Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9379734
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાથી ન કારવાં હૈ, યે તેરા ઇમ્તિહાં હૈ …

રાજ ગોસ્વામી|Opinion - Opinion|20 January 2022

હોલિવૂડની ફિલ્મોના અશ્વેત હિરોમાં દંતકથા બની ગયેલા સિડની પૉટિયે[Sidney Poitier]નું ૭મી જાન્યુઆરીના રોજ, ૯૪ વર્ષની વયે, લોસઍન્જલ્સના બેવરલી હિલ્લસ ખાતે અવસાન થઇ ગયું. ૧૯૬૪માં, 'લિલીઝ ઓફ ધ ફિલ્ડ' નામની ફિલ્મમાં તેના શાનદાર અભિનય માટે ઓસ્કાર એવોર્ડ જીતનારો સિડની પહેલો અશ્વેત અભિનેતા હતો.

એક અભિનેતા તરીકે, નાગરિકતા અધિકાર અંદોલન દરમિયાન સિડનીએ એક આખી પેઢીને પ્રેરણા આપી હતી. ૫૦ અને ૬૦ના દાયકામાં જ્યારે અમેરિકમાં નસ્લભેદની લઈને તનાવની સ્થિતિ હતી, ત્યારે સિડનીએ કટ્ટરતા અને રૂઢિવાદને પડકારતી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમાં ૧૯૬૭માં આવેલી 'ગેસ હુઝ કમિંગ ટૂ ડિનર' અને 'ઇન ધ હીટ ઓફ ધ નાઈટ' મહત્ત્વની ફિલ્મો હતી.

એ જ વર્ષે, તેની ત્રીજી એક મહત્ત્વની ફિલ્મ, 'ટૂ સર, વિથ લવ' આવી હતી. એ ફિલ્મમાં, સામાજિક અને નસ્લીય મુદ્દાઓથી ખદબદતી લંડનની એક સ્કૂલમાં ભણતાં ઉદ્દંડ છોકરાઓને એક આદર્શવાદી શિક્ષક કેવી રીતે સીધા રસ્તે લાવે છે, તેની કહાની હતી. એ ફિલ્મમાં 'ટૂ સર, વિથ લવ' નામનું થીમ સોંગ ગાનારી સ્કોટિશ ગાયિકા લુલુ કહે છે કે, "સિડની મારા મિત્ર, મારા શિક્ષક અને મારા પ્રેરણામૂર્તિ હતા."

આપણે ત્યાં અને બહાર, શિક્ષકોના વિષયને લઈને બહુ ઓછી ફિલ્મો બને છે. 'ટૂ સર, વિથ લવ' એવી એક અનોખી ફિલ્મ હતી, જેમાં સિડનીએ એક સંવેદનશીલ શિક્ષક તરીકે સ્કૂલના વિધાર્થીઓ અને અભિનેતા તરીકે દર્શકોનો આદર મેળવ્યો હતો.

એ ફિલ્મ પ્રેમમાં પડી જવાય તેવી હતી. આપણો વિનોદ ખન્ના પણ પડી ગયો હતો. તેની 'ઇમ્તિહાં' યાદ છે? જો ફિલ્મ યાદ ન હોય, તો કિશોર કુમારનું સદાબહાર ગીત 'રુક જાના નહીં, તું કહીં હાર કે' તો યાદ હશે જ. 'ઇમ્તિહાં'નું એ ગીત એટલું જ લોકપ્રિય થયું હતું, જેટલું 'ટૂ સર, વિથ લવ' થયું હતું. ૧૯૭૪માં આવેલી અને તમિલ ફિલ્મ 'નૂતૃક્કુ નૂરુ'ની રિમેક, 'ઇમ્તિહાં'નો મૂળ પ્રેરણાસ્રોત સિડની  પૉટિયેની 'ટૂ સર, વિથ લવ' હતી.

જેમ 'ટૂ સર, વિથ લવ' સિડની  પૉટિયેની કારકિર્દીમાં એક માઈલસ્ટોન ફિલ્મ ગણાય છે, તેવી રીતે વિનોદ ખન્નાની ફિલ્મી સફરમાં ત્રણ ફિલ્મો તેને એક અપવાદરૂપ અભિનેતાના રૂપમાં સ્થાપિત કરે છે; ૧૯૭૧માં આવેલી રાજ ખોસલાની 'મેરા ગાંવ મેરા દેશ,' ૧૯૭૩માં આવેલી ગુલઝારની 'અચાનક' અને ૧૯૭૪માં આવેલી મદન સિન્હાની ‘ઇમ્તિહાં'.

'દસ નંબરી,' 'રાજા જાની,' 'શરાફત,' 'રાત ઔર દિન' અને 'બંદિશ' જેવી ફિલ્મોમાં સિનેમેટોગ્રાફી કરનાર મદન સિન્હાએ બે જ ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું; નૂતન અને મોહનિસ બહેલની 'યેહ કૈસા કર્ઝ' અને વિનોદની ‘ઇમ્તિહાં'.

ઉપર વાત કરી તેમ, આપણે ત્યાં સ્કૂલ-કોલેજના વિષયને લઈને બહુ ઓછી ફિલ્મો બની છે, અને એમાં ય, વિધાર્થીઓનાં જીવનની સંવેદનશીલતા અને શિક્ષકના બોધપાઠ વચ્ચેના નાજુક સંબંધને ઉજાગર કરતી હોય તેવી ફિલ્મો તો એથી ય ઓછી છે. થોડાં નામો :

સત્યન બોઝ નિર્દેશિત, અભી ભટ્ટાચાર્ય અભિનિત ‘જાગૃતિ’ (“આઓ બચ્ચો તુમ્હે દિખાયે ઝાંખી હિન્દુસ્તાન કી”), રાજ કપૂરની ‘શ્રી ૪૨૦’ (“ઈચક દાન બીચક દાના”), શમ્મી કપૂરની ‘પ્રોફેસર’ (“આવાજ દે કે હમે બુલા લો”), ગુલઝાર-જીતેન્દ્રની ‘પરિચય’ (“મુસાફિર હું યારો, ના ઘર હૈ ના ઠીકાના”), મહેશ ભટ્ટ-નસીરુદ્દીન શાહની ‘સર’ (“આજ હમને દિલ કા કિસ્સા તમામ કર દિયા”) અને આમિર ખાનની ‘તારે જમીં પર’ (“દેખો ઇન્હેં યે હૈ ઓંસ કી બુંદે”).

આ બધામાં, 'ટૂ સર, વિથ લવ'ની પ્રેરણાને ભૂલી જઈએ તો પણ, ‘ઇમ્તિહાં’ ઘણા બધા અર્થમાં કોલેજની વાસ્તવિકતાને મૌલિક રીતે પેશ કરવામાં સફળ રહી હતી. એ વર્ષે બોક્સ ઓફિસ પર તોતિંગ ફિલ્મોની સ્પર્ધા હતી. જેમ કે, મનોજ કુમારની ‘રોટી, કપડાં ઔર મકાન,’ રાજેશ ખન્નાની ‘પ્રેમ નગર,’ ‘આપ કી કસમ,’ અને ‘રોટી,’ અમિતાભની ‘મજબૂર,’ દેવ આનંદની ‘અમીર ગરીબ,’ શશી કપૂરની ‘ચોર મચાયે શોર’ અને ધર્મેન્દ્રની ‘દોસ્ત.’ એ બધા વચ્ચે ‘ઇમ્તિહાં’ પહેલા નંબરે ઇમ્તિહાં પાસ કરી હતી!

તેની વાર્તા કંઇક આવી હતી : પ્રમોદ શર્મા (વિનોદ ખન્ના) એક સમૃદ્ધ બિઝનેસમેન(મુરાદ)નો આદર્શવાદી દીકરો છે. સમાજ માટે કશું કરી છૂટવાની ભાવનાથી તે પિતાનો ધંધો સંભાળવાને બદલે આદર્શ મહાવિદ્યાલય નામની કોલેજમાં ઇતિહાસ ભણાવવાનું કામ સ્વીકારે છે. પ્રમોદનું કામ એટલે અઘરું છે કારણ કે ત્યાંના વિધાર્થીઓ તોફાની અને અસભ્ય છે. છોકરાઓનો નેતા રાકેશ (રણજીત) છે. ક્લાસમાં પહેલા જ દિવસે રાકેશ તોફાન કરે છે અને પ્રમોદ તેનું સખત અપમાન કરે છે.

પ્રમોદ છોકરાઓને સુધારવા પ્રયાસ કરે છે. એમાં, કોલેજના ચેરમેનની દીકરી રિટા (બિંદુ) પ્રોફેસર તરફ આકર્ષાય છે. બીજી બાજુ, પ્રમોદનો ભેટો કોલેજના પ્રિન્સિપાલની અપંગ દીકરી મધુ (તનુજા) સાથે થાય છે. મધુ એક પાયલોટના પ્રેમમાં હતી અને લગ્ન કરવાની હતી, પરંતુ વિમાન અકસ્માતમાં છોકરાનું મૃત્યુ થઇ ગયું હતું. એ આઘાતમાં મધુ ઘરની સીડીઓ પરથી ગબડી પડી હતી અને તેનો એક પગ કાયમ માટે તૂટી ગયો હોય છે.

પ્રમોદ મધુના જીવનમાં પ્રેરણા અને સકારાત્મકતા લાવે છે, એટલે મધુ તેના પ્રેમમાં પડે છે. રિટાને બંનેનો સંગાથ પસંદ નથી, એટલે તે ઈર્ષ્યામાં આવીને પ્રમોદ પર જાતીય સતામણીનો આરોપ મૂકે છે. રાકેશ એમાં રિટાને સાથ આપે છે. કોલેજના વિધાર્થીઓને અચ્છા ઇન્સાન બનાવવા આવેલા પ્રોફેસર પ્રમોદના ચારિત્ર્યની જ ઇમ્તિહાં શરૂ થાય છે. તેને હવે સર્વેની નજરમાં નિર્દોષ સાબિત થવાનું હોય છે. એમાં તે પાર ઉતરે છે અને ફિલ્મના અંતે, મધુ સાથે જીવન વિતવા માટે તે કોલેજ છોડીને ચાલ્યો જાય છે.

રિટા અને મધુ જ નહીં, દર્શકો પણ આ પ્રોફેસરના પ્રેમમાં પડી ગયા હતા. ઊંચો-પડછંદ વિનોદ ખન્ના કાળી ફ્રેમનાં ચશ્માં અને કોટ-ટાઈમાં સાચે જ આકર્ષક પ્રોફેસર લાગતો હતો. રાજ કપૂર, દિલીપ કુમાર, દેવ આનંદ અને રાજેશ ખન્ના-અમિતાભ બચ્ચન વચ્ચે વિનોદ ખન્ના સેન્ડવિચ થઇ ગયો એટલે, બાકી તેનામાં સ્ટારડમ અને એક્ટિંગ બંનેનું જબરદસ્ત મિશ્રણ હતું. એ સંસ્કારી પણ એટલો જ હતો. એટલે જ બોલીવુડની ઉંદર-દૌડથી ત્રાસીને મનની શાંતિ માટે રજનીશના આશ્રમમાં જતો રહ્યો હતો. તેની સહકલાકાર તનુજા એક જગ્યાએ કહે છે, “એ આલતુ-ફાલતું ન હતો. એની વાતોમાં કચરો ન હતો. માનસિક રીતે મળતો આવતો હોય તેવા સહકલાકાર સાથે સંવાદ કરવાની અલગ જ મજા છે.”

‘ઇમ્તિહાં’ની બીજી યાદગાર ચીજ તેનું ગીત “રુક જાના નહીં તું કહીં હાર કે’ હતું. લક્ષ્મીકાંત-પ્યારેલાલના કર્ણપ્રિય સંગીતમાં, એમ તો લતા મંગેશકરના કંઠે ગવાયેલું શૃંગારરસથી ભરપૂર ‘રોજ શામ આતી થી મગર ઐસી ન થી’ પણ બેહદ મધુર હતું, પણ કિશોર કુમારના અવાજમાં ગવાયેલું મોટિવેશનલ ગીત આજે પણ એટલું જ લોકપ્રિય છે. કિશોરનાં ઘણાં ગીતો બેહદ પ્રેરણાદાયી સાબિત થયાં છે. એમાં આ તો વિશેષ હતું, કારણ કે એમાં જીવનના વિવિધ સંઘર્ષોમાં થાક્યા-હાર્યા વગર આગળ વધતા રહેવાની વાત હતી.

ગીત એકદમ સાદું હતું, પણ શ્રોતાઓને તેમાં ખુદની જિંદગી નજર આવતી હતી, એટલે તે પેઢી દર પેઢી લોકપ્રિય રહ્યું છે. શાયર-ગીતકાર મજરૂહ સુલતાનપૂરી મોટા ભાગે સામાજિક નિસ્બતવાળાં ગીતો માટે જાણીતા છે, પણ ‘ઇમ્તિહાં’માં તેમણે જીવનની અત્યંત વ્યક્તિગત ફિલોસોફી પેશ કરીને ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

ફિલ્મની શરૂઆત પ્રમોદ કોલેજ જોઈન કરવા માટે જતો હોય છે ત્યાંથી થતી હોય છે. તે અમીર બાપની ઈચ્છા વિરુદ્ધ, તેમની દોલતને ઠુકરાવીને, ૫૦૦ રૂપિયાની નોકરી કરવા નીકળ્યો હોય છે. પ્રમોદ કહે છે, “મેં કિસી ભી એસે પૈડ કી છાયા મેં નહીં રહે શકતા, જિસકી છાયા મુજે ધૂપ સે દૂર રખને સે બજાય ઉજાલો સે દૂર રખે.” બાપ તેને રોકવા માટે પ્રયાસ કરે છે, પણ પ્રમોદ ઘર છોડીને નીકળી જાય છે. તેની પીઠ પાછળ બાપ બોલે છે, ‘રુક જાઓ, પ્રમોદ … લૌટ આઓ, બેટે.”

એ ઓપનિંગ દ્રશ્યમાં વિનોદ ખન્ના મહાભારતના અર્જુન જેવો લાગે છે, જેની પીઠ પાછળ બાપનું આક્રંદ છે અને જેની નજર સામે આદર્શ મહાવિદ્યાલયનો રસ્તો છે. એમાં મજરૂહ સુલ્તાનપૂરી જાણે અર્જુનના કૃષ્ણ હોય તેમ લખે છે :

સાથી ન કારવાં હૈ
યે તેરા ઇમ્તિહાં હૈ
યૂં હી ચલા ચલ દિલ કે સહારે
કરતી હૈ મંજિલ તુજકો ઈશારે
દેખ કહીં કોઈ રોક નહીં લે તુજ કો પુકાર કે
ઓ રાહી, ઓ રાહી …

પ્રગટ : ‘બ્લોકબસ્ટર” નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 15 જાન્યુઆરી 2022

સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

20 January 2022 રાજ ગોસ્વામી
← બાલદિને જાગતો સવાલ : ગિજુભાઈનું ‘દિવાસ્વપ્ન’ સાકાર થશે?
વિવેક ટીકા માટે જરૂરી છે એટલો જ પ્રશંસા માટે પણ જરૂરી છે … →

Search by

Opinion

  • મુઝકો તુમ જો મિલે યે જહાં મિલ ગયા
  • ગુરુદત્ત શતાબ્દીએ –
  • PMનો ગ્લાબલ સાઉથનો પ્રવાસ : દક્ષિણ દેશો સાથેની કૂટનીતિ પ્રભાવી રહેશે કે સાંકેતિક
  • સવાલ બે છે; એક તિબેટના ભવિષ્ય વિષે અને બીજો તિબેટને લઈને ભારત-ચીન વચ્ચેના સંબંધો વિષે
  • ચલ મન મુંબઈ નગરી—297

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • ‘રાષ્ટ્રપિતાનો વારસો એમના વંશજો જ નથી’ — રાજમોહન ગાંધી
  • સરદારનો ગાંધી આદર્શ 
  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!

Poetry

  • હાર
  • વરસાદમાં દરવાજો પલળ્યો
  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved