવું પડે. જે ભાષામાં અનુવાદ કરવાનો હોય એમાં તમારું પ્રભુત્વ વધુ જરૂરી છે. હાઈકુના અનુવાદો પછી હમણાં મેં જે અનુવાદ હાથ પર લીધો છે એ મેં કહ્યું એમ ચાય્કોવસ્કીના પત્રોનો અનુવાદ છે. એનાથી વિશેષ મેં અનુવાદો કર્યા નથી, પણ કરવા જોઈએ.

પ્રશ્ન : એક અંગત પ્રશ્ન, યજ્ઞેશભાઈ. સર્જન દેશ-કાળને આધીન છે એવું માનો છો? પુત્ર અમેરિકામાં સ્થિર હોવા છતાં તમે ત્યાં સ્થાયી ન થવાનું પસંદ કરો છો, એની પાછળ શું કારણ છે?

ઉત્તર : સર્જનના કારણે ત્યાં સ્થિર નથી થયો એવું તો ન કહી શકાય. હું જ્યાં જાઉં છું ત્યાં મારા મનોવિશ્વને અને અનુભવવિશ્વને સાથે જ લઇ જાઉં છું અને ત્યાં જાઉં તો નવા અનુભવો મારી સાથે લઈને અહીં આવું. એટલે હું તો ત્યાં પણ લખી શકું છું. મેં તો ધાર્યું પણ નહોતું કે મારે કદી પરદેશ જવાનું થાય. કોઈક જ્યોતિષે કહેલું કે તમારે એકાદ-બે વખત જવાનું થશે. પણ દીકરો અગિયાર વર્ષથી ત્યાં સ્થાઈ થયો છે એ વિધાતાની કંઈક ઈચ્છા હશે. હું એને ત્યાં બાળક આવ્યું ત્યારે ગયો અને ચાર-પાંચ મહિના રહ્યો અને ત્યારે મને ત્યાં પણ એટલી જ મજા હતી. હું ડાંગના જંગલમાં બે વર્ષ રહ્યો છું અને મને એનાથી પણ નાના કસબામાં મૂકે તો હું ત્યાં પણ પ્રેમથી રહી શકું, હું અમદાવાદમાં પણ રહી શકું અને તમે મને મેનહેટનમાં પણ મૂકો તો હું આખી જિંદગી ત્યાં પણ પસાર કરી શકું. હું જ્યાં જાઉં ત્યાનો હું થઇ જાઉ, મને વતનઝૂરાપો જેવું બહુ ન થાય. જ્યાં જાઉં ત્યાં હું એકડે એકથી નવું જીવન શરૂ કરું.  પણ લાંબા ગળાનો વિચાર કરીએ ત્યારે તમે બાળકો સાથે તો રહી શકો પણ એનાથી પણ વધારે ઉંમર થાય ત્યારે તમે અહીંના જે લોક છે એને માટે ભલે આપણે વલવલતાં ન હોઈએ તો પણ એક છૂપી ટીસ તો હોય. આપણી ભાષાને મિસ કરીએ, આપણી બોલીને મિસ કરીએ, અહીંની ઋતુઓને મિસ કરીએ, અહીંનાં લીમડા અને ખુલ્લી જગાઓ, આ બધું ત્યાં જઈએ ત્યારે મિસ થાય. અહીં વધુ ઘર જેવું લાગે. એટલે હું ત્યાં જતો-આવતો રહું પણ લાંબે ગાળે તો અહીં જ રહેવું સારું.

પ્રશ્ન : તમે અનેક ક્ષેત્રોમાં કામ કર્યું છે અને ઘણાં વર્ષો કામ કર્યું છે. કાર્યક્ષેત્રોના આ વ્યાપને કારણે અનેક અનુભવો થયા હશે જેમાંથી જીવનનું એક દર્શન ઘડાયું હશે. એનું કોઈક સારતત્ત્વ આ મુલાકાતના સમાપને અમને આપશો?

ઉત્તર : સારતત્ત્વમાં તો કેટલાક અફસોસ છે. આમ વિજ્ઞાનનો માણસ છું એટલે પુનર્જન્મમાં માનવું વગેરે મારા મનને નથી રુચતું. મૃત્યુ પછી પણ જીવન છે એ બધું મને બહુ મનમાં ઊતરતું નથી એટલે મને કંઈ આશા-ઐશ નથી મળતી. મને એવું થાય કે મેં જે ગુમાવ્યું છે એ ગુમાવ્યું જ છે. એટલે મને કેટલાક અફસોસ રહી જાય. જેમ આપણે વાત થઇ એ પ્રમાણે વાર્તા-નવલકથા ન લખી શક્યો, બીજું મને એમ થાય કે જો હું સંસ્કૃત અને બંગાળી ભાષાઓ શીખી શક્યો હોત એમાંથી ઘણું પામી શક્યો હોત. બીજો અફસોસ એ પણ છે કે મારે જેટલું વાંચવું જોઈતું હતું એટલું હું વાંચી નથી શક્યો. એમાં મારી આળસ જવાબદાર છે અને મારાં વિવિધ ક્ષેત્રોના રસ મને ક્યાંકથી ક્યાંક લઇ જાય છે એ પણ છે. બીજો અફસોસ એ છે કે ઈશ્વરે મારામાં આ સર્જકતા અથવા આ શક્તિ મૂકી છે એનો પૂરતો ઉપયોગ ન કરીને મેં એનો વિશ્વાસઘાત કર્યો છે. એ એક પ્રકારનો સાત્ત્વિક અફસોસ છે. બાકી તમારી સાથે કોઈ જાતના ભાર વગર, ખૂલીને વાત કરવાની મજા આવી એ બદલ આભાર.

e.mail : aradhanabhatt@yahoo.com.au

પ્રગટ : “નવનીત – સમર્પણ”, વર્ષ : 41 – અંક : 11, માર્ચ 2021; પૃ. 39 – 48 તેમ જ 121 -126 

Loading

21 January 2022 આરાધના ભટ્ટ
← સાથી ન કારવાં હૈ, યે તેરા ઇમ્તિહાં હૈ …
વૃક્ષોની તદ્દન અવિચારી છટણી : ગુજરાતી સાહિત્ય પરિષદમાં … →

Search by

Opinion

  • લાકડાના વેપારીની બોઇંગ કંપનીનું સો વર્ષનું એકચક્રી શાસન ડામડોળ થઇ રહ્યું છે
  • ….. તો શું થાત?
  • અમેરિકી પ્રમુખ ટ્રમ્પને નોબેલ ‘અશાંતિ’ પુરસ્કાર અપાવો જોઈએ …
  • ભારતીય ઉડ્‍ડયન ક્ષેત્રના રન-વેની વિટંબણાઓઃ સલામતી, આર્થિક મજબૂતાઈ, નીતિની ગૂંચ જેવા બર્ડ હિટ
  • પશ્ચિમનો યુગ પૂરો થઈ ગયો છે

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • પંડ સાથે ગાંધીચીંધ્યા જીવનને જોડીએ! 
  • ગાંધીમાર્ગ કઠિન છે?
  • બાપુનો દાંત
  • વિરાટદર્શન
  • નિર્મમ પ્રેમી

Poetry

  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …
  • તારવણ
  • હે કૃષ્ણ ! કોણ છે તું?
  • આ યુદ્ધ છે !

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved