સ્પોકન વર્ડના બેતાજ બાદશાહ ગિજુભાઈ વ્યાસ
નોકરીને છેલ્લે દિવસે સરકારી મોટરને બદલે ઓટોરિક્ષામાંથી ઊતર્યા ગિજુભાઈ
ખુલાસો સાંભળતાં વેંત ઇન્દિરા ગાંધીએ કહ્યું : ફરગેટ ઇટ
બુધવાર, ૧૯૮૦ના એપ્રિલ મહિનાનો છેલ્લો દિવસ. સરકારી રહેઠાણોના વિસ્તારમાં આવેલો એક આલિશાન બંગલો. અમે પાંચ-સાત મિત્રો તે દિવસે સાંજે ત્યાં ભેગાં થયેલાં. રોજ સાંજે સફેદ ચકચકતી એમ્બેસડર મોટર આવીને પોર્ચમાં ઊભી રહે. શોફર ઉતરીને મોટરનું બારણું ખોલે અને સૂટેડ-બૂટેડ સાહેબ ઊતરે. સફેદ યુનિફોર્મ પર લાલ મોટા પટ્ટાવાળો ‘ચોપદાર’ સાહેબની પાછળ ઊતરે. એના હાથમાં હોય સાહેબની કાળી બ્રીફકેસ. એક નક્કી કરેલી જગ્યાએ એ મૂકીને નમનતાઈથી ઊભો રહે. સાહેબ ઈશારો કરે એટલે સલામ કરી ચાલતો થાય.
આ બંગલો મુંબઈનો નહિ, દિલ્હીનો. દેશના DGDDનો બંગલો. એટલે કે ડિરેક્ટર જનરલ, દૂરદર્શનનો. પણ એ સાંજે અમે જે જોયું તે જોઈ બે ઘડી તો ડઘાઈ ગયાં. સફેદ સરકારી મોટરને બદલે એક કાળી ઓટોરિક્ષા આવીને ઊભી રહી. એમાંથી ઊતર્યા ગિરજાશંકર વ્યાસ. એ સાંજે જ સરકારી હોદ્દા પરથી નિવૃત્ત થયેલા. સરકારી નિયમ પ્રમાણે તો એ સાંજે સરકારી મોટર એમને ઘરે મૂકવા આવે. બીજા દિવસથી બંધ. પણ વ્યાસસાહેબે વિચાર્યું કે આવતી કાલથી તો સરકારી મોટર નથી જ આવવાની. તો આજની સાંજથી જ ઓટોરિક્ષાની ટેવ કેમ ન પાડવી? ૧૯૪૩માં ઓલ ઇન્ડિયા રેડિયોના મુંબઈ સ્ટેશન પર ટ્રાન્સમિશન અસિસ્ટન્ટ તરીકે જોડાયા ત્યારે તો ઘરથી રેડિયો સ્ટેશન ચાલતા જતા જ ને, બસ-ટ્રામની ટિકિટના પૈસા બચાવવા. હવે બીજું કાંઈ નહિ તો ય રિક્ષા તો પોસાય એમ છે.
ગિજુભાઈ વ્યાસ
ટ્રાન્સમિશન અસિસ્ટન્ટ એટલે રેડિયોની નોકરીની નિસરણીનું લગભગ સૌથી નીચેનું પગથિયું. આપબળે ‘મારે એક ડગલું બસ થાય’ કરતાં નિસરણી ચડીને સર્વોચ્ચ પદે પહોંચ્યા. ટેલીવિઝનની શરૂઆત થઈ ત્યારે રેડિયો અને ટેલીવિઝન જોડાયેલા હતા. પછી ટેલીવિઝન – દૂરદર્શન – અલગ થયું. તેના પહેલવહેલા ગુજરાતી ડિરેક્ટર જનરલ તે ગિરજાશંકરભાઈ. એ વખતે સરકારી દૂરદર્શન એ એકમાત્ર ટીવી ચેનલ. બીજી ખાનગી અને પરદેશી ચેનલોને હજી સરકારે દેશમાં છૂટ આપી નહોતી. એટલે દૂરદર્શન અને એના વડાનો દબદબો અને મોભો ઘણો. પણ સાપ કાંચળી ઉતારે તેમ એ બધું ઉતારીને એ સાંજે ગિરજાશંકરભાઈ આમઆદમી બની ઓટોરિક્ષામાં ઘરે આવ્યા. આ ગિરજાશંકરભાઈ એટલે બીજું કોઈ નહિ પણ સ્પોકન વર્ડના બેતાજ બાદશાહ ગિજુભાઈ વ્યાસ.
૧૯૨૨ના એપ્રિલની ૨૩મી તારીખે જન્મ. એ જમાનાના માણસનો જન્મ કાં બ્રિટિશ ઇન્ડિયામાં થયો હોય, કાં કોઈ દેશી રજવાડામાં. પણ ગિજુભાઈનો જન્મ આ બેમાંથી એકેમાં નહિ! તો? એ વખતે જ્યાં પોર્ટુગીઝ સરકારનું રાજ હતું તે દીવ બંદરે તેમનો જન્મ. એટલે એમનું બર્થ સર્ટિફિકેટ પણ પોર્ટુગીઝમાં, અને એમાં નામ લખેલું ગિરજાશંકર. પણ પછી કુટુંબ મુંબઈ આવ્યું. ગિજુભાઈ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણી બી.એ. થયા. આગળ ભણવાની હોંશ હતી. પણ એ જ વખતે પિતાને ધંધામાં ભારે ખોટ ગઈ. પોતાનાં આશા-અરમાનનો વીંટો વાળીને ગિજુભાઈએ લીધી નોકરી, ‘માતૃભૂમિ’ નામના ગુજરાતી અખબારમાં. પગાર રોજનો રૂપિયા બે! રજાના દિવસનો પગાર નહિ! પણ થોડા વખત પછી શેઠ-તંત્રી સાથે ઝગડો થતાં ઘણા પત્રકારો એક સાથે છૂટા થયા. નોકરી છોડી ગિજુભાઈ સીધા ગયા રેડિયો સ્ટેશન પર ચંદ્રવદન મહેતા પાસે. સી.સી. પહેલાં તો એમને નજીકની એમ.જી. કાફેમાં લઈ ગયા. બંને જમ્યા. એ જ રાતે સી.સી.નું નાટક ‘મહાકાલ રાત્રી’ રેડિયો પર ભજવાયું તેમાં ગિજુભાઈએ ભાગ લીધો. તેના મળ્યા રોકડા રૂપિયા પાંચ. બીજી નોકરી શામળદાસ ગાંધીના ‘વન્દેમાતરમ્’ દૈનિકમાં.
વિક્ટર પરનજોતિ
પછી ૧૯૪૩માં જોડાયા ઓલ ઇન્ડિયા રેડિયોના મુંબઈ સ્ટેશન પર ટ્રાન્સમિશન અસિસ્ટન્ટ તરીકે. ૧૯૪૮ના જાન્યુઆરીની ૩૦મીની સાંજ. ગિજુભાઈ રેડિયોની ફરજ પર. ત્યાં એક ઓળખીતા વેપારીનો ફોન. ગાંધીજીની હત્યાના સમાચાર આપ્યા. ગિજુભાઈ રીતસર દોડતા ગયા સ્ટેશન ડિરેક્ટર વિક્ટર પરનજોતિના ઘરે. પછીથી પરનજોતિએ નોકરી છોડી વેસ્ટર્ન મ્યુઝિકના ક્ષેત્રે ઘણી નામના મેળવેલી. પહેલેથી જ સરકારે એવી ગોઠવણ કરેલી કે જે મકાનમાં રેડિયોનાં ઓફિસ-સ્ટુડિયો આવેલાં એ જ મકાનમાં સ્ટેશન ડિરેક્ટરનો ફ્લેટ. બધી વાત સાંભળીને સાહેબે પૂછ્યું : ‘અત્યારે કયા કાર્યક્રમ ચાલે છે?’ ‘એ ચેનલ પર ઉર્દૂમાં બાળકો માટેનો કાર્યક્રમ, બી ચેનલ પર કન્નડમાં સમાચાર શરૂ થવાની તૈયારીમાં છે.’ ‘બંને પ્રોગ્રામ રોકીને સમાચાર ફ્લેશ કરો.’ કર્યા ગિજુભાઈએ. પણ શાબાશીને બદલે દિલ્હીના સાહેબો તો રાતાચોળ! દિલ્હી સ્ટેશન કરતાં પહેલાં તમે કેમ સમાચાર આપી દીધા? લાગતાવળગતાને ઠપકો, અને સાથે તાકીદ કે હવે પછી આવી ભૂલ ફરી થશે તો …
શ્રીમતી ઇન્દિરા ગાંધી વડા પ્રધાન હતાં તે વખતની બે વાત, ગિજુભાઈએ કહેલી : પંડિત જવાહરલાલ નેહરુના અવસાન પછી રેડિયોનાં બધાં કેન્દ્રો પરથી તેમનાં પુસ્તકોમાંથી પઠનનો કાર્યક્રમ શરૂ થયેલો. એ વખતે ગિજુભાઈ અમદાવાદના સ્ટેશન ડિરેક્ટર. પઠનની જવાબદારી પણ પોતે જ સંભાળી. કોઈ અદકપાંસળી પત્રકારે ઈન્દિરાજીને ફરિયાદ કરી કે આ કાર્યક્રમમાં તો નેહરુના અવાજની નકલ કરી તેમના ચાળા પાડવામાં આવે છે! થોડા દિવસ પછી કોઈ કારણસર ઈન્દિરાજીની અમદાવાદની મુલાકાત નક્કી થઈ. એ વખતે ગિજુભાઈ રજા લઈને મુંબઈ આવેલા. કોઈ મિત્રે ખબર પહોંચાડ્યા એટલે તરત પાછા અમદાવાદ. ઈન્દિરાજી રેડિયો સ્ટેશનની મુલાકાતે આવ્યાં ત્યારે તો વાત કરવાની તક મળી નહિ. બીજે દિવસે હતું બેસતું વરસ. ત્યારે એવો રિવાજ કે રાજ્ય અને કેન્દ્ર સરકારના બધા ઉચ્ચ અધિકારીઓનું સ્નેહમિલન મુખ્ય મંત્રીને ઘરે સવારે યોજાય. તેમાં ઈન્દિરાજી પણ હાજર. ગિજુભાઈએ વાત કરવાની તક મેળવી લીધી. પણ હજી તો અડધી વાત સાંભળી ત્યાં જ ઈન્દિરાજી બોલ્યાં : ‘મિસ્ટર વ્યાસ, ફરગેટ ઇટ.
’
ઓલ ઇન્ડિયા રેડિયો – આકાશવાણીનો લોગો
એક વખત કોઈ અતિ ઉત્સાહી અમલદારને વિચાર આવ્યો કે ઓલ ઇન્ડિયા રેડિયોનો સિગ્નેચર ટયૂન બહુ જૂનો થઈ ગયો છે. વળી એમાં પશ્ચિમી સંગીતની અસર છે. એટલે ભારતીય સંગીત પર આધારિત નવો ટયૂન બનાવી વાપરવો જોઈએ. આવો ટયૂન બનાવવા માટે પંડિત રવિશંકર કરતાં વધુ યોગ્ય વ્યક્તિ બીજી કોણ હોઈ શકે? પંડિતજી સાથે વાટાઘાટ થઈ. તેમણે વાત સ્વીકારી, પણ કહ્યું કે મહેબૂબ સ્ટુડિયો બૂક કરો તો ત્યાં રેકોર્ડિંગ કરીએ, કોઈ રેડિયો સ્ટેશન પર નહિ. ‘સારે જહાં સે અચ્છા’ પર આધારિત નવો ટયૂન તૈયાર થયો. નવા અને જૂના ટયૂનનું રેકોર્ડિંગ ઇન્દિરાજીને મોકલાયું, તેમની મંજૂરી માટે. બંને સાંભળ્યા પછી ઈન્દિરાજીએ કહ્યું : ‘પંડિત રવિશંકરે બનાવેલો ટયૂન ઉત્તમ જ છે. પણ જૂનો ટયૂન એ આકાશવાણીની ઓળખ બની ગયો છે. હું નાનપણથી એ જ સાંભળતી આવી છું. દેશ-પરદેશમાં એ સાંભળતાં જ સૌ સમજી જાય છે કે આ ઓલ ઇન્ડિયા રેડિયોનું કોઈ સ્ટેશન છે. એટલે એ તો બદલાય નહિ. પંડિત રવિશંકરે તૈયાર કરેલો ટયૂન હવેથી દૂરદર્શને વાપરવો.
બીજી એક વાત : ગિજુભાઈ દૂરદર્શનના ડિરેક્ટર જનરલ નિમાયા ત્યારે કેટલાક લોકોમાં ગૂસપૂસ ચાલેલી કે એ તો ગુજરાતી વડા પ્રધાનની મહેરબાનીનું પરિણામ! પણ હકીકત હતી સાવ ઊલટી. કેબિનેટ કમિટી સુધીનાં બધાં પગથિયે ગિજુભાઈના નામની ભલામણ થયેલી. પણ વડા પ્રધાન મોરારજીભાઈએ ભલામણ રોકીને આકાશવાણી અને દૂરદર્શનના ડિરેક્ટર જનરલનો વધારાનો કાર્યભાર ઉપાડવા માહિતી મંત્રાલયના સેક્રેટરીને જણાવ્યું!
પણ પછી મોરારજીભાઈ ગયા અને ચૌધરી ચરણસિંહ વડા પ્રધાન થયા. હવે, એવો રિવાજ કે દરેક ખાતાના સર્વોચ્ચ અધિકારી નવા વડા પ્રધાનને મળવા આવીને પોતાના વિભાગની કામગીરીનો પરિચય આપે. બે-ત્રણ દિવસ પછી ચૌધરી ચરણસિંહે પોતાના સેક્રેટરીને પૂછ્યું : ‘બીજા બધા મળવા આવી ગયા, રેડિયો અને ટેલીવિઝનમાંથી કોઈ આવ્યું નથી, એમ કેમ?’ સેક્રેટરી કહે કે ‘ત્યાં કોઈ વડાની નિમણૂંક જ થઈ નથી.’ ‘તો કામ કેવી રીતે ચાલે છે?’ ‘માહિતી ખાતાના સેક્રેટરી પાસે વધારાનો ચાર્જ છે.’ ‘તો હમણાં જ બોલાવો એમને.’ આવ્યા એટલે પૂછ્યું : ‘આવાં ત્રણ ત્રણ મોટાં મહેકમનાં કામ એકલે હાથે કઈ રીતે કરો છો?’ ‘ના, ના. રેડિયો અને ટીવીનું કામ તો ત્યાંના બે સિનિયર અધિકારીઓ સંભાળે છે. હું તો કોક વાર આંટો મારું છું.’ વડા પ્રધાને તરત પોતાના સેક્રેટરીને પૂછ્યું : ‘આવી બે મહત્ત્વની જગ્યાએ કોઈની નિમણૂંક કેમ કરી નથી?’ ‘બીજી બધી પ્રક્રિયા તો પૂરી થઈ ગઈ છે, પણ આગલા વડા પ્રધાને ફાઈલ પર સહી કરી નહિ એટલે …’ ‘લાવો અત્યારે જ એ ફાઈલ.’ અને ચૌધરી ચરણસિંહે સહી કરી અને ગિજુભાઈ બન્યા DGDD.
દૂરદર્શનને ૬૦ વરસ પૂરાં થયાં ત્યારે બહાર પડેલી ટપાલ ટિકિટ
બ્રોડકાસ્ટિંગ ક્ષેત્રે ગિજુભાઇના ફ્રેન્ડ, ફિલોસોફર, ગાઈડ જેવા ચંદ્રવદન મહેતાએ કહ્યું છે : ‘પ્રોગ્રામ આસિસ્ટન્ટથી શરૂ કરનારા કૈંક ગુજરાતી ભાઈઓ આવી ગયા, એમાં એક ગિજુભાઈ વ્યાસ. ધીમે ધીમે આ માધ્યમને પૂરેપૂરું સમજી તો લીધું, પણ સાથે સુશીલ, શાંત સ્વભાવને કારણે ડાયરેક્ટર જનરલનો હોદ્દો પણ સર કર્યો. એમાં એની કૂનેહ, ઝીણી સમજદારી, બધા સાથે સમભાવપૂર્વક વર્તન, એવા એવા સ્વભાવનાં કેટલાંક સુંદર તત્ત્વો એમનામાં વિકસ્યાં, અને એમને પણ કામ લાગ્યાં. પ્રોગ્રામ આસિસ્ટન્ટથી ડાયરેક્ટર જનરલની ખુરસી પર બેસે નહિ એ પહેલાં ગુજરાતી એમ પાયરી ચઢવામાં એમની સામે હરીફાઈ, ઈર્ષા, બીજાની લાગવગો નથી નડયાં એમ નથી. ઘણા અંતરાયો આવ્યા, પણ એમણે ધીરજથી પસાર કર્યા. એક નાના પદથી સૌથી મોટા ઉચ્ચ શિખરના પદ પર પહોંચનારા એક ગુજરાતી તરીકે ગિજુભાઈને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે.’
*
ખાસ નોંધ :
આ લખનારે ૧૯૯૪માં આકાશવાણીના મુંબઈ કેન્દ્ર માટે ગિજુભાઈની લગભગ છ કલાક લાંબી મુલાકાત રેકોર્ડ કરી હતી. ત્રણ શનિવારે થયેલા રેકોર્ડિંગને બાર ભાગમાં વહેંચીને આકાશવાણી મુંબઈએ પોતાની યુટ્યૂબ ચેનલ પર મૂકી છે. એ જોવાથી ગિજુભાઈ વિષેની બીજી ઘણી રસપ્રદ વાતો જાણવા મળશે.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 22 જાન્યુઆરી 2022