ભારત આધ્યાત્મિક ભૂમિ કહેવાય છે અને આ આધ્યાત્મિકતાએ વિશ્વ પર પણ અસર કરી છે. આધ્યાત્મવિશ્વમાં અરવિંઘ ઘોષ ચમકતો સિતારો રહ્યા છે, અને હાલમાં તેમની દોઢસોમી જયંતી ઊજવાઈ રહી છે. તેમનો જન્મ 1872માં 15 ઑગસ્ટના રોજ કોલકતામાં થયો હતો. અરવિંદના પિતા કૃષ્ણાધૂન ઘોષ સિવિલ સર્જન હતા અને તેમની માતા સ્વર્ણલતા દેવી જાણીતાં બ્રહ્મસમાજી રાજનારાયણ ઘોષની દીકરી હતાં. અરવિંદનું પ્રાથમિક શિક્ષણ દાર્જિલિંગમાં થયું. પિતા કૃષ્ણાધૂન ઘોષને ‘ઇન્ડિયન સિવિલ સર્વિસ’ પ્રત્યે આકર્ષણ હતું, અને અરવિંદ સહિત ત્રણેય દીકરા આ સર્વિસમાં જાય તેવી તેમની આકાંક્ષા હતી. આ આકાંક્ષાને પૂર્ણ કરવા ઘોષ પરિવાર 1879માં ઇંગ્લેન્ડમાં જઈ વસ્યું. તે પછી અરવિંદનું ઘણું ખરું શિક્ષણ પાદરી ડબલ્યુ.એચ. ડ્રેવેડના દેખરેખ હેઠળ થયું. આ રીતે લંડનમાં સારામાં સારું શિક્ષણ લઈને યુવાન અરવિંદ ઘોષે ‘ઇન્ડિયન સિવિલ સર્વિસ’ની પરીક્ષા પાસ કરી. જો કે અરવિંદને આ સર્વિસમાં જોડાવવાની કોઈ ઇચ્છા નહોતી, પરંતુ તેઓ બડોદા સ્ટેટ સર્વિસમાં જોડાવા હિંદુસ્તાન પાછા ફર્યા.
વડોદરા આવ્યા બાદ તેમણે હિંદુસ્તાન જોયું-જાણ્યું અને તેઓ સિવિલ સર્વિસ સાથે અન્ય ક્ષેત્રોમાં પણ કેળવેલાં રસની પ્રવૃત્તિમાં હિસ્સો લેવા લાગ્યા. તેમણે કવિતાઓ લખી અને લેખો લખ્યાં. તે પછી તેઓ આઝાદીના ચળવળમાં જોડાયા અને ‘વંદે માતરમ્’ અખબારના ચીફ એડિટર બન્યા. 1907માં તેમણે કૉંગ્રેસના અધિવેશનમાં ભાગ લીધો હતો અને તિલકની આગેવાની હેઠળ નરમપંથીઓ કૉંગ્રેસીઓ સામે નારાજગી દર્શાવી. કૉંગ્રેસના રાષ્ટ્રવાદી જૂથને મજબૂત કરવા દેશભરમાં પ્રવાસો કર્યા. જો કે 1908માં તેમની અલીપોર બોમ્બ કેસમાં ધરપકડ થઈ. પછીથી તેમનો ઝોક અધ્યાત્મ તરફ થતો ગયો અને 1910માં તો તેઓ તેમના કાયમી નિવાસ બનેલા પોન્ડિચેરીમાં સ્થાયી થયા. કહેવાય છે કે બ્રિટિશરોની ગુપ્ત પોલીસ હંમેશાં અરવિંદની પ્રવૃત્તિ પર નજર રાખતી રહી. અરવિંદ ઘોષના જીવનની આ ટૂંકી સફર છે. આ સફરમાં તેમના આધ્યાત્મિક વિચાર ઘડાતા ગયા, અને પરિણામે અરવિંદદર્શન ઘડાયું. અરવિંદદર્શનની આ ખ્યાતિ દેશમાં જ નહીં, વિદેશમાં પણ પહોંચી અને અનેક જાણીતી હસ્તીઓએ તેમનું માર્ગદર્શન મેળવ્યું. દેશના વિખ્યાત વકીલ નાની પાલખીવાલા પણ તેમનાથી પ્રભાવિત હતા, અને તેમણે ‘અમે ભારતના લોકો’ પુસ્તકમાં તેમના વિશે આપેલા વક્તવ્યને શબ્દબદ્ધ કરવામાં આવ્યું છે. આ વક્તવ્યમાં અરવિંદના કેટલાક વિચારો હાલમાં પણ પ્રસ્તુત લાગે છે. નાની પાલખીવાલાએ ઑલ ઇન્ડિયા રેડિયો પર ‘આજના સંદર્ભમાં શ્રી અરવિંદની વિચારધારા’ રજૂ કર્યું હતું. આ વક્તવ્ય અરવિંદની વિચારધારાને સંક્ષિપ્તમાં સમજવા અર્થે ઉપયોગી થાય એવું છે.
આજની વર્તમાન સ્થિતિ સંદર્ભે અરવિંદની વિચારયાત્રા વધુ સકારાત્મક લાગી શકે તેવી તેમણે કલ્પના કરી છે. નાની પાલખીવાલા લખે છે કે, “એમણે[અરવિંદ] ભવિષ્યમાં વિશ્વનું એવું સંગઠન જોયું જેમાં માણસને વધુ ન્યાયી, ઉલ્લાસમય અને ઉમદા જીવન મળે. માનવીય વિશ્વને એકતા આવી રહી છે, એ ગતિમાન થઈ છે. … એકતા કુદરતની જરૂરિયાત અને અનિવાર્ય હિલચાલ છે. રાષ્ટ્રો માટે પણ એની જરૂરિયાત સ્પષ્ટ છે, કેમ કે એના વગર કોઈ પણ ક્ષણે નાના રાષ્ટ્રોની સ્વતંત્રતા ભયમાં છે અને મોટાં તેમ જ શક્તિશાળી રાષ્ટ્રોમાં પણ જીવન બિનસલામત છે.” અરવિંદ દ્વારા અભિવ્યક્ત આ મુદ્દો અત્યારે યુક્રેન અને રશિયાના વિવાદના સંદર્ભે જોઈ શકાય, જેમાં યુક્રેનની સ્વતંત્રતા ભયમાં છે અને આ પૂરા મુદ્દામાં રશિયા-અમેરિકા આમનેસામને આવ્યા.
એ રીતે સરકારના આદર્શ અંગે અરવિંદે પોતાના વિચારો રજૂ કર્યા હતા અને તે આ પ્રમાણે હતા : “સરકાર લોકો માટે છે. એણે સ્થિરતા અને વિકાસ આપવાં જોઈએ. એકતા અને સહકારથી સ્થિરતા તથા મુક્ત વ્યક્તિગત વિકાસથી રાષ્ટ્રીય વિકાસ સાધી શકાય. નિઃસ્વાર્થ, નિરભિમાની, સંપૂર્ણપણે પ્રામાણિક અને શક્તિશાળી વ્યક્તિઓ દ્વારા સરકાર ચાલવી જોઈએ. એમની વફાદારી સમગ્ર રાષ્ટ્ર પ્રત્યે હોય, પક્ષના નહીં પણ સમગ્ર રાષ્ટ્રના હિત માટે એમણે કામ કરવું જોઈએ.” અરવિંદ દ્વારા સરકાર માટે આ આદર્શ વાસ્તવિકતામાં ક્યાં ય નજરે ચઢતા નથી. સરકાર ચલાવનાર વ્યક્તિઓમાં જે ગુણ અરવિંદ અપેક્ષિત રાખે છે તેની જમીની હકીકત નિરાશાજનક છે.
અરવિંદે આદર્શ તો રજૂ કર્યો હતો, પણ સાથે સામાન્ય રાજકારણનું તેમણે રજૂ કરેલ ચિત્ર વેધક હતું. તેમણે કહ્યું છે : “વિશ્વના કોઈ પણ ભાગમાં વર્તમાન રાજકારણી લોકોના આત્મા કે આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરતો નથી. સામાન્ય રીતે એ પોતાની સંકુચિતતા, સ્વાર્થ, અભિમાન અને છેતરપિંડીનું જ પ્રતિનિધિત્વ કરે છે. આ બધાનું સરસ પ્રતિનિધિત્વ કરવા ઉપરાંત એ માનસિક બિનકાર્યક્ષમતા, નૈતિક રૂઢિચુસ્તતા, નિર્બળતા અને આડંબરનું પ્રતિનિધિત્વ કરે છે. એની સામે ઘણી વાર મહાન પ્રશ્નો નિર્ણયો માટે આવે છે. પણ એ એમને મહાન રીતે ઉકેલતા નથી. એને હોઠે ઊંચા શબ્દો તથા ઉમદા વિચારો હોય છે ખરા, પણ બહુ જલદી એ પક્ષની પોપટવાણી બની જાય છે. આધુનિક રાજકીય જીવનની બીમારી અને એનો દંભ વિશ્વના દરેક રાષ્ટ્રમાં મોજૂદ છે. આ બનાવટમાં બૌદ્ધિક વર્ગ સહિત બધાની વશીકરણ પ્રેરિત સંમતિ જ બીમારીને છુપાવે છે અને લાંબી ચલાવે છે. આ સંમતિને કારણે જ માણસ પ્રત્યેક આદતી વસ્તુને વશ થાય છે અને એમના જીવનના વર્તમાન સંજોગો સર્જે છે. આમ છતાં આવાં જ મનના માણસોથી બધાનું હિત નક્કી થાય છે, આવા જ હાથમાં એ સોંપવું પડે છે, આવી રાજ્ય નામની સંસ્થા પર જ વ્યક્તિએ પોતાની પ્રવૃત્તિનું નિયમને વધુ ને વધુ છોડવું પડે છે.”
અરવિંદ રાજકારણમાંથી આધ્યાત્મિકતા તરફ વળી ગયા છે પણ તેમની સમજણ પાક્કી છે. ‘આધુનિક રાજકીય જીવનની બીમારી અને એનો દંભ’ તેમણે મૂકી આપીને આગળ કહ્યું છે કે, “ખરેખર તો આમાં બધાનું સૌથી વધુ હિત સધાતું નથી પણ આ વ્યવસ્થિત આંધળૂકિયા અને દુષ્ટતામાં જે સારા અંશ રહેલા છે એથી જ ખરો વિકાસ થાય છે. કુદરત હંમેશાં ગોટાળાઓની વચ્ચે પણ આગળ વધે છે અને અંતમાં માણસની અપૂર્ણ મનોવૃત્તિને કારણે નહીં પણ એની સામે થઈને પોતાના લક્ષ્ય સિદ્ધ કરે છે.” અરવિંદના દર્શનશાસ્ત્રની આ ઊંચાઈ છે, જેમાં તે અંતે કુદરતના મુકામને મૂકે છે.
નાની પાલખીવાલા તો અરવિંદના લખાણોના ચાહક છે અને તે તો એટલે સુધી ભલામણ કરે છે કે તે લખાણોમાં ડહાપણના શબ્દો ટપકે છે અને તે દરેક શાળા અને કૉલેજમાં શીખવવા જોઈએ. અને તેમ કહેવાનું કારણ કે રાષ્ટ્રીય શિક્ષણ વિશે પણ તેમણે કરેલું મંથન નાની પાલખીવાલાએ રજૂ કર્યું છે. અરવિંદ રાષ્ટ્રીય શિક્ષણ વિશે કહે છે : “સમાજે કેવળ સફળતા, કારકિર્દી અને પૈસાને જ મહત્ત્વ આપવાની ના પાડવી જરૂરી છે. એને બદલે આત્મા સાથેના સંપર્કથી વિદ્યાર્થીનો પૂર્ણ અને ખરો વિકાસ થાય તેની ઉપર, તેમ જ શરીર, જીવ અને મનમાં રહેલા આત્માના સત્યના વિકલ્પ અને આવિષ્કાર ઉપર ભાર મૂકવો જોઈએ. આ સર્વોપરી જરૂરિયાત છે.” અરવિંદ શિક્ષણની આ દર્શાવેલી જરૂરિયાતથી અત્યારે બિલકુલ વિપરીત માર્ગે શિક્ષણ જઈ રહ્યું છે. અવળા માર્ગે થઈ રહેલાં શિક્ષણનાં કારણો ઘણાં છે તેમાંનું એક મીડિયા છે અને તે વિશે પણ અરવિંદે એમ કહ્યું છે કે, “સંપૂર્ણતાનો આદર્શ ફેલાવવા માટે સિનેમા, ટેલિવિઝન, પુસ્તકો, ફોટોગ્રાફ અને સામયિકો જેવાં સંદેશાવ્યવહારનાં આધુનિક સાધનોનો પૂરો અને ડહાપણયુક્ત વપરાશ થવો જોઈએ.” હવે આપણે સૌ જાણીએ છીએ કે મીડિયામાં આવી રહેલા કન્ટેન્ટમાં ભાગ્યે જ ડહાપણ વપરાયું હોય. અને તેઓ શિક્ષણ માટે જે સૌથી આવશ્યક માને છે તે છે : “ભારતની યુવા પેઢીએ વિચાર કરતાં શીખવું જોઈએ. બધા જ વિષયો, સ્વતંત્રપણે, ઉપયોગી રીતે, સપાટી પર અટકવાને બદલે ઊંડાણમાં જઈને, કોઈ જાતના બંધન વગર તીક્ષ્ણ તલવારથી ભ્રામક દલીલો અને પૂર્વગ્રહોને વાઢી નાખીને અને ભીમની ગદાથી તમામ જાતની રૂઢિચુસ્તતાને તોડી નાખીને વિચાર કરતાં શીખવું જોઈએ.”
અરવિંદના જન્મની આ દોઢસોમી જયંતીના પ્રસંગે આ તેમના વિચારોની ઝલક માત્ર છે. અરવિંદના વિચારયાત્રાના પરિચયમાં આવનારે તેમની આ યાત્રા અદ્ભુત અને શાશ્વત્ ગણાવે છે.
e.mail : kirankapure@gmail.com