મંજૂર ના-મંજૂરની સંમિશ્ર અવસ્થામાં …
આમ તો ૪૫૦ પાનનું આ પુસ્તક પોતે જ એક નિવેદન છે. હું લખતાં, વાંચતાં ને વ્યાખ્યાનો કરતાં શીખ્યો તે કેવીક રીતોએ કરીને શીખ્યો, તેનું છે આ એક સમગ્રતાદર્શી નિવેદન. તે પછી એ ત્રણેય દિશાઓમાં એક સાહિત્યકાર રૂપે કેવોક વિકસ્યો ને વર્તમાનમાં ક્યાં જઈને પ્હૉંચ્યો છું, તેનું છે આ એક સમગ્રતાદર્શી નિવેદન.
આ નિવેદનાત્મક પુસ્તકને હું સાહિત્યકારજીવનું સાચકલું આત્મકથન પણ કહું છું. પુસ્તકમાં બધે હું જ બોલ્યો છે, મારે વિશે જ બોલ્યો છું, સચ્ચાઇથી બોલ્યો છું. આયુષ્યનાં ઘણાં વર્ષ હું સાહિત્યના અધ્યાપક રૂપે જીવ્યો છું. છતાં મને લાગ્યું છે કે હું સાહિત્યનો આજીવન વિદ્યાર્થી છું. એ રૂપે પણ બોલ્યો છું.
ગણીએ તો મારા સાહિત્યપુરુષાર્થની ઉમ્મર ૬૦ વર્ષની થાય. એ દરમ્યાન મને સમજાયું છે કે હું સરસ લખી શકવાની ક્ષમતા ધરાવું છું, પરન્તુ એમ પણ સમજાયું કે ગુજરાતી ભાષાની ક્ષમતા ઘણી છે. મને મારી સર્જકતામાં અખૂટ શ્રદ્ધા છે, પરન્તુ મને એમ પણ સમજાયું કે માનવીય સર્જકતા અનન્ત છે, એનો કોઈ છેડો કે પાર નથી.
આ મારી વિદ્યાયાત્રા છે. સાહિત્ય અને બધી જ કલાઓ તેના ઉચ્ચોચ્ચ અર્થમાં વિદ્યા છે. મને સાહિત્યવિદ્યા કેટલી આવડી તેનાં તોલમોલ સુજ્ઞો કરશે પણ મને પોતાને તો એમ લાગે જ છે કે કંઈક તો આવડી છે. ત્રણ વાતે ગમ પડી છે – સાહિત્યનું સ્વરૂપ શું છે – તેનું કાર્ય શું છે – તેની પદ્ધતિ શી છે. એ ભૂમિકાએ મને ટૂંકીવાર્તાનાં સ્વરૂપ, કાર્ય અને પદ્ધતિમાં ખાસ્સી ગમ પડી છે. મેં કાવ્યો, નવલકથાઓ અને નિબન્ધો લખ્યાં છે પણ મૂળે હું વાર્તાનો માણસ છું. ટૂંકીવાર્તાને આપણા સમયનું અતિ ઉપકારક અને કારગત સાહિત્યસાધન સમજું છું અને એ દિશામાં શક્ય એટલાં અ-પૂર્વ સર્જનો કરવાની મનીષા સેવું છું …
ખરા સાહિત્યના જાણતલ તરીકે વિવેચન મને જરૂર ગમે છે, પરન્તુ કૃતિની વસ્તુલક્ષી પરીક્ષા અને સમીક્ષાનું મારે મન ભારે મૂલ્ય છે. પ્રત્યક્ષ વિવેચનમાં મેં ૧૦ પુસ્તકો ભરીને કામ કર્યું છે. કેમ કે મારી સ્પષ્ટ માન્યતા છે કે વિવેચનમાત્રનો શુભારમ્ભ પ્રત્યક્ષ સમીક્ષાથી થાય છે. સમીક્ષા જ સર્જકતાને પ્રકાશિત કરી શકે અને ભાવકતાને કેળવી શકે. સમીક્ષાથી જ સાહિત્યિક સંદર્ભો રાજકારણમુક્ત અને સ્વાયત્ત રહી શકે. અધ્યાપન પણ સમીક્ષારસે શોભે. તેમ છતાં વિવેચક સંજ્ઞાના ઉત્તમોત્તમ અર્થમાં હું વિવેચક નથી. મને ડર રહ્યો છે કે વિવેચન મને સાહિત્યસર્વજ્ઞ બનાવી દેશે – સાહિત્યકલા બાબતે બધું જ જાણનારો, મહા જ્ઞાની – એથી મારામાં અહંકાર જાગશે, ન્યાયાધીશ બનીને છકી જઇશ. તો એવા પરિણામે લઈ જનારું વિવેચન મને મંજૂર નથી.
Pic courtesy : WallpaperSafari
ખરા વિવેચનના જાણતલ તરીકે સાહિત્યના સિદ્ધાન્તો, શાસ્ત્રો, ભરત મુનિથી માંડીને જગન્નાથ સુધીનાં, પ્લેટોથી માંડીને એલિયટ અને રોલાં બાર્થ સુધીનાં, મને જરૂર ગમે છે. મેં પોતે સાહિત્યસિદ્ધાન્તને સમજવા-સમજાવવાની મૌલિક કોશિશ કરી છે -આ પુસ્તકનાં ૪ પરિશિષ્ટ એનો પુરાવો છે. તેમ છતાં, સિદ્ધાન્તો જો માણસની સર્જન / લેખનને માટેની સહજ વૃત્તિને કચડી નાખે તો સંભવ છે કે ઘાતક પુરવાર થવાના – ભલે ને એ ગમે તેટલા સુ-ચિન્તિત, જ્ઞાનવર્ધક અને સ-રસ કેમ નથી. સાહિત્યસિદ્ધાન્તોનું એવું પરિણામ મને મંજૂર નથી. તેમ છતાં સાહિત્યના સર્જકો / લેખકો અને અધ્યાપકો સિદ્ધાન્ત કે શાસ્ત્રને જાણવા જ ન માગે, બેતમા થઈ જાય, ઉદાસીન, તો તે પણ મને મંજૂર નથી.
આમ, અધ્યાપન સર્જન વિવેચન શાસ્ત્ર વગેરે મારા બધા જ સંદર્ભોમાં હું મને, મંજૂર ના-મંજૂરની સંમિશ્ર અવસ્થામાં નીરખી રહ્યો છું. બ્લૅક ઍન્ડ વ્હાઇટ-માંથી ખસીને ગ્રે-માં જઈ ઊભો છું. એવી ન-નિર્ણાયાત્મકતા એક અર્થમાં સારી છે કેમ કે એ મને ચીંધે છે કે છેલ્લા નિર્ણય માટે મારે અટકી જવાનું નથી, હજી ચાલતા રહેવાનું છે, થાકું નહીં ત્યાં લગી ચાલતા રહેવાનું છે. પણ થાકીશ? ક્યારે? સ્વજનોને અને મિત્રોને કહેતો આવ્યો છું કે મને તમે છેલ્લી ઘડી લગી લખતો જોશો. લાગે છે કે એમ ભલે મજાકમાં કહેવાયું હતું, પણ હવે એ જ સાચું પડવાનું છે.
યાત્રા શબ્દનો અર્થ તો કોણ નથી જાણતું? કોઇ કાળે યાત્રા-ની આગળ મહા લાગી ગયો એટલે મહાયાત્રા મળ્યો. પણ મહાયાત્રા એટલે તો મરણ ! બધી જ શક્યતાઓનો અન્ત. પરન્તુ મારે મન વિદ્યાની યાત્રા મરણને હંફાવનારું બળવાન જીવન છે. એ અનન્ત શક્યતાઓની યાત્રા છે. એ એટલું જ કહે છે કે ચાલતા રહેવું, વિદ્યા દ્વારા વિદ્યા માટે, આગળ ને આગળ, બસ ચાલતા રહેવું …
હું ચાલતો છું હજી …
આ દળદાર આત્મકથનાત્મક પુસ્તકને પ્રકાશિત કરવાનો બાબુભાઇએ રસ દાખવ્યો એ મોટી વાત છે. એ માટે હું એમનો આભારી છું એમ કહું તો એ શબ્દો ઓછા પડે છે …
માર્ચ ૨૮, ૨૦૨૨, અમદાવાદ
= = =
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર