હાસ્યલેખ
એક સમયે માણસ મહારાજોની કથા સાંભળતો અને થાક વધારતો. જેમ ગધેડો બોજ વગર નથી ચાલી શકતો એમ જ માણસ પણ ઉપદેશ, સલાહો વગર નથી ચાલી શકતો. એક વાત સ્પષ્ટ છે કે નાનેથી માણસને સમૂહ વગર નથી ચાલતું. તે ભણતો ત્યારે પણ તેને સમૂહજીવનનો પિરિયડ આવતો ને પિરિયડ પૂરો થતો ત્યાં સુધીમાં ન તો સમૂહની ખબર પડતી કે ન તો જીવનની સમજ વધતી. એ જ કારણે કદાચ માણસ વધારે એકલો પડતો ગયો. તે ફ્યુઝ્ડ રહેવાને બદલે ક્ન્ફ્યુઝ્ડ વધારે રહેવા લાગ્યો. ન તેને એકલા ગમતું કે ન તો ટોળામાં તેને ફાવતું. એમાં હિન્દી ફિલ્મનો એક ડાયલોગ – મુઝે અકેલા છોડ દો – તેને હોઠે રહેતો. તેમાં જો પ્રેમમાં નિષ્ફળ જતો કે કોઈ પ્રેમમાં ન પડતું તો – ઇતના અકેલા હૂં કિ ક્યા બતાઉં – જેવો સંવાદ બોલતો રહેતો. એની એટલી અસર પડતી કે મને ‘અકેલા’માં ‘અ’ સાઇલંટ જણાતો. અંગ્રેજી શબ્દોમાં કેટલાક અક્ષરો સાઇલંટ હોય તેમ ગુજરાતીમાં પણ સગવડ પ્રમાણે કેટલાક અક્ષરો સાઇલંટ થઈ જાય છે. જેમ કે, ‘અમર’માં ‘અ’, ‘ચક્રમ’માં ‘ચ’, ‘પતંગ’ માં ‘પ’, ’મરણ’માં મ … સાઇલંટ છે. એ તો ઠીક છે, પણ મારી મૌલિક શોધ એવી પણ છે કે કેટલાક શબ્દની આગળ કોઈ અક્ષર કે શબ્દ આપોઆપ ઉમેરાઈ જઈને અર્થ કે ક્રિયા બદલી નાખે છે. જેમ કે ઘણાના ‘ગુણ’ની આગળ ‘અવ’ ઉમેરાઈને અર્થ બદલાય છે, તો ઘણાને ઘણી વાતમાં ‘સાર’ જ્ણાતા,‘અતિ’ ઉમેરાઈને ‘અતિસાર’નો ભોગ બનવાનું પણ આવે છે. ‘વડ’ વધતો અટકી જાય જો ‘ઘુ’ આગળ આવીને અંધારું કરી દે. નામ ‘લતા’ હોય ને ‘એક’ આગળ ધસી જાય તો ‘એકલતા’થી ઘેરાવાનું થાય જ છે.
હું ગંભીરપણે માનું છું કે માણસ એકલો રહી શકતો નથી. એમ તો ગધેડો પણ એકલો રહી નથી શકતો, કારણ કે એ ગધેડો છે, પણ માણસ નથી, એટલે પોતે ગધેડો નથી એ બતાવવા માણસ એકલો રહેવા મથે છે. એમાં વળી જ્યારથી મોબાઈલ, નેટ અને સોશિયલ મીડિયા જીવનમાં આવ્યાં છે, માણસને એકલા રહેવાનું જ ફાવવા લાગ્યું છે. હવે એકલતાની ફરિયાદ તે ઓછી જ કરે છે. નેટ, મોબાઈલ, સોશિયલ મીડિયા હાથવગાં થવાને કારણે તે દિવસો, મહિનાઓ સુધી એકલો રહી શકે છે. આજે કૈં ન કરવા છતાં માણસ બિઝી થઈ ગયો છે. ગમ્મત એ છે કે કામ કોઈને નથી, પણ બિઝી તો બધાં જ છે.
સાચું તો એ છે કે બીજાને દેખાડવા જેવી બહુ રહી નથી, એટલે આપણે દેખાડાની જિંદગી જીવી રહ્યાં છીએ. જાણે કરવાનું જ ખાસ કૈં રહ્યું નથી. બધાં પાસે સમય જ સમય છે, પણ નવરું કોઈ નથી. માથું અંદર ઘૂસતું નથી, નહિતર મોબાઇલની અંદર ઊંડે સુધી ડોકિયું કરવાનું ભાગ્યે જ કોઈ ચૂકે. નેટના આવવાથી બહારના લોકો અંદર આવી ગયા છે ને અંદરના લોકો બહાર થઈ ગયા છે. એક જ ઘરમાં બધાં જ પાસેપાસે બેસે છે, પણ એમની વચ્ચે વાતો નથી થતી. વાતો બહારવાળાઓ સાથે થાય છે. પાસેનાની અવગણના અને દૂરનાની બહુગણના એ આજની હકીકત છે. ઘરમાં બેઠે બેઠે જ સંબંધો એટલા વધી ગયા છે કે ઔપચારિક્તાઓ નિભાવવામાં જ સમય નીકળી જાય છે. એમાં હોય તો પણ સચ્ચાઈ નામની જ છે.
દાખલા તરીકે તમે ભર ઊંઘમાં છો ને ઓચિંતો મોબાઈલ વાગી પડે છે. ઊંઘમાં જ તમે પૂછો છો, ‘કોણ?’ અને મિત્ર ફાટે છે, ‘હેપી બર્થ ડે !’ તમે કૈં બોલો એ પહેલાં મિત્ર તો સૂઈ જાય છે, પણ તમારી ઊંઘ ઊડી જાય છે, એ વિચારે કે બર્થ ડે પણ બહારથી આવે છે ને પત્ની બાજુમાં છે, પણ એ તો વૈધવ્ય માણતી હોય તેમ નિરાંતે ઘોરે છે. સવાર થાય ત્યાં સુધીમાં તો ઘણાંની બર્થ ડે પણ આવી ધમકે છે ને દૂરનો મિત્ર કહે છે, ‘મને વિશ ના જ કર્યુંને !’ તમે છોભીલા પડીને કહો છો, ‘સોરી યાર, ભૂલી ગયો.’ પછી તો ન ઓળખતા હો તેવાઓને પણ તમે શુભેચ્છાઓના ગુલદસ્તા મોકલી આપો છો. તમને ખબર છે કે તમારી શુભેચ્છાઓથી કોઈ તણખલું ય તોડી શકે એમ નથી, પણ એમ જ વિશિશની ડિશિશ બધાં મોકલતાં રહે છે. એનાથી આંખો ભરાય છે, પણ પેટ ભરાતું નથી. ફુગ્ગામાં હવાનું હોય એટલું વજન પણ શુભેચ્છાઓનું હોતું નથી, પણ આપણે પરપોટા ફોડતાં જ રહીએ છીએ. એમાં સચ્ચાઈ હોય તો સલામ ભરવાની, પણ ન હોય તો લગામ કસવાની જરૂર જણાય છે એવું ખરું કે કેમ?
કેટલા બધા તહેવારો આપણી આસપાસ ઘુમરાતા જ રહે છે. માંડ પત્ની સાથે સમાધાન થયું હોય ત્યાં કોઈ મેસેજ ખડકે, ’હેપી હોળી !’ તો ફરી ધુમાડો જ થાય કે બીજું કૈં? ઘરમાં ધણી, ધાણીની જેમ ફૂટતો રહેતો હોય ત્યાં કોઈ ‘હેપી પ્રજાસત્તાક દિન’ કહે તો એ પ્રજાને સટ્ટાક સટ્ટાક દેવાનું મન થાય કે નહીં? ઘરમાં પાવર કટ હોય ને મેસેજ પર મેસેજ આવે, ’હેપી દિવાળી !’ તો વગર લાકડે જ હોળી થાય કે નહીં? ના, ના, મોબાઈલ ન હતો તો હોળી પહેલાં ને પછી પણ ઘરમાં ધુમાડો થતો જ હતો ને ! એમ તો બીજાની રોશનીથી પણ આપણે દીવા સળગાવતાં જ હતાને ! ને ‘હેપી ઉત્તરાયણ’ કોઈ નો’તું કહેતું તો ઠુમકા નો’તાં મારતા? ત્યારે શું હેપી નો’તાં? ને અત્યારે ‘હેપી, હેપી’ થાય છે તો ‘હેપી’ થઈ જવાય છે? કોઈ મને નેગેટિવ કહી શકે, પણ ગમે એટલો પોઝિટિવ માણસ પણ પોતે કોરોના પોઝિટિવ હોય તેવું ન જ ઈચ્છે, ખરું કે નહીં? કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે કોઈ કહેતું નથી ને આપણે ઔપચારિક્તાને રિલિજિયસલી ફોલો કરીએ છીએ. ગરબડ એમાં જ ક્યાંક છે !
સારું છે કે વર્ષ, હજાર દિવસનું નથી, નહિતર બીજા ઘણા દિવસો ઉજવણીના હજી ઉમેરાય. વેલેન્ટાઇન ડે-ની જેમ ટર્પેન્ટાઈન ડે ઉજવવાની કોઈ માંગ કરે તો ના ન પડાય ને ના પાડો તો તમને ગણે કોણ? ‘હેપી વિશ્વ ભાષા દિવસ’ કહેનારા ગુજરાતીઓ ‘ભાસા’ ને ‘ભૂસા’માં કોઈ ફરક ન કરે એમ બને. ગુજરાતીને અંગ્રેજી કરનારા, ‘વિશ્વ ભાષા’ને હેપી નહીં કરે તો રાષ્ટ્રભાષાને કરશે? ‘હેપી બાલ દિન’ ઉજવનાર સામે કોઈ ‘હેપી ટાલ દિન’ માટે સરઘસ કાઢે તો તેનું માથું ન પકડાય. આ ભીડમાં ક્યારે સવારની ચા પીવાઇ જાય તેની ય ખબર ના પડે ને પત્નીને બીજી ‘ચા’નું કહો તો તે ‘ચાહ’ કેટલી ખૂટે છે તેનું ધારદાર વક્તવ્ય આપે એની તૈયારી રાખવી પડે. એટલા બધા દિવસો ઉજવાય છે કે વર્ષ ટૂંકું પડે. ‘ફેશન ડે’, ‘સારી ડે’, ‘વર્લ્ડ હેલ્થ ડે’, ‘કોમનવેલ્થ ડે’ ‘હેરિટેજ ડે’ ‘ડાયાબિટીસ ડે’ … ને એવું તો કૈં કૈં ચાલે છે. જેને કારણે ડાયાબિટીસ કંટ્રોલ થાય છે તે કારેલાનો દિવસ કોઈ ઉજવવાનું શરૂ કરે તો નવાઈ નહીં ! પેરાસિટામોલ વગર તો મોલમાં જવાની તાકાત જ ના રહે. તો એનો દિવસ પણ હોયને ! કૂતરા આપણી રખેવાળી કરે છે ને વફાદાર તો છે જ, તો ‘કૂતરા દિવસ’ કેમ નહીં? ને ગધેડો આટલો બોજ ઉઠાવે છે તો ‘ગધ્ધા દિવસ’ પણ ઊજવી જ શકાયને ! કાગડાને કારણે તો મહેમાન આવે છે ને એ ન હોય તો આખું શ્રાદ્ધ પર્વ અનાથ થઈ જાય તો ‘કૌવા દિન’ પણ કા – કા – કરે તો ના કેમ પાડવી? ચાલો, રાજકારણ કોમન થઈ ગયું છે તો એ ન ઉજવાય તે સમજાય, પણ એને પગલે ‘તારાજકારણ’ ઉજવાય તો તેની તૈયારી રાખવી પડે. એવી જ રીતે ખાસડા ડે, ટેબ્લેટ ડે, બિસ્કિટ ડે, મંચૂરિયન ડે, પિત્ઝા ડે … વગેરે કેટલા બધા ડે, ડે એન્ડ નાઈટ ઊજવી શકાય. એ હિસાબે તો ડે ઉજવવામાં આપણો જ પનો ટૂંકો પડે છે એવું નહીં?
જો કે, ખાસડા ડે ન રાખવો. કારણ એ પહેરીને બહાર જવાનું તો લગભગ બંધ જ થઈ ગયું છે. હવે તો મોબાઇલમાં જ એટલું ફરવાનું થાય છે કે બહારનું જગત જોવાની જરૂર જ નથી પડતી. સાચું તો એ છે કે મોબાઈલે, મોબિલિટી જ ખતમ કરી નાખી છે.
000
e.mail : ravindra21111946@gmail.com