યુ.પી.માં ત્રણ ચરણની ચૂંટણી પૂરી થતાં જ વિસ્ફોટ થયો છે! લગભગ બધા જ સર્વેમાં યુ.પી.માં ભા.જ.પ.ની જીત પ્રત્યે શંકા સેવાઈ રહી છે. રાષ્ટ્રીય સ્તરે ૨૦૧૭માં ઉત્તર પ્રદેશમાં આમ જનતાએ સવા ત્રણસો બેઠકો આપી હતી! ત્યાં આજે પરિસ્થિતિ એવી થઈ છે કે ક્રિકેટની ભાષામાં કહીએ તો ભા.જ.પ. 'ડિફેન્સીવ’ રમી રહ્યું છે. કોરોનામાં ઑક્સિજન-દવાનો અભાવ, ગંગાનું શબવાહિની બનવું, પરીક્ષાના ગોટાળા, હાથરસમાં બળાત્કાર પીડિતાને મધરાતે બાળી દેવી, લખીમપુરમાં મંત્રીપુત્ર દ્વારા કિસાનો પર કાર ફરી વળવી અને કિસાનોની હત્યા થવી, હજ્જારો કિસાનો પર કેસ થવા – આ બધું જાણે પાપનો ઘડો ભરાયો હોય એમ ઊભરાયું છે.
સ્વભાવતઃ જ આક્રમક ભા.જ.પ. આક્રમક બનવા જાય છે ત્યાં હારની ગભરાટમાં લોચા મરાઈ જાય છે! યોગીનું ૮૦, ૨૦નું સૂત્ર હિંદુ-મુસ્લિમ સૂચવાતું હતું, પરંતુ એમને ફેરવી તોળવું પડ્યું કે વિકાસતરફી અને વિરોધી માટે બોલેલા! આ એક પ્રકારનાં ગલ્લાં-તલ્લાં છે. ટી. રાજાસિંહે ખુલ્લી સભામાં કહ્યું એમ બુલડોઝર મંગાવી રાખ્યાં છે, જે લોકો યોગીબાબાને વોટ નહીં આપે એ વિસ્તારમાં અમે બુલડોઝર ફેરવીશું. આમ, યોગીબાબા બુલડોઝરબાબા બની ગયા! અમદાવાદમાં આતંકીઓએ બૉમ્બબ્લાસ્ટમાં સાઇકલો વાપરેલી તેથી જેનું ચૂંટણીચિહ્ન સાઇકલ છે એ સમાજવાદી પક્ષનો દોરીસંચાર હોવો એમ કહેવું વડા પ્રધાનશ્રી મોદીજી માટે શોભાસ્પદ નથી! થોડાક દિવસ પહેલાં ખેડૂત આતંકવાદી હતો, હવે સાઇકલવાળા. મનમોહનસિંહે આ અર્થમાં જ કહ્યું કે તમે આવ્યા પછી પ્રજા સદ્ભાવ ઓછો થતો જાય છે. યોગીજી અને એમની નિકટ ગણાતા રણવેન્દ્રસિંહ (ધૂનીભૈયા) કહે છે કે ઊંચો અવાજ કાનમાં આવ્યો તો ૧૧ માર્ચ પછી વિપક્ષની ગરમી કાઢી નાંખશું – એ પણ ઘમંડી વિધાન છે. આ ધૂનીભૈયા હો કે મયંકેશ્વરસિંહ (અમેઠી-તિલોઈ) ધારાસભ્યો છે. એમની ભાષા સાંભળીને થાય છે કે ગુંડાગીરીની વાત ભા.જ.પ. કરી શકે? મયંકેશ્વરસિંહ કહે છે, 'હિંદુસ્તાનનો હિંદુ એક વાર જાગી ગયો ને તો દાઢી ખેંચી પાછળ ચોટલી બનાવી દેશે! હિંદુસ્તાનમેં રહેના હો તો રાધે રાધે કહેના હોગા. વિભાજન વખતે પાકિસ્તાન ગયા હતા એમ ચાલ્યા જાવ!’ વળી આ બધા રત્નો યોગીજીના નિકટતમ સાથીઓ ગણાય છે. ફરેંદાના ધારાસભ્યના ઉમેદવાર બજરંગ બહાદુર, યોગીના નિકટતમ. એમણે જાહેર સભામાં કહ્યું, ગયા વખતે ૭૩,૦૦૦ મત ભા.જ.પ. સિવાયનાને મળ્યા છે એ આ વખતે બન્યું તો હું ચૂપ નહીં રહું. સબકા સાથ મિલના ચાહિયે વરના સબકો વિકાસ (દૂબે) બના દેગે! પ્રજાને આમ ધમકાવવાથી કંઈ નહીં વળે, ડર કે આગે જીત હૈ એ પ્રજા જાણે છે. આનો પ્રભાવ એવો પડ્યો છે કે કાર્યકર્તાઓમાં આત્મવિશ્વાસ ઘટી જાય છે. ચૂંટણી સભામાં ખાલી ખુરશીઓ છે. નિયત ચૂંટણી સભાઓ ભા.જ.પે. રદ્દ કરવી પડી છે. રોડ શોમાં અમિત શાહ ગુસ્સે થાય છે, સ્મૃતિ ઈરાની રોડ શો છોડીને ચાલ્યાં જાય છે. હજુ બંગાળની કળ વળી નથી ત્યાં આ પડ્યા ઉપર પાટુ સમાન છે. અમે રામને લાવ્યા છીએ, હવે તમે અમને લાવો એમ કહેવું કેટલું અપમાનજનક છે. પ્રજાની સ્મૃતિ અને હૃદયમાં સદીઓથી રામ અંકિત છે. ભા.જ.પ.ના આ વિધાનની અસર પણ બૂમરેંગ થઈ છે.
હમણાં જ દીકરાના પ્રચારમાં કરહલ વિસ્તારમાં મુલાયમસિંહ આવ્યા એટલે અમિત શાહે કહ્યું કે – 'હારના ભયથી સમાજવાદીપક્ષે મુલાયમસિંહને લાવવાની ફરજ પડી.’ અરે! ભાઈ કરહલથી લડતા અખિલેશ એમના દીકરા છે. શું રાજનાથસિંહ દીકરાનો પ્રચાર નોઇડામાં નથી કરતા? બીજું, વિસ્તાર જ મુલાયમસિંહનો સંસદીય વિસ્તાર છે. હકીકતે તો આવાં વિધાનોમાં જ પરાજયનો પડછાયો વાંચી શકાય. આ વખતનું અને ૨૦૧૭નું પોસ્ટર જ જુઓ ત્યારે ખબર પડે કે ભા.જ.પ.માં આંતરકલહ પણ છે.
૨૦૧૭માં રાજનાથસિંહ, અમિત શાહ, યોગી, મોદી, સ્મૃતિ ઈરાની પોસ્ટરમાં હતા. આજે કેવળ મોદી-યોગી જ છે! રાજનાથસિંહ કે જેઓ યુ.પી.ના મુખ્ય મંત્રી હતા એમને ચૂંટણીમાં લગભગ ગેરહાજર રખાયા છે!
રામમંદિર સાથે યોગી કાયમ ન જોડાઇ જાય એવી ભીતિથી ભા.જ.પ.ની અંદરથી જ યોગીજીને અયોધ્યાના બદલે ગોરખપુર ખસેડવામાં આવ્યા હોય એવી શંકા પડે. જેમણે નગરપાલિકાનો પણ વહીવટ નથી કર્યો એવા યોગીજી સીધા મુખ્ય મંત્રી બન્યા ત્યારે આ વાત કહીને જ અમિત શાહે ટીકા કરી હતી. જેમણે અમિત શાહના દીકરા જય માટે BCCIમાં એમના મોટા ભાઈ હોઈને જોગવાઈ કરી આપી એ અનુરાગ ઠાકુર યુપીની ચૂંટણીમાં સર્વત્ર નજરે પડે છે.
રાજ્યનું ૭૦% બજેટ ન વાપરી શકનાર યોગીજી બિનકાર્યક્ષમ છે એ પ્રજામાં પુરવાર થઈ ગયું. જે દલિત-જાટ વોટથી ૨૦૧૭માં ભા.જ.પ.માં ચૂંટાયેલા એ જાટ, દલિત, બ્રાહ્મણો હવે એમનાથી ભાગી રહ્યા છે. હિંદુ-મુસ્લિમનું ધ્રુવીકરણ મુઝ્ફ્ફરનગરની ૨૦૧૩ની ઘટના પછી કારગર નીવડેલું એ આજે નજરે પડતું નથી. સમાજવાદી પક્ષે યાદવાસ્થળી અટકાવીને સર્વસમાવેશી નીતિ અપનાવી એ એમને લાભદાયી નીવડી રહી છે. જે સમાજવાદી પક્ષ પર મોદી-યોગી-શાહ 'ગુંડાગરદી’, 'તમંચાવાદી’ આક્ષેપ કરે છે એ લોકો NCBના રિપોર્ટ વાંચતા જ નથી! કેન્દ્ર સરકારના રિપોર્ટમાં જ, અમિત શાહના ગૃહમંત્રાલયના આંકડા જ ગુનાખોરી વધી છે તે બતાવે છે! બારમા પછી ઇન્ટરમાં લૅપટૉપ જેવાં હસ્યાસ્પદ વિધાનો ચાણક્ય કરી રહ્યા છે.
શિવરાજસિંહ ચૌહાણ, વસુંધરા રાજે, નીતિન ગડકરી, રાજનાથસિંહને મોદી-શાહની જોડીએ હાંસિયામાં ધકેલી દીધાં છે. આ જ ક્રમમાં ભાવિ વડા પ્રધાન ગણાતા યોગી અદિત્યનાથનો વારો છે એવું લાગે! ભા.જ.પ. જીતે કે ન જીતે, યોગી સ્થાનભ્રષ્ટ થશે એમાં કોઈ શંકા નથી. વારંવાર અમિત શાહ યોગીજીનો પ્રશાસનિક અનુભવ શૂન્ય છે એમ કહેતા હતા. એ બધાનો સરવાળો ૧૦મી માર્ચ પછી થશે. પહેલાં મોદીજી કપડાંથી બધાને ઓળખી જતા, હવે સાઇકલ ચલાવવાવાળાને ઓળખી ગયા છે. હકીકત એ છે કે પ્રજા દેશ ચલાવવાવાળાને ઓળખી ગઈ છે. અહીં તો અમે બે, અમારાં બે-નો ઘાટ છે. અદાણી, અંબાણી, મોદી અને અમિત શાહ. આ એકહથ્થુપણાની નીતિને યુ.પી.ના મતદારોએ પડકારી છે એટલું નક્કી. યુ.પી.માં એકાએક પીચે ટર્ન લઈ લીધો છે એટલે ખેલાડીઓ નાસીપાસ થયા છે. પાંચ રાજ્યોનાં પરિણામો ક્યાંક ભા.જ.પ.ની ગરમી ઉતારી નાંખે તો નવાઈ નહીં!
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2022; પૃ. 06