આજે પંદરેક દિવસ બાદ અમદાવાદના ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડારમાંથી પુસ્તકો લેવા ગુજરાતી સાહિત્ય પરિષદના પરિસરમાં ગયો. એ વખતે ચોંકી ગયો કે પરિષદના સંકુલના ઓછાંમાં ઓછાં આઠેક વૃક્ષોની બહુ જ ખરાબ રીતે છટણી કરવામાં આવી છે. આ પોસ્ટ સાથે મૂકેલ ફોટો કોલાજ કદાચ તેનો પૂરો અંદાજ ન પણ આપી શકે. પણ પરિષદ પરિસર સાથે પરિચિત સાહિત્યકારો અને સાહિત્યરસિકોને એનો ખ્યાલ આવી શકે.
પરિષદમાં ઘણાં વર્ષોથી આવતાં-જતાં વ્યક્તિ તરીકે મેં પહેલાં થોડાંક જ ઝાડ હોય એવા આ સંકુલને સરસ હરિયાળું થતું જોયું છે. નદીકાંઠો પરિષદને બિલકુલ અડીને હતો ત્યારે અને રિવરફ્રન્ટ બની ગયાં પછી, બંને સમયે બદલાતી મોસમો પરિષદનાં આંગણાંમાં જોઈ છે.
પરિષદના પૂર્વ નિયામક અને વાર્તાકાર રમેશ ર. દવેએ લાગણી, મહેનત અને સમજથી પરિષદનાં પ્રાંગણમાં જાતભાતનાં છોડ વાવ્યાં હતાં. તેમને ઝાડ તરીકે મોટાં થતાં જોયાં છે. કેટલાંક તો પહેલેથી હતાં. પરિષદનાં નદી તરફના ખુલ્લાં પ્રાંગણમાં માટી ઠીક પ્રમાણમાં જળવાઈ છે. રમેશભાઈની સાથે, મારી છાપ પ્રમાણે, રાજેન્દ્રભાઈ પટેલનો પણ પ્રાંગણને – અત્યારની ભાષામાં કહીએ તો – લૅન્ડસ્કેપને રળિયામણું બનાવવામાં ફાળો હતો. વૃક્ષો, હરિયાળી (અને એક સમયે તો પરિષદના પાછલા છેડે આવતાં નદીકાંઠાને કારણે) પરિષદના મકાનના સ્થાપત્યનું ભારેખમપણું ઢંકાઈ જાય છે.
આજે આ લખું છું ત્યારે તાજેતરમાં થયેલી ઝાડ-કટાઈને કારણે પ્રાંગણ સાવ સૂકુંભઠ્ઠ થયું છે એવી અતિશયોક્તિ નહીં કરું. પણ એ તો કહીશ જ કે વૃક્ષોને ઘણું જ નુકસાન થયું છે. ઝાડનાં કપાઈ ગયેલાં થડ પીડાકારક છે. એનો કદાચ જોવાથી જ ખ્યાલ આવી શકે.
મને ઘણાં સવાલો થયા. એમ થયું કે જેની સાથે સંવેદનશીલ, પ્રબુદ્ધ માણસો જોડાયેલાં હોય તેવી આ સંસ્થામાં વૃક્ષોની આ કઈ રીતે બન્યું હશે ? વૃક્ષતોડ રાત્રે થઈ હશે ? રજાને દિવસે થઈ હશે ?
વૃક્ષોને માત્ર છાટવાનું, અથવા ટ્રિમિન્ગ કરવાનું કહેવામાં આવ્યું હશે અને તે ખરાબ રીતે કાપવામાં આવ્યાં હશે ? ટ્રિમિન્ગ માટેની કોઈ શરતો અને તે કામનું સુપરવિઝન નહીં હોય ? ટ્રિમિન્ગની સાથે ઝાડનું સંતુલન, પક્ષીઓનાં માળા, પાંદડાં ફૂટવાની મોસમ, બાગકામની સમજ જેવી ઘણી બધી બાબતો સંકળાયેલી છે, એનો કાપનારને, ટ્રિમિન્ગનો નિર્ણય લેનારને, તેનો અમલ કરાવનારને ખ્યાલ નહીં હોય ?
આમ તો ઝાડને પ્રત્યક્ષ કાપનાર વ્યક્તિ વગદાર હશે એટલે ભર શહેરમાંથી આવી રીતે વૃક્ષોનાં મોટાં થડ કાપીને લઈ જઈ શકે. નાના કઠિયારાઓને તો પોલીસ રોકતી/કનડતી હોય છે. આ ઝાડ આઠ-દસ દિવસો પહેલાં કપાયાં એવી મારી માહિતી સાચી હોય, તો એ પછીના દિવસોમાં કોઈએ પરિષદ સાથે કે અન્યત્ર આ અંગે કંઈ વાત કરી હશે ?
એ પણ સવાલ થાય કે એકંદર સાહિત્યકાર વર્ગ માટે વૃક્ષવનસ્પતિ અને પ્રકૃતિ માત્ર કવિતાઓ કે લલિત નિબંધો લખવા માટે જ છે ? એનાથી આગળ કશું નહીં ? કોઈને બંધબેસતી પાઘડી પહેરવી – પહેરાવવી હોય તો ભલે, પણ મારો કોઈ એવો વ્યક્તિલક્ષી ઇરાદો નથી.
દર્શકને ખેતી શીખવનાર અને ‘વાડી પરનાં વહાલાં’ પુસ્તક લખનાર આપનાર ઇસ્માઇલભાઈ નાગોરીને ક્યાં મૂકશું ? ‘શુડ ગુડ પોએટ મસ્ટ બી અ ગુડ પર્સન ?’ એવી ચર્ચા કે ‘‘દર્શક’ અને મનુભાઈ બંને જુદાં છે, દર્શક થવું કંઈ રેઢું પડ્યું છે ?’ એ મતલબની મનુભાઈ પંચોળીએ કહેલી વાત યાદ કરવાની થાય. પર્યાવરણ રક્ષણ-સંવર્ધનનાં ઉપક્રમો, તેના માટેની લડતો સાથે ઘનિષ્ઠ અને સક્રિય રીતે સંકળાયેલા સાહિત્યકારો આપણે ત્યાં અને બીજે ખરા? કે એમનું કામ માત્ર લખવાનું ? કે એવી અપેક્ષા જ ન રાખી શકાય ? પરિષદમાં કપાયેલાં વૃક્ષોની બાબતે હવે શું કરી શકાય ?
બી.બી.સી.ગુજરાતીમાં 5 જૂન 2021ના રોજ પત્રકાર અર્જુન પરમારે એવી સ્ટોરી કરી છે કે ‘મોદી સરકારમાં પાછલાં પાંચ વર્ષમાં ‘વિકાસ’ના નામે દર મિનિટે ચાર વૃક્ષ કપાયાં’. હમણાં ઉત્તરાયણનાં જ છાપાંમાં સમાચાર હતા કે ભારતના ‘સ્ટેટ ઑફ ફૉરેસ્ટ રિપોર્ટ 2021’ પ્રમાણે ગુજરાતમાં ગયાં બે વર્ષમાં ફૉરેસ્ટ કવરમાં 1,423 ચોરસ કિલોમીટરનો ઘટાડો નોંધાયો છે, અને દેશનાં સાત મેગા-સિટીઝમાં સહુથી વધુ ઝાડ અમદાવાદમાં કપાયાં છે. સ્ટૅચ્યૂ ઓફ યુનિટી માટે વર્ષો જૂનાં વડ સાથેનાં સંખ્યાબંધ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું.
એટલે કોઈને એવો પણ સવાલ થાય કે આટલી બધી જગ્યાએ આટલાં બધાં ઝાડ કપાય છે, (આટલા બધા માણસો મરે છે) ત્યાં નહીં, પણ આ માણસ પરિષદનાં થોડાંક ઝાડની બાબતમાં જ કેમ કચકચ કરે છે ? એનાથી મૃદુહૃદયી સાહિત્યકારોની લાગણી કેટલી બધી દુભાશે ? આ અરણ્યરુદનનો શો અર્થ ?
21 જાન્યુઆરી 2022
તસવીર કોલાજ : નીતિન કાપૂરે
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર