આજે પહેલી એપ્રિલ ! રાજા મહારાજાઓને પણ આજને દિવસે કોઈ મૂરખ બનાવે તો તેનું તેઓ ખોટું લગાડતા ન હતા. પ્રેમી, પ્રેમિકાને, ક્લાર્ક, સાહેબને, પટાવાળા, મંત્રીને એપ્રિલફૂલ બનાવતા ને મૂરખ બનાવનાર અને મૂરખ બનનાર, બંને આનંદ માણતાં, પણ ભારત આઝાદ થયું ત્યારથી એપ્રિલફૂલ બનાવવાનો ઇજારો સરકારોએ લઈ લીધો છે. એમાં ક્રમ પણ બદલાયો છે ને તે એ કે એ હવે એકમાર્ગી છે. પ્રજા, રાજાને એપ્રિલફૂલ બનાવી શકતી નથી, એ કામ હવે સરકારો જ કરે છે ને સરકાર કોઈ પણ હોય એ સિલસિલો એકતરફી રીતે, આજ સુધી બધી સરકારોએ ચાલુ રાખ્યો છે. બીજો ફેરફાર એ થયો છે કે એપ્રિલફૂલનો આનંદ મોટે ભાગે નિર્દોષ રહેતો, તે હવે સેડિસ્ટિક પ્લેઝરમાં ફેરવાયો છે. એવું નથી કે આ આનંદ પ્રજાને ભૂખે મારીને લેવાય છે. સરકારે ગરીબોને પાંખમાં લીધા છે એની ના પાડી શકાશે નહીં. તેમને મફત અનાજ આપ્યું છે ને જે તે ખાતામાં પૈસા પણ જમા કરાવ્યા છે. એટલે ગરીબો આરતી ઉતારે એમાં નવાઈ નથી.
રહી વાત અમીરોની, ઉદ્યોગપતિઓની. એ વર્ગ મદદે તો આવે જ છે. એમાં કમાલ એ છે કે સરકાર અને ઉદ્યોગપતિઓ એક બીજાને નભાવે છે. જો કે, નભનાર કે નભાવનાર તો ખાટે જ છે, પણ ખટાશ ભોગવવાનું સાધારણ પ્રજાને આવે છે. સરકાર પ્રજાનું ધ્યાન રાખે જ છે, કારણ મત પ્રજા આપવાની છે. એટલે જ સરકાર ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી ઈંધણના ભાવ નથી જ વધારતી. આંતરરાષ્ટ્રીય દરો વધે, તો પણ સરકાર ઈંધણના ભાવ નથી જ વધવા દેતી. આવી ‘પરોપકારી’ સરકાર બીજે ક્યાં મળવાની હતી ! હવે ચૂંટણી કૈં બારે મહિના તો હોય નહીં, એટલે એ પણ ભાવો કયાં સુધી રોકી રાખે? હોજરી તો એણે ય ભરવાની છે ! અને ભાવ ન વધારે તો બીજું કામ જ કયું બચે છે? એવું તો ના હોયને કે સરકાર ઘર બાળીને તીરથ કરે ! એટલે એ પણ વખત આવ્યે હાથ પગ હલાવી જ લે છે.
તાજેતરમાં જ ગુજરાત સરકારે અને કેન્દ્ર સરકારે કમાણીના આંકડા બહાર પાડ્યા છે. વિધાનસભામાં થયેલી પ્રશ્નોત્તરીમાં ગુજરાત સરકારે પેટ્રોલિયમ પેદાશો પરના વેરામાંથી 33,000 કરોડની કમાણી કરી હોવાની જાહેરાત કરી છે. આ કમાણી કોરોના સંક્રમણ વચ્ચે કરી છે તે નોંધવા જેવું છે. બે દિવસ પર જ સંસદમાં નાણાં મંત્રીએ પણ જાહેર કર્યું કે છેલ્લાં દસ વર્ષમાં પેટ્રોલ અને ડીઝલ પર રોડ- ઇન્ફ્રા સેસથી 11.32 લાખ કરોડ સરકારે મેળવ્યા છે. પેટ્રોલનો ભાવ 100 રૂપિયા હોય તો તેમાં ટેક્સ લગભગ 45 ટકા વસૂલાય છે. કૈં નહીં તો સરકાર દર વર્ષે આશરે 1 લાખ કરોડ માત્ર પેટ્રોલ-ડીઝલ પરના સેસમાંથી જ મેળવે છે.
હવે એ રડવાનો અર્થ નથી કે છેલ્લા આઠેક દિવસમાં પેટ્રોલ 6.37 રૂપિયા અને ડીઝલ 6.59 રૂપિયા મોંઘું થયું છે. આપણે હવે મોંઘવારીની બૂમ ન પાડીએ તો ચાલે. કારણ ભાવ વધારો આપણને હવે કોઠે પડી ગયો છે. હજી પેટ્રોલ લિટરે 100 વધે તો આપણે કૈં પાણીથી ગાડી ચલાવવાના નથી. મોંઘું હોય તો ચમચી ચમચી નાખીશું, પણ સ્કૂટરમાં પેટ્રોલ તો નાખીશું જને ! ટૂંકમાં બધું હવે વધતું જ રહેવાનું છે, સિવાય કે ચૂંટણી આવે. હમણાં બહાનું યુક્રેન-રશિયા યુદ્ધનું છે. બેરલ દીઠ ક્રૂડનો ભાવ 118 ડોલર હતો. હવે બંને દેશો વચ્ચે તનાવ ઘટ્યો છે, તો ભાવ 100 ડોલર આસપાસ ચાલે છે. એ યુદ્ધ બંધ થાય અને ક્રૂડ બેરલ દીઠ 100થી ય નીચે જાય, તો ભારતમાં ઈંધણ સસ્તું થાય એમ માનવાની જરૂર નથી, કારણ કોરોના વખતે બધું જ બંધ હતું અને ક્રૂડના ભાવ તળિયે હતા, ત્યારે પણ ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ બેફામ થયા જ હતા. ટૂંકમાં, આ આખો ખેલ સરકારી ધંધાનો ને કમાણીનો છે.
લોકોએ એ સમજી લેવાનું રહે કે તે એપ્રિલફૂલ બનવા માટે જ છે. ગુજરાતની જ વાત કરીએ તો માત્ર ઈંધણનો ખર્ચ લોકો પર રોજનો 14 કરોડ રૂપિયા વધ્યો છે. ઈંધણના ભાવવધારાને લીધે ટ્રાન્સપોર્ટેશનનાં ભાડાંમાં પણ 20 ટકા વધે એમ છે. એ ઉપરાંત આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં પણ બે વર્ષમાં 5થી 95 ટકાનો વધારો થયો છે. એક જ દાખલો જોઈએ. રાયડાનું તેલ માર્ચ, 2020માં લિટરે 90ના ભાવે હતું તે 2022માં 175 રૂપિયા થયું છે. સીધો 94 ટકાનો વધારો. આ ઉપરાંત દાળ, કઠોળ, ટમેટાં, ડુંગળી, લીંબુ એમ ઘણી ચીજવસ્તુઓના ભાવ વધ્યા છે. રાંધણગેસ, સી.એન.જી., પી.એન.જી. બધું જ વધ્યું છે. વેરાવળના માછીમારોએ 1 એપ્રિલથી ડિઝલના ભાવ ન ઘટે તો આંદોલનની ચીમકી આપી છે, કારણ ડીઝલના ભાવ વધતાં મત્સ્યોદ્યોગ ઘોંચમાં આવી પડ્યો છે. ઠીક છે, માછીમારોએ કે બીજા કોઈએ પણ ભાવવધારા સંદર્ભે આંદોલન કરવું હોય તો કરી લે. એનાથી સરકારને બહુ ફરક નહીં પડે. કારણ જે સરકારની સેવામાં લાગેલા છે એમને તો દૂર દૂર સુધી મોંઘવારી લાગતી નથી એટલે એ તો વાંધો નહીં જ ઉઠાવે તે નક્કી છે.
આટલી મોંઘવારી છતાં વેપારીઓને આશા છે કે એપ્રિલથી જુલાઈમાં 5 લાખ કરોડનો વેપાર થશે. દેશભરમાં 40 લાખ લગ્નો આ સીઝનમાં થાય એમ છે. બે વર્ષ પછી મળેલી છૂટને કારણે લગ્નોને મોંઘવારી નડે એમ નથી. સાચું તો એ છે કે મોંઘવારી માત્ર વિપક્ષને જ નડે છે. બહુ થાય તો એ રેલી-રેલા કાઢશે ને વિધાન સભામાં દલીલ કરશે કે અમે જ્યારે સત્તામાં હતાં ત્યારે તેલનો ભાવ માત્ર 10 રૂપિયા વધતો, તો ભા.જ.પ. વેલણ લઈને નીકળી પડતો ને હવે ચૂપ છે. પણ, શાસકપક્ષ ચૂપ નથી. તેણે જવાબ આપ્યો છે કે અમે ગરીબોને મફત અનાજ પૂરું પાડીએ છીએ, વાજબી ભાવે તેલ પણ આપીએ છીએ. જો કે શાસકપક્ષે એ કહ્યું નથી, પણ કેટલાંકને એ સંભળાય તો આશ્ચર્ય ન થાય કે ગરીબોને વાજબી ભાવે તેલ આપવા અમે બાકીનાનું તેલ કાઢીએ પણ છીએ.
અપવાદો બધાંમાં હોય તેમ આમાં પણ હશે, પણ સૌથી વધારે મરો મધ્યમવર્ગનો થતો હોય છે. એ વર્ગ મોટેભાગે પગારદારોનો છે ને એ ઈચ્છે કે ન ઈચ્છે તો પણ, કરપાત્ર આવક પર એણે આવકવેરો તો ભરવો જ પડે છે. તાજા જ સમાચાર છે કે ઉદ્યોગપતિઓ કે વ્યાવસાયિકો કરતાં પગારદારો ત્રણ ગણો ઇન્કમટેક્સ ચૂકવે છે. નોન સેલરીડ પીપલને આવકવેરા કાયદા મુજબ ઘણાં લાભો મળે છે, ઘણા ખરચા બાદ મળે છે એટલે પણ કદાચ પગારદારો વધુ ટેક્સ ચૂકવતા હોય એમ બને. મધ્યમવર્ગનો બધી જ રીતે પનો ટૂંકો પડે છે. તે પૂરો સારો નથી થઈ શકતો તો પૂરો ખરાબ પણ નથી થઈ શકતો. ગરીબ માંગીને ચલાવે છે, થોડું સરકાર આપી છૂટે છે એટલે મોંઘું થાય કે સસ્તું, એને બહુ ફેર પડતો નથી. જે એને આપે છે તેને મોંઘું લાગે કદાચ, પણ સરકાર મોંઘું કરવા જ તો હોય છે, તે થોડી જ મોંઘવારીની બૂમો પાડવાની હતી ! એવું જ ઉદ્યોગપતિઓનું, અમીરોનું પણ ખરું. તેને છે જ એટલું કે દરિયામાંથી ડોલ જેટલું ખૂટે તો ય કેટલુંક ખૂટે?
કંપનીઓ વસ્તુનો ભાવ વધારે છે ને તેમાં કરવેરા પણ આવરી લે છે. સરકારે બીજી પ્રગતિ કરી હોય કે નહીં, પણ તેણે અનેક રસ્તે વેરા વસૂલવામાં જરા પણ સંકોચ રાખ્યો નથી. શ્રાદ્ધમાં કોઈ ગાય, કૂતરાંનું કાઢે તે સમજાય, પણ એટલું કાઢવાની ફરજ પડે કે બાજમાં કૈં રહે જ નહીં, તો જે અકળામણ થાય એ મધ્યમવર્ગની છે. પગારની આવક તો એક જ હોય છે ને મહિનામાં એક જ વારની હોય છે. એ આવક કરપાત્ર થતી હોય તો તેનો ટેક્સ કાપી લેવાય તે સમજી શકાય, પણ આવકવેરો ભર્યા પછી પણ કેટલી જગ્યાએ લોકો ટેક્સ ભરે છે તેનો હિસાબ માંડવા જેવો છે. લોકો ટૂથપેસ્ટ ખરીદે કે ગાડી ખરીદે, સાડી ખરીદે કે સ્કૂટર, દવા ખરીદે કે દારૂ, હોટેલમાં જાય કે થિયેટરમાં, ટેક્સ ન લાગતો હોય એવી કોઈ જગ્યા બચે છે? એમાં જો વસ્તુ મોંઘી થાય તો ટેક્સ પણ આપોઆપ જ વધે છે. એ ટેક્સ કેટલી જાતના છે એની તો ઘણાંને ખબર પણ નથી. ટેક્સ કપાઈ ગયા પછી પણ ખબર નથી પડતી કે શેને માટે કેટલો ટેક્સ લાગ્યો? આ ટેક્સ, આવક પર ટેક્સ ભર્યા પછીના છે. ગમ્મત તો એ છે કે કોઇની આવક એટલી ઓછી હોય કે આવકવેરો જ ભરવાનો થતો ન હોય, એવી વ્યક્તિ પણ, પેસ્ટ ખરીદે કે પેરાસિટામોલ, ટેક્સ ભર્યા વગર વસ્તુ ખરીદી શકતી નથી. થાય છે એવું કે વેરો જ એટલો લાગે છે કે આવક જેવું જ ખાસ બચતું નથી. દિવસને છેડે એટલી જ ખબર પડે છે કે વ્યક્તિ એપ્રિલફૂલ બની છે ને વાત એકાદ દિવસની નથી. આ તો રોજનું છે. એટલે જ વર્ષોથી બધી તારીખો કેલેન્ડરમાં પહેલી એપ્રિલની જ લાગી હોય એવું નથી લાગતું?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 01 ઍપ્રિલ 2022