‘ઇંડિયન એક્સપ્રેસ’ના જાણીતાં પત્રકાર લીના મિશ્રાએ મોટી પાનેલીની મુલાકાત લઈને મહમ્મદ અલી ઝીણાને યાદ કર્યા છે. પોરબંદરથી લગભગ 95 કિલોમીટર દૂર ઉપલેટા તાલુકામાં આવેલ મોટી પાનેલીના આઝાદ ચોકની નજીક, એક સાંકડી ગલીમાં, ઉભેલું ઝીણાબાપાનું 108 વર્ષ જૂનું બે મજલી ઘર હજુ આજે પણ અડીખમ ઊભું છે. જો કે એમાં થોડુંક સમારકામ – રિનોવેશન થયું હોય એવું લાગે છે. કાઠિયાવાડમાં ત્યારે અટક બહુ ઓછી બોલાતી. ઝીણાભાઇ પૂંજાભાઈને લોકો માત્ર ઝીણા પૂંજા (એક વ્યાપારી પેઢી) તરીકે જ ઓળખતા. હા, ઝીણાભાઇ આપણાં કાયદે આઝમ મહમ્મદઅલી જીનાહના પિતાજી હતા. લોહાણા (ઠક્કર) હતા. વેપારના વિકાસ અર્થે ત્યારે કાઠિયાવાડના અનેક વેપારીઓ માતૃભૂમિ છોડીને મુંબઈ અને કરાચી જઈને વસેલા. ઝીણા બાપા એમાના એક હતા, જેઓ પણ ધંધાના વિકાસાર્થે કરાંચી પહોંચેલા.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) દ્વારા તાજેતરમાં ‘અખિલ ભારતીય પ્રતિનિધિ સભા’ નામક એક પ્રદર્શન યોજાયેલું, જેમાં ગુજરાતની 200 મહત્ત્વની વ્યક્તિઓમાં મહમ્મદઅલી જીનાહનું નામ – છબી જોવા મળેલ. છબીની નીચે લખેલું હતું, “A Barrister who was initially a staunch patriot, later the creater of India’s partision on basis of religion.” (પ્રારંભમાં એક દેશભક્ત, અને પછીથી ધર્મના નામે રાષ્ટ્રને બે ભાગમાં વિભાજિત કરાવનાર બેરિસ્ટર.) ‘ઇંડિયન એક્સપ્રેસ’માં આ ફોટો અને લખાણ વિશેના સમાચાર પ્રસિદ્ધ થયા બાદ આ છબી હટાવી લેવામાં આવેલી. જીનાહના ગુજરાતી મૂળ અને કૂળ એ એક માત્ર ફૂટનોટ છે, બાકી, એ સમયે ગુજરાતનાં અનેક વ્યાપારી પરિવારો મુંબઈ અને કરાચી બંદરે પહોંચેલા. એમના વ્યાપાર ધંધા માટે આ બે બંદરો ખૂબ મહત્ત્વના હતા. ઝીણાભાઇ એક સાથે ઘણી બધી વસ્તુઓના વેપારમાં માહિર હતા. કપાસ, ઊન, તેલીબિયાં, ચર્મ વ્યાપાર, વગેરે. સ્ટેનલી વોલપર્ટ એની કિતાબ ‘In Jinah of Pakistan: a biography of the leader’માં જણાવે છે, તેમ, એમનો ધંધો એટલો બધો ફૂલ્યો-ફાલ્યો કે બસ, નફો નફો જ મળતો રહ્યો, પરિણામે ઝીણબાપાએ મોટા પાયે નાણાં ધીરધારનો ધંધો શરૂ કર્યો. (જો કે ઇસ્લામમાં વ્યાજ–વટાવ નિષેધ છે).
મહમ્મદ અલીના દાદા, અને ઝીણા બાપાના પિતાજી, પૂંજા ભાઈ ઠક્કર વિષે એક વાયકા એ પણ છે કે એમણે અન્ય ચીજ વસ્તુઓના વેપાર સાથે મચ્છી વેચવાની પણ શરૂઆત કરેલી. ચુસ્ત વૈષ્ણવ સમાજનો દીકરો મત્સ્ય ઉદ્યોગમાં ઝુકાવે, એ વાત જાણીને સમગ્ર લોહાણા સમાજે એનો પ્રતિરોધ કર્યો. છેવટે સમાજના ત્રાસથી કંટાળીને પૂંજાભાઇએ ઇસ્લામ(ઇસ્લામ ધર્મના એક પેટા પંથ ખોજા)નો અંગીકાર કર્યો. આગાખાન સાહેબના અનુયાયીઓ મોટે ભાગે હિન્દુ નામો રાખતા હોય છે.
ઝીણાભાઇ અને મીઠીબાઈનાં સાત સંતાનોમાં મામદ (મહમ્મદ) પ્રથમ સંતાન હતા. પાકિસ્તાનમાં ડિસેમ્બર 25(1876)ને રાષ્ટ્ર પિતાના જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ, પરંતુ મહમ્મદે જ્યાં સૌ પ્રથમ એકડો ઘૂંટેલો એ કરાચીના એક મદરેસાના રેકોર્ડ મુજબ તો મહમ્મદઅલી ઝીણભાઇનો જન્મ દિવસ ઓક્ટોબર 20, 1875 લાગે છે. અંક શાસ્ત્રીઓના મત મુજબ આ તારીખ સાચી હોવાની સંભાવના વિશેષ છે.
1893માં ઝીણાભાઈ બિઝનેસ એપ્રેન્ટીસશીપ માટે લંડન જવા તૈયાર થયા, એ સમયે જ મીઠીબાઇએ મહમ્મદને જન્મ આપ્યો. મહમ્મદનું લાડકું નામ મામદ હતું. 16 વર્ષના મામદની શાદી મોટી પાનેલીની જ 14 વર્ષીય એમીબાઈ સાથે થયેલી. એમીબાઈ પણ ખોજા જ્ઞાતિની જ હતી. એ સમયમાં શાદી વિવાહ બધુ સંતાનોનાં માતપિતા જ નક્કી કરતાં. ગાંધીજીના માતપિતાએ પણ આ રીતે જ ગાંધીજીને પરણાવેલા. વોલપર્ટ લખે છે એ મુજબ ત્યારે આ બાબત સામાન્ય હતી.
એમીબાઈને ઘરે મૂકીને મહમ્મદઅલીએ 16 વર્ષની વયે પોતાનો બાપદાદાનો ધિકતો ધંધો ત્યજીને કાયદાનો અભ્યાસ કરવા માટે લંડનની દિશા પકડી. મહમ્મદના આ નિર્ણયથી પિતા ઝીણભાઇ ક્રોધિત અને નારાજ થયા. ઝીણાભાઇના ધંધામાં પણ ખોટ નોંધાવા લાગી, એટલે ઝીણાબાપા મોટી પાનેલીના આઝાદ ચોક, ટાવર શેરીમાં આવેલ એનું ઘર છોડીને 1904માં રત્નાગિરી ચાલ્યા ગયા. અત્યારે પોપટભાઈ બેચરભાઈ પોંકિયા એમાં રહે છે. અત્યાર સુધીમાં ખાસ કઈ આ ઘરમાં બદલાયું નથી.
ત્યારે આ ગામમાં લગભગ એકસો જેટલા ખોજા પરિવારો રહેતા હતા, પરંતુ હાલ માત્ર પાંચ –સાત ખોજા પરિવારો જ વસે છે.
બે રૂમ નીચેના ભાગે, બે રૂમ ઉપરના ભાગે અને બે રસોડાવાળું ટિપીકલ ગુજરાતી આ ઘર હજુ એવું ને એવું જ છે. જૂના ઘરોમાં જોવા મળતું આંગણું પણ અહીં છે જ.
જીનાહ ગુજરાતમાં ક્યારે પાછા આવેલા ? એ વિષે બે નોંધ મળે છે. એક ઓક્ટોબર 1916માં, બોમ્બે પ્રોવિન્સિયલ કોન્ફરન્સમાં. આ કોન્ફરન્સના પ્રમુખ તરીકે નિમાયેલા જીનાહે ત્યારે એ વખતે એવી દરખાસ્ત મૂકેલી કે બોમ્બેની પ્રોવિન્સિયલ સરકાર જેવી સરકારને લોકશાહી ઢબે –ચૂંટી કાઢેલી સરકાર (elected autonomous administration)માં રૂપાંતરિત કરવી જેમાં મુસ્લિમ કે હિન્દુ – જે કોઈ પણ લઘુમતિમાં હોય, એ જ્ઞાતિને પૂરતું પ્રતિનિધિત્વ મળવું આવશ્યક.
ભૂતપૂર્વ ભા.જ.પા. નેતા જશવંતસિંહ દ્વારા લખાયેલ પુસ્તકમાં લેખક નોંધે છે કે 1921માં મહમ્મદઅલી જીનાહે અમદાવાદમા આયોજિત કાઁગ્રેસ અધિવેશનમાં ભાગ લીધેલો. આ અધિવેશનના પ્રમુખ ગાંધીજી હતા. આ ઐતિહાસિક અધિવેશનમાં જીનાહ એક માત્ર એવી વ્યક્તિ હતા જેમણે વિદેશી કપડાં (કોલર ટાઈ – શૂટ) પહેરેલાં, અને હા, તેઓ ચરખો તો ન જ કાંતતા હોય ! ત્યારે મોટા ભાગના નેતાઓ અધિવેશનમાં ચરખો કાંતતા જોવા મળેલા હશે એવું લાગે છે.
2009માં તત્કાલિન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં, આ કિતાબને પ્રતિબંધિત કરવામાં આવેલી. ગુજરાત સરકારને લાગ્યું કે આ કિતાબમાં સરદાર પટેલની પ્રતિભા અને એની રાષ્ટ્ર ભક્તિને ઝાંખી કરવાનો ક્યાંક પ્રયત્ન કરવામાં આવ્યો છે. ભારતીય વર્તમાન સામાજિક – રાજકીય ઇતિહાસના નિષ્ણાત હરિ દેસાઇ કહે છે કે “જીનાહને ગુજરાતમાં પ્રતિનાયક (એન્ટિ હીરો) ગણવામાં આવે છે. પાઠ્યપુસ્તકાઓમાં ફક્ત એવું જ રજૂ કરવામાં આવેલું છે કે જીનાહ એક એવી વ્યક્તિ હતા, જેમણે પાકિસ્તાનની માંગણી કરેલી, પણ જીનાહ કોણ હતા એ વિષે કશું કહેવામા નથી આવ્યું.
ખેર, મોટી પાનેલી ગામના મનસુખભાઇ કહે છે કે “અમારા ગામમાં બે સુવિખ્યાત માણસો થઈ ગયા .. એક મહમ્મદઅલી જીનાહ અને બીજા હર્ષદ મહેતા !!! દિનકર જોશીની કિતાબ પ્રતિનાયક પણ વાંચવા લાયક છે. આઝાદીના અમૃત વર્ષે આપણાં ઈતિહાસમાં ક્યાંક ડોકિયું કરતાં રહેવું.
સૌજન્ય : ‘દિલીપકુમાર એન. મહેતાની ફેઇસબૂક દિવાલેથી સાદર
લીના મિશ્રાના મૂળ અંગ્રેજી લેખની કડી :-