‘સર્વોદય’ શબ્દ, ભલા, આવ્યો ક્યાંથી ?
વિકિપીડિયા અનુસાર, ‘સર્વોદય’ શબ્દ મહાત્મા ગાંધી દ્વારા પ્રયોજવામાં આવ્યો હતો. એનો અર્થ 'દરેકના જીવનની દરેક બાબતની સંપૂર્ણ પ્રગતિ થાય' તેવો છે. ગાંધીના મતે આદર્શ સમાજ કે આદર્શ રાજ્યનું અંતિમ ધ્યેય 'સર્વોદય' છે. જૉન રસ્કિનનું 'અન્ટુ ધિસ લાસ્ટ' પુસ્તક વાંચીને ગાંધીજીએ 'અંત્યોદય'નો ખ્યાલ આપ્યો હતો. આગળ જતાં અંત્યોદયને બદલે 'સર્વોદય' શબ્દ પ્રયોજાયો.
રસ્કિનના ‘અન્ટુ ધિસ લાસ્ટ’ને આધારે મો.ક. ગાંધીએ ‘સર્વોદય’ નામે નાની સરખી ચોપડી આપી છે. નવજીવન દ્વારા 1922માં તેની પહેલી આવૃત્તિ થઈ. એ પહેલાં ‘ઇન્ડિયન ઓપીનિયન’માં આ લખાણ લેવાયું હોય, તેમ બને. ચોપડીની પ્રસ્તાવનામાં, લેખક કહે છે : ‘પશ્ચિમ દેશમાં સાધારણ રીતે એમ માનવામાં આવે છે કે વધારે માણસોનું(મૅજોરિટી)નું સુખ – તેઓનો ઉદય – એ વધારવાનું માણસનું કામ છે. સુખ એટલે માત્ર શારીરિક સુખ, પૈસાટકાનું સુખ, એવો અર્થ કરવામાં આવે છે. એવું સુખ મેળવવામાં નીતિના નિયમોનો ભંગ થાય તેની ખાસ દરકાર કરવામાં આવતી નથી. તેમ જ વધારે માણસોનું સુખ જાળવવું એવો હેતુ રાખ્યો છે, તેથી જો થોડાને દુ:ખ દઈને વધારેને સુખ અપાય તો તેમ કરવામાં હરકત છે એમ પશ્ચિમના લોકો માનતા નથી. એવું માનતા નથી તેનું પરિણામ આપણે પશ્ચિમના બધા મુલકોમાં જોઈએ છીએ.’
ઑગસ્ટ – ડિસેમ્બર 1860ના અરસામાં જ્હોન રસ્કિને ‘અન્ટુ ધિસ લાસ્ટ’ નામક નિબંધો ‘કૉર્નહિલ મેગેઝિન’માં પ્રકાશિત કર્યા. બધુ મળીને એ કુલ ચાર લેખો હતા. પ્રગટ થતા આ લેખો સામે તે દિવસોમાં વાચકોએ ભારે વિરોધ નોંધાવેલો. આમ જોવા જઈએ તો તે ભારે ઊહાપોહ હતો. પરંતુ રસ્કિને તે વિશે ધ્યાન આપ્યા વિના, મે 1862માં તેને પુસ્તકાકારે પ્રગટ કર્યું. ચિત્તરંજન વોરા સરીખા અભ્યાસી કહે છે તેમ રસ્કિને આ ભાતીગળ પુસ્તકમાં ‘અર્થશાસ્ત્ર સંબંધી એક જીવનકલાનો અભિગમ રજૂ’ કરેલો છે. સત્ય-અહિંસાના સર્વોત્તમ પૂજારી, મો.ક. ગાંધીનું ઘડતર કરવામાં આ પુસ્તકનું ભારે મોટું પ્રદાન છે.
છેવાડાની વાત સમજવા સારુ, જોન રસ્કિનકૃત ‘અન્ટુ ધિસ લાસ્ટ’ વાટે, બાઈબલનો સંદર્ભ પણ સમજવો જોઈશે. ઈસુ શિષ્યોને કહે છે કે ઈશ્વરનું રાજ્ય દ્રાક્ષની વાડીની વાર્તા માંહેના એક દ્રષ્ટાન્ત જેવું છે. અને આ ગ્રંથને ગુજરાતીમાં ઉતારનાર ચિત્તરંજન વોરા લખે છે, તેમ આ રસ્કિનકૃત ચોપડીના મથાળાનો ગુજરાતીમાં અર્થ પૂરેપૂરો રજૂ કરવો હોય તો લખવું જોઈએ કે ‘વેતનમાં ન્યાય પામવાનો હક્ક જેટલો પહેલાનો છે, તેટલો જ છેલ્લાનો પણ છે.’
‘હિંદ સ્વરાજ’ને ગાંધીનો મેનિફૅસ્ટો ગણાવતા જાણીતા વિચારક-લેખક-સંપાદક તેમ જ કર્મઠ કર્મશીલ કાન્તિભાઈ શાહે ‘હિંદ સ્વરાજ’ : એક અધ્યયન પુસ્તકમાં લખ્યું છે તે ધ્યાનાર્હ છે :
‘તેવામાં 1904માં એક મોટા સીમાચિહ્ન રૂપ ઘટના બની, જેણે ગાંધીના જીવનમાં ધરમૂળથી પલટો આણી દીધો. ગાંધીની વય ત્યારે 35 વરસની. એકાદ વરસથી એમણે ‘ઇન્ડિયન ઓપીનિયન’ નામનું સાપ્તાહિક શરૂ કરેલું. તે ડરબનથી નીકળતું. આ છાપાના કામ માટે ગાંધીને એક વાર જોહાનિસબર્ગથી ડરબન જવાનું થયું. ચોવીસ કલાકની ટેૃનની મુસાફરી હતી. એમના પરમ અંગ્રેજ મિત્ર મિ. હેન્રી પોલાક સ્ટેશને મૂકવા આવેલા. “આ પુસ્તક રસ્તામાં વાંચી શકાય એવું છે. તે વાંચી જજો. તમને ગમશે.” − એમ કહી એક પુસ્તક એમણે ગાંધીના હાથમાં મૂક્યું.
‘ટેૃન ચાલી. ગાંધીએ પુસ્તક હાથમાં લીધું. એમના જ શબ્દોમાં : “આ પુસ્તકને લીધા પછી હું છોડી જ ન શક્યો. તેણે મને પકડી લીધો. ટેૃન સાંજે ડરબન પહોંચતી હતી. પહોંચ્યા પછી આખી રાત ઊંઘ ન આવી. મેં પુસ્તકમાં સૂચવેલા વિચારો મૂકવાનો ઇરાદો કર્યો.”’
‘આત્મકથા’માં ગાંધીજીએ ‘રાયચંદભાઈ’ પ્રકરણના અંતે લખ્યું જ છે : ‘… મારા જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક મનુષ્યો ત્રણ છે : રાયચંદભાઈએ તેમના જીવનસંસર્ગથી, ટૉલ્સ્ટૉયે તેમના ‘વૈકુંઠ તારા હૃદયમાં છે’ નામના પુસ્તકથી, ને રસ્કિને ‘અન્ટુ ધિસ લાસ્ટ’ – સર્વોદય નામના પુસ્તકથી મને ચકિત કર્યો.’
માર્ચ ૧૯૦૪માં જ્યારે ગાંધીએ રસ્કિનનું પુસ્તક 'અન્ટુ ધિસ લાસ્ટ' પુસ્તક વાંચ્યું, ત્યારે તેના વિશે એમણે પોતાની આત્મકથામાં લખ્યું છે : "આ પુસ્તકને લીધા પછી હું છોડી જ ન શક્યો. તેણે મને પકડી લીધો. પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મૂકવાનો મેં ઇરાદો કર્યો.”
રસ્કિનના આ પુસ્તકમાંથી ગાંધીને નવા દર્શનની પ્રેરણા મળી. આ પુસ્તકના સારરૂપ સર્વોદયના મુખ્ય સિદ્ધાંતો એમણે આ મુજબ સમજાવ્યા છે :
સર્વની ભલાઈમાં આપણી ભલાઈ છે.
વકીલ અને વાળંદ બંનેના કામની કિંમત એકસરખી હોવી જોઈએ કેમ કે સ્વરોજગારી માટે દરેકને એકસરખો અધિકાર મળવો જોઈએ.
સાદું અને પરિશ્રમયુક્ત ખેડૂતનું જીવન જ સાચું જીવન છે.
સર્વોદયનો સિદ્ધાંત એવા વર્ગ, જાતિવિહીન અને શોષણવિહીન સમાજની સ્થાપના કરવા ચાહે છે કે જેમાં દરેક વ્યક્તિ અને સમૂહને, દરેકને પોતાનો સર્વાંગી વિકાસ કરવાનો મોકો મળે. અને એમાં પણ ગરીબોનું સ્થાન વિશેષ છે. ગાંધીએ લખ્યું છે કે મારા સ્વરાજ્યનું સ્વપ્ન એ ગરીબોનું સ્વરાજ્ય છે.
પ્રાધ્યાપક એમ.એલ. દાંતવાલા લખે છે, ‘ગાંધીજીએ ‘અન્ટુ ધિસ લાસ્ટ’ વાંચ્યા પછી અનુભવ્યું તે, એમણે લખ્યું : “આ પુસ્તકના આદર્શ મુજબ મારું જીવન બદલવાનો મેં નિશ્ચય કર્યો … જે થોડાં પુસ્તકો મેં વાંચ્યા છે તેને હું ઠીક પચાવી શક્યો છું, એમ કહી શકાય તેવાં પુસ્તકોમાં જેણે મારી જિંદગીમાં તત્કાળ મહત્ત્વનો રચનાત્મક ફેરફાર કરાવ્યો, એવું તો આ એક જ પુસ્તક કહેવાય.’ … (આત્મકથા, પાન 272) વળી અન્યત્ર એમણે કહ્યું છે : ‘અન્ટુ ધિસ લાસ્ટ’ એ શબ્દોમાં જે આશય છે તેને હું વળગી રહું છું … ‘અન્ટુ ધિસ લાસ્ટ’માં કહેલા સિદ્ધાન્ત પાળવાનું ને તેનો અમલ કરવાનું ખાસ જરૂરી છે, એમ હું માનું છું. તે સિવાય માણસ જાતિ તેના બંધુતા અને સમાનતાનાં ધ્યેયને જીવનમાં ઉતારી શકે નહીં અને આગળ વધી શકે નહીં.”(‘હરિજન, 25 ઑગસ્ટ 1946, પાન 281)
બાઇબલમાં સંત મેથ્યુને નામ એક કંડીકા છે. તે સરસ છે. ચિત્તરંજનભાઈએ તેનું રોચક ગુજરાતી કર્યું છે :
‘ભલા માણસ, હું તને તો કંઈ અન્યાય કરતો નથી,
તેં શું મારી સાથે મહેનતાણાની એક પેની કબૂલી ન હતી ?
તો પછી જેટલું તારું થાય છે તેટલું લઈને તો તારે રસ્તે પડ.
હું તો જેટલું તને તેટલું આ છેલ્લાને પણ આપીશ …’
આમ અહીં છેવાડાના માણસની વાત આવી … ગાંધીએ તદાનુસાર પોતાનું જીવન બદલવાનું રાખ્યું. ‘ઇન્ડિયન ઑપીનિયન’ના સંચાલનમાં ય તેને દાખલ કર્યું. તે સમયે આ જબ્બર ક્રાન્તિકારી પગલું લેખાયું. ડરબન પાસેની ફિનિક્સ વસાહતમાં પણ તે પ્રકારના વિચારને આચરણમાં લાવવામાં આવ્યું. ‘ઇન્ડિયન ઑપીનિયન’માં કામ કરનાર દરેકને વળતર તરીકે એક સરખું વેતન આપવાનું દાખલ થયું. ફિનિક્સ વસાહતમાંના વસવાટીને ય તદાનુસાર વળતર ચૂકવાતું. અને આ પ્રયોગ લાંબા અરસા સુધી કાયમ રહ્યો. જ્હોનિસબર્ગ પાસેની તોસ્લસ્તોય વાડીમાં ય આ પ્રયોગ દાખલ કરાયો હતો.
ગાંધી 1914માં દક્ષિણ આફ્રિકા છોડીને 1915ના આરંભે હિંદ પાછા ફર્યા હતા. તે પછી લાંબા અરસા સુધી તેનું ચલણ ચાલુ હતું. પરંતુ, હવે કદાચ સાપ ગયા અને લિસોટા રહ્યા …
રસ્કિન દીધા છેવાડાના માણસને ધ્યાનમાં લેવાની વાત, કે પછી ‘વૈકુંઠ તારા હૃદયમાં છે’-નો નાદ ગજવનાર ટૉલ્સ્ટૉયની વાત કે વળી ગાંધીએ પ્રબોધેલા સર્વોદયની વાત જગતમાં, ભલા, કેટલે નભી હશે ? માર્ક્સવાદ તેમ જ સમાજવાદની અસર ચોમેર વર્તાવા લાગી તેમાં નીચલા સ્તરના સમાજને આવરી લેવાની વાત જરૂર છે, પણ તે બાબત સર્વોદય બનતી નથી. પશ્ચિમના કંઈકેટલા મુલકોમાં ‘કલ્યાણરાજ’ની કલમો રાજ કરતી ભાળીએ તેમાં ય આ સર્વોદય દેખા દેતો નથી. હા, છેવાડાના માણસની વાત નજર અંદાજ કરાઈ નથી, તેમ જરૂર વર્તાય.
આ પરિસ્થિતિ તપાસી લેવી રહી. પૂછીએ, જાણીએ કે અહીં ક્યાં ય સર્વોદયની ભાળ મળે છે કે ? તેની હાજરી વર્તાય છે કે ?
ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકે, ફિનિક્સ આશ્રમમાં, સર્વોદયની પ્રયોગભૂમિ સંવારવામાં હતા તે દિવસોમાં રશિયામાં લેનિન અને તેના સાથીદારો માર્ક્સ દીધા સામ્યવાદનો પરચમ લહેરાવવામાં વ્યસ્ત હતા. એમના એ આંદોલનમાં ગરીબ માણસની વાત કેન્દ્રસ્થ રહી. 1917માં ત્યાં સામ્યવાદ સ્થપાયો. ચોપાસ વિસ્તર્યો. તેમાં છેવાડાના માણસને જોડ્યો જરૂર હતો, પરંતુ તેમાં રસ્કિન, ગાંધી દીધા સર્વોદયની લગીરે ઝાંખી સુદ્ધાં નહોતી. આ સામ્યવાદના બીજાત્રીજા અવતાર ચીન સમેત કેટલેક ઠેકાણે જોવા મળ્યા છે. પરંતુ તેમાં હિંસાનું આચરણ જોડાયું. શાસકે શાસનને સારુ કોઈ પણ માર્ગ અપનાવવાના રાખ્યા છે. હવે તો રશિયામાં ય સામ્યવાદી શાસન નથી પણ તેના લિસોટા વર્તાય છે.
સામાન્ય માણસની વાતને લઈને પશ્ચિમ યુરોપમાં સમાજવાદની અસર વધવા માંડી, અને તેમના પ્રચાર અને પ્રભાવ હેઠળ ક્યાંક કલ્યાણરાજની ગોઠવણ પણ થઈ. સામાન્ય લોકોની સગવડ કેટલેક અંશે સચવાતી લાગે પણ આ આખું તંત્ર ખર્ચાળ બની બેઠું. વરસેવરસે શાસકો તેમાં કાપ મૂકતા ગયા છે. પરંતુ આમાં પણ ક્યાં ય સર્વોદયની હાજરી વર્તાઈ જાણી નથી.
જેમ સામ્યવાદ નિષ્ફળ રહ્યો છે તેમ મૂડીવાદ પણ નિષ્ફળ રહ્યો છે. ગાંધી દીધા હિંદ સ્વરાજને આધારે તેમ જ આ સર્વોદયના પ્રયોગને આ જગતે જોવો બાકી છે. કમભાગ્યે અત્યારે તો આ સઘળું આ વ્યવહારલક્ષી જગતને ચોક કલ્પનામંડિત રાજ્યવ્યવસ્થાથી વિશેષ કંઈ પણ હોય તેમ અનુભવાતું નથી.
e.mail : vipoolkalyani.opinion@btinternet.com
હેરૉ, 26 જૂન 2021 – 21 જુલાઈ 2021
પ્રગટ : “કોડિયું” ‘સર્વોદય’ વિશેષાંક, જાન્યુઆરી 2022; પૃ. 345-347