આપણે આખી દુનિયાના દુઃખો દૂર કદાચ ન કરી શકીએ, પણ બધા મળી કોઈ એક પરિવારને તો દુઃખમુક્ત કરી શકીએ, એવા વિચારથી પ્રેરાઈને એક વિદ્યાર્થી મિત્ર રામની વ્યથા કથા આપની સમક્ષ મુકું છું.
રામ રાપરની સરકારી કોલેજમાં છેલ્લા વર્ષમાં ભણે છે. કૉલેજમાં અભ્યાસ ઉપરાંત અન્ય બાબતોમાં પણ હંમેશાં આગળ રહે. એમને ભણવામાં વધુ અનુકૂળતા રહે એ માટે છેલ્લા વર્ષનો અભ્યાસ તેઓ નીલપર ગ્રામ સ્વરાજ સંઘના પરિસરમાં રહીને ભણે એવું ગોઠવ્યું છે. મુકતાબહેન અને નકુલભાઈનાં અનન્ય સહયોગ થકી આ થઈ શક્યું છે. ખૂબ સરસ વાંચતા ને વિચારતા, લખતા રામને ઘણી વાર ઉદાસ જોઉં ત્યારે સહજ પૂછી લઉં કે, ‘દોસ્ત, બધું બરાબર તો છે ને ?' ‘એ…હા, સાહેબ, કહીને એ મારાથી તો કેટલુંક છુપાવી લે પણ એમની આંખો ને ચહેરાના ભાવ કઈ રીતે છુપાવવા એ હજુ એમને નથી આવડતું. ગઈકાલે હું અમદાવાદથી નીકળું એ પહેલાં અબ્દુલનો ફોન આવે છે ને કહે છે કે, ‘સાહેબ, રામને સાંજે એક ફોન આવ્યો છે ને ત્યારથી બહુ ટેન્શનમાં છે. મેં જરા સાંભળી લીધું કે એમના બાપા તાત્કાલિક સાઈઠ હજાર રૂપિયાની વ્યવસ્થા કરવાની વાત કરતા હતા. કોઈ લેણદાર ઘરે આવીને કડક ઉઘરાણી કરે છે. મેં ત્યારે તો એને ધરપત આપી. પૈસાની વ્યવસ્થા માટે ચક્રો ગતિમાન કર્યા, પણ મને ખબર હતી કે આ એક જ દબાણ નહોતું. આવું તો ઘણું ઘણું હતું. સવારથી સાંજ રામના ઉદાસ ચહેરાને જોયા કર્યું. છેક સાંજે ચાલવા જવાના બહાને એમની સાથે બહાર નીકળ્યો ને ત્યારે અંદરથી ભરાઈ ગયેલા રામે જે આપકથા કરી તે સાંભળીને પગ તળે જમીન જ ખસી ગઈ.
રામે વાત માંડતા કહ્યું કે, 'આમ તો અમારો પરિવાર નાનકડી બાપીકી જમીનમાં થતી નાનકડી પેદાશથી પોતાનું ગુજરાન ચલાવતું. બહુ ઝાઝી જરૂરિયાતો પણ નહિ, એટલે સુખરૂપ બધું ચાલ્યા કરે. પણ વર્ષ ૨૦૧૫-૧૬નાં વર્ષોથી એક પછી એક એવી વિટંબણાઓ આવતી ગઈ કે રામનો પરિવાર વધુને વધુ આ ગર્તામાં ડૂબતો ગયો. એક બે વર્ષ ચોમાસું બહુ નબળું આવ્યું. જીરું કે અન્ય કોઈ પાક કરી મહામહેનતે એને ઉછેરે ને પાણીના અભાવે પાક નિષ્ફળ જાય. એ જ અરસામાં રામની મોટી ત્રણ બહેનોના ક્રમમાં લગ્ન લેવાયા. ઘરમાં દોકડાં ન હોય ને પ્રસંગ આવીને ઊભો રહે ત્યારે ગામડાંના લોકોને એક જ રસ્તો દેખાય, ઉછીના પૈસા લઈ લઈએ. જમીન પર લોન આસાનીથી મળે. એમ કરતાં કરતાં ત્રણેય દીકરીઓના લગ્ન અને લગ્ન પછીનાં આણાના પ્રસંગો ટૂંકે લાંબે નિપટાવ્યા. પછીના વર્ષે ખર્ચાને ને દેવાને પહોંચી વળવા પોતાના ઉપરાંત બીજાના ખેતરોમાં પણ ભાગે જીરું કર્યું. પણ કુદરતને હજુ વધુ કસોટી લેવી હતી. એ વર્ષે જાણે બધું બરાબર થઈ જશે એવી આશા બંધાયેલી. વર્ષ નબળું જ રહ્યું. દૂરથી નર્મદાનાં પાણી મેળવવા મથામણ કરી. બે વખત પાણી મળ્યું ને આશા વધુ દૃઢ થઈ, પણ અચાનક જ ત્રીજું ને ચોથું પાણી મળતું બંધ થયું ને બધી આશાઓ પર પાણી ફરી વળ્યું. બધું સરખું કરવા ખેડેલું જોખમ વળી માથે પડ્યું ને બોજ વધતો ગયો.
એમાં અધૂરામાં પૂરું રામના માતાજીને પેરેલિસીસનો જબરદસ્ત એટેક આવ્યો. રાપર આસપાસ પ્રાથમિક સારવારથી આગળની સારવાર ન મળે, એટલે એમને દવા માટે પાટણ લઈ જવાયાં ને કર્ણના રથના પૈડાની જેમ આ પરિવારના રથનું પૈડું પણ વધુ ઊંડું ઊતરતું ગયું. બાની દવા ચાલુ જ રાખવાની છે. દર મહિને બે હજારની દવા થાય. આવકનું સાધન તો એક વરસાદ આધારિત ખેતી જ. દસેક જણના પરિવારને ખાવા પીવા પણ કંઈક તો જોઈએ ને ! બીજા ખર્ચની તો વાત જ ક્યાં કરવી ! ખાવા-પીવાની વાત નીકળતાં રામ કહે કે, ‘સાહેબ, અમારા ઘરમાં ઘઉં તો બહુ ખવાય જ નહિ કેમ કે એમાં મોણ માટે પણ તેલ જોઈએ ને ! બાજરીના રોટલા બારે માસ ખાઈએ, ચપટી મીઠું ને પાણીથી રોટલા ઘડાઈ જાય ને કારમી મજૂરી પછી પેટ પણ રોટલાથી જ ભરાય. કોઈ માંદુ પડે તો ઘઉંની રોટલી બને એ તો ઉજાણી. શાકમાં પણ મોટે ભાગે છાશમાંથી બનાવેલી કઢી કે લસણની ચટણી જ હોય. ચોમાસે ખેતરમાં થોડું બકાલું કરીએ એટલે લીલું શાક ખાવા મળે. બાકી છાશ રોટલો ખાઈને સંતોષ માની લઈએ. ખોટા એકપણ રૂપિયાનો ખરચ પોષાય નહિ.
લકવા પછી બા ખેતરે જઈ ન શકે. બાપુજીની ઉંમર ઘણી મોટી (૭૫ વર્ષ) ને ટ્રેકટર પરથી પડી જતાં કમરમાં થયેલી ઈજાના કારણે કામ ઓછું થઈ શકે. તોયે બે માણસ હાથ પગ હલાવ્યા કરે ને ખાડાને પુરવાની મથામણ કરતાં રહે. એ દરમિયાન મોટા ભાભીને ડિલિવરી આવી ને એમાં પણ થોડી મુશ્કેલી આવતાં પાટણ લઈ જવા પડ્યાં ને વળી પચાસેક હજારનો ખર્ચો. કોરોનાકાળમાં બાની દવા લેવા પાટણ જવું હોય તો ગાડીથી જ જવું પડે એવું હતું. બા તો પોતાનાં દર્દને પ્રાધાન્ય શેના આપે, એટલે એમણે દવા થઈ રહી છે એવું કહ્યું જ નહિ ને જેમ તેમ ચલાવ્યા કર્યું, એમાં તકલીફ વધી એટલે વળી બીજો ખર્ચો.
આવા બધા ખર્ચમાં કોઈ બચત તો હોય નહીં એટલે દર વખતે પૈસા વ્યાજે લેવા પડે. કોઈ પરિચિત ઓછા ટકાએ પૈસા આપે તો કોઈ વધુ એમ કરતાં કરતાં ચારેક લાખ ઉપરનું દેવું થઈ ગયું છે ને બેંકનું તો વળી અલગ જ, જેનું વ્યાજ પણ આ પરિવાર વરસની કમાણીમાંથી માંડ ભરી શકે છે. વરસ નબળું જાય તો વળી બે વરસનું ભેગું વ્યાજ ભરે ને ન ભરાય તો મુદ્દલ વધતી જાય.
આવી સ્થિતિમાં રામને ને એના નાનાભાઈને આ પરિવાર ભણાવે છે, એ બહુ મોટી વાત કહેવાય. એક ભાઈ તો કાચી ઉંમરે મુંબઈ જઈને કામ કરે છે ને એક પણ રૂપિયો વધારાનો ખર્ચ્યા વિના આ વ્યાજના લેણા ભરે છે. મોટાભાઈ, ભાભી ને તેમની ત્રણ રૂપકડી દીકરીઓ જીવનના કોઈપણ પ્રકારના આનંદ લીધા વિના આ દેવામાંથી મુક્ત થવા મથી રહ્યાં છે. ૭૫મેં વર્ષે બાપાને એક જ ચિંતા છે કે મારો પરિવાર આ વ્યાજ ને દેવાની ચૂંગાલમાંથી ક્યારે બહાર નીકળશે ?
હમણાં અમે રામના ઘરે ગયેલા ત્યારે અમારા માટે એમણે ખીર બનાવેલી. ગાય વિયાંએલી એટલે ખીરમાં દૂધ તો હતું પણ ખાંડ ન્હોતી ! અથવા માત્ર ચા જેટલી જ હશે કદાચ ! રામના બા મને પૂછતાં હતાં, ‘સાહેબ, આ રામનું ભણવાનું કે'દી પૂરું થાશે ને એ કે'દી કમાતો થશે ?' આમ તો રામ ભણવાના જ નહોતા. પણ એ જે વર્ષે ભણવા આવ્યા, તે વરસ નબળું ગયું એટલે ખેતરે કામ ન હોવાને લીધે ભણવા આવતા થયા ને પછી તો ભણવાનું ગમવા લાગ્યું ને અમારો અનુબંધ વધતો ચાલ્યો ને તેમને આગળ ભણવાની ઈચ્છા જન્મી. ભવિષ્યમાં એક હોનહાર અધ્યાપક ને એક સારા લેખક ને વક્તા બની શકવાની ત્રેવડ જેમાં છે, એવા રામને અધવચ્ચે મુંબઈ સાત આઠ હજારમાં નોકરીએ ચડતો કેમ જોઈ શકાય ? એક વાર તો એ મુબઈ જતા પણ રહેલા. કુદરત તેમને પાછા લઈ આવી. આ રામના પરિવારને જે બોજ સતાવી રહ્યો છે એમાંથી થોડું વજન પણ જો આપણે ઓછું કરી શકીએ, તો આ આખા પરિવારને મોટી રાહત થઈ પડશે !
મારાથી બન્યું તે મેં કર્યું, હજુ કરીશ પણ બોજનો ગોવર્ધન બહુ મોટો છે એટલે ટેકણ લાકડી બનવા માટે આપ સૌને આ ટહેલ નાખી છે. સો, બસો, પાંચસોથી માંડીને જે આપ મદદ કરી શકો તો આ એક ખેડૂત પરિવાર અંધકારની ગર્તામાંથી બહાર આવી શકે. આપ સહેજ પણ ભાર રાખ્યા વિના શક્ય હોય તો મદદરૂપ થશો. કશું જ ન થઈ શકે તો પ્રાર્થના જરૂર કરજો કે કોઈનાં હૃદયે રામ વસે ને આ રામના દુઃખ દૂર થાય ! આપ કહેશો તો રામની બેન્ક ડિટેલ મોકલી આપીશ. આપ સીધા એમના ખાતામાં રકમ જમા કરાવી શકશો. આપના મિત્રો સ્વજનોને પણ આ યજ્ઞમાં જોડશો તો રામને ટેકો થશે.
આપણે જે અન્ન આરોગીએ છીએ, એ આવા જ કોઈ ખેડૂતની મહેનતનું પરિણામ હશે. એ ઋણ ચૂકવવા એક ખેડૂત પરિવારની વહારે આપ સૌ આવશો એવી શ્રદ્ધા છે.
સાંભળ્યું છે કે રામના નામે પથ્થર તરે છે, રામનું નામ જો પથ્થરને તારી શકે તો જીવતરના ભારને પણ દૂર કરી જ શકશે એવા અતૂટ વિશ્વાસ સાથે ….
સૌનું મંગળ હો … સૌનું કલ્યાણ હો …
લિ.
એક વિદ્યાર્થીના દુઃખ દૂર કરવા મથતો એક નાનકડો શિક્ષક રમજાન હસણિયા
e.mail : ramjanhasaniya@gmail.com