હેરૉ
02 ઑક્ટોબર 2023
પ્રાત:સ્મરણીય બાપુ,
સાદર પ્રણામ.
બાપુ, અબીહાલ માનવતાને હંફાવતો સવાલ પ્રદૂષણનો છે, આબોહવાના ફેરફારોના ય અનેકવિધ પડકારોનો છે. અને તેમ છતાં, તમે એ વિશે ઝાઝું કહ્યું જ નથી ! જો કે આ સમજાય છે. તમારા સમયમાં એ આવા આકરા તો નહોતા, નહીં ? તેમ છતાં તમને જરૂરી લાગ્યું ત્યારે અંગૂલિનિર્દેશન કર્યાં જ રાખ્યું છે. પરિસરની વિકૃતિઓનો પડકાર ઝીલવાનો આ સમય છે. જાણું છું, તમારા વખતમાં આવી હાલત નહોતી. ઘણી હળવાશ હતી. અને તેમ છતાં, તમે જ કહેલું ને, ‘The earth has enough resources for our need, but not for our greed’. (જરૂરતમંદોને સારુ આ પૃથ્વી પરે પૂરતી સાધનસામગ્રી છે, પરંતુ લોભને સારુ નથી.) ‘હિન્દ સ્વરાજ’માં, બાપુ, તમે કેટકેટલા ઈશારા કરી આપ્યા છે !
કાઓરી કુરીહારા જપાનથી ગુજરાત ભણવા આવેલાં અને ગૂજરાત વિદ્યાપીઠમાંથી એમણે ગાંધી વિચારમાં અનુપારંગતની પદવી હાંસલ કરેલી. નારાયણભાઈ દેસાઈના વ્યાખ્યાનોને શબ્દદેહ આપી ‘ગાંધીની શક્તિનું મૂળ એકાદશ વ્રત’ નામે મજેદાર પણ અગત્યનું પુસ્તક એમની કનેથી મેળવી શકાયું છે. તે ચોપડીના ઉપસંહારમાં નારાયણભાઈની રજૂઆત છે :
‘આજની અને આવતીકાલની દુનિયાના માણસ, પછી એ ગમે તે ખંડના હોય કે ગમે તે મુલકના, ગમે તે વર્ણના, ધર્મના કે સંપ્રદાયના, એમની સામે ત્રણ પ્રકારના પ્રશ્નો મોં વકાસીને ઊભા છે. એક માણસના પોતાની જાત સાથેના આ પ્રશ્નો. …..
‘ત્રીજા પ્રકારના પ્રશ્નો અંગે તો માણસ નજીકના ભૂતકાળમાં જ સભાન થયો છે. પણ કદાચ એ પ્રશ્નો આ [પેલા] બે કરતાં વધારે ખતરનાક છે. તે છે માણસ જાતના કુદરત સાથેના પ્રશ્નો. જે પ્રકૃતિનો માણસ અવિચ્છિન્ન અંગ છે તે પૃથ્વીને થોડા સૈકાઓથી એ પોતાના શોષણનું હાથવગું સાધન માનતો થઈ ગયો છે. જેને માતા સમજતો હતો તેનો એ ધણી થવા જાય છે. તેના રક્ષણના, પ્રદૂષણના ને મરણના પ્રશ્નો ઉત્પન્ન થયે જ જાય છે. ઝડપથી કપાતાં જંગલો, વેગે આગળ વધતાં રણો, અકરાંતિયા થઈને ખોદી કાઢાતાં ખનિજો, લગભગ તળિયે પહોંચવા આવેલી કેટલી ય જાતની પ્રાકૃતિક સંસાધન અને સંપત્તિ વગેરેને લીધે પૃથ્વી ઉપર, ભૂમિની નીચે અને પૃથ્વીની આસપાસના પર્યાવરણના નવા નવા પ્રશ્નો ડાચાં ફાડીને માણસ સામે ઊભા છે. જેના ઉપાયો જડ્યા નથી તેવી હોનારતો વધતી ને વધતી રહે છે એવી માણસની હરકતો નિરંતર ચાલુ જ છે.’
બાપુ, નારાયણભાઈના મત અનુસાર, આ પ્રશ્નના ઉકેલ સારુ માણસે સજ્જ થવું રહ્યું. પરંતુ, કેમ કરવું ? શું કરવું ? નારાયણભાઈ કહેતા હતા, તમારું જીવન આવી સજ્જતા પૂરી પાડવાના નમૂનારૂપ થઈ શકે. મુખ્યત્વે તમે દીધા એકાદશવ્રતો દ્વારા આવી સજ્જતા સાધી શકાય, એવી દલીલ એ કરતા હતા.
સત્યાગ્રહ, રચનાત્મક કાર્યક્રમ તથા એકાદશવ્રત તમારી સૌથી મોટી દેણ છે, તેમ નારાયણભાઈ દેસાઈ લખે છે. અને તેમાં અધીકાંશે તથ્ય છે.
નારાયણભાઈએ, બાપુ, ‘ગાંધીકથા ગીતો’ આપ્યાં છે, તેમાંનું ‘અગિયાર વ્રતોનું વિવરણ’ ગીતનો આ આદર સંભળાવું કે ?
પાયામાં પૂરે જે વ્રતનિષ્ઠા તેના મંદિરિયે સતની પ્રતિષ્ઠા
વ્રત આધારે એ ચડતી જાય, ષડ્રિપુ સાથે લડતો જાય.
નમ્રપણે ચિત્તને સંશોધે તીવ્રપણે નિજને ઉદ્દબોધે. ……… પાયામાં પૂરે.
પહેલું વ્રત છે સત્યનું પાલન
કરણી ને કથનીના ભેદોનું છેદન.
જેવું વિચારે તેવું ઊચરે, જેવું ઊચરે તેવું કરે તે.
મન, વાણી જેના કર્મ સમાન સત્ય-પૂજારી એને જ જાણ.
સત્ય શોધતાં લાધી અહિંસા, અન્યના સત્યની કર ન ઉપેક્ષા
સરજનકારી પ્રેમની શક્તિ, પથ્થર દિલ પિગળાવે એ શક્તિ
ના એ જાણે કદીયે પલાયન, કાયરતાનું કરતી ઉન્મૂલન
ક્રોધ ન કરતી, દ્વેષ ન કરતી, વેરભાવના ના સંઘરતી.
આ એકાદશવ્રતોમાં, બાપુ, તમે પ્રથમ સ્થાન સત્યને આપ્યું છે, અને બીજે સ્થાને અહિંસાને લીધી છે. મૂળ પાંચ વ્રતોનો વિચાર, બાપુ, તમારા જીવનમાં કેવી રીતે વિકસ્યો, ક્યાંથી શરૂ કરીને ક્યાં સુધી પહોંચ્યો એનો ઊંડાણે અભ્યાસ કરવો રહ્યો. નારાયણભાઈ કહે છે તેમ, બાપુ, ‘સત્યની શોધમાંથી નીપજેલું સૌથી પહેલું અને સૌથી અગત્યનું વ્રત, તમારી દૃષ્ટિએ, અહિંસા હતું. … સત્ય જોવામાં પોતાની મર્યાદાની સમજમાંથી અને બીજા પાસે સત્ય હોઈ શકે એવી શક્યતાની માન્યતામાંથી અહિંસાનો વિચાર જન્મ્યો છે.’
બાપુ, તમારા ખુદના જીવનમાંથી અહિંસાના બે પાયાગત પાઠ મળ્યા હોવાનું સમજાય છે. તમારી આત્મકથામાં આના ઉદાહરણો વાંચવા જડે છે : તમને બીડીની પડેલી ખોટને લીધે છેવટે ચોરી કરી હતી અને દેવું ચૂકવવા ભાઈનું સોનાનું કડું કપાવ્યું હતું. વળી, તમારી આત્મકથામાં ‘ધણીપણું’ નામે ચોથું પ્રકરણ છે. તેમાં બીજી ઘટનાની વાત છે. તમે જ ખુદ, બાપુ, લખ્યું છે : ‘એકપત્નીવ્રત પાળવું એ પતિનો ધર્મ છે એમ વાંચેલું, એ હૃદયમાં રમી રહ્યું. સત્યનો શોખ તો હતો જ. એટલે પત્નીને છેતરાય તો નહીં જ. એથીયે બીજી સ્ત્રી સાથે સંબંધ ન થાય એ પણ સમજાયું હતું. … … આ વિચારથી હું અદેખો ધણી બન્યો. ‘પાળવું જોઈએ’માંથી ‘પળાવવું જોઈએ’ એ ઉપર આવ્યો.’ તમે કસ્તૂરબાને આ વાત કહી. પરંતુ બા એવી કેદ સહન કરે એમ હતાં જ નહીં. ટૂંકમાં બાએ આ સૂચનાઓ અમાન્ય રાખી. બાપુ, તમે જ લખો છો કે તમને નવું સત્ય લાધ્યું. કોઈની અજુગતી આજ્ઞાનું પાલન શા માટે કરવું જોઈએ ! બાપુ, આગળ જતાં આમાંથી જ ‘નીપજ્યો સત્યાગ્રહમાં સવિનય કાયદાભંગનો સિદ્ધાન્ત. અન્યાયનો અસ્વીકાર અને પ્રતિકાર’.
આજે, બાપુ, જગતના ચોકમાં ‘હિંદ સ્વરાજ’ને ચરિતાર્થ કરવાનું વિચારાવાનું રહ્યું. આજે મૂડીવાદની પેદાશે અમારે ગ્રાહકવાદ અને બજારને સહેવા પડે છે. ‘હિંદ સ્વરાજ’ : એક અધ્યયન’ નામે ખાસું અગત્યનું પુસ્તક આપનાર જાણીતા વિચારક, લેખક અને સર્વોદયી આગેવાન કાન્તિભાઈ શાહના મતે આ વિપરીત પરિસ્થિતિને બુલંદ પડકાર તમારી આ ચોપડીમાં જ છે. તમે, બાપુ, ‘સ્વરાજ’ની વ્યાખ્યા કરેલી : મનુષ્યનું પોતાની ઉપર પોતાનું રાજ. આપણે આપણી જાત ઉપર રાજ ભોગવીએ, એ જ સ્વરાજ. કેમ કે તમે કહેતા હતા તેમ, ‘ભોગવાદ તો માણસને ગુલામ બનાવશે અને ઘણી અદૃશ્ય કેદોમાં માણસને જકડી લેશે.’ એરિક ફ્રોમ, બર્ટૃાન્ડ રસેલ, ઍલ્વિન ટૉફલર, તોલ્સતોય, જ્હોન રસ્કિન, વગેરે સરીખા વિચારકોએ આપણને જાગૃત કર્યા છે; જાગૃત જો થઈ શકીએ તો.
હકીકતે તો બાપુ, જાગતિક સ્તરે જોઈએ તો આ ભોગવાદથી આજે માણસ પીડાતો રહ્યો છે. સન 1945 વેળા જવાહરલાલ નેહરુને ઉદ્દેશીને લખાયેલા એક પત્રમાં તમે જ કહેતા હતા :
‘1909માં ‘હિન્દ સ્વરાજ’માં જે કાંઈ લખ્યું, તેની સત્યતાની પુષ્ટિ મારા અનુભવોથી થઈ છે. તેમાં આસ્થા ધરાવનારો કેવળ હું એક માત્ર જ બાકી રહું, તોયે મને તેનો અફસોસ નહીં થાય. સત્યને હું જેમ જોઉં છું, તે મારા માટે એનું પ્રમાણ છે.
‘આખી દુનિયા તેનાથી વિપરીત દિશામાં જઈ રહી હોય એમ લાગે છે. મને તેનો ભય નથી. કેમ કે પતંગિયો જ્યારે એનો અંત નજીક આવી રહ્યો હોય, ત્યારે દીવાની ચારે તરફ વધુ ને વધુ ચક્કર ચક્કર ઘૂમવા લાગે છે. સંભવ છે, પતંગિયા જેવી આ હાલતમાંથી ભારતને આપણે ઊગારી ન શકીએ. તેમ છતાં ભારત અને તેની મારફત આખાયે વિશ્વને આ નિયતિમાંથી બચાવવાની છેલ્લા શ્વાસ સુધી કોશિશ કર્યે રાખવી એ મારો ધર્મ છે.’
વારુ, બાપુ, આજના અવ્વલ વિચારક પ્રકાશભાઈ ન. શાહ, હાલે, લખતા હતા : ‘વાત એમ છે કે, આજકાલ વોટ્સએપ યુનિવર્સિટીના કૃપાકટાક્ષથી ગાંધીજીવન અને ગાંધીવિચાર વિશે જે બધું અનાપશનાપ ફેક્ટરી એક્ટની તમા વગર બાગે બહાર માલૂમ પડે છે એની સામે ગાંધીને એમના સમયમાં સમજી એમના ચિરકાલીન અર્પણ પરત્વે દેશજનતાને સભાન ને સહૃદય બનાવવાના ઉજમનું ચોક્કસ મહત્ત્વ છે. એમાં ચાલુ કથાનકમાં સુધારની તેમ એ સુધારા ઓછા પડતા જણાય તે સંજોગોમાં નવીન કથાનકની સંભાવના રહેલી છે.’
બીજી પાસ, સૂરતના જાણીતા સાહિત્યકાર – પત્રકાર રવીન્દ્ર પારેખના તાજાતર એક લેખમાંથી નજીવા ફેરફાર સાથે આટલું ઉદ્ધૃત કરીએ :
પ્રિયકાંત મણિયારનું એક કાવ્ય છે :-
એકદમ જ્યાં સાવ નાના ભાઈએ પૂછ્યું,
‘તમે ગાંધીજીને જોયા હતા?’
ત્યાં હું અચિંતો ને સહજ બોલી ગયો કે ‘હા’,
અને એ ઓશિયાળી આંખથી જોઈ રહ્યો મુજને
અને બબડી ગયો –
‘ત્યારે અમે તો હીંચતા’તા ઘોડિયામાં
પેન-પાટી લૈ હજુ તો એકડાને ઘૂંટતા’તા રે અમે !’
હું હવે કોને કહું કે ‘ના તમે,
એ તો અમે !’
કાવ્યમાં મોટાભાઈએ તમને જોયા હોવાનું કહ્યું, તો નાનો ભાઈ એમને જોવાનું ચૂકી ગયો એ વાતે ઓશિયાળાપણું અનુભવતા કહે છે કે અમે તો ત્યારે એકડો ઘૂંટતા હતા, તો મોટાભાઈ કહે છે કે તમે જ નહીં, અમે ય એકડો જ ઘૂંટતા હતા ! મતલબ કે તમને જોવાનું નસીબ તો ઘણાંને મળ્યું હતું, પણ તમને બધાં સમજ્યા જ હતાં એવું ન હતું. એ બધાં ઉંમરે મોટાં હતાં એટલું જ, બાકી, બાપુ, તમને સમજવામાં તો એ પણ એકડો જ ઘૂંટતા હતા. આજે પણ તમે બધાંને સમજાઈ જ ગયાં છે એવું નથી, તે એટલે પણ કે સત્યનો મહિમા ઘટતો આવે છે ને હિંસાની કોઈને હવે છોછ રહી નથી, જ્યારે તમારે મન તો સત્ય જ ઈશ્વર છે ને નૈતિક કારણોસર પણ તમે હિંસાને સ્વીકારી નથી. એ સ્થિતિમાં અમને સમજાઈ જવાનું સહેલું નથી, એટલે એકડો ઘૂંટનારા પણ હવે તો તમારો એકડો કાઢવાની પેરવીમાં છે. પોતાની લીટી મોટી થાય એમ નથી, એટલે તમારી લીટી નાની કરીને ઘણાં વ્હેંતિયાઓ વિરાટ થવા મથે છે.
વિરામ લઉં તે પહેલાં, એક અગત્યના મુદ્દે નિર્દેશ કરવાની રજા લઉં છું. વિવિધ સ્તરોનાં નાનાંમોટાં કામો અંગે તમારું ‘તાવીજ’, બાપુ, યાદ રાખવા જેવું છે. તેમ કરવાથી કોઈ પરાયા નહીં હોય, સૌ કોઈ પોતીકા હશે. તળ ગુજરાતે તેમ જ બૃહદ્દ ગુજરાતે પણ. તેમ જ સમગ્ર જગતે પણ. ખરું ને ?
બાપુ, સન 1948માં તમે એક પત્રમાં લખેલું,
“તમે જે ગરીબમાં ગરીબ અને લાચારમાં લાચાર મનુષ્ય જોયો હોય તેનો ચહેરો યાદ કરીને તમારી જાતને પૂછો કે તમે જે પગલું ભરવાનું વિચારો છો તે આ મનુષ્ય માટે કોઈ કામનું છે ? આનાથી એને કોઈ લાભ થશે ? આનાથી એ પોતાના જીવન અને ભાગ્ય પર કાબૂ મેળવી શકશે ? આનાથી આપણા દેશના કરોડો ભૂખ્યા પેટ અને ક્ષુબ્ધ આત્માવાળા લોકોને સ્વરાજ્ય મળશે ?
“ત્યારે તમે જોશો કે તમારી શંકાઓ અને અહમ્ ગાયબ થઈ રહ્યાં હશે.”
આમ જનતાની, ગરીબાઈની વાત, બાપુ, તમે અહીં નથી છેડતા; વિસ્તારે વિસ્તારે, કસબે કસબે, ગામે ગામે જ શા માટે, ખંડે ખંડે ય વિસ્તરેલી આપણી જમાતની વાત કરતા હો તેમ વર્તાય છે. તે દરેક પરાયી નહીં રહેવી જોઈએ. આ ‘તાવીજ’ આપણા દાયરામાં કેન્દ્રસ્થાને રહેવું જ રહ્યું. અને વળી, તેને સારુ, 01 જૂન 1921ના ‘યંગ ઇન્ડિયા’માં લખતાં તમે કહેલું તે આપણો ધ્યેયમંત્ર બની રહેજો : ‘મારું ઘર બધી બાજુએ ઊભી દીવાલોથી ઢંકાયેલું રહે અને એની બારીઓ અને બાકોરાં બંધ કરી દેવામાં આવે એ હું નથી ઇચ્છતો. મારા ઘરની આસપાસ દેશ દેશાવરની સંસ્કૃતિનો પવન સુસવાતો રહે એમ જ હું ઇચ્છું છું, પણ તે પવનથી મારી ધરતી ઉપરથી મારા પગ ફગી જાય અને હું ઊથલી પડું એ હું નથી ઇચ્છતો.’
બાપુ, આ પત્ર ખૂબ લં-બા-ઈ ગયો. તમારો ઝાઝેરો સમય લેવા સારુ મને ક્ષમા આપજો.
લિ. વિપુલ કલ્યાણીનાં સાદર પ્રણામ.
પાનબીડું :
ગાંધીયુગ આવ્યો અને ગયો એમ ભલે તમે કહો,
હું તો કહું છું કે ગાંધીયુગ આવશે.
− ઉમાશંકર જોશી
[1,540 શબ્દો]
E.mail : vipoolkalyani.opinion@btinternet.com
પ્રગટ : “પ્રબુદ્ધ જીવન”, ગુજરાતી અંગ્રેજી વર્ષ 11 [કુલ વર્ષ 95] : અંક – 07 : ઑક્ટોબર 2023; પૃ. 06-08