‘ધ કાશ્મીર ફાઈલ્સ’ નામની પ્રોપેગેન્ડા ફિલ્મ વિષે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે વાચકોને વિચારવા માટે આટલા પ્રશ્નો ઉપસ્થિત થાય છે :
૧. કાશ્મીરની ખીણમાં હિંદુ પંડિતોને સતાવવામાં આવ્યા હતા અને તેમને ખીણ છોડીને જવું પડ્યું હતું એ જો સ્વીકારવામાં આવે તો ૨૦૦૨માં ગુજરાતમાં જે બન્યું હતું એ વિષે શું કહેશો? પ્રામાણિકતાપૂર્વક અંતરાત્માને સાક્ષી રાખીને પૂછો કે એ બે ઘટના વચ્ચે શું ફરક છે? ગુજરાતમાં મુસલમાનોને સતાવવામાં આવ્યા હતા અને ગુજરાતના ગામડાંમાંથી મુસલમાનોને ઊચાળા ભરવા પડ્યા એ સત્ય નથી? ત્યારે તમારો અંતરાત્મા દુભાયો હતો? કાશ્મીરની ખીણના મુસલમાનો જો અસંવેદનશીલ હતા તો શું ગુજરાતના હિંદુઓ સંવેદનશીલ હતા? કેટલાક હિંદુઓએ મુસલમાનોને સતાવ્યા હતા. કેટલાકે મૂક સંમતિ આપી હતી. કેટલાકે આંખ આડા કાન કરી લીધા હતા. કેટલાકે થોડીક શરમ અનુભવી હતીં, પણ એટલી શરમ નહોતી અનુભવી કે એ ઘટનાની નિંદા કરવા બહાર આવે. શું આ વાત ખોટી છે? પ્રમાણિક ઉત્તર આપો કે આ બે ઘટના વચ્ચે શું ફરક છે? ગુજરાતના તોફાનો ઉપર ‘પરઝાનિયા’ નામની એક ફિલ્મ બની હતી જેને ગુજરાતના દેશભક્ત હિન્દુત્વવાદીઓએ સિનેમાઘરોમાં રિલીઝ થવા નહોતી દીધી અને હવે એ જ લોકો ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને ટેક્સ ફ્રી કરવાની માગણી કરી રહ્યા છે. આને સગવડ મુજબનાં બેવડાં ધોરણ કહેવાય કે નહીં?
૨. કેટલાક લોકો મોકો મળ્યે રાક્ષસ થઈ જતા હોય છે. આ હકીકત છે અને ઇતિહાસ તે વાતે સાક્ષી પૂરે છે. વિધર્મી પાડોશી સાથે અત્યંત પારિવારિક સંબંધ ધરાવનારાઓ જ્યારે અથડામણ થાય ત્યારે પાડોશીનું મકાન અને જમીન-જાયદાદ(અને કેટલીકવાર બહેન-દીકરીઓ સુદ્ધાં)ને પડાવી લેવા તક શોધીને રાક્ષસ બની જાય છે અને વહેતી ગંગામાં હાથ ધોઈ લે છે. ભારતના વિભાજન વખતે અને એ પછી બીજી અનેક વખતની કોમી અથડામણોની ઘટનાઓ વખતે આ જોવા મળ્યું છે. પૂરાવા જોઈતા હોય તો ‘પાર્ટીશન આર્કાઈવ’માં સંગ્રહિત કરવામાં આવેલી અને યુટ્યુબ ઉપર ઉપલબ્ધ મુલાકાતો જોઈ લો. એમાં હિંદુ અને મુસલમાન એમ બન્ને કોમના અભાગી લોકોને આશ્ચર્ય વ્યક્ત કરતા જોશો કે અમે જેને પરિવારના સભ્ય ગણતા હતા, જેને કાકા કે મામા તરીકે સંબોધતા હતા, જેની સાથે ધંધાકીય સંબંધો હતા, જે લોકો સમાજવ્યવહારમાં મર્યાદાનું પાલન કરતા હતા એવા લોકોએ કલ્પના ન કરી શકાય એવો વહેવાર કર્યો હતો. આ સિવાય વિભાજન વિષે લખાયેલાં હજારો પુસ્તકો જોશો તો એમાં પણ આ જ વાત જોવા મળશે. અત્યાર સુધી ભલમનસાઈ બતાવનારા લોકો સ્વાર્થવશ નીચ બની ગયા હતા.
સામ્યવાદી ઇતિહાસકારો તો કહે છે કે કોમી હુલ્લડો કે તંગદીલી પાછળનું મુખ્ય કારણ આર્થિક હિતો જ હોય છે. હુલ્લડો કરાવનારાઓ અને કરનારાઓ આર્થિક સ્વાર્થ માટે કોમવાદનો આશરો લેતા હોય છે. તેમની આ વાત સાવ સાચી નથી તો સાવ ખોટી પણ નથી. હુલ્લડોમાં ભાગ લેનારા ગરીબ લોકોના હાથમાં કાંઈ આવતું નથી, તેમનાં મોત થાય છે, સજા થાય છે અને જેલમાં સબડે છે અને સ્વાર્થી લોકો તેનો લાભ લે છે. ગુજરાતમાં આ જોવા નહોતું મળ્યું? ખાતાપીતા લોકોને હુલ્લડમાં ભાગ લેતા જોયા છે? હા, લાભ લેતા જરૂર જોયા હશે.
૩. કોમી હુલ્લડોમાં માત્ર વિધર્મીઓ એકબીજા ઉપર અત્યાચાર કરે છે અથવા કોઈની મજબૂરીનો લાભ લે છે કે પછી મોઢું ફેરવી લે છે એવું નથી; સધર્મીઓ પણ આવું કરે છે. મોટા ભાગનો સમય ભારતમાં ગાળતા બ્રિટિશ ઇતિહાસકાર વિલિયમ દેલરિમ્પલે ‘નાઈન લાઈવ્ઝ : ઇન સર્ચ ઓફ અ સેક્રેડ ઇન મોડર્ન ઇન્ડિયા’ નામનું એક પુસ્તક લખ્યું છે. એમાં એક પ્રકરણ લાલ પરીના નામે ઓળખાતી એક સ્ત્રી ઉપર છે, જે તેને પાકિસ્તાનના સેહવાનમાં આવેલ લાલ શાહબાઝ કલંદરની મઝારમાં મળી હતી. લાલ પરીનો જન્મ બિહારમાં બંગાળની સરહદે આવેલા એક ગામડામાં થયો હતો. ભારતના વિભાજન વખતે હિંદુઓની સતામણીને કારણે જીવ બચાવવા તેના પરિવારે બિહાર છોડી પૂર્વ પાકિસ્તાન ભાગી જવું પડ્યું હતું. ૧૯૭૧ પછી પૂર્વ પાકિસ્તાન બંગલાદેશ બન્યું અને તેને અને તેનાં પરિવારને બંગાળી મુસલમાનોએ સતાવવાનું શરૂ કર્યું હતું, કારણ કે તે બિહારી મુસલમાન હતી. ૧૯૪૭માં હિન્દુઓએ અને ૧૯૭૧ પછી પછી મુસલમાનોએ. તેના પતિને મારી નાખવામાં આવ્યો. આખરે તે બાઈ રખડતી રઝળતી પગે ચાલીને ભારત વીંધીને પાકિસ્તાન પહોંચે છે અને સેહવાનમાં લાલ શાહબાઝની મઝારમાં આશ્રય લે છે. માનવીના દરેક રંગને જોઈ-અનુભવી ચુકેલી એ બાઈ અધ્યાત્મ તરફ વળે છે અને લાલ પરી તરીકે પૂજાય છે. લાલ શાહબાઝ કલંદરની રોજ રાતે થતી ધમાલ જ્યાં સુધી લાલ પરી ડ્રમ ઉપર થાપી ન મારે ત્યાં સુધી શરૂ નહોતી થતી અને શરૂ થયા પછી લોકો ભાન ભૂલી જતા હતા. એક સમયે સતાવનારા હિંદુ અને મુસલમાનો સેહવાનમાં લાલ પરીના પગમાં પડીને તેની કૃપા માગવા લાગ્યા. આ પણ માનવીનો એક ચહેરો છે!
એક પ્રસંગ જાણીતા વાંસળીવાદક શિવુભાઈ પૂંજાણીએ કહ્યો હતો. વિભાજન વખતે તેઓ કરાંચીમાં રહેતા હતા અને તેમની ચાની હોટલ હતી. જ્યારે વિભાજનની વાતો થવા લાગી ત્યારે તેઓ તેમના નાતીલા અને એ સમયના કરાંચીના મોટા આગેવાન પાસે માર્ગદર્શન લેવા ગયા કે તેમણે શું કરવું જોઈએ. એ આગેવાને શિવુભાઈને કહ્યું હતું કે ભયભીત થવાની જરૂર નથી. બધું થાળે પડી જશે. તેમણે બીજા લોકોને પણ ઢાઢસ આપવાનું શિવુભાઈને કહ્યું હતું. શિવુભાઈ અને બીજાઓ તેમની સલાહ માનીને બેસી રહ્યા અને એ આગેવાને સમયસર પોતાની સંપત્તિ બજારભાવે વેચી નાખી અને પરિવારને ભારત મોકલી આપ્યો. છેલ્લી ઘડીએ તેમણે કરાંચીના હિંદુઓને કહ્યું કે ભાગો. જો વહેલું કહ્યું હોત તો હજારો લોકો સંપત્તિ વેચવા બજારમાં આવ્યા હોત અને બજારભાવ તૂટી ગયા હોત. પોતાનાની ગેરમાર્ગે દોરતી સલાહને પરિણામે શિવુભાઈ જેવાઓએ બધું છોડીને ખાલી હાથે ભારત આવવું પડ્યું હતું. એ ભાઈં કાઁગ્રેસી હતા, ખાદી પહેરતા હતા, ગાંધીજીને માનનારા હતા, આઝાદીના આંદોલનમાં ભાગ લીધો હતો, જેલમાં ગયા હતા; પણ આખરે માણસ હતા!
જ્યારે સધર્મી (હમ મઝહબી) સતાવે, સધર્મી છેતરે અને સધર્મી મોઢું ફેરવી લે ત્યારે વિધર્મીની ક્યાં વાત કરવી! ૧૯૪૬માં ગાંધીજી કોમીદાવાનળ બુઝાવવા નોઆખલી ગયા હતા. ત્યાં તેમણે સૂચન કર્યું કે હિંદુ અને મુસલમાનોની મળીને એક શાંતિ સમિતિની રચના કરવામાં આવે. તરત જ ત્યાં ઉપસ્થિત હિંદુ મહાસભાના એક નેતાએ કહ્યું કે મહાત્માજી પ્રતિષ્ઠિત ભદ્ર હિંદુઓ તો નોઆખલી છોડીને કલકત્તા જતા રહ્યા છે ત્યારે હિંદુઓનું પ્રતિનિધિત્વ કોણ કરશે? ગાંધીજીએ કહ્યું કે જે ભાગી ગયો, જે પોતાના હિંદુ બાંધવને ભગવાન ભરોસે છોડતા શરમાયો પણ નહીં એ નથી પ્રતિષ્ઠિત કે નથી ભદ્ર. કાયર ભદ્ર હોય? માટે જેની ઈશ્વર ઉપર શ્રદ્ધા છે અને જે વમળમાં વચોવચ ઊભો છે એ સમિતિઓમાં હિંદુઓનું પ્રતિનિધિત્વ કરશે, કાયરોનું અહીં કામ નથી. કાયરોને ગાંધીજી સાથે ૧૯૦૯ની સાલથી દુશ્મની છે.
તમને ખબર છે? વિભાજન વખતે પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનના મુસલમાનો સવર્ણ હિંદુઓને પાકિસ્તાન છોડવા મજબૂર કરતા હતા અથવા જવા દેતા હતા, પણ સફાઈનું કામ કરનારા હરિજન હિંદુઓને જવા નહોતા દેતા. એમ કહેવાય છે કે મહમ્મદ અલી ઝીણાની તેમાં સંમતિ હતી. તેઓ સફાઈ કરતા હતા એટલે હિંદુ હોવા છતાં તેમનો ખપ હતો. આજે પાકિસ્તાન અને બંગલાદેશમાં જે હિંદુઓ બચ્યા છે એમાં મોટા ભાગના સફાઈનું કામ કરનારા હરિજનો છે. કોઈ હિન્દુત્વવાદીએ પાકિસ્તાનમાં બાન પકડીને રાખવામાં આવેલા હરિજન હિંદુ માટે આંસુ સાર્યા હોય એવું જોવા મળ્યું નથી. હિંદુ મહાસભાના નેતાએ ગાંધીજીને કહ્યું હતું એમ રોકડા રૂપિયા તો ચાલ્યા ગયા, પાછળ બચેલા પરચૂરણનો શો ખપ?
જેમ કરાંચીના આગેવાને પોતાના સહધર્મીઓને છેતર્યા, જેમ નોઆખલીના પ્રતિષ્ઠિત હિંદુ આગેવાનો ગરીબ હિંદુઓને ભગવાન ભરોસે છોડીને ભાગી ગયા એવું ગુજરાતમાં અને કાશ્મીરની ખીણમાં પણ બન્યું હશે. ગરીબ પંડિતો સાથે અને ગુજરાતના ગરીબ મુસલમાનો સાથે વાત કરશો તો તેઓ તેમને કહેશે કે અન્યાય માત્ર હિંદુઓએ અને હિંદુ શાસકોએ જ નથી કર્યો, તેમના પોતાના લોકોએ પણ કર્યો છે. સામૂહિક સંકટ ટાણે પોતાના અંગત લાભાલાભની ઉપર ઊઠીને કેવળ માણસ બની રહેવું એ પોતે એક કસોટી છે. ગયા વરસે કોવીડ સંકટ ટાણે સગા ભાઈએ ભાઈને મદદ નહોતી કરી એવા સેંકડો ઉદાહરણ મળી આવશે. કદાચ તમારી સાથે પણ આવું બન્યું હશે.
તો વાતનો સાર એ છે કે માણસ આખરે માણસ હોય છે અને તેને ધર્મ સાથે કોઈ સંબંધ હોતો નથી. ધર્મ માત્ર ધાર્મિક ટોળાંઓ પેદા કરે છે અને અધ્યાત્મ સો ટચના સોના જેવા ટકોરાબંધ માણસાઈ ધરાવનારા માનવીને. જગતના દરેક ધર્મનું આ વાસ્તવ છે અને એમાં કોઈ ધર્મ અપવાદ નથી.
બે અગત્યના પ્રશ્નો હજુ પણ બચ્યા છે, પણ મારી પાસે જગ્યા બચી નથી એટલે રવિવારની કોલમમાં એ બે પ્રશ્ને વાત કરીશ.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 31 માર્ચ 2022