જે વિષય પર આજે લખવાનું છે એ સંદર્ભે એક નવલિકા, એક શોર્ટ ફિલ્મ અને એક નેટફ્લિક્સ સિરિઝ યાદ આવે છે. નવલિકાનું નામ ‘શબવત’. પ્રમોશન માટે એક પતિ, એની પત્નીને પોતાના બૉસ સાથે એક રાત ગાળવા મોકલે છે. પત્ની કમકમી જાય છે, પણ વિચારે છે કે શબની જેમ પડી રહીશ અને સહી લઈશ. રાત્રે બૉસ ખૂબ કોમળતાથી, સ્ત્રીની ભાવના, ઈચ્છા અને ખુશીનો ખ્યાલ રાખીને એ સ્ત્રી સાથે સબંધ બાંધે છે. એક સંતાનની મા એવી એ સ્ત્રીને પહેલી વાર સમજાય છે કે લવમેકિંગ કેવી ખૂબસૂરત કલા હોઈ શકે. પછીના દિવસે એ શબવત તો થાય છે, પણ એના પતિના જડ જાતીય આક્રમણ સામે! રમેશ ર. દવેની આ વાર્તા સાથે રામનારાયણ પાઠકની નવલિકા ‘સૌભાગ્યવતી’ અચૂક યાદ આવે, જેમાં એક ગ્રામીણ પ્રૌઢ સ્ત્રી પતિની જાતીય આક્રમકતા સહી ન શકાવાથી બીજા ગામમાં રહેવા ચાલી જાય છે, અને એક સુશિક્ષિત શહેરી સ્ત્રી, રોજ રોજ પતિનું આક્રમણ સહેતી સહેતી ચૂપચાપ મૃત્યુ પામે છે. લોકો કહે છે, ‘નસીબદાર છે, સૌભાગ્યવતી જ ગઈ!’ અત્યંત કુશળતાથી બન્ને વાર્તાઓમાં લગ્નમાં થતા જાતીય આક્રમણના વિષયને વણી લેવાયો છે. આ પતિઓ બળાત્કારી કહેવાય એવા નથી, પણ એમની જડતા અને આક્રમકતા પણ સ્ત્રી માટે અસહ્ય અને ત્રાસદાયક હોઈ શકે એની સચોટ પ્રતીતિ વાંચનાર પામે છે.
લગ્નની પ્રથમ રાત્રિએ સ્ત્રીના શરીરમાંથી લોહી વહે એ એના અક્ષત કૌમાર્યની સાબિતી ગણાય એટલે મધુરજનીના શણગારેલા કમરામાં એક સફેદ કપડું મૂકવામાં આવે ને સવારે ઘરના વડીલો એ કપડા પર લોહીના ડાઘ જોવા આવે એવો રિવાજ બહુ પ્રચલિત છે. ‘સીલ’ નામની શોર્ટ ફિલ્મમાં, પતિપત્ની મધુરજનીની રાત્રિએ વાતો કરે છે, પરસ્પર દોસ્તી અને વિશ્વાસ સ્થપાય છે અને બન્ને એકબીજાંનો હાથ પકડી સૂઈ જાય છે. બીજે દિવસે પતિ પોતાના અંગૂઠા પર ચીરો મૂકી લોહીવાળું કપડું વડીલોને દેખાડી દે છે. બેહુદી પરંપરા સામેનો વિરોધ અને પત્નીના જતનનો આગ્રહ, એના લોહી ટપકતા અંગૂઠા દ્વારા એક પણ શબ્દના ઉપયોગ વગર ગજબની પ્રબળતાથી વ્યક્ત થયો છે.
અને ‘ક્રિમિનલ જસ્ટિસ-બિહાઇન્ડ ક્લૉઝ ડોર્સ’ છે તો મર્ડર-થ્રીલર, જેમાં એક શ્રીમંત સ્ત્રી એના પતિનું ખૂન કરે છે ને અદાલતમાં કબૂલે પણ છે. કેસ તો પણ ચાલે છે. અંતે સક્સેસફૂલ અને પ્રતિષ્ઠિત વકીલ એવો પતિ, પૈસાના જોરે મનગમતી સ્ત્રી સાથે લગ્ન કરતો, પત્નીને કબજામાં રાખતો, દીકરી પાસે પણ એની જાસૂસી કરાવતો, ભૂલ થાય ત્યારે માનસિક ત્રાસ આપતો, પત્નીને મનથી નબળી પાડવામાં કોઈ કસર ન રાખતો અને એબ્નોર્મલ જાતીય આદતો ધરાવતો સાબિત થાય છે. અહીં સ્ત્રીની સમાનતા, ઈચ્છાઓ અને લગ્નમાં થતાં શારીરિક શોષણ પર ખૂબ ભાર છે. હદ તો ત્યાં આવે છે જ્યારે પત્ની એના ગુસ્સાને ઠંડો પાડવા ત્રાસદાયક અને વિકૃત એવા શરીરસંબંધ માટે પહેલ કરે છે! સંબંધો માટે સ્ત્રીઓમાં આ કેવી જાતનું કન્ડિશનિંગ રોપ્યું છે આપણી નારીપૂજક કહેવાતી સંસ્કૃતિએ?
મેરિટલ રેપનું પરિણામ સિરિયલમાં હત્યામાં આવ્યું, પણ વાસ્તવિકતા શું છે? લગ્નનો અર્થ જ તેનાથી જોડાનારા સ્ત્રીપુરુષ જાતીય સંબંધો માટે સંમત છે એવો થાય છે. ભારતની પુરુષસત્તાક સમાજવ્યવસ્થા અનુસાર સ્ત્રી પુરુષની સંપત્તિ ગણાય છે. ઈન્ડિયન પીનલ કોડની 375મી ધારા મુજબ બળાત્કાર એટલે સંમતિ વિરુદ્ધ બંધાયેલો શરીરસંબંધ. સ્ત્રી પરણી છે એનો અર્થ કાયદો એ કરે છે કે તેણે શરીરસંબંધની સંમતિ આપી છે, પત્નીના શરીર પર પતિનો અધિકાર છે, સંમતિનો ક્યાં સવાલ છે? રેપની સજાની જોગવાઈ કલમ 376માં છે. પણ સુપ્રિમ કૉર્ટ કહે છે તેમ ભારતીય માનસ મેરિટલ રેપને અપરાધ ગણવા તૈયાર નથી.
ભારત જેવા દેશમાં મેરિટલ રેપ એ પિતૃસત્તાક માનસિકતાનો અત્યંત ઘૃણાસ્પદ ચહેરો છે. લગ્નના લોખંડી પરદાની આડમાં આચરાતો આ એવો વ્યાપક અપરાધ છે, જે વારંવાર થતા ઊહાપોહ પછી પણ હજી સુધી તો ‘કાયદેસર’ છે. ભારતનો મોટો સમુદાય અભણ, અલ્પશિક્ષિત, સ્તરોમાં જીવતો, ગરીબ, સમાજિક નિયમોથી બંધાયેલો અને ધર્મથી જકડાયેલો છે. મેરિટલ રેપ એવા શબ્દોને તે સ્વીકારી નથી શકતો. આમ હોવાથી પત્નીની મરજી કે સંમતિ વિરુદ્ધ થતા શરીરસંબંધને કાયદાએ બળાત્કાર ગણવો કે નહીં એ બાબત જટિલ બની જાય છે. ભારતીય દંડસંહિતામાં વૈવાહિક બળાત્કાર વિશે કોઈ સ્પષ્ટતા નથી. કાયદાશાસ્ત્રીઓમાં પણ તેને માટે મતભેદ છે. એથી જ છત્તીસગઢની હાઈકૉર્ટ કહે કે પત્ની સાથે બળજબરીપૂર્વક કરેલો શારીરિક સંબંધ બળાત્કારની કેટેગરીમાં ન આવે અને કેરળની હાઈકોર્ટે ચુકાદો આપે કે પત્નીની ઈચ્છાવિરિદ્ધ બંધાયેલો જાતીય સંબંધ મેરિટલ રેપ એટલે કે વૈવાહિક દુષ્કર્મ કહેવાય એવું બને છે.
વળી, આની ફરિયાદ ન છૂટકે જ થાય છે અને એ સાબિત પણ ભાગ્યે જ થાય છે. અત્યારે તો મેરિટલ રેપનો સમાવેશ ઘરેલુ હિંસામાં થાય છે, રેપમાં નહીં. કેવી વક્રતા છે કે ભારતમાં દરેક વ્યક્તિને સ્વતંત્રતા અપાયેલી છે, પણ સ્ત્રી પાસે શરીરસંબંધની બાબતમાં એના પતિ દ્વારા થતા દુર્વ્યવહારની ફરિયાદ કરવાનો કે ન્યાય મેળવવાનો કોઈ માર્ગ નથી. જે સ્ત્રી પતિ દ્વારા થતી ‘સેક્સ્યુઅલ વાયોલન્સ’ની ફરિયાદ કરવા આગળ આવે તેને અદાલત રક્ષણ કે સપોર્ટ મિકેનિઝમ આપી શકતી નથી. ભારતની કુટુંબવ્યવસ્થા એવી છે કે ત્યાંથી પણ કોઈ મદદ મળે નહીં. સમાજ પણ તેને સાથ ન આપે. પીડિત પત્નીએ શું કરવું? એની વહારે કોણ આવશે? નાગરિક તરીકેના એના સમાનતાના, જીવનના અને ગરિમાના અધિકારોનું હનન જ થયા કરશે? જો પત્ની પંદર વર્ષથી નીચેની ઉંમરની હોય તો જ કાયદો તેને રક્ષણ આપી શકે, એવું કેમ? ક્યાં સુધી? અને એ કિસ્સાઓમાં પણ દંડ અને સજા બળાત્કાર કરતાં ઓછા પ્રમાણમાં જ છે.
એવું નથી કે ધારાશાસ્ત્રીઓ આ બાબતમાં અસંવેદનશીલ છે. પરણેલા પુરુષની શરીરસંબંધ બાબતની ક્રૂરતા અને શરીરસંબંધ માટે લગ્નમાં અપાયેલી મનાતી પરોક્ષ સંમતિ આ બન્ને બાબતો એક છે, એવો પ્રશ્ન એમને પણ થતો તો હશે. થાય છે. યુગલ પરિણીત છે એટલા એ જ કારણથી ક્રૂર અને હિંસક અથવા સંમતિવિરુદ્ધ બંધાયેલા શરીરસંબધને ‘સંભોગ’માં વ્યાખ્યાયિત કરવો અને પતિપત્નીની અંગત બાબત માની દુર્લક્ષ કરવો એ એમને પણ ક્યાંક ખટકે તો છે, તો પછી કોઈ રસ્તો આઝાદીના અમૃતમહોત્સવ સુધી ન શોધાય એવું કેમ બન્યું છે? ભારતમાં પહેલો મેરિટલ રેપ કેસ 1889માં નોંધાયો હતો. પત્ની 11 વર્ષની હતી. પતિએ જબરજસ્તી શરીરસંબંધ બાંધતા અતિશય રક્તસ્રાવ થવાથી એનું મૃત્યુ થયું હતું. પતિને સજા તો થઈ, પણ કૉર્ટે કેસને બળાત્કારનો નહીં, ગંભીર ઈજાનો ગણ્યો અને માત્ર એક વર્ષની સજા કરી. ભારતીય સંસ્કૃતિ સ્ત્રીને પતિને ખુશ કરવાનું તેનું કર્તવ્ય છે એમ શીખવે છે. એક સર્વેમાં પચીસથી વધારે ટકા પુરુષોએ પોતે સેક્સ્યુઅલ વાયૉલન્સ કરે છે એ કબૂલ કર્યું હતું. બ્રિટને 1921થી મેરિટલ રેપને ગુનો ગણ્યો છે. આજે 100 દેશોમાં મેરિટલ રેપ ગુનો ગણાય છે.
સંભોગ એટલે સમ+ભોગ. બન્ને પક્ષની જરૂર, બન્ને પક્ષની ઈચ્છા, બન્ને પક્ષે આનંદ, બન્ને પક્ષે સંતોષ. એવો કયો વિચાર છે જે પતિને બળજબરી કરવાની પરવાનગી આપે છે? એક દલીલ એવી છે કે કાયદો બનશે તો તેનો દુરુપયોગ થશે. તો બીજા કાયદાઓનો દુરુપયોગ નથી થતો? સ્ત્રીની સ્વાયત્તતા અને અધિકારની કોઈ જગ્યા જ નથી? જ્યાં સુધી શરીરસંબંધ પુરુષ માટે અહમ્ અને સત્તાની સ્થાપના સાથે જોડાયેલી બાબત રહેશે અને સ્ત્રીપક્ષે એનું જોડાણ શરણાગતિ સાથે રહેશે, ત્યાં સુધી આ ક્ષેત્રે કશું નક્કર નીપજવાની શક્યતા ઘણી ઓછી લાગે છે.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 13 માર્ચ 2022