પ્રાદ્યાપક મધુસૂદન કાપડિયાને મન પ્રદ્યુમ્ન તન્ના ‘અનગળ અચરજનો કવિ’ છે, અને તેથી સ્વાભાવિપણે ‘એકત્ર’ના પોર્ટલમાં એ લખે છે :
“પ્રદ્યુમ્નનો એક કાવ્યસંગ્રહ ‘છોળ’, પણ એકે હજારાં. પ્રદ્યુમ્ન સર્વાંશે ઊર્મિકવિ છે. એણે માત્ર ગીતો જ લખ્યાં છે. સમ ખાવા છએક છાંદસ-અછાંદસ કૃતિઓ એની પાસેથી મળી છે. પ્રદ્યુમ્નની કવિતાનો પ્રદેશ છે પ્રકૃતિ, પ્રણય, ગ્રામજીવન, વનવગડો અને વ્રજ. પ્રકૃતિસૌન્દર્ય તો અહીં મહોરી ઊઠ્યું છે. પ્રદ્યુમ્નના જ કાવ્યાત્મક શબ્દોમાં : ‘આ સૂરજ, ચાંદો ને અગણિત તારા. આ તેજ-છાયાની આવજા અને રંગ-સુગંધ-રસની છાકમછોળ. પોણી પૃથ્વી આવરતાં ને ભીતર વડવાનળ ભરી બેઠાં આ જીવતાં-જાગતાં જળ … આ ગગનચુંબી હિમશિખરો, ઊંડાં કરાડ-કોતરો ને ધીખતાં રણ. આ તળાવ-સરોવરો ને કોટિ કોટિ સરિત સરવાણીઓ થકી સિંચાતી અને ફૂલે-ફળે અને ધાને છલકાતી ધરા. આ ગાઢ અરણ્યો ને પણે સીમ, ખેતર અને પાદરે કોળતી વનરાજિ … આ સ્ફુરતા સૂડા-કુવેલ ને પણે ગ્હેંકતા મોર. આ ભાંભરતી ધેનુ ને પણે હણહણતા અશ્વ. આ ગુંજરતાં મધપૂડા ને પણે ઊભરાતાં કીડિયારાં …’”
•••
આવા ભાતીગળ કવિ, ચિત્રકાર, ફોટોગ્રાફર પ્રદ્યુમ્ન તન્નાને, ગઈ સદીના છઠ્ઠા દાયકામાં મુંબઈમાં, ભારતીય વિદ્યા ભવનના કોઈક કવિતાલક્ષી અવસરે, જોયા સાંભળ્યા હોય તેમ આછેરું સાંભળે છે.
એ તો મારો પ્રભાવક વિદ્યાર્થી કાળ. અને છતાં આ જણ સાથે ન થયું ઝાઝું આદાનપ્રદાન; અને સ્વાભાવિકપણે સંપર્ક, સંસર્ગનો તો સવાલ નહોતો.
એ મેળાપ થયો દાયકાઓ કેડે અહીં યુરોપમાં.
પ્રદ્યુમ્નભાઈ રોઝાલ્બાબહેન અને પરિવાર સંગે વસે ઈટલીના નયનરમ્ય નગર કૉમોમાં. એમને પ્રવાસનો શોખ. સરસ ચિત્રકાર. ફોટોગ્રાફીનો અવ્વલ કસબ હાથવગો. પતિ-પત્ની બને મજાના કળાકારો. એટલે દેશપરદેશે જોડાજોડ જ હોય. વિલાયત આવ્યાં હોય, અમેરિકે ગયાં હોય; ભારત પણ હર્યાંફર્યાં હોય. યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકાના ફિલાડેલ્ફિયા શહેરના વસવાટી તેમ જ “ગુર્જરી ડાયજેસ્ટ” સામિયકના તંત્રી-સંપાદક કિશોરભાઈ દેસાઈ મારા મિત્ર. અને એમના જ સૌજન્યે આ દંપતી જોડે ઘનિષ્ટતાનો તંતુ બંધાયો. અને પછી તે ઘટ્ટ બનતો ગયો.
પ્રદ્યુમ્નભાઈ આ મુલકે ઘણી વાર આવ્યા હશે; પરંતુ છેલ્લા ત્રણેક વારના પ્રવાસમાં એમનો સંપર્ક વધ્યો, અમે નજીક આવ્યા.
સન 2000માં બેડફર્ડશરના મુખ્ય શહેર બેડફર્ડ ખાતે ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની છઠ્ઠી ભાષા-સાહિત્ય પરિષદ મળતી હતી. લૉર્ડ મેઘનાદ દેસાઈ વરાયેલા અધ્યક્ષ હતા. ગુણવંતરાય આચાર્યની શતાબ્દીને ધ્યાનમાં લઈને આ પરિષદસ્થળને ‘ગુણવંતરાય આચાર્ય નગર’ નામ અપાયું હતું. ભારતથી જાણીતાં માનીતાં સાહિત્યકારો ભોળાભાઈ પટેલ, જયન્ત મ. પંડ્યા, ઇલા આરબ મહેતા, વર્ષા અડાલજા તેમ જ મનહર મોદી અતિથિ તરીકે ઉપસ્થિત હતાં. ઇટલીથી રોઝાલ્બાબહેન અને પ્રદ્યુમ્નભાઈ તન્ના પણ સામેલ હતાં. અમેરિકાથી પુરુષોત્તમ મિસ્ત્રી પણ હતા.
આ પરિષદ ત્રણ દિવસ બેસવાની હતી. બીજા દિવસના રાત્રીકાર્યક્રમમાં ફોટોગ્રાફર પ્રદ્યુમ્નભાઈ તન્નાએ સ્લાઇડ શો દ્વારા કુદરતનાં જૂજવાં રૂપો, સાગરકાંઠાનાં દૃશ્યો અને કેમેરાનો કસબ દર્શાવ્યાં હતાં. ભોળાભાઈએ આ પ્રસંગે કવિ પ્રદ્યુમ્નભાઈના ‘પ્રસાર’ દ્વારા પ્રકાશિત કાવ્યસંગ્રહ ‘છોળ’નું જાહેર લોકાર્પણ કર્યું હતું.
અને પછી યોજાયો પાણીદાર મુશાયરાનો અવસર. દેશવિદેશનાં કવિશાયરો જોડાજોડ ઇટલીથી પધારેલા કવિ પ્રદ્યુમ્ન તન્ના ય મુશાયરામાં સરિક હતા.
વિદેશથી પધારેલાં અન્ય મહેમાનોની પેઠે તન્ના દંપતીએ પણ થોડુંક વધારે રોકાણ અહીં કરેલું. એમના યજમાન હતા જ્ઞાનદેવ શેઠ. વેમ્બલીના ઇલિંગ રોડ પરે જ એમનું રહેઠાણ. પરિણામે આ ઇલિંગ રોડ પરની લાઇબ્રેરીમાં, તેમ જ પડખેના સડબરી વિસ્તારની લાઇબ્રેરીમાં રોઝાલ્બાબહેન અને પ્રદ્યુમ્નભાઈનાં કળાકસબ વિશે જાહેર કાર્યક્રમોની ગોઠવણ થઈ હતી. અને એક સાંજે યજમાન શેઠ દંપતીએ તન્ના દંપતીને હળવામળા સારુ જાહેર મિલનનો અવસર ગોઠવી પણ કાઢેલો.
આજે કેટલાને સાંભરતો હશે “ઓપિનિયન” માંહેનો પ્રદ્યુમ્નભાઈનો એ પ્રતિસંવાદ ખડો કરતો લેખ ?− “‘ઈ તો સાંયડી રોપી છે, ભલા !’ : માતૃભાષાનું સ્વરૂપ, સૌષ્ઠવ અને સાતત્ય”. આ લેખનો ઉત્તરાર્ધ મહેન્દ્રભાઈ મેઘાણીને પસંદ આવ્યો હશે અને એમણે એમની કળા-કસબ-સૂઝે ‘અડધી સદીની વાચનયાત્રા ભાગ – 1’માં 21મે પાને તેને લીધો છે. અને પછી તો એ ચોમેરે ફરી વળ્યો છે.
પ્રદ્યુમ્નભાઈ લખતા હતા તેમ, આ માર્ચ 2000ના અંક પહેલાંના દસ-પંદર અંકોમાં ‘માતૃભાષાના વિવિધ પાસાંઓને સ્પર્શતાં, તજ્જ્ઞો, સાહિત્યકારો અને રસિક વાચકોનાં મંતવ્યો અને પ્રતિભાવો’ છપાતા હતા તેના પ્રતિસંવાદે આ લેખ આપણને મળ્યો છે.
આમ એમની હયાતી દરમિયાન, “ઓપિનિયન’માં એમના સરસ મજાનાં ગદ્ય લખાણો લેખરૂપે અને કાગળરૂપે આવ્યા કર્યા છે. ક્યારેક કોઈક તેનું સંપાદન કરે અને પુસ્તકાકારે પ્રગટ કરે તો એમની બળૂકી તળપદી ભાષાની મહેક સર્વત્ર પ્રસરતી અનુભવાશે, તેની ખાતરી.
કવિ પ્રદ્યુમ્ન તન્નાનાં કેટકેટલાં કાવ્યો, ઇટાલિયન કવિઓની કૃતિઓના કાવ્યમય અનુવાદો પણ અહીં “ઓપિનયન”ને પાને જડેલાં જોવાં મળે છે.
પ્રદ્યુમ્નભાઈએ 30 ઑગસ્ટ 2009ના વિદાય લીધી, તેના પહેલાના બે’ક અઠવાડિયા જેવો સમય હશે. એ સાજામાંદા રહેતા હતા. એમનો ફોન આવ્યો. કહે, મારી પાસે એમનું ગદ્ય લખાણ છે; ‘ઓપિનિયન’માં ય પ્રગટ થયું છે. તે સઘળું, ફોટોનકલ કરીને મારે સત્વરે ‘પ્રસાર’ને – જયન્તભાઈ મેઘાણીને – મોકલી આપવું. મોકલી અપાયું. એમની ઈચ્છા એને આધારે પુસ્તક પ્રગટ કરવાની હતી, તે દેખીતું સ્પષ્ટ હતું. … ખેર ! પરંતુ આજ લગી તેમ થઈ શક્યું નથી, તે એક નોખી વાત બને છે. આ લખાણોનું સંપાદન કરીને એક સોજ્જું પુસ્તક કરી શકાય તેવાં બળુકાં એ લખાણો છે.
પ્રદ્યુમ્નભાઈ તથા રોઝાલ્બાબહેનનાં અત્યન્ત આગ્રહે, એકદા, ભારત પ્રવાસે જતાં કૉમો જઈ ચડ્યો. મિલાનોથી કૉમો રેલગાડીથી પહોંચ્યો. સ્ટેશને પ્રદ્યુમ્નભાઈ તેડવા જાતે આવ્યા હતા. તોમ્માસો જરોસ્સી [Tomaso Grossi] વિસ્તારે આવેલાં એમના નિવાસસ્થાને મને હંકારી ગયા. ઈટલીની ઉત્તર સરહદે આલ્પસ ગિરિમાળા. આ પર્વતના ખીણપ્રદેશમાં નયનરમ્ય કૉમો સરોવર. અને તેને કાંઠે આપણું આ કૉમો નગર વસેલું છે. આ કૉમો સરોવરને કાંઠે, વળી, બેલાનો નામે ગામ. ત્યાં ઓગણીસમી સદીમાં તોમ્માસો જરોસ્સી નામે જાણીતા ઇટાલિયન કવિ જન્મેલા. આ વિખ્યાત કવિની સ્મૃતિમાં નામાંકરણ થયું છે તેવા કૉમો નગરના આ વિસ્તારમાં ગુજરાતીના એક અવ્વલ કવિનો આવાસ. પોરસાઈ જવાય તેવી હકીકત.
બે દિવસ રોકાયો હોઈશ. વળી સવારે પરવારીને કવિ-ફોટોગ્રાફર મને કૉમો નગર, કૉમો સરોવરની ઝલક માણવા પગપાળા લઈ ગયા. ખૂબ હેરવ્યો, ફેરવ્યો. સ્થાનિક ચીઝ અને બ્રેડની બનાવટોની ઝાંખી કરાવવાનું ય આ મુઠ્ઠી ઊંચેરા શહેરી ચૂક્યા નહોતા.
આશરે અડધી સદી જેવડો સમય તે ઈટલીમાં વસવાટ કરતા હતા અને છતાં, એમણે ઈટલીનું નાગરિકત્વ લીધું નહોતું. અંત લગી એમણે ભારતીય નાગરિકત્વ જાળવી રાખેલું, એવી એમની હિંદ માટેની ગૌરવભરી ચાહના. આને પરિણામે માંદગી ટાણે દવાદારૂનો જે લાભ નાગરિકને સાંપડે તે પણ એ ય તે જતો કરેલો ! આને કારણે આર્થિક મોંઘારતનું પલ્લું નીચે ઢળતું રહેલું. પરિવારને આની ચિંતા રહેતી; પણ પ્રદ્યુમ્નભાઈ પોતાના વિચારોમાંથી લગીર પણ પાછા ખસ્યા નહોતા.
•••
વારુ, આ લખાણને આરંભે, મિત્ર મધુસૂદન કાપડિયાનું એક અવતરણ ઉછીનું લીધું છે. મધુસૂદનભાઈની એ કલમ જાણે કે બે કાંઠે સભર સભર વહેણ શી નદીની જેમ વણથંભી વહ્યાં કરે છે. એમાંનું આ લખાણ આવર્યાં વિના ગમ નથી પડવાની; લો ત્યારે :
પ્રદ્યુમ્ન ચિત્રકાર છે તેની પ્રતીતિ તો એક જ કાવ્યમાં થઈ જશે :
અડકી ગઈ
નેણ અચિંતી રંગની છાકમછોળ!
આ એક જ કાવ્યમાં રંગરંગનો બહુરંગી ફુવારો ઊછળે છે. ભૂરાં આભ, સોનલવરણાં ખેત, રૂપેરી વ્હેણ, જાંબલી ડુંગરા, રાનસૂડાનું લીલું ઝૂમખું, ખડમોરની કાબરી ડોક, પીળચટી થોરવાડ, એમાં વળી જળે-થળે પોતાની આભા ફેલાવતી રાતીચોળ, હીરાગળ ચૂંદડી.
ઋતુઓમાં પ્રદ્યુમ્નને પ્રિય છે ઉનાળો. ‘તાપ’, ‘બપોરે’, ‘ધોમ’, ‘ભાદરવી બપોર’ વગેરે કાવ્યોમાં ઝળાંહળાં તડકાનાં તેજ અને ઝાંઝવાંનાં છલ નિરૂપાયાં છે. છતાં ઋતુકાવ્યોમાં સૌથી ઉત્તમ કૃતિ છે વર્ષાનું ગીત ‘ઘટા’ — ‘માથે ઝભુંબ ઝળુંબ લળુંબ ઝળુંબ સરતી સાવનઘટા’. પ્રણયકાવ્યોમાં ઊર્મિનો ઉદ્વેક હૃદયની તંત્રીઓને રણઝણાવે છે — ‘અરી ઝટપટ કોરા કેશ મહીં સઈ ચંદણ-કાંગસી ફેરવો / કંઈ કેટલે કાળ ફરીથી મનમાન્યાને હેરવો!’ પ્રણયકાવ્યની આત્મલક્ષિતા, બલકે અંગતતા આહ્લાદક છે:
રમતું’તું રાત્ય દંન જીભે જેનું નામ
ઈ જીવતો ને જાગતો જો આવી મળ્યો આમ
તો ઝબ્બ લીધો ઝાલી, હવે છોડે ઇ બીજાં
સઈ! અમી નહીં! અમી નહીં!
અને
‘કોણ કહે વ્રજ વિસરાયું વ્રજ વિલસે રે કણકણમાં!’
વ્રજનાં ગીતો પ્રિયકાન્તની યાદ આપે તેવાં ઉત્કૃષ્ટ કક્ષાનાં છે. મોરલીનાં ગીતો તો બેમિસાલ છે. કવિની કલ્પના આપણને વૈકુંઠ સુધી લઈ જાય છે:
તમીં પાછાં તે વાંસ થઈ વાધો હો વાંસળી! પાછાં તે વાંસ થઈ વાધો,
વાધી વાધીને ઠેઠ ઊંચે અંકાશ વસ્યા વૈકુંઠની ભાળ જઈ લાધો હો વાંસળી!
વ્રજગીતોમાં ‘જાવ જાવ જાદવજી જૂઠા!’ અમર રહેવા સર્જાયું છે.
પ્રદ્યુમ્નનાં ગીતોની પદાવલિ તળપદી ગ્રામજીવનની બોલી, તેના લહેકા, તેના સંવાદો, તેના લયમધુર રણકાની સમૃદ્ધિથી સભર છે. ક્યારેક તો જાણે લોકગીત જ જોઈ લો:
ભૂરી ડુંગર ઓળ્ય રે — ધ્રાંગડ! સૂડાં લીલાં લોલ્ય રે — ધ્રાંગડ!
ચાંચે રાતી ચોળ્ય રે — ધ્રાંગડ! ચૂગે ઊભાં મોલ્ય રે — ધ્રાંગડ!
ઉગમણાંની કોર્ય રે — ધ્રાંગડ! વાગતાં ઢમક ઢોલ્ય રે — ધ્રાંગડ!
•••
‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : 7’માં ડૉ. રમેશ ર. દવે, પોતાના અધિકરણમાં, લખે છે :
‘સૌરાષ્ટૃના ભાવનગર પાસેના અધેવાડા અને અઠવાડાના મૂળ વતની પણ ઓગણીસમી સદીના અંત ભાગે વ્યવસાય અર્થે ગુજરાત-મહારાષ્ટૃના સરહદી ગામ દહાણુમાં વસેલા પરિવારમાં જન્મ-ઉછેર પામેલા આ કવિને, નવલકથાકાર પિતા અરવિંદભાઈ અને પગવાજું વગાડતાં-વગાડતાં હાલરડાં, લોકગીતો, રંગભૂમિનાં ગીતો અને સમકાલીન સુખ્યાત કવિઓનાં ગીત ગાતાં માતાની છાયામાં સાહિત્યસંસ્કાર મળ્યા છે. સંગીતનો વ્યવસાય કરનારા નાના ભાઈ અનિરુદ્ધ તન્નાની સાથે યુવાન વયે કવિતા-સંગીતનો કરેલો સથવારો પણ એમને કાવ્યસર્જન સંદર્ભે, ખાસ કરીને લયસાધના અંગે ખપ લાગ્યો છે.’
ગુજરાતના છેક દક્ષિણ ભાગમાં આવેલા દહાણુમાં 07 જુલાઈ 1929ના જન્મ થયો. મધુસૂદનભાઈ કાપડિયા લખતા હતા, ‘૧૯૩૮માં તન્ના કુટુંબે મુંબઈને વતન બનાવ્યું. એ જ પ્રદ્યુમ્નનું પણ ભારતમાંનું થાનક. કારકિર્દીનો આરંભ મુંબઈનીકાપડની મીલોમાં ડીઝાઈન બનાવવાથી થયો હતો. અવનવી ડિઝાઈનોના સર્જનમાંથી ચિત્રકળા ખીલી. ચિત્રકળાના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ મેળવીને ઈટાલી ગયા. ત્યાં ચિત્રકળા ઉપરાંત ફોટોગ્રાફીની કળા પણ વિકસાવી. મુંબઈમાં અને અમદાવાદમાં કાવ્યસર્જન માટે પ્રદ્યુમ્નને ઉમદા વાતાવરણ મળ્યું. અનેક ઉત્તમ સમકાલીન કવિઓ અને કળાકારો સાથે માત્ર પરિચય નહીં પણ સ્નેહસંબંધ અને આત્મીયતા સુધ્ધાં સ્થપાઈ. રાજેન્દ્ર, નિરંજન, પ્રિયકાન્ત, હરીન્દ્ર, સુરેશ દલાલ, મકરંદ દવે, દિલીપ ઝવેરી જેવા કવિઓ; સુરેશ જોશી, જયંત પારેખ, રસિક શાહ, અને ‘કુમાર’ના તંત્રી બચુભાઈ રાવત જેવા વિદ્વાનો; ભૂપેન ખખ્ખર, જ્યોતિ ભટ્ટ અને ગુલામ મોહમ્મદ શેખ જેવા ચિત્રકારો, ગુલામ મોહમ્મદ તો કવિ પણ; વળી અજિત અને નિરૂપમા શેઠ જેવા સંગીતકારો/ગાયકો; સુનીલ કોઠારી જેવા નૃત્યવિશારદ — આ સૌનો અપાર સ્નેહ પ્રદ્યુમ્ને ઝીલ્યો. આ સૌની સાથે કાવ્યપઠન અને કાવ્યતત્ત્વની ચર્ચાવિચારણા વર્ષો સુધી ચાલી. આ પ્રેરક અને પોષક વાતાવરણમાં પ્રદ્યુમ્નની કાવ્યસર્જનની સરવાણી સમૃદ્ધ થઈ.’
•••
પ્રદ્યુમ્નભાઈએ ખુદ લખ્યું છે, ‘1965ના સપ્ટેમ્બર દરમિયાન હું અને રોઝાલ્બા નેપલ્સમાં પરણ્યાં. ઝાઝા અંતર અને ખર્ચની સમજી શકાય એવી બાધાને લઇ એકેય કુટુંબી એ ટાણે હાજર રહી શક્યું નહોતું. પત્નિ સંગ ભારત પાછા ફરતાં સંજોગવશાત્, ત્રણેક વર્ષો નીકળી ગયાં. પહેલી જ વાર ઘેર આવતી પરદેશી વહુને જોવા કુટુંબ આખુયભેળુ મળ્યું. રોઝાલ્બાને ત્યારે અંગ્રેજીઆવડતું નહોતું. આમ થતી રહેતી પૂછા હું એને ઇટાલીયનમાં કહી સંભળાવતો અને એણે દીધો ઉત્તર ગુજરાતીમાં. બાપુએ રમૂજમાં સવાલ કર્યો ‘દીકરી ! તારે ગામ કોઇ ન જડ્યો તે મારા દીકરાનો હાથ ઝાલ્યો?!’ સવાલને સમજતાની સાથે જ બાપુ સંગ આંખ પરોવતી એ બોલી, ‘બાપુજી ! ભાગ જાતું’તું મારે રસ્તે થઇ, ઓળખ્યું ને ઝબ્બ લીધું ઝાલી. હવે છોડે ઇ બીજા !’ સ્થળ-કાળ, દેશ-વિદેશ, રહેણી-કરણી, ધર્મ અને ભાષાની ભિન્નતાને સાંકળતા પ્રેમોદ્ ગાર થકી નીપજ્યું છે આ વ્રજ ગીત.’
અમીં નહીં !અમીં નહીં !
રમતું’તું રાત્ય દંન જીભે જિનું નામ
ઇ જીવતો ને જાગતો જો આવી મળ્યો આમ
તો ઝબ્બ લીધો ઝાલી, હવે છોડે ઇ બીજાં
સઇ ! અમીં નહીં ! અમીં નહીં !
જેટલું સુગાળવી નજર નિહાળી રિયાં
આવતાં ને જાતાં સહુ લોક
એટલું હસીને અમીં જૂઠી મરજાદનાં
ઓઢણ ઉતાર્યાં છડેચોક !
એ જી ઊભી બજાર બીચ વીંટ્યો કાળો કામળો
કે ઓર કો’ મલીર હવે ઓઢે ઇ બીજાં
સઇ ! અમીં નહીં ! અમીં નહીં !
ઘેર ઘેર થાય ભલે વાત્યું વગોવણીની
જીવને ના છોભ જરી થાતો,
જગના વે’વારથી વેગળો તે વ્હાલપનો
જોઇ બૂઝી બાંધ્યો છે નાતો !
એ જી ભવભવના ભાગ લીધાં આંકી લેલાડ
કે ચાંદલો ગમે તે હવે ચોડે ઇ બીજાં
સઇ ! અમીં નહીં ! અમીં નહીં !
૧૯૮૭
[‘છોળ’ પાનું 105]
હેરૉ; સપ્ટેમ્બર /ઑક્ટોબર 2022
E.mail : vipoolkalyani.opinion@btinternet.com
પ્રગટ : ‘ચિત્રકળા અને સાહિત્યના સંગમ પ્રદ્યુમ્ન તન્ના : સંપાદક – અભિજિત વ્યાસ : પહેલી આવૃત્તિ – 14/02/2024 : પૃ. 89 – 94