દેશમાં આઈડિયોલોજીકલ સ્પેસ ઉપલબ્ધ છે અને આઈડિયોલોજીકલ સ્પેસ હંમેશાં પોલિટિકલ સ્પેસ પેદા કરતી હોય છે. ભારતમાં પ્રત્યેક બીજી વ્યક્તિને કાયદાના રાજવાળું, બંધારણીય, સહિયારું, સેક્યુલર, વિકાસલક્ષી, ઊર્ધ્વગામી ભારત જોઈએ છે. તેને ખબર છે કે આવું ભારત સમાજની અંદર કોમી તિરાડો પાડીને ન રચી શકાય, ઊલટું તેને કારણે નુકસાન થાય. કોમવાદી રાજકારણ દ્વારા કેટલીક વ્યક્તિને, વગ ધરાવનાર પ્રજાસમૂહોને, સંગઠનોને કે રાજકીય પક્ષોને સત્તાકીય ફાયદો થાય, દેશના સકળ સમાજને કોઈ ફાયદો ન થાય. એ તો ઇતિહાસ અને અનુભવ બન્ને સાક્ષી પૂરે છે કે સમાજમાં જ્યારે અમન હોય, એકતા હોય, સહયોગ હોય ત્યારે જ જે તે સમાજે વિકાસ હાંસિલ કર્યો છે, અશાંતિ અને વિખવાદની સ્થિતિમાં નહીં.
માટે મારું હિત, મારા પરિવારનું હિત, મારી આવનારી પેઢીઓનું હિત, સમાજનું હિત અને એકંદરે દેશનું હિત ઉપર કહ્યું એવું કાયદાના રાજવાળું, બંધારણીય, સહિયારું, સેક્યુલર, વિકાસલક્ષી, ઊર્ધ્વગામી ભારતમાં છે. આ આઈડિયોલોજીકલ સ્પેસ છે જેને ભારતની અડધોઅડધ પ્રજા સ્વીકારે છે, સવાલ માત્ર એટલો જ છે કે આઈડિયોલોજીકલ સ્પેસને પોલિટિકલ સ્પેસમાં કઈ રીતે પરિવર્તિત કરવી? ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા એ પછી તેમણે આ આઈડિયોલોજીકલ સ્પેસને પોલિટિકલ સ્પેસમાં ફેરવી આપી હતી. કાઁગ્રેસે અને કાઁગ્રેસના મોટા ભાગના નેતાઓએ તેને સ્વીકારી હતી. કેટલાક કાઁગ્રેસી નેતાઓ (જેની સંખ્યા અલબત્ત ઘણી મોટી હતી.) જેઓ અંદરથી હિંદુ હતા તેઓ થોડીક અસ્વસ્થતા અનુભવતા હતા, પરંતુ તેમને પણ એટલી વાત તો સમજાઈ ગઈ હતી કે એકંદરે પ્રજાકીય સંપ વગર દેશને આઝાદી મળી શકે એમ નથી. બીજું, તેઓ ભણેલાગણેલા હતા, દુનિયાને જોઈ હતી અને ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો એટલે તેઓ એ જાણતા હતા કે કોઈ પણ દેશમાં બહુમતી પ્રજાનું હિત પણ કાયદાના રાજમાં જ જળવાય છે. માથાભારેપણામાં બે ઘડી વિકૃત આનંદ મળતો હોય છે એટલું જ, એ માર્ગ સુખાકારી તરફ નથી લઈ જતો. માટે તેમણે અંદરથી હિંદુ ઝોક હોવા છતાં ઉપર કહ્યું એવા ભારતની કલ્પના સ્વીકારી લીધી હતી.
આ સિવાય તેમને એ વાતની પણ જાણ હતી કે ગાંધીજીનો અને ગાંધીજીની કલ્પનાનાં ભારતનો સ્વીકાર કર્યા વિના તેમની પાસે કોઈ છૂટકો નથી. પોતાની અંગત મહત્ત્વાકાંક્ષા ગાંધીના માર્ગે અને ગાંધીની આંગળી પકડીને જ પૂરી કરી શકાય એમ છે. એ સમયે કાઁગ્રેસમાં એવા ઘણાં નેતાઓ હતા જે ઢોંગી હિંદુ હતા, ઢોંગી કાઁગ્રેસી હતા અને ઢોંગી ગાંધીવાદી હતા. પણ સવાલ એ નથી, સવાલ એ છે કે એ સમયે ગાંધીજીએ આઈડિયોલોજીકલ સ્પેસને પોલિટિકલ સ્પેસનું એવું તે કેવું સ્વરૂપ આપ્યું હશે કે આખા દેશે એ સ્પેસ અપનાવી લીધી? એટલે સુધી કે મહત્ત્વાકાંક્ષી હિંદુ નેતાઓએ પણ ઢોંગ કરવો પડતો હતો.
આ આઈડિયોલોજીકલ સ્પેસ આજે પણ એટલાને એટલાં પ્રમાણમાં કાયમ છે અને હિંદુ રાષ્ટ્રની કલ્પના કે હિંદુ રાષ્ટ્રનું જોખમ સામે આવ્યા પછી અનુભવે વધારે પરિપક્વ અને દ્રઢ બની છે. ગાંધી અને નેહરુના યુગમાં સેક્યુલર હિંદુઓ જેટલા સેક્યુલર નહોતા એટલા આજે છે. ઉપર કહ્યું એવું ભારત હોવું જોઈએ એમ ત્યારે લાગતું હતું એ અત્યારે હોવું જ જોઈએ એમ તેમને લાગે છે. તેમને એ પણ જાણ છે કે રાજકીય પક્ષોએ અને રાજકીય નેતાઓએ આઝાદી પછીનાં ચૂંટણીકીય/સત્તાકીય સંસદીય રાજકારણમાં જે તે વર્ગવિશેષને તેના મત સારુ લાડ લડાવીને એકંદરે આઈડિયોલોજીકલ સ્પેસને નુકસાન પહોંચાડ્યું છે. આમ દેશનાં વિવેકી નાગરિકોને એ વાતની પણ જાણ છે કે ભૂલ ક્યાં થઈ છે. ટૂંકમાં સંસદીય રાજકારણના અનુભવનું ભાથું પણ સાથે છે.
એકંદરે જુઓ તો સ્થિતિ અનુકૂળ છે. આઈડિયોલોજીકલ સ્પેસ ઉપલબ્ધ પણ છે અને અડધોઅડધ ભારતીય પ્રજામાં સ્વીકૃત પણ છે. પણ તેને પોલિટિકલ સ્પેસમાં પરિવર્તિત કરી શકે એવું કોણ છે? સ્થિતિ નિરાશાજનક છે, પણ ગયા સપ્તાહના લેખમાં કહ્યું હતું એમ શૂન્યાવકાશ ભરાવા માટે જ પેદા થતો હોય છે. જરૂરિયાત હંમેશાં પૂરી થવા માટે જ પેદા થતી હોય છે. પ્રજાના એક વર્ગે હિન્દુત્વવાદીઓને આવકાર્યા કારણ કે તે તેમની જરૂરિયાત હતી. પરાજીત હિંદુની જગ્યાએ માથાભારે હિંદુનો ચહેરો જોવાની સદીઓ જૂની વાસના પૂરી થાય એ હિંદુઓની જરૂરિયાત હતી.
પણ માથાભારે હિંદુ અને શક્તિશાળી હિંદુ એ બે જુદી સ્થિતિ છે. શક્તિશાળી હિંદુ પણ ઉપર કહ્યું એવું કાયદાના રાજવાળું, બંધારણીય, સહિયારું, સેક્યુલર, વિકાસલક્ષી, ઊર્ધ્વગામી ભારતમાં જ પેદા થઈ શકે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 જાન્યુઆરી 2022