જ્ઞાનકોષોને ઝાઝી ખલેલ પહોંચાડ્યા વિના પરિચિત સામગ્રીમાંથી સરળ વાર્તાઓ દ્વારા બાળકોને તેમના પરિસર સાથે સાહજિકતાથી સાંકળતા અને મોજ કરાવતાં માનસઘડતર પણ કરતા ગિજુભાઈને કોણ નથી ઓળખતું? બાળકોને સ્વતંત્ર વ્યક્તિત્વ છે અને આપણે તેમના તરફ માનભરી દૃષ્ટિએ જોવું જોઈએ એવી એમની સાદી વાત આપણે પચાવવાની હજી બાકી છે. 15મી નવેમ્બરે એમનો જન્મદિન, તે નિમિત્તે એમણે જોયેલું ‘દિવાસ્વપ્ન’ આપણે સૌ જોઈએ અને સાકાર કરીએ …
ઓગણીસમી સદીનો અંત નજીક હતો. દુનિયામાં બ્રિટિશ સામ્રાજ્યનો સૂર્ય મધ્યાહ્ને તપતો હતો. આપણા દેશ પર પણ બ્રિટિશ શાસનની પૂરી પકડ હતી. શિક્ષિત ભારતીયો રાજકીય નિર્ણયોમાં સહભાગી થઈ શકે એ હેતુથી દાદાભાઈ નવરોજી, દિનશા એદલજી વાચ્છા અને એલન ઑક્ટોવિયન હ્યુમે 28 ડિસેમ્બર 1885માં ‘ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસ’ની સ્થાપના કરી. તેનું પહેલું અધિવેશન વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખપદે મુંબઈ(ત્યારના બૉમ્બે)માં ભરાયું હતું.
આ ઘટનાના એકાદ મહિના પહેલા સૌરાષ્ટ્રના ચિતલ ગામમાં ગિરિજાશંકર નામના એક બાળકનો જન્મ થયો. એ વખતે ચિતલથી 100 કિલોમીટરના અંતરે આવેલા રાજકોટમાં સોળ વર્ષના મોહનદાસ ગાંધી જીવનનો માર્ગ શોધી રહ્યા હતા. આ બાળક ગિજુભાઈ નામથી બાલશિક્ષણની દુનિયામાં વિખ્યાત થવાનો હતો. ગિજુભાઈનો જન્મદિન 15 નવેમ્બરે – બાલદિનના બીજા દિવસે છે. આ બન્ને નિમિત્તે આજે વાત કરીએ ગિજુભાઈની અને એમના વિખ્યાત પુસ્તક ‘દિવાસ્વપ્ન’ની.
એમનો ઉછેર અને અભ્યાસ ભાવનગરમાં. ધંધાર્થે આફ્રિકા ગયા. પછી મુંબઈમાં વકીલાતનું ભણ્યા અને વઢવાણ કૅમ્પમાં વકીલાત શરૂ કરી. દરમ્યાન પુત્ર નરેન્દ્રનો જન્મ થયો. ગિજુભાઈ તેને ચીલાચાલુ નિશાળોની બદીથી મુક્ત રાખવા માગતા હતા. મોતીભાઈ અમીને તેમને મારિયા મૉન્ટેસોરીનાં પુસ્તકો વાંચવા આપ્યાં અને ગિજુભાઈને બાલકેળવણીનો સાચો રસ્તો મળ્યો.
ભાવનગરમાં હરજીવન પંડ્યા તથા નાનાભાઈ ભટ્ટે સ્થાપેલા છાત્રાલયમાં મદદનીશ ગૃહપતિ તરીકે જોડાવા આમંત્રણ મળતાં ત્રીસ વર્ષના ગિજુભાઈ વકીલાત છોડીને ‘દક્ષિણામૂર્તિ’માં જોડાઈ ગયા. બે વર્ષ પછી છાત્રાલય સાથે કુમાર મંદિર શરૂ થયું. ગિજુભાઈ તેના આચાર્ય બન્યા. નવું નવું વાંચે, વિચારે ને શાળામાં પ્રયોગ કરે. 1920ના ઑગસ્ટમાં રમાબહેન પટ્ટણીના હસ્તે બાલમંદિર ખુલ્લું મુકાયું. 1922માં ટેકરી પરનું બાલમંદિર કસ્તૂરબા ગાંધીના હસ્તે ખુલ્લું મુકાયું. ત્યારથી માંડીને 1936 સુધી ગિજુભાઈ ‘દક્ષિણામૂર્તિ’ સાથે જોડાયેલા રહ્યા. એમના પ્રતાપે ગુજરાતની કેળવણીનાં દશા-દિશા બદલાયાં.
ગિજુભાઈએ 200 જેટલાં પુસ્તકો લખ્યાં છે, જેમાં ચરિત્રો, બાળસાહિત્ય-કિશોરસાહિત્યનાં પુસ્તકો, ગ્રંથમાળાઓ, બાળશિક્ષણને લગતાં પુસ્તકો, ચિંતન વગેરેનો સમાવેશ થાય છે. એ વખતે સંયુક્ત કુટુંબોમાં અને શાળાઓમાં બાળકો હડધૂત થતાં, માર ખાતાં ને ગમેતેમ ઊછરી જતાં. ગિજુભાઈએ સમગ્ર સમાજને બાલકેળવણીનું મહત્ત્વ સમજાવ્યું. સહકાર્યકરો કેળવ્યા; શિક્ષકો, માબાપો અને વાલીઓની સભાઓ કરી. પત્રિકાઓ કાઢી. બાળકોના હાથમાં ‘અમને મારશો નહિ’, ‘અમને બિવરાવશો નહિ’ – જેવાં સૂત્રો લખેલાં પૂંઠાં મૂકી સરઘસો કાઢ્યાં. મૉન્ટેસૉરી સંઘ સ્થાપ્યો, મૉન્ટેસૉરી પદ્ધતિનાં સાધનો બનાવવાના પ્રયોગ કર્યા. બાળકોને સ્વતંત્રતા મળે, તેઓ સ્વયંસ્ફુરણાથી પ્રવૃત્તિઓ કરે, સ્વાવલંબી બને, જીવનવિકાસને પોષક વાતાવરણ મળે, સહકારથી જીવતાં શીખે વગેરેની તેમણે હિમાયત કરી. આ સંદર્ભમાં તેમણે ‘મૉન્ટેસૉરી પદ્ધતિ’, ‘પાઠ આપનારાંઓને’, ‘આ તે શી માથાફોડ ?’, ‘મા-બાપ થવું અઘરું છે’, ‘વાર્તા કહેનારને’ વગેરે પુસ્તકો પણ આપ્યાં છે. આ બધા થકી ગુજરાતમાં બાલકેળવણી અંગે એક વિશાળ મોજું ઉત્પન્ન થયું.
બાલશિક્ષણ અંગે સોળ વર્ષના ભગીરથ કાર્યથી પ્રભાવિત થઈ ગુજરાતની પ્રજાએ ગિજુભાઈનું રૂપિયા 11,000ની થેલી વડે સન્માન કર્યું. રકમ નાની ન હતી. એ વખતના 100 રૂપિયા એટલે આજના 6000થી થોડા વધારે રૂપિયા થાય. સન્માનની બધી રકમ, ગિજુભાઈએ બાળકોના કલ્યાણ અર્થે વાપરવા સંયોજકોને સુપરત કરી. ‘દક્ષિણામૂર્તિ’માંથી છૂટા થયા પછી તેમણે રાજકોટમાં અધ્યાપનમંદિર શરૂ કર્યું. 1939માં ત્રેપન વર્ષની વયે અવસાન થતાં બાલવિદ્યાપીઠ(ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી)ની સ્થાપના, બાલજ્ઞાનકોશની રચના અને આત્મદર્શન આ ત્રણ ઇચ્છાઓ અધૂરી રહી.
‘દિવાસ્વપ્ન’માં ગિજુભાઈએ વાર્તાના માધ્યમથી બાલશિક્ષણનું શાસ્ત્ર અત્યંત રસમય અને અસરકારક રીતે સમજાવ્યું છે. તેની હિંદી, અંગ્રેજી અને અન્ય ભારતીય ભાષાઓમાં આવૃત્તિઓ થઈ છે.
રૂઢિચુસ્ત શિક્ષણપ્રથાના વિરોધી યુવાન શિક્ષક લક્ષ્મીરામ વિદ્યા-અધિકારી પાસે શિક્ષણના પ્રયોગો કરવાની મંજૂરી માગે છે ત્યાંથી વાર્તા શરૂ થાય છે. અધિકારી એમને ચોથા ધોરણનો વર્ગ સોંપે છે. ‘પ્રયોગો ભલે કરો, પણ પરીક્ષા માટે છોકરાઓને તૈયાર કરવા પડશે.’ ‘જરૂર, સાહેબ. મારી વિનંતી છે કે આપ જાતે જ એમની પરીક્ષા લો.’
અને પ્રયોગો શરૂ થાય છે. બે મહિના તો બાળકોને સ્વચ્છતા અને સ્વયંશિસ્ત શીખવામાં જ જાય છે. પણ લક્ષ્મીરામ માબાપોના અવિશ્વાસ અને શિક્ષકોની ઈર્ષા, મજાક અને ઉપેક્ષાનો ભોગ બને છે. પણ હાર્યા વિના બાળકોને વાર્તાઓ, ગીતો અને રમતો દ્વારા ભાષા, વ્યાકરણ, વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, ગણિત અને કલાઓ શીખવે છે. બાળકોને શિક્ષાની બીક વિના, કોઈ ભાર વિના હસતાંરમતાં શીખતા જાય છે અને તેમનામાં સમાનતા, સંપ, ખેલદિલી, ન્યાય, સહકાર જેવાં મૂલ્યો પણ વિકસતાં જાય છે.
લક્ષ્મીરામે રેન્કિંગ સિસ્ટમના બદલે જેને જે આવડતું તે બહાર કાઢવા પ્રોત્સાહન આપ્યું. તેમના વર્ગે કોઈ પૂર્વતૈયારી વિના મેળાવડામાં નાટકો કર્યાં. આ નાટકો જે વાર્તાઓ તેમને ગમતી તેનાં નાટ્યરૂપો હતાં અને તેઓ વર્ગમાં દર અઠવાડિયે વાર્તાઓ ‘ભજવતા’ તેનું પરિણામ હતાં. તેનાથી વિદ્યાર્થીઓની સ્મૃતિ, આત્મવિશ્વાસ, જાહેરમાં પોતાને વ્યકત કરવાની કળા, અભિનય અને ચાતુર્યનો વિકાસ થયો.
એક દિવસ તેમણે તેમના સર્વેક્ષક મિત્રને આમંત્રણ આપ્યું. સર્વેક્ષકે વિદ્યાર્થીઓને વર્ગનું માપ કેવી રીતે લેવાય અને કાગળ પર મકાનની યોજના કેવી રીતે બને તે બતાવ્યું. પછી મોજણીદારની ઓફિસમાં લઈ શેરીઓ, ગામો, જંગલ વિસ્તારો વગેરેનાં નકશા કેવી રીતે બને તે બતાવ્યું. એક દિવસ હાઈસ્કૂલમાંથી દૂરબીન લાવ્યા. છોકરાઓએ દૂરબીનથી બધું જોવામાં આખો દિવસ ગાળ્યો. ગ્રહો અને તારાઓ અવલોકન માટે એક રાત્રે એક ટેલિસ્કોપ પણ લાવ્યા.
વિદ્યાર્થીઓ પુસ્તકો વાંચતાં થયાં હતાં. એક નોટબુકમાં કોણે કયું પુસ્તક વાંચ્યું, કયાં પુસ્તકો વિદ્યાર્થીઓને વધુ ગમ્યાં અને કયાં નહીં તેની નોંધ રાખી હતી. વિદ્યાર્થીઓ એક હસ્તલિખિત સામયિક કાઢતા અને તેમાંની સામગ્રી પણ જાતે જ તૈયાર કરતા. તેઓ જે લખતા તેને ‘સુધારવા’ના પ્રયત્નો ન થતા.
પ્રયોગોની આખી ઘટમાળ બહુ રસપ્રદ છે. વાંચતા જઈએ તેમ પ્રતીતિ થતી આવે કે ત્યારની શાળાઓ ને શિક્ષણપદ્ધતિ અત્યારની શાળાઓ અને શિક્ષણપદ્ધતિ કરતાં ભલે જુદાં હોય, પણ બાળકનો આનંદ, બાળકની સર્જનાત્મકતાનો વિકાસ, શિક્ષણને સરખામણી-હરીફાઈથી મુક્ત મોજ પડે એવી પ્રક્રિયા બનાવવી, એ માટેની મોકળાશ સર્જવી અને શિક્ષકોની એ પ્રકારની માનસિકતા કેળવવી આ બધાની ખૂબ ઉપેક્ષા ત્યારે પણ થતી હતી, અત્યારે પણ થાય છે. કારણ કદાચ એ છે કે આવા પ્રયોગો માટે સિસ્ટમ અને શિક્ષક બન્નેમાં બાળકો પ્રત્યે નિરવધિ પ્રેમ, સર્જનાત્મક પ્રતિભા અને મહેનત કરવાની તૈયારી હોવાં જોઈએ – ક્યાંથી કાઢવાં ?
વર્ષના અંતે વિદ્યાધિકારી ખુશ થઈને શાળામાં પુસ્તકાલય કરવા માટે રકમ આપે છે અને કહે છે, ‘લક્ષ્મીરામના વિદ્યાર્થીઓ ઘણું શીખ્યા છે. વ્યવસ્થિત, તંદુરસ્ત, ચપળ અને આનંદી છે. માબાપોને સંતોષ થયો છે. તેમનો પ્રયોગ સફળ રહ્યો છે. મારા વિચારોમાં પલટો આવ્યો છે. જૂની ઘરેડનો અંત હવે આવવો જોઈએ …’ આ શબ્દો સાથે 112 પાનાનું પુસ્તક પૂરું થાય છે અને વાચક અનોખી પ્રસન્નતા સાથે પોતાનાં ઘરમાં ઉછરતાં બાળકો પ્રત્યે એક નવી દૃષ્ટિ પામે છે.
‘દિવાસ્વપ્ન’ 1932માં લખાયું. તે જ વર્ષે તેનું હિંદી થયું. બાળકોને સ્વતંત્ર વ્યક્તિત્વ છે અને આપણે તેમના તરફ માનભરી દૃષ્ટિએ જોવું જોઈએ એ એમનું બાલશિક્ષક તરીકેનું મુખ્ય વિચારકેન્દ્ર છે. જ્ઞાનકોષોને ઝાઝા ખપમાં લીધા વિના આસપાસની પરિચિત સામગ્રીમાંથી સરળ વાર્તાઓ દ્વારા ગિજુભાઈ બાળકોને તેમના પરિસરમાં આવતી વસ્તુ, સ્થળ, ભાષા વગેરે સાથે સાહજિકતાથી સાંકળતા અને એમને આનંદ આપતાં આપતાં માનસઘડતરનું સુંદર કાર્ય કરતા. એ માટે તેમણે પ્રતિષ્ઠિત રણજિતરામ સુવર્ણચંદ્રક ઉપરાંત કાકાસાહેબ જેવા પાસેથી ‘બાલસાહિત્યના બ્રહ્મા’ જેવી ઉપાધિ પણ મેળવી. આ પુસ્તક ઈ-બુક તરીકે અવેલેબલ છે.
બાલશિક્ષકો અને બાલહિતચિંતકોની પેઢીઓ તૈયાર કરવામાં ગિજુભાઈનું ચિરંજીવ પ્રદાન છે. તેમણે પોતાના જ્ઞાનદીપથી તારાબહેન મોડક, મોંઘીબહેન બધેકા, નર્મદાબહેન રાવળ, ચંદુભાઈ ભટ્ટ, રામનારાયણ નાગરદાસ પાઠક, નરેન્દ્ર બધેકા, વિમુબહેન બધેકા, શેષ નામલે, સોમાભાઈ ભાવસાર, વજુભાઈ દવે, મૂળજીભાઈ ભગત, ભોગીભાઈ પારેખ, સરલાદેવી સારાભાઈ, યશસ્વતીબહેન ભટ્ટ, વીરસૂત મહેતા, કાશીનાથ ત્રિવેદી જેવાં અનેક દીવડાઓ પ્રગટાવ્યા હતા.
બાળક પ્રત્યે સાચા પ્રેમનો એક દીવો આપણા અંતરમાં પણ પ્રગટાવીએ …
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 14 નવેમ્બર 2021